રાયચુર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે રાજ્યના ઈશાન ભાગમાં 15° 10´ થી 16° 34´ ઉ. અ. 75° 47´ થી 77° 36´ પૂ. રે. વચ્ચેનો આશરે 14,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં જોતાં રાજ્યમાં તે ત્રીજા ક્રમે આવે છે. તેના પૂર્વ ભાગની ત્રણ બાજુઓ પર આંધ્રપ્રદેશની સીમા આવેલી છે. વાયવ્યમાં બીજાપુર, ઉત્તરમાં ગુલબર્ગ, અગ્નિમાં અને દક્ષિણ તરફ બેલારી, તથા પશ્ચિમમાં ધારવાડ જિલ્લા આવેલા છે. ઉત્તર અને દક્ષિણ તરફ કૃષ્ણા અને તુંગભદ્રા નદીઓ જિલ્લાની કુદરતી ભૌગોલિક સરહદો રચે છે. આ પ્રકારના ભૌગોલિક સંદર્ભમાં જિલ્લાનો મોટો ભાગ રાયચુર દોઆબ તરીકે જાણીતો બનેલો છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ ભૌગોલિક રીતે બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે. પશ્ચિમ વિભાગ સમતળ મેદાની વિસ્તાર છે. મોટેભાગે તે ઉજ્જડ છે, પરંતુ ક્યાંક ક્યાંક છૂટીછવાઈ વનસ્પતિ જોવા મળે છે. પૂર્વ વિભાગ અસમતળ છે. તેમાં અહીંતહીં છૂટીછવાઈ ટેકરીઓ તેમજ ઝાંખરાંવાળાં જંગલો આવેલાં છે. પશ્ચિમ વિભાગમાં કાંપની કાળી જમીનો છે તો પૂર્વ વિભાગમાં રાતી જમીનો છે. ટેકરીઓની હારમાળાઓ આ જિલ્લામાં ભેગી થાય છે તે મોટેભાગે ગ્રૅનાઇટ ખડકોથી બનેલી છે, પરંતુ વનસ્પતિની દૃષ્ટિએ વેરાન છે. બદામી ટેકરીઓની એક હારમાળા જિલ્લાના વાયવ્યમાંથી યેરગેરા તરફ 25 કિમી.ની લંબાઈમાં અગ્નિ તરફ વિસ્તરે છે. કવિતાલ નામની બીજી એક હારમાળા રાયચુર અને મનવી તાલુકાઓમાં આશરે 15 કિમી.ની લંબાઈમાં પથરાયેલી છે. ત્રીજી હારમાળા રાયચુરથી દક્ષિણે આલમપુર (આંધ્રપ્રદેશ) તરફ વિસ્તરેલી છે. આ ઉપરાંત યેમ્મેગુડ્ડા નામથી ઓળખાતી નાની ટેકરીઓની એક હારમાળા કુશ્તગી તાલુકામાં આવેલી છે. આ હારમાળા બીજાપુર જિલ્લામાં બદામી હારમાળાની ટેકરીઓમાંથી નીકળે છે. તે ઉત્થાન પામેલા ઉચ્ચપ્રદેશના ઘસારામાંથી તૈયાર થયેલી છે અને પ્રી-કૅમ્બ્રિયન યુગના શિસ્ટ તેમજ ગ્રૅનાઇટ નાઇસ પ્રકારના વિકૃત ખડકોથી બનેલી છે. આ જિલ્લામાં કુશ્તગી નજીક જગદગુડ્ડા (630 મીટર), સિંધનૂર નજીક મોરીગુડ્ડા (593 મીટર), કનકગિરિ નજીક નિશાનીગુડ્ડા (598 મીટર), મનવી નજીક મનવીગુડ્ડા (551 મીટર) અને રાયચુર નજીક મલ્લાબાદ (528 મીટર) નામનાં શિખરો આવેલાં છે.
જળપરિવાહ : કૃષ્ણા અને તુંગભદ્રા આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. આ નદીઓ વિશેની દંતકથાઓ અને પરંપરાઓ પરથી તેમનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અહીંના જનમાનસ સાથે વણાઈ ગયું છે. બંને નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. કૃષ્ણા આ જિલ્લામાં પ્રવેશે છે અને જિલ્લાની ઉત્તર સરહદ રચે છે. તે આશરે 170 કિમી. સુધી અહીં વહે છે. તેને ઘણી નાની નદીઓ મળે છે. તુંગભદ્રા જિલ્લામાં પ્રવેશીને દક્ષિણ સરહદ રચતી 208 કિમી. સુધી વહે છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે. તેને પણ ઘણાં નદીનાળાં મળે છે, તે પૈકી મુસલીનાલા, ઇન્ચાનાલા, કનકગિરિનાલા તથા હીરેહલ્લા ઉલ્લેખનીય છે. આ બંને નદીઓએ જિલ્લાના અર્થતંત્ર પર ફાયદાકારક અસરો ઉપજાવી છે.
ખેતી-સિંચાઈ-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. તાજેતરનાં વર્ષોમાં અહીંની ભૂમિને સિંચાઈ ઉપલબ્ધ થવાથી ખેતીનું અર્થતંત્ર વિકસ્યું છે. અહીંના મુખ્ય પાકોમાં જુવાર (પ્રથમ ક્રમે), કપાસ (બીજા ક્રમે), ડાંગર, મગફળી અને શેરડી થાય છે. બાજરી, ઘઉં અને કઠોળનો ફાળો પણ મહત્ત્વનો છે. તુંગભદ્રા નદીની સિંચાઈને લીધે તૈયાર થતા કૃષિપાકોએ જિલ્લાના ઉદ્યોગોને વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે. પશુપાલન પણ અહીંના લોકોની મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે. અહીં 65 જેટલાં પશુ-દવાખાનાં અને 20 જેટલાં કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો છે. જિલ્લામાં મરઘાં-બતકાંના ઉછેર પર તેમજ ડેરી-વિકાસ પર પણ પૂરતું ધ્યાન અપાય છે. રાયચુર ખાતે સરકારી ગ્રામીણ ડેરી-કેન્દ્ર આવેલું છે. રાયચુર અને મનવી ખાતે બે શીતાગારોની પણ સગવડ છે. રાયચુર અને માલિયાબાદ ખાતે ગૌશાળાઓ છે તેમાં ગાયોની ઓલાદ-સુધારણાનું કાર્ય ચાલે છે. કૃષ્ણા અને તુંગભદ્રા નદીઓમાં તેમજ અન્ય જળાશયોમાં મત્સ્યઉછેરની પ્રવૃત્તિ પણ ચાલે છે. તુંગભદ્રા જળાશય નજીક મુનીરાબાદ ખાતે મત્સ્યઉછેર-કેન્દ્ર આવેલું છે. જિલ્લામાં માછીમારો માટેની ચાર સહકારી મંડળીઓ છે.
ઉદ્યોગો : આ જિલ્લાની ઔદ્યોગિક પ્રવૃત્તિ કપાસ, ડાંગર, મગફળી, શેરડી જેવી ખેતીની પેદાશો પર આધારિત છે. અહીં ડાંગર છડવાની અને ખાદ્યતેલની મિલો, લાતીઓ તેમજ દીવાસળી બનાવવાનાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત અહીં ખાંડની અને કાપડની મિલો, જિન-પ્રેસ, કાગળના માવાના અને પૂંઠાં બનાવવાના, રસાયણો અને ખાતરોના તથા સિમેન્ટની આર.સી.સી. પાઇપોના એકમો આવેલા છે. માયસૉર પેટ્રો-કેમિકલ લિ. અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. આ ઉપરાંત આ જિલ્લામાં સોના, તાંબા, લોહ અને સીસાનાં ખનિજો તથા કવાર્ટઝ, અબરખ, ફેલ્સ્પાર, ગેરુ, ઇલ્મેનાઇટ, સોપસ્ટૉન અને ગ્રૅનાઇટ મળે છે, આ પૈકી અહીં સોના, ક્વાર્ટઝ અને સોપસ્ટૉનનું ખનનકાર્ય ચાલે છે.
વેપાર : આ જિલ્લામાં વેપાર-વાણિજ્યની પ્રવૃત્તિ ખાનગી ક્ષેત્ર હસ્તક છે. ખાનગી વેપારીઓ નગરો અને મોટાં ગામડાંઓમાં છૂટક દુકાનો દ્વારા લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે. આ જિલ્લામાંથી કપાસ, તેલીબિયાં (મગફળી), સિંગતેલ, ધાન્ય, કઠોળ, ખાદીનું કાપડ, દીવાસળી, કાપેલા લાકડાના નાના કદના પાટડા વગેરેની નિકાસ થાય છે. અનાજ, કાપડ, તેલીબિયાં અને સિમેન્ટની આયાત કરવામાં આવે છે.
વાહનવ્યવહાર : આ જિલ્લામાં વાહનવ્યવહારનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયેલો નથી. રસ્તાના નિર્માણ તેમજ જાળવણી માટે અહીંની કપાસની કાળી જમીનો અનુકૂળ પડતી નથી, તેમ છતાં જિલ્લાભરમાં કુલ મળીને આશરે 4,000 કિમી.ના રસ્તા આવેલા છે. નદીઓ પર પુલ બાંધેલા છે. આ કારણે રાયચુર અને ગુલબર્ગ વચ્ચેનું અંતર ઘટી ગયું છે. રેલમાર્ગોની કુલ લંબાઈ 105 કિમી. જેટલી છે. જૂના રેલમાર્ગોને બ્રૉડગેજમાં ફેરવવામાં આવ્યા છે. હુબલી-ગુંટકલ રેલમાર્ગ જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાંથી પસાર થાય છે. કોપ્પલ આ રેલમાર્ગ પરનું એકમાત્ર રેલમથક છે. ગુંટકલથી વાડી જંક્શન જતો બીજો રેલમાર્ગ રાયચુર શહેરમાંથી પસાર થાય છે. તે આજુબાજુના થોડા વિસ્તારને આવરી લે છે. જિલ્લાનો મોટો ભાગ રેલસુવિધાથી વંચિત છે.
પ્રવાસન : જિલ્લાનાં તેર નગરો પૈકી રાયચુર, મુદગલ અને કોપ્પલ ઐતિહાસિક દૃષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. દેવદુર્ગ નગરમાં પ્રાચીન કિલ્લાના અવશેષો છે. આજનું ગંગાવતી જૂના વખતમાં ‘નીલાવતી’ નામે ઓળખાતું હતું. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું અનેગુંડી ગંગાવતીની નજીકમાં આવેલું છે. તુંગભદ્રા જળાશય યોજના શરૂ થઈ ત્યારથી ગંગાવતીનું મહત્ત્વ વધ્યું છે અને કૃષિસંશોધન-મથક તરીકે વિકાસ પામ્યું છે. વિરૂપાક્ષ મંદિર વિજયનગરના રાજ્ય સાથે સંકળાયેલું છે અને મુદ્દુસંગાસ્વામી માતા નામની ધાર્મિક સંસ્થા આ નગરમાં આવેલી છે. હુત્તીની સુવર્ણખાણ આજુબાજુનો ભાગ નગરમાં ફેરવાઈ ગયો છે. કુશ્તગી એક જાણીતું વાણિજ્યમથક છે, ત્યાં અદ્વિસ્વામીના માનમાં મેળો ભરાય છે. લિંગસગુર પણ વાણિજ્ય મથક છે, ત્યાં ઘણા રસ્તાઓ ભેગા થાય છે; તેથી તે વાહનવ્યવહારનું જંક્શન બની રહ્યું છે. અહીંથી નજીકનાં સ્થળોમાંથી નવપાષાણયુગનાં પાનાં, હથોડીઓ, પાષાણ-કુહાડીઓ જેવાં ઓજારો મળી આવ્યાં છે. મન્વી ખાતે જગન્નાથસ્વામીનું પ્રસિદ્ધ મંદિર છે. વળી ત્યાં પ્રાચીન કિલ્લાનાં ખંડિયેરો પણ જોવા મળે છે. તુંગભદ્રા જળાશય યોજનાની ડાબા કાંઠાની નહેર અહીંથી જ શરૂ થાય છે. યોજનાની શરૂઆત વખતે અહીં વસાહતો વિકસેલી. યોજના પૂરી થતાં તે ખાલી થઈ ગયેલી છે. અહીં નજીકમાં જ ખાંડની એક મિલ સ્થપાઈ છે. જાપાની શૈલીનો એક બાગ પણ અહીં વિકસાવવામાં આવેલો છે, જે પ્રવાસીઓ માટેનું આકર્ષણ-સ્થળ છે. સિંધનૂર નગર વિકસ્યું તો છે, પણ ત્યાં જોવાલાયક સ્થળો નથી. આ જિલ્લાનું યેલબર્ગા સ્થળ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. તેનું જૂનું નામ ‘એરામ્બરેગી’ અથવા ‘યેરામ્બરાગ’ હતું. પ્રાચીન કાળમાં તે સિંદા મુખીઓનું પાટનગર રહેલું, પરંતુ તેના પુરાવારૂપ કોઈ અવશેષો મળતા નથી. આજનું કોપ્પલ નગર પ્રાચીન અને મધ્યયુગીન ઇતિહાસકાળ વખતે કોપનનગર કહેવાતું હતું, ત્યારે તે મહત્ત્વનું જૈન મથક હતું. શીલહારોના શાસકોનું તે પાટનગર પણ રહેલું.
ઉદગી (ચૈત્રી નવું વર્ષ), કર્હુન્વી (અષાઢી પૂર્ણિમા), નાગપંચમી, દશેરા, દિવાળી, એલ્લા અમાસી, રમજાન, મોહરમ વગેરે જેવા તહેવારો અહીં ખૂબ જ ઉલ્લાસથી ઊજવાય છે.
વસ્તી : 2001ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 16,48,212 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સમાન છે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને જૈનોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને ઇતરધર્મીઓનું પ્રમાણ ઓછું છે. આ જિલ્લામાં ક્ધનડ, હિંદી, મરાઠી, તેલુગુ તથા ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લાના શહેરી વિભાગોમાં શિક્ષણનું પ્રમાણ 56 % અને ગ્રામીણ વિસ્તારમાં 30 % જેટલું છે. જિલ્લાનાં લગભગ બધાં જ નગરોમાં શિક્ષણની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. 1996 મુજબ અહીં જુદી જુદી વિદ્યાશાખાઓની આશરે 25 જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 9 તાલુકાઓમાં વહેંચેલો છે. અહીં 13 નગરો અને 1,506 ગામડાં (110 વસ્તીવિહીન) આવેલાં છે.
ઇતિહાસ : 1905 સુધી રાયચુર દોઆબ વિસ્તારમાં રાયચુર અને લિંગસગુર નામના બે જિલ્લા હતા. રાયચુર જિલ્લામાં રાયચુર, યાદગીર, યેરગેરા, દેવદુર્ગ, મનવી, આલમપુર અને ગડવાલ તાલુકાઓ તથા લિંગસગુર જિલ્લામાં લિંગસગુર, કુશ્તગી, ગંગાવતી, સિંધનૂર, શાહપુર અને શોરાપુરા તાલુકાઓ હતા. કોપ્પલ અને યેલબર્ગા તાલુકાઓવાળા વિસ્તારની એક અલગ જાગીર હતી. 1905માં લિંગસગુર જિલ્લાને રદ કરીને તેના બધા જ તાલુકાઓને રાયચુર જિલ્લામાં ભેળવી દેવાયા. તે જ વખતે શાહપુર, શોરાપુર અને યાદગીર તાલુકાઓને ગુલબર્ગ જિલ્લામાં મુકાયા. યેરગેરા તાલુકાનાં ગામોને રાયચુર, મનવી અને દેવદુર્ગ તાલુકાઓમાં વહેંચી દેવામાં આવ્યાં. 1949માં જાગીરી પ્રથા રદ કરાઈ. તે સમયે કોપ્પલ અને યેલબર્ગાને રાયચુર જિલ્લાના તાલુકા બનાવાયા. 1956માં ગડવાલ અને આલમપુરને આંધ્રપ્રદેશમાં ખેસવવામાં આવ્યા. ત્યારથી આ જિલ્લાના નવ તાલુકા રહ્યા છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. માત્ર વહીવટી સરળતા માટે નવ તાલુકાઓને ત્રણ મહેસૂલી ઉપવિભાગોમાં વહેંચ્યા છે. રાયચુર ઉપવિભાગમાં રાયચુર, મનવી અને દેવદુર્ગ; લિંગસગુર ઉપવિભાગમાં લિંગસગુર, સિંધનૂર અને કુશ્તગી તથા કોપ્પલ ઉપવિભાગમાં કોપ્પલ, યેલબર્ગા અને ગંગાવતીનો સમાવેશ થાય છે.
રાયચુર (નગર) : કર્ણાટક રાજ્યના પૂર્વ ભાગમાં આવેલું નગર. રાયચુર જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 16° 12´ ઉ. અ. અને 77° 22´ પૂ. રે.. તે આજુબાજુના પ્રદેશનું વેપારી મથક છે. કપાસ, તેલીબિયાં અને સાબુ અહીંની મુખ્ય પેદાશો છે. ધારવાડ ખાતે આવેલી કર્ણાટક યુનિવર્સિટી-સંલગ્ન થોડીક કૉલેજો આ નગર ખાતે આવેલી છે. આજુબાજુના મેદાની પ્રદેશથી 88 મીટરની ઊંચી ટેકરી પર 1294માં બાંધેલો એક રાજમહેલ તથા 1300માં બાંધેલો એક કિલ્લો આવેલો છે. આ નગર 1489માં બીજાપુરના સ્વતંત્ર સામ્રાજ્યનું પ્રથમ પાટનગર પણ બનેલું. આ નગરની વસ્તી 1,70,500 (1991) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા