રામાયણ : સંસ્કૃત ભાષાના આદિકવિ વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય. રામ + અયન = રામનું ચરિત. વેદવિદ્યાના ઉપબૃંહણાર્થે રચાયેલ બે ઇતિહાસકાવ્યોમાંનું પ્રથમ. તેની વિશ્વમાં શ્રેષ્ઠ ગણાયેલી કથા તથા ભાવવાહિતાએ જનહૃદયને હજારો વર્ષોથી જકડી રાખ્યું હોઈ તે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં વિવિધ સ્વરૂપે પ્રકટ થતું રહ્યું છે. માનવહૃદયને વ્યક્ત કરવામાં, માનવના ઉત્કૃષ્ટ આદર્શો અને ઊંડી આકાંક્ષાઓના પ્રકટીકરણમાં વિશ્વમાં અજોડ. વિશ્વબન્ધુત્વ-પ્રેમ-કરુણા-સૌજન્યથી સભર વીરરચિત મહાકાવ્ય. ‘સત્યનો – ધર્મનો જ જય’નો આદર્શ એમાં વણાયેલો છે. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો સંઘર્ષ તેમાં ગૂંથાયેલો છે. રચયિતા વાલ્મીકિ ‘આદિકવિ’ અને ‘રામાયણ’ આદિકાવ્ય તરીકે નવાજાયાં છે તેનાં કારણો : (1) શબ્દ-અર્થને સરખું મહત્વ, (2) સંવાદને સ્થાને સીધું નિરૂપણ, (3) નવો નિયમિત લયબદ્ધ છન્દ, (4) અલંકૃત વર્ણનપ્રધાન ગંભીર શૈલી, (5) કથાનકના ભાવપક્ષનું નિરૂપણ, (6) અધ્યાયને બદલે સર્ગમાં વસ્તુવિભાજન અને (7) સર્ગાન્તે છન્દપરિવર્તન તથા પછીના વસ્તુનો નિર્દેશ – આ બધું તેમાં પ્રથમ વાર જ આવે છે. રચયિતા સમકાલીન હોઈ પોતે તેના એક પાત્ર તરીકે પણ આવે છે !
છેક 1806થી વિવિધ વાચનાઓની ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે; પણ હવે 25 વર્ષના સૂક્ષ્મેક્ષિકાયુક્ત સંશોધનના પરિપાક રૂપે વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરે સમીક્ષિત આવૃત્તિ(critical edition)નો ‘અધિકૃત પાઠ’ પ્રગટ કર્યો છે. તેથી હવે સર્વ સંશોધનો તેના આધારે જ થવાં ઘટે. મૂળ ગ્રંથમાં 7 કાંડ, 500 સર્ગ, 24,000 શ્ર્લોક નિર્દેશાયા છે. આ આવૃત્તિમાં હજી 606 સર્ગ છે ! ‘ઉચ્ચતર સંશોધન’ (higher criticism) દ્વારા આ વધારો દૂર કરી શકાય.
કથાસંક્ષેપ : 1. બાલકાંડ : સમકાલીન આદર્શ પુરુષ વિશે વાલ્મીકિના પ્રશ્ર્નના ઉત્તરમાં દેવર્ષિ નારદે રામની કથા કહી. તમસાતટે કામક્રીડારત ક્રૌંચયુગલમાંના એકને શિકારીએ વીંધતાં બીજું આક્રંદ કરી ઊઠ્યું, તે જોઈ વાલ્મીકિના ક્ષુબ્ધ હૃદયમાંથી નિયમિત લયાત્મક શ્ર્લોક રૂપે શાપ સરી પડ્યો. આશ્ર્ચર્યચકિત મહર્ષિને બ્રહ્માએ એ નવા શ્ર્લોકછંદમાં અનુષ્ટુપમાં રામચરિત આલેખવા સૂચવ્યું. તે બે કુશીલવ રાજપુત્ર શિષ્યોને શીખવ્યું, જે તેમણે અયોધ્યામાં રામ સમક્ષ ગાયું :
સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથને ચાર પુત્રો : મહારાણી કૌશલ્યાના રામ, કૈકેયીના ભરત અને સુમિત્રાના લક્ષ્મણ-શત્રુઘ્ન. વિદ્યાભ્યાસ પતતાં વિશ્ર્વામિત્ર ઋષિ સ્વયજ્ઞરક્ષણાર્થે રામ-લક્ષ્મણને લઈ ગયા. રસ્તામાં રામને ભૂખ-તરસ-થાક-રોગ-નિવારક બલા-અતિબલા વિદ્યાઓ આપી. કામવનમાં ભયંકર રાક્ષસી તાડકાને હણીને શ્રીરામે પ્રજાને રાહત આપી. સિદ્ધાશ્રમમાં સુબાહુને મારીને મારીચને 100 યોજન દૂર સાગરતટે ફંગોળીને યજ્ઞરક્ષા કરી. મિથિલાનગરીના પરિસરમાં ગૌતમાશ્રમે પતિશાપથી એકાન્તવાસિની નિશ્ર્ચેષ્ટ ઋષિપત્ની અહલ્યાને શાપમુક્ત કરી. મિથિલામાં શિવધનુષને પણછ ચઢાવવા જતાં તૂટી જતાં ખેતર ખેડતાં મળેલી જનકપુત્રી સીતાને જીતી. લગ્ન કરી અયોધ્યા જતાં, માર્ગમાં ધૂંઆપૂંઆ થઈ આવેલા ભગવાન પરશુરામને નિસ્તેજ કર્યા.
- અયોધ્યાકાંડ : શ્રીરામના યૌવરાજ્યાભિષેકની આગલી રાત્રે કૈકેયીએ રાજા પાસે પહેલાંનાં બે વરદાન માગ્યાં. રામને 14 વર્ષનો વનવાસ અને ભરતનો રાજ્યાભિષેક. તરત જ રામે પિતૃવચન પાળવા વનની વાટ લીધી. સીતા-લક્ષ્મણ સાથે થયાં. ગંગાને પેલે પાર ચિત્રકૂટ પર્વત પર રહ્યા. પાછા લેવા આવેલા ભરતને પિતૃવચનપાલનાર્થે રાજ્ય કરવા સમજાવીને પાદુકા સાથે વળાવ્યા.
ત્યાંથી દક્ષિણમાં વધતાં અત્રિઆશ્રમે ઋષિપત્ની અનસૂયાએ દિવ્ય વસ્ત્રાભૂષણો, માળા આદિ સીતાને આપ્યાં.
- અરણ્યકાંડ : દંડકારણ્યમાં ઋષિઓએ રામનું રક્ષણ માગ્યું. આશ્રમોમાં ફરતાં દસેક વર્ષ વીત્યાં. ગોદાવરીતટે પંચવટીમાં રહ્યાં. ત્યાં રાક્ષસરાજ રાવણની બહેન શૂર્પણખાએ રામ ઉપર મોહી પડવાનો ડોળ કરતા અગ્રજના ઇશારે લક્ષ્મણે નાક-કાન કાપી નાખ્યાં. ખર રાક્ષસ 14,000નું સૈન્ય લઈ આવ્યો, તો રામે એકલે હાથે સર્વને સંહાર્યા. રાવણ માયાવી મારીચને રત્નજડિત સુવર્ણમૃગ બનાવીને આવ્યો. અદભુત મૃગને જીવતો કે મરેલો લાવવા સીતાએ રામને મોકલ્યા. મરતાં મરતાં મારીચે રામના સ્વરમાં ‘હા સીતે ! હા લક્ષ્મણ !’ એવો સાદ પાડ્યો. સીતાએ પરાણે લક્ષ્મણને રામની મદદે મોકલ્યા. તેથી તકસાધુ રાવણ સીતાને ઉપાડી ગયો. દશરથમિત્ર ગૃધ્રરાજ જટાયુ મદદે દોડ્યો. તેનાં પાંખ-પગ-પડખાં કાપી નાખ્યાં. માર્ગમાં પર્વત ઉપર વાનરોને જોઈ સીતાએ આભૂષણો ઉત્તરીયના ટુકડામાં વીંટી નીચે નાખ્યાં. લંકામાં લઈ જઈ વર્ષની મહેતલ આપીને સીતાને રાવણે મહેલની અશોકવાટિકામાં રાક્ષસીઓ વચ્ચે રાખી.
શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણને મરણાસન્ન જટાયુએ અપહરણની ખબર આપી. વચ્ચે રાક્ષસ કબન્ધને સંહારી પમ્પાસરોવરે પહોંચ્યા.
- કિષ્કિન્ધાકાંડ : ઋષ્યમૂક પર્વત પર લઈ જઈ હનુમાને વાનરરાજ સુગ્રીવ સાથે મૈત્રી કરાવી. વાલીને મારીને સુગ્રીવને પત્ની અને રાજ્ય પાછાં સોંપી રામે મૈત્રી નિભાવી. વર્ષાઋતુ વીતતાં સુગ્રીવે સીતાની શોધમાં ટુકડીઓ મોકલી. દક્ષિણની ટુકડીમાંના ભક્તરાજ હનુમાનને રામે પોતાની વીંટી પ્રતીતિ માટે આપી.
- સુન્દરકાંડ : હનુમાને 100 યોજન દરિયો આકાશમાર્ગે ઓળંગ્યો. સીતાએ વીંટીના બદલામાં ચૂડામણિ આપ્યો અને છેડતી કરનાર ઇન્દ્રપુત્રની આંખ વીંધવાનો ગુપ્ત પ્રસંગ કહ્યો. મહિનાની મહેતલ આપી, લંકા બાળી હનુમાન પાછા આવ્યા.
- યુદ્ધકાંડ : સર્વે સમુદ્રતટે આવ્યા. રાવણે ધુત્કારેલા અને શરણે આવેલા તેના અનુજ વિભીષણને આશ્રય આપી લંકેશ સ્થાપ્યા. સાગરની સૂચનાથી નલવાનર પાસે સાગર પર સેતુ બંધાવ્યો. સૌએ દરિયો ઓળંગ્યો. છેવટનું યુદ્ધ રામ-રાવણનું અપૂર્વ અને અદભુત હતું. રાવણ હણાયો. વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. હોંસથી આવેલ સીતાના ચારિત્ર્ય વિશે રામે સંશય કરતાં સીતાએ અગ્નિપ્રવેશ કર્યો. અગ્નિદેવે વિશુદ્ધ સીતાને રામને સોંપ્યાં, ત્યારે સ્વ. પિતા દશરથે પણ દર્શન દીધાં. પુષ્પક વિમાનમાં 14 વર્ષે પાછા ફરેલા રામને ભરતે સારથિ બની ધામધૂમથી નગરપ્રવેશ કરાવ્યો અને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કરાવ્યો.
- ઉત્તરકાંડ : રાજા રામને ઋષિઓએ રાક્ષસવંશની ઉત્પત્તિ તથા રાવણના જીવનની ઘટનાઓ કહી. હનુમાનની કથા પણ કહી. સગર્ભા સીતાએ દોહદમાં ગંગાતટના ઋષિઆશ્રમોમાં વિહાર કરવાની ઇચ્છા દર્શાવી. તે જ દિવસે સીતાના પરગૃહવાસ વિશે પ્રજામાં થયેલ અપવાદની બાતમી મળતાં રામે લક્ષ્મણને સીતાને વાલ્મીકિ-આશ્રમ પાસે મૂકી આવવા આજ્ઞા કરી. દુ:ખી સીતાને ઋષિ-આશ્રમમાં લઈ આવ્યા.
શ્રીરામે નૈમિષારણ્યમાં સીતાની સુવર્ણપ્રતિમાને સહધર્મચારિણી તરીકે રાખી અશ્વમેધ યજ્ઞ આરંભ્યો. ત્યાં વાલ્મીકિ ઋષિ આવ્યા અને તેમનું રચેલું ‘રામાયણ’ સીતાના પુત્રો કુશ અને લવે ત્યાં ગાયું. શ્રીરામે ઋષિને સૂચવ્યું કે સીતા બીજે દિવસે પરિષદ વચ્ચે શોધનના હેતુથી શપથ લે. સીતાએ શપથ ઉચ્ચાર્યા : ‘‘જો હું રાઘવ સિવાય અન્યનું મનથી ચિન્તન પણ ન કરતી હોઉં તો પૃથ્વીદેવી મને વિવર આપે !’’ પૃથ્વી ફાટી અને સિંહાસનસ્થ ધરણીદેવી સીતાને રસાતળમાં લઈ ગયાં. કાલપુરુષે અવતારકાર્ય પૂરું થયાનું સ્મરણ કરાવ્યું. શ્રીરામે સૌ સાથ સાથે સરયૂમાં જલસમાધિ લીધી.
આ કથાનકના મૂળ અને વિકાસ વિશે વિદ્વાનો માને છે કે પ્રથમ તો મૌખિક રીતે ગવાતી ગાથાઓ હતી, અનેક ગાથાઓને ગોઠવી તેમાંથી આખ્યાનો રચાયાં, અનેક આખ્યાનો એકઠાં કરીને વાલ્મીકિએ આ વીરચરિત મહાકાવ્ય રચ્યું. બીજો મત એવો છે કે આર્યોની દક્ષિણ તરફની પ્રગતિનો ઇતિહાસ છે અને રામ એ આર્યોના નેતા હશે. પરંતુ આ કોઈ કાલ્પનિક કથા નથી જ. શ્રીકૃષ્ણ આઠમા અવતાર હતા તો શ્રીરામ સાતમા અવતાર મનાયા છે. અયોધ્યાના રાજા હતા અને તેમનું આદર્શ શાસન ભારતના ખૂણે ખૂણે ‘રામરાજ્ય’ તરીકે અત્યંત આદર અને પ્રસિદ્ધિ પામેલું છે અને તેઓ ‘રઘુપતિ’, ‘રઘુવર’ (રઘુવંશના શ્રેષ્ઠ રાજા) જેવાં ઉપનામોથી સર્વત્ર આજે પણ ઓળખાય છે. ગાંધીજીને અતિપ્રિય ધૂન પણ એમને ઉદ્દેશીને જ રચાઈ છે : ‘‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિતપાવન સીતારામ’’. માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર અગ્નિએશિયામાં આ અનુપમ કથાનકનો પ્રભાવ પડેલો છે અને ત્યાં સાહિત્ય તેમજ શિલ્પાદિમાં પણ કંડારાયેલું છે; દા. ત., કંબોડિયાના ‘ટાવર ઑવ્ ધ ગોલ્ડન હૉર્ન’ની ભીંત ઉપર રામાયણના પ્રસંગોની સુંદર ઉત્કીર્ણ પટ્ટિકા છે તથા ત્યાંના અંકોરવાટના મંદિરમાં રામાયણ-દૃદૃશ્યો કોતરેલાં છે. ભારતનાં ઉપલબ્ધ પ્રાચીન સ્થાપત્યો ઉપર રામાયણવર્ણિત નગરો-પ્રાસાદોનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે. દા. ત., સુંદરકાંડમાં વર્ણિત લંકાનગરી અને એના દુર્ભેદ્ય કોટની આબેહૂબ પ્રતિકૃતિ સાંચી અને બીજેથી થયેલાં ઉત્ખનનોમાં મળી છે તેવું શ્રી સી. શિવરામમૂર્તિએ દર્શાવ્યું છે. લંકાના અટ્ટ, પ્રાકાર, તોરણ જેવા સ્થાપત્યપ્રકાર સાંચી, અમરાવતી અને અન્યત્ર શ્યમાન થાય છે. અયોધ્યાકાંડમાં શ્રીરામનો રાજમહેલ અનેક ચોકવાળો વર્ણવ્યો છે. તેની અનુકૃતિ અમરાવતી, સાંચી અને ભરહૂતના પ્રાસાદસ્થાપત્યમાં જણાય છે. મંદિરનિર્માણ તથા પાષાણશિલ્પોમાં રામાયણનું કથાનક વિપુલ પ્રમાણમાં અંકિત થયેલું છે; દા. ત., દેવગઢનું દશાવતાર મંદિર, હળેબીડનું રામમંદિર, બેરૂલની કૈલાસગુફા, ઐહોલનું દુર્ગામંદિર, નાગાર્જુનકોંડા અને પહાડપુર(બંગાળ)નું મંદિર વગેરેમાં આ કથા વિપુલ પ્રમાણમાં કોતરેલી છે.
ભારતના કેટલાક રાજાઓના સિક્કાઓ (coins) ઉપર રામકથાનાં દૃશ્યો ઉપસાવેલાં છે. પાંચમા શતકના કુમારગુપ્ત પ્રથમની સુવર્ણમુદ્રા પર હાથી ઉપર બેઠેલા છત્રયુક્ત રાજા રામનું દૃશ્ય ઉપસાવેલું છે.
‘રામાયણ’નાં ચિત્રો પણ ઓછાં નથી. થોડાં : (1) લંડનની ‘ઇંડિયા ઑફિસ લાઇબ્રેરી’માં એક ‘સચિત્ર રામાયણ’ના કેટલાક અંશો સચવાયા છે. (2) રાજપૂત અને કાંગડા શૈલીનાં ચિત્રોમાં રામાયણનાં અનેક દૃશ્યો અંકિત છે. જોધપુરના સંગ્રહાલયમાં લગભગ પોણા બસો વર્ષ પૂર્વેનાં રામાયણ-વિષયક 91 ચિત્રોનો સંગ્રહ છે. જયપુરના પોથીખાનામાં ફારસી રામાયણની હસ્તપ્રતમાં 76 ચિત્રો છે. (3) કનિંગહામના ચિત્રસંગ્રહમાં રામકથાનાં અનેક ચિત્રો છે. (4) રાજા રવિવર્માએ રામાયણનાં અનેક ચિત્રો દોરેલાં છે. તેમનાં પ્રસિદ્ધ ‘રામપંચાયતન’નાં ચિત્રો પૂજામાં રખાય છે. (5) કંબોડિયા અને હિન્દી ચીનમાં કમ્બોજ રામાયણના પ્રસંગો ચિત્રિત થયેલા છે. (6) મરાઠીમાં શ્રી ભય્યાસાહેબ ઓંકારે એક ચિત્રરૂપ રામાયણ પ્રસિદ્ધ કરેલું છે. (7) મહારાષ્ટ્રમાં ઔંધના મહારાજાએ રામાયણનાં ચિત્રો દોરેલાં છે, જે વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં સચવાયેલાં છે.
રામાયણનો સાહિત્યિક પ્રભાવ તો ભાસ-કાલિદાસ-ભવભૂતિ આદિની તેના આધારે રચાયેલી સાહિત્યકૃતિઓમાં જોઈ શકાય છે. તેમાંથી વસ્તુ લઈ સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાદેશિક ભાષાઓમાં કાવ્યો, નાટકો, ચમ્પૂ, ગદ્યકૃતિઓ વગેરેની રચના થયેલી છે. કેટલાંક ઉદાહરણો : (1) ભાસ : ‘પ્રતિમાનાટક’ (જેમાં કૈકેયીથી 14 ‘દિવસ’ને બદલે ભૂલથી ‘વર્ષ’ બોલાઈ ગયાનો ઉલ્લેખ છે !) અને ‘અભિષેક નાટક’; (2) કાલિદાસ : ‘રઘુવંશ મહાકાવ્ય’; (3) ભવભૂતિ : ‘મહાવીર-ચરિત’ અને ‘ઉત્તરરામચરિત’ (જેની વિશ્વનાં શ્રેષ્ઠ નાટકોમાં ગણના થાય છે.); (4) ભટ્ટિ : ‘રાવણવધ’ કે ‘ભટ્ટિકાવ્ય’; (5) કાશ્મીર નરેશ પ્રવરસેન : ‘રાવણવધ’ કે ‘સેતુબંધ’ (મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં); વગેરે.
‘રામાયણ’ના અનુવાદો ભારતની લગભગ બધી ભાષાઓમાં થયા છે. અકબરે ફારસીમાં અનુવાદ કરાવેલો. અંગ્રેજી ઉપરાંત લૅટિન, ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન, રશિયન વગેરે યુરોપિયન ભાષાઓમાં પણ તેનાં અનુવાદો, ટિપ્પણીઓ અને વિવેચનો સારા પ્રમાણમાં લખાયાં છે. વડોદરાની સમીક્ષિત આવૃત્તિ આદર્શ સંપાદન હોઈ અમેરિકન વિદ્વાન ડૉ. ગોલ્ડમૅને તેનો અંગ્રેજી અનુવાદ કરવાનો પ્રારંભ વર્ષો પહેલાં કર્યો છે અને તેના થોડા ભાગ પ્રકાશિત પણ થઈ ગયા છે.
મૂળ કથાનકમાં પાછળથી ઘણા પ્રક્ષેપો થયા એ આવા અદભુત કથાનકને માટે સ્વાભાવિક છે. વિદ્વાનોના મતે બાલકાંડ અને ઉત્તરકાંડ લગભગ આખા પાછળથી ઉમેરાયેલા છે. આરંભે અને અંતે વાલ્મીકિ વિશેના જે પ્રસંગો મૂકેલા છે તે પણ ‘રામાયણ’નું સમગ્ર કથાનક ઐતિહાસિક છે એ જ મતનું સમર્થન કરે છે.
આ કથાનકની અદ્દભુતતા-અદ્વિતીયતા મહાપ્રભાવને કારણે સંસ્કૃત અને બીજી ભાષાઓમાં વિવિધ ‘રામાયણો’ રચાયાં છે. તેમાંનાં મુખ્ય : (1) ‘અગ્નિવેશ્ય રામાયણ’, (2) ‘બૌધાયન રામાયણ’, (3) મહાભારતમાંનું રામોપાખ્યાન, (4) ‘પદ્મપુરાણ’માંનું રામોપાખ્યાન, (5) ‘યોગ-વાસિષ્ઠ રામાયણ’ (11મું શતક), (6) ‘અધ્યાત્મરામાયણ’ (14મું શતક), (7) ‘અદભુત રામાયણ’ (પંદરમી સદી), (8) ‘આનંદ રામાયણ’ (સોળમી સદી), (9) ‘ભુશુંડી રામાયણ’ (1718મું શતક), (10) ‘મહારામાયણ’ (17-18મું શતક), (11) ‘મંત્રરામાયણ’ (1718મું શતક), વગેરે સંસ્કૃત ગ્રંથો છે. ભારતીય ભાષાઓમાંના મુખ્ય : (1) તમિળમાં ‘કમ્બન રામાયણ’ (9મું શતક), (2) તેલુગુમાં ‘દ્વિપદ રામાયણ’, (3) મલયાળમમાં ‘અધ્યાત્મરામાયણમ્’, (4) કન્નડમાં ‘તોરવે રામાયણ’, (5) બંગાળીમાં ‘કૃત્તિવાસ રામાયણ’ (15મું શતક), (6) હિન્દીના પૂર્વરૂપ અવધીમાં તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કે ‘તુલસી રામાયણ’ (17મું શતક), (7) ઊડિયામાં ‘બલરામદાસ રામાયણ’, (8) અસમિયામાં ‘અસમિયા રામાયણ’, (9) મરાઠીમાં ‘ભાવાર્થ રામાયણ’ તથા ‘મોરોપંતી રામાયણ’, (10) રાજસ્થાનીમાં ‘રઘુનાથ રૂપક ગીતોરો’ અને (11) ગુજરાતીમાં ‘ગિરધરરામાયણ’ (19મું શતક). આ વડોદરાના સુલતાનપુરામાં રચાયેલું, ગુજરાતીમાંનાં રામકથાવિષયક કાવ્યોમાં શ્રેષ્ઠ, અતિ પ્રસિદ્ધ, ઘેર ઘેર ગવાય છે.
રામાયણનો અર્થ સમજાવતી સંસ્કૃત ટીકાઓ પણ 29 જેટલી લખાઈ છે.
રચનાકાળ વિશે ઘણો વિમર્શ થયો છે. વિદ્વાનો ઈ. પૂ. 11મા-12મા શતક સુધી ગયા છે. પરંતુ ડૉ. પી. વી. વર્તકે ગ્રહ-નક્ષત્રોના ઉલ્લેખોને આધારે તેમજ પાત્રોની ઉક્તિઓને લક્ષમાં રાખીને ગણતરી કરીને સંભવિત સમય નિશ્ચિત કર્યો છે. તે પ્રમાણે રામનો જન્મ ઈ. પૂ. 7323ના ડિસેમ્બરની ચોથી તારીખે થયેલો, જે ચૈત્ર સુદ નવમી આવે છે ! લગ્નનો દિવસ 7મી એપ્રિલ ઈ. પૂ. 7307 ને ભાદ્રપદ શુદ્ધ 3 આવે છે. રામ-સીતા 20 માસ સાથે રહ્યાં. લગ્ન સમયે રામ 16 વર્ષના હતા અને વનગમન વખતે તેમને 17 વર્ષ પૂરાં થયેલાં. વનગમનનો દિવસ 29મી નવેમ્બર ઈ. પૂ. 7306 ને ગુરુવાર હતો. સીતાએ ગુરુવાર કહેલો છે અને આ ગણતરીમાં પણ ગુરુવાર આવે છે ! તે જ પ્રમાણે રામ-રાવણ યુદ્ધ શરૂ થયું ઈ. પૂ. 7292ના નવેમ્બરની ત્રીજી તારીખે અર્થાત્ ફાલ્ગુન કૃષ્ણ તૃતીયાએ અને રાવણ હણાયો ઈ. પૂ. 7292ના નવેમ્બરની 15મી અર્થાત્ ફાલ્ગુનની અમાવાસ્યાએ. હનુમાન લંકાથી સવારમાં પાછા ફર્યા તે સમયના આકાશનું વાલ્મીકિએ બહુ સુંદર વર્ણન આપેલું છે. એ સત્ય અને વાસ્તવિક છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તે દિવસ પોષ કૃષ્ણ પ્રતિપદા ને ઈ. પૂ. 7292ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખ હતી. એટલે ઈ. પૂ. 7200ની આસપાસમાં રામાયણની રચના થઈ હોય ! હમણાં ઈ. સ. 2002ના ઑક્ટોબરમાં અમેરિકાની વિશ્વમાન્ય સંસ્થા ‘નાસા’એ આકાશમાંથી સમુદ્રની અંદરના લીધેલા ‘ફોટોગ્રાફ’માં પાણીમાં ડૂબેલો સેતુ દેખાય છે, જે સેતુબંધ રામેશ્વરથી શ્રીલંકાના વાયવ્ય ભાગમાં અર્થાત્ પશ્ચિમતટના ઉપરના ભાગમાં પહોંચે છે અને તેની લંબાઈ 30 કિમી.ની દર્શાવાઈ છે. તે લોકોએ તેને ‘એડમ્સ બ્રિજ’ – ‘આદમનો સેતુ’ નામ આપ્યું છે ! નિષ્ણાતોના મત મુજબ તે એક લાખ વર્ષ જૂનો હશે ! રામે રામેશ્વરથી લંકામાં જવા માટે નલવાનર પાસે બંધાવેલો સેતુ આ ન જ હોય એમ કેમ કહેવાય !
ભાષાશૈલી : ઉત્તમ કથાનકનો ઉત્તમ કાવ્યદેહ. શબ્દ અને અર્થ સમાન અને પ્રભાવક. પ્રશિષ્ટ કાવ્યનાં લક્ષણો પ્રથમ વાર અહીં પ્રગટે છે. શબ્દ, અર્થ અને લય ત્રણેયનું સામંજસ્ય સર્વત્ર, અલંકારોમાં પણ, સચવાયું છે. મહાભારત કરતાં આર્ષપ્રયોગો, બેવડી સંધિ, સંધિનો અભાવ જેવી પ્રાચીન ભાષાની ખાસિયતો અહીં વધારે પ્રમાણમાં મળે છે અને ભાષા સરળ-ભવ્ય છે તેથી પ્રશિષ્ટ સંસ્કૃત વિકસી તે પહેલાંનો આ ભાષાનો સ્તર, બોલાતી ભાષા જ લાગે છે. તેથી જ વધારે પ્રવાહી-સરળ-વ્યાપક. કર્તાનો પ્રકૃતિપ્રેમ સ્પષ્ટ જણાય છે. પ્રકૃતિના સૌંદર્ય પ્રત્યેની તેમની ઉત્કટ સંવેદનશીલતા ઔચિત્યપૂર્ણ છે.
પમ્પાસરોવર પાસેની પ્રકૃતિની ભવ્યતાનું વર્ણન અને તેની આહલાદકતાની વિરહી રામના માનસ ઉપરની અવળી અસરનું વર્ણન વિશ્વનાં શ્રેષ્ઠ વર્ણનોમાં સ્થાન પામ્યું છે. કુંભકર્ણના મૃત્યુનું તાશ આલેખન પણ અજોડ ગણાય છે. વર્ણનની ભાષા સરળ છતાં ભવ્ય, ચોટદાર હોવાથી હૃદય સોંસરી ઊતરી જાય છે. રામ-રાવણ વચ્ચેનું અંતિમ યુદ્ધ અતિદારુણ અને ઘણું લાંબું હતું. દેવતાઓ પણ તે નીરખી આશ્ર્ચર્યમુગ્ધ થઈ ગયા ! એને માટે કવિની કલ્પનાને કોઈ ઉપમાન ન જડતાં અનન્વય અલંકારનો આશ્રય લીધો છે : ‘गगनं गगनाकारं, सागरः, सागरोपमः। रामरावठणयोर्युद्धं रामरावणोयोरिव ।।’ (‘આકાશ આકાશ જેવું છે, સાગર સાગર જેવો જ છે; (તેમ) રામ-રાવણનું યુદ્ધ રામ-રાવણના યુદ્ધ જેવું જ છે !’) આથી વધારે ચોટદાર પ્રભાવક વર્ણન બીજું કયું હોઈ શકે ? સરલ લોકભોગ્ય છતાં કલાત્મક રીતે પ્રશિષ્ટ સાહિત્યનાં લક્ષણો પણ ઉચિત રીતે જ ધરાવે છે. આવું અદ્ભુત આદિકાવ્ય એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય ભેટ ગણાય.
સૂક્તિઓ પુષ્કળ છે. ઋષિમુખે કે રામાદિ પવિત્ર પાત્રોને મુખે જ શોભે એવું નથી. માયાવી રાક્ષસો પણ અંતે માનવ જ હતા, તેથી તેમના મુખમાંથી પણ સરી પડે છે. (રામાયણનાં આવાં પદ્યોને ગ્રંથસ્થ પણ કરાયાં છે.) મારીચ રાવણને કહે છે : ‘रामो विग्रहवान् धर्मः।’ રાવણની બે ઉક્તિઓ ‘स्वभावो दुरतिक्रमः’ અને ‘न मिथ्या ऋषिभाषितम्’ છેલ્લું ઉદાહરણ સંધિનો અભાવ પણ દર્શાવે છે !
વૈદિક સાહિત્યમાં : ‘ઇક્ષ્વાકુ’નો ‘ઋગ્વેદ’માં એક વાર અને ‘અથર્વવેદ’માં ચાર વાર ઉલ્લેખ છે. ‘ઋગ્વેદ’ની એક દાનસ્તુતિમાં ‘દશરથ’ની પ્રશંસા કરાઈ છે. ‘રામ’નો ‘ઋગ્વેદ’માં એક વાર ઉલ્લેખ છે, કોઈ રાજા જણાય છે. ‘ઐતરેય બ્રાહ્મણ’માં ‘રામ ભાર્ગવેય’, ‘શતપથ બ્રાહ્મણ’માં ‘રામ ઔપતસ્વિની’ અને ‘જૈમિનીય ઉપનિષદ્ બ્રાહ્મણ’માં ‘રામ ક્રાતુજામતેય’ ઉલ્લેખાયા છે, પણ કોઈ વિગત નથી. રામ દાશરથિનો ક્યાંય ઉલ્લેખ નથી. વૈદિક સાહિત્યમાં સીતાના ઉલ્લેખો કૃષિની અધિષ્ઠાત્રી દેવતા તરીકે મળે છે, સૂર્યપુત્રી રૂપે એક ઉલ્લેખ છે. ‘તૈત્તિરીય બ્રાહ્મણ’માં ‘સીતાસાવિત્રી’ નામની એક સ્ત્રીનો ઉલ્લેખ છે. રામકથા ઉલ્લિખિત નથી.
માનવસમાજના ત્રણ સ્તર આ કથામાં વણાયા છે : (1) ‘આર્ય એ સુસંસ્કૃત પ્રગતિશીલ સમાજ છે, જેના નેતા શ્રીરામ છે. (2) ‘વાનર’ અસંસ્કૃત આદિવાસી સમાજ. (3) ‘રાક્ષસ’ અતિશક્તિશાળી, નિષ્ઠુર, આસુરી માયાવી સમાજ, આસુરી સમ્પત્તિથી સભર, રાવણ-ઇન્દ્રજિત તેના નેતાઓ. દૈવી સંપત્તિ – આસુરી સંપત્તિના ઘર્ષણની તથા દૈવીના આસુરી ઉપરના વિજયની આ કથા છે. ‘રામાયણ’નો બોધ છે. ‘रामादिवद् वर्तितव्यं, न रावणादिवत्’ દૈવી સંપત્તિયુક્ત રામાદિના સદગુણો જીવનમાં ઉતારવા, આસુરી સંપત્તિવાળા રાવણાદિના દુર્ગુણો નહિ. વળી સર્વગુણસમ્પન્નમાં પણ દોષ હોય છે અને દુષ્ટતમમાં પણ સદગુણ હોય છે એ સત્ય અહીં ઉદાહૃત થયું છે. કર્તવ્યપરાયણતા અને સ્નેહનિષ્ઠ કુટુંબભાવનાનો, ભારતીય સંસ્કૃતિ અને માનસ ઘડનારો, આર્ય ઉદાત્તતા દિવ્યતાનો આદર્શ પ્રબોધતો આ અજોડ ગ્રંથ વિશ્વનો શ્રેષ્ઠ ઉપજીવ્ય ગ્રંથ છે.
જયન્ત પ્રે. ઠાકર