રાયગડા (Rayagada) : ઓરિસા રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 19° 10´ ઉ. અ. અને 83° 25´ પૂ. રે.ની આજુબાજુનો 7,585 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાલાહાંડી, ઉત્તર અને ઈશાનમાં ફૂલબની, પૂર્વમાં ગજપતિ, દક્ષિણે શ્રીકાકુલમ (આં.પ્ર.) અને કોરાપુટ તથા પશ્ચિમે કોરાપુટ અને કાલાહાંડી જિલ્લા આવેલા છે. જિલ્લામથક રાયગડા જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ઉત્તરથી દક્ષિણ તરફ એકબીજીને સમાંતર વહેતી વામસાધરા અને નાગવલી નદીખીણોએ આવરી લીધેલો છે. તેમની વચ્ચે જળવિભાજક છે, તેમજ આજુબાજુ ટેકરીઓની હારમાળાઓ આવેલી છે. આ પ્રદેશમાં ખેતીલાયક જમીનો તૈયાર થયેલી છે. આ વિસ્તાર જંગલોથી સમૃદ્ધ છે. અહીંનાં જંગલોમાંથી સાગ, સાલ, વાંસ તેમજ જાડું ઘાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. વામસાધરા અને નાગવલી આ જિલ્લાની મુખ્ય નદીઓ છે.

રાયગડા જિલ્લો

ખેતી-પશુપાલન : ડાંગર, રાગી, ઘઉં, મકાઈ, ચણા, ચોળા, શેરડી, મગફળી, રાઈ અને સરસવ અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં 50 % ભૂમિમાં ડાંગરનું વાવેતર થાય છે. આ પ્રદેશમાં વરસાદ પણ પુષ્કળ પડે છે. નદીખીણોના વિસ્તારો ખેતી માટે ખૂબ જ અનુકૂળ પડે છે. રાયગડા ખાતે 1954થી શેરડી સંશોધન મથક કાર્યરત છે. અહીંનાં મુખ્ય પશુઓમાં ગાયો, ભેંસો, ઘેટાંબકરાં અને ડુક્કરનો સમાવેશ થાય છે. પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. પશુઓ માટે દવાખાનાં, ચિકિત્સાલયો તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રની વ્યવસ્થા છે. લોકો મરઘાં-બતકાંનો ઉછેર પણ કરે છે.

ઉદ્યોગો-વેપાર : રાયગડા અહીંનું મહત્ત્વનું ઔદ્યોગિક મથક છે. અહીં ડાંગરની મિલો, ખાંડનું કારખાનું અને ફેરોમગેનીઝનો એકમ આવેલાં છે. જિલ્લો ખનિજ-નિક્ષેપોમાં પણ સમૃદ્ધ છે. અહીં લોહ-મૅંગેનીઝ, અયસ્ક, ચૂનાખડકો અને થોડા પ્રમાણમાં ગ્રૅફાઇટ મળે છે. જિલ્લામાં ગોળ, ખાંડ, કાગળ, દોરડાં અને દારૂનું ઉત્પાદન લેવાય છે. ડાંગર, કઠોળ, તેલીબિયાં, જુવાર, આમલી વગેરેની નિકાસ તથા કરિયાણું, કેરોસીન, ખાદ્યતેલ, સુતરાઉ કાપડ-કપડાં અને વાંસની આયાત થાય છે.

વાહનવ્યવહાર : જિલ્લામથક રાયગડા પૂર્વીય રેલવિભાગના ઉત્તર-દક્ષિણ પસાર થતા રાયપુર-વિઝિયાનાગ્રામ બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું અહીંનું મુખ્ય રેલમથક છે. ગુનુપુરથી નૌપાડા (આં. પ્ર.) સુધી જતો મીટરગેજ રેલમાર્ગ આ જિલ્લામાં માત્ર 3થી 4 કિમી.ના અંતર માટે પસાર થાય છે. અહીંની નદીઓમાં પાણી હોય ત્યારે તેમાં જળવ્યવહાર ચાલે છે. રાયગડા કોરાપુટથી 110 કિમી.ના અંતરે આવેલું છે. બંને જિલ્લામથકો વચ્ચે નિયમિત બસવ્યવહાર ચાલે છે. આ જિલ્લા માટે વિશાખાપત્તનમ્ નજીકનું હવાઈ મથક છે.

પ્રવાસન : આ જિલ્લામાં હાથીપહાડ, દેવગિરિ, મીના ઝોલા અને પદ્મપુર મુખ્ય પ્રવાસ-મથકો છે. આ સ્થળોએ અવરજવર કરવાની વ્યવસ્થા રાયગડા ખાતેથી થાય છે. (i) હાથીપહાડ : આ સ્થળ રાયગડાથી 3 કિમી.ના અંતરે આવેલું છે. તે કુદરતી દૃશ્યો માટે જાણીતું હોવાથી સહેલાણીઓ વનવિહાર માટે આવે છે. અહીંના ભૂપૃષ્ઠના કેટલાક ભાગો હાથીના કદના પથ્થરોથી બનેલા હોવાથી આ પ્રમાણેનું નામ પડેલું છે. નાગવલી નદી તેની નજીકમાંથી પસાર થાય છે. નદીએ કોતરી કાઢેલા તેના ખીણપ્રદેશમાં બે ધોધ પણ છે. (ii) દેવગિરિ : 120 મીટરની ઊંચાઈ ધરાવતી દેવગિરિ ટેકરી રાયગડાથી 48 કિમી.ના અંતરે, પરંતુ કલ્યાણ-સિંઘપુરથી નજીક છે. અન્ય ટેકરીઓની જેમ દેવગિરિ ટેકરીની ટોચ શંકુઆકારની નથી, પરંતુ તેનો શિરોભાગ લંબચોરસ મેદાન જેવો છે, ત્યાં ઉત્તર તરફના ભાગમાંથી જ જઈ શકાય છે. ઉપર સુધીનો ભાગ મેદાન જેવાં સાત કુદરતી સોપાનોમાં વહેંચાયેલો છે. ચોથા સોપાન પર મહાલક્ષ્મીનું મંદિર છે. સૌથી ઉપરના ભાગમાં ગંગા, યમુના, સરસ્વતી, ભાર્ગવી અને ઇન્દ્રદ્યુમ્ન નામનાં બારેમાસ પાણીથી ભરપૂર રહેતાં જળાશયો આવેલાં છે. વળી અહીં ખુલ્લાં જડબાંના આકારની એક ગુફા પણ છે. જડબાંના ભેગા થતા ભાગમાં શિવલિંગ છે. અહીં શિવરાત્રિએ મોટો મેળો ભરાય છે. અહીંથી મળેલા કેટલાક લેખો સ્થળની પ્રાચીનતાનો ખ્યાલ આપે છે. દેવગિરિ જવા-આવવા માટે રાયગડાથી કલ્યાણ-સિંઘપુરની નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. (iii) મીના ઝોલા : કુદરતી, રમણીય દૃશ્યો ધરાવતું આ સ્થળ જંગલી પ્રાણીઓથી ભરપૂર એવા ગાઢ જંગલની મધ્યમાં ત્રણ નદીઓના મિલનસ્થાને આવેલું છે. અહીં આવેલા એક શિવમંદિર ખાતે શિવરાત્રીએ મોટો મેળો ભરાય છે. આ સ્થળ ગુદારીથી કાચા માર્ગે 33 કિમી.ના અંતરે અને ગુદારી રાયગડાથી 134 કિમી.ના અંતરે આવેલું છે. (iv) પદ્મપુર : આ સ્થળ રાયગડાથી 94 કિમી. અને ગુનુપુરથી 24 કિમી. અંતરે આવેલું છે. અહીં જવા માટે રાયગડાથી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. જિલ્લા માટેનું આ કૃષિમથક છે. અહીં નજીકમાં જગમંદા નામની ટેકરી છે. ત્યાં માણિકેશ્વર, મલ્લિકેશ્વર, ધવલેશ્વર, નીલકંઠેશ્વર અને પોદુકેશ્વર નામનાં પાંચ શિવમંદિરો છે. સાતમી સદીનો મળેલો અહીંનો એક લેખ કહે છે, કે જગમંદા ટેકરી પર ધર્મકીર્તિ નામના પ્રખ્યાત તાર્કિક-દાર્શનિકનો મઠ હતો. ટેકરી પર જળાશય પણ છે.

અહીંના રાયગડા, ગુનુપુર તેમજ અન્ય કેટલાંક સ્થળોએ વાર-તહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 8,23,019 જેટલી છે. અહીં ઊડિયા, કુઈ, તેલુગુ, પર્જી, ખોંડ અને સાવરા ભાષાઓ બોલાય છે. રાયગડા, ગુદારી અને ગુનુપુરમાં શૈક્ષણિક સંસ્થાઓ તથા તબીબી સેવાની વ્યવસ્થા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બે ઉપવિભાગો, ચાર તાલુકાઓ, 11 સમાજવિકાસ-ઘટકોમાં અને 11 ગ્રામપંચાયતોમાં વહેંચેલો છે. અહીં ચાર નગરો અને 2,667 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1990ના દાયકા અગાઉ આ જિલ્લો કોરાપુટ જિલ્લાનો જ ભાગ હતો. 1992માં કોરાપુટ જિલ્લાનું વિભાજન કરીને રાયગડાનો અલગ જિલ્લો રચવામાં આવેલો છે. તેનો ઇતિહાસ માતૃજિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા