રાયચુરા, ગોકુળદાસ દ્વારકાદાસ (જ. 1890, બાલાગામ, તા. કેશોદ, જિ. જૂનાગઢ; અ. 1951) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના અભ્યાસી અને સંપાદક. જ્ઞાતિએ લુહાણા. વતન ચોરવાડ. એમના પિતાશ્રી વાર્તાકાર હતા. એમનાં માતુશ્રીનો કંઠ મધુર હતો, તે બંનેનો પ્રભાવ એમના પર હતો. પિતાના વાર્તાલેખનનો શોખ એમનામાં પૂરો ઊતર્યો હતો. એમને સાહિત્યવાચનનો પણ ખૂબ શોખ હતો. તે એમના મુંબઈના વસવાટને કારણે સારી રીતે પોષાયેલો. એમનો ધંધો શૅરબજારનો, પણ સાહિત્યના આકર્ષણને કારણે લીધેલી પ્રતિજ્ઞા મુજબ 32 વર્ષની યુવાનવયે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ જનસેવા અને સાહિત્યસેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. 1924માં ભાવનગરમાં સાહિત્ય પરિષદ મળી ત્યારથી એમણે ‘શારદા’ નામે માસિકની શરૂઆત કરી હતી; જેમાં ચિત્રોને પણ મહત્ત્વનું સ્થાન અપાતું. લોકવાર્તા અને લોકગીતો માટે ગોકુળદાસ પૂરતો શ્રમ લેતા, તેથી તે વખતનું તે લોકપ્રિય સામયિક બન્યું હતું. એમણે ‘કવિરસિકચતુર’, ‘રસિકચતુર’, ‘દાલચીવડા’, ‘દોલિયા દવે’, ‘ચંડુલ’ આદિ તખલ્લુસોથી લેખનકાર્ય કર્યું હતું.
‘રાસમંદિર’ (1915, બી. આ. 1918) અને ‘નવગીત’ (1921) એમના કાવ્યસંગ્રહો છે. મુખ્યત્વે ગીતકવિ તરીકે સ્થાન પામેલાં એમનાં કાવ્યોમાં દલપતરામની બોધાત્મક શૈલી પ્રતીત થાય છે. ‘રાસમંદિર’માં ગરબા પ્રકારનાં ગીતો છે અને વિષય નૈતિક બોધનો રહ્યો છે. ‘નવગીત’માં રાષ્ટ્રીય ચળવળને લગતાં ગીતો છે. ‘રસિયાંના રાસ’ (1929) સૌરાષ્ટ્રનાં લોકગીતોનું સંપાદન છે. એમાં મેઘાણી- (1896-1947)માં ન આવેલી કેટલીક કૃતિઓ પણ છે.
એમણે મોટેભાગે ઐતિહાસિક નવલકથાઓ લખી છે. ‘મહીપાલ દેવ’ (1932), ‘નગાધિરાજ’ (1936), ‘કુલદીપક’ (1938), ‘સોમનાથની સખાતે’ (1938), ‘સોરઠપતિ’ (1939) એ સર્વે તથા ‘ગ્રહરાજ’ અને ‘સોરઠરાણી’ આદિ નવલકથાઓમાં એમણે સોરઠના ચૂડાસમાઓની ઇતિહાસગાથાને અમર કરી છે. આ નવલકથાઓમાં એમણે ઇતિહાસ અને લોકકથાઓનો આધાર લીધો છે. એમની નવલકથાઓ રસાળ અને રોચક નીવડી છે. એમાંથી કેટલીક નવલકથાઓનું 1960માં પુનર્મુદ્રણ થયું છે. ‘સ્નેહપૂર્ણા’ (1928) અને ‘પ્રેમલીલા’ (1931) એમની સરળ ભાષામાં લખાયેલી સામાજિક નવલકથાઓ છે. ‘સ્નેહપૂર્ણા’ ગુજરાત અને કાઠિયાવાડની સ્ત્રીઓની ઉન્નતિની નેમથી લખાયેલી છે અને એમાં કુટુંબજીવનનાં હૂબહૂ ચિત્રો નિરૂપાયાં છે. ‘ઇસરદાન’ ઇસરદાસ ચારણના જીવન પર આધારિત સંવાદસભર નવલકથા છે.
એમના કેટલાક વાર્તાસંગ્રહોમાં મોટેભાગે મૌખિક લોકવાર્તાઓને શબ્દ કરવાનો પ્રયાસ છે. ‘કાઠિયાવાડની લોકવાર્તાઓ’ (1925), ‘સોરઠી વીરાંગનાની વાર્તાઓ’ (1928), ‘રાયચુરાની રસીલી વાર્તાઓ’ (1925) જેવા સંગ્રહોમાં મેર, આહીર આદિ સોરઠી જાતિઓના ઉમદા ગુણોને દર્શાવતી વાર્તાઓમાં લોકજીવનને ગૂંથ્યું છે. ‘વ્યાસજીની વાર્તાઓ’ (1928) અને ‘દાલચીવડાની દસ વાર્તાઓ’(1929)માં સામાજિક પ્રસંગો દ્વારા હાસ્યરસપ્રધાન નિરૂપણ છે. ‘ગાંધીયુગની વાર્તાઓ’(1931)માં ગાંધીજીના જીવન અને કાર્યનો ભારતીય જીવન પર પડેલા પ્રભાવને પ્રગટાવ્યો છે. ‘સબળ ભૂમિ ગુજરાત’(1948)માં રબારી, કાઠી જેવી ખડતલ જાતિઓનો પરિચય સ્વાનુભવ દ્વારા દર્શાવ્યો છે અને કેટલીક પ્રસંગકથાઓ પણ આપી છે. તેમણે ‘દાલચીવડાનો દાયરો’ (1932) જેવી હાસ્યરસિક કૃતિ પણ આપી છે. મેરુભા ગઢવી સાથે એમણે ‘સોરઠી દુહાની રમઝટ’ (1966) નામે સામસામે બોલાતા દુહાનું સંપાદન કર્યું છે. એમને દુહા લલકારતા સાંભળવા એ એક લહાવો લેખાતો હતો ! કનૈયાલાલ મુનશી (1887-1971) સ્થાપિત સાહિત્ય સંસદના તેઓ સક્રિય સભ્ય હતા અને ‘ગુજરાત’ સામયિકમાં એમની ઘણી કૃતિઓ પ્રગટ થઈ હતી.
મનોજ દરુ