રામાનુજાચાર્ય (જ. 1017, પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુ; અ. 1137) : વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય. વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું.

રામાનુજાચાર્ય

યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું; પરંતુ પાછળથી મહાપૂર્ણે તેમનું નામ ‘લક્ષ્મણ’ (અર્થાત્ રામના અનુજ, નાના ભાઈ) એટલે ‘રામાનુજ’ પાડ્યું. તેમણે વેદનું અધ્યયન પિતા પાસે પૂરું કર્યું. પિતાએ 16 વર્ષની ઉંમરે તેમનું લગ્ન કરાવી દીધું. પિતા કેશવ યજ્વનનું અવસાન થતાં રામાનુજ કાંચીમાં યાદવપ્રકાશને ત્યાં મીમાંસાદિ શાસ્ત્રો ભણવા ગયા. તેમની સાથે તેમની દ્યુમતી માસીના પુત્ર ગોવિંદ પણ ભણતા હતા. ત્યાં પૂર્વમીમાંસાનું અધ્યયન પૂરું થયું. રામાનુજ કુશાગ્ર બુદ્ધિના હતા. તેથી ઉપનિષદનાં વાક્યો પરની ગુરુની વ્યાખ્યા અંગે તેમને ઘણી વાર મતભેદ પડતો. અંતે ગુરુ પાસે ભણવાનું છોડી એમણે ઘેર રહી અભ્યાસ કર્યો. રામાનુજના પાંડિત્યની ખ્યાતિ ઘણી વધી હતી. શ્રીરંગમના વૈષ્ણવ આચાર્ય યામુનાચાર્ય તેમનાથી પ્રભાવિત થયા અને પોતાના પછી રામાનુજ વૈષ્ણવોના મહંત થાય એવી ઇચ્છાથી તેમણે રામાનુજને શ્રીરંગમ્ તેડાવ્યા, પરંતુ યામુનાચાર્યનું અવસાન થતાં બંનેનો મેળાપ થઈ શક્યો નહિ. મરતાં પહેલાં યામુનાચાર્ય તેમને માટે ત્રણ આદેશ મૂકી ગયા હતા : વેદાન્તસૂત્રો પર ભાષ્ય રચવું, આળવારોના પદસંગ્રહને પંચમ વેદનું સ્થાન આપવું અને વિષ્ણુપુરાણના કર્તા મુનિશ્રેષ્ઠ પરાશરની યાદમાં કોઈ વૈષ્ણવ પંડિતનું નામ પરાશર રાખવું. આગળ જતાં રામાનુજાચાર્યે આ ત્રણેય આદેશોને ગુરુની આજ્ઞા માની તેમનું પાલન કર્યું.

રામાનુજે સંન્યાસ લઈ યામુનાચાર્યની ગાદી સ્વીકારી. તેમણે ગુરુબંધુઓ પાસેથી યામુનાચાર્યના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. તેમણે ગોષ્ઠિપૂર્ણજી પાસેથી અષ્ટાક્ષરમંત્ર(ॐ नमो नारायणा)ની દીક્ષા લીધી અને આ રહસ્યમંત્રનો લાભ નાતજાતના ભેદભાવ વગર સર્વને આપ્યો. શ્રીરંગમમાં રંગનાથજીના મંદિરનો વહીવટ સંભાળવા ઉપરાંત વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરવા માટે તેમણે કમર કસી. યામુનાચાર્યની આજ્ઞા મુજબ આળવારોનાં દ્રવિડ ભાષાનાં પદોના સંગ્રહને તેમણે પંચમ વેદ તરીકે જાહેર કર્યો. પોતાના શિષ્ય કુરેશના પુત્રનું નામ પરાશર ભટ્ટ રાખ્યું અને વેદાંતસૂત્રો ઉપર ‘શ્રી-ભાષ્ય’ની રચના કરી. શ્રી-ભાષ્યમાં તેમણે શંકરાચાર્યના કેવલાદ્વૈત મતનું ખંડન કરી વિશિષ્ટાદ્વૈત મતનું તર્કસંગત મંડન કર્યું. શ્રી-ભાષ્ય લખ્યા પછી રામાનુજે શિષ્યો સહિત સમગ્ર ભારતની યાત્રા કરી અનેક સ્થળોએ શાસ્ત્રાર્થ કર્યો. તેમણે કાશી અને કાશ્મીરના પંડિતોને પણ પરાજિત કર્યા. હજારો સ્ત્રી-પુરુષોએ વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી. સમગ્ર ભારતમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરી તેઓ શ્રીરંગમ્ આવ્યા. તે દિવસોમાં શ્રીરંગમ્ ચોળ રાજાના અધિકારમાં હતું. કટ્ટર શૈવપંથી રાજા તરફથી રામાનુજ અને અન્ય વૈષ્ણવોને કનડગત થતાં રામાનુજાચાર્યે મૈસૂર રાજ્યમાં આશ્રય લીધો. ત્યાં બાર વર્ષના નિવાસ દરમિયાન વૈષ્ણવ ધર્મનો બરાબર પ્રચાર કર્યો. ચોળ રાજાનું અવસાન થતાં રામાનુજે શ્રીરંગમમાં પાછા આવી વૈષ્ણવ ધર્મનું વ્યાપક પ્રચારકાર્ય આરંભ્યું. સમગ્ર જીવન સાધના, ભક્તિ અને ધર્મપ્રચારમાં ગાળી આચાર્ય રામાનુજ લગભગ 120 વર્ષની વયે વૈકુંઠવાસી થયા.

રામાનુજના સંપ્રદાયમાં પરમાત્માને નારાયણ કે વાસુદેવ નામે ઓળખવામાં આવે છે અને આ મત મુજબ પરમાત્માની કૃપા તેમની શ્રી-શક્તિ-લક્ષ્મી દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. આથી આ સંપ્રદાય શ્રી-સંપ્રદાયને નામે ઓળખાય છે. વેદાંતસૂત્રો પરના તેમના ભાષ્યનું નામ ‘શ્રી-ભાષ્ય’ પણ આ અર્થમાં સૂચક છે. રામાનુજાચાર્યે શ્રી-ભાષ્ય ઉપરાંત ‘ગીતા-ભાષ્ય’, ‘વેદાંતસંગ્રહ’, ‘વેદાંતદીપ’ અને ‘વેદાંતસાર’ જેવા ગ્રંથો લખી પોતાના મતની પુષ્ટિ કરી છે.

રામાનુજાચાર્ય પૂર્વે શંકરાચાર્યે કેવલાદ્વૈત મતનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. શંકરને મતે સર્વ પ્રકારના ગુણોથી રહિત, જ્ઞાનસ્વરૂપ, નિરાકાર, નિર્વિકાર બ્રહ્મ જ માત્ર સત્ય છે. બ્રહ્મ સિવાય વિશ્વમાં જે કંઈ જડ ને ચેતન દેખાય છે તે બધું માયા અને મિથ્યા છે. જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. છતાં જો આમાં કોઈ ભેદ દેખાય તો તે અજ્ઞાનને કારણે છે. એ અજ્ઞાનનો નાશ અને સદ્જ્ઞાનની પ્રાપ્તિ એ જ મુક્તિનું સાધન છે.

શંકરાચાર્યનો આ મત વૈષ્ણવ વિચારધારાથી સાવ ભિન્ન હતો; કેમ કે, જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરવાથી શાંકરમતમાં સગુણ ઈશ્વરની ભક્તિ અને અવતારવાદની ધારણાને કોઈ અવકાશ જ નહોતો. વળી શંકરની વિચારધારા જ્ઞાનીઓ માટે હતી. સામાન્ય મનુષ્યો તેને ભાગ્યે જ સમજી શકતા હતા. સામાન્ય જનતા તો એક એવા ઈશ્વરની શોધમાં હતી જે તેમની પ્રાર્થનાઓ સાંભળે, દયા કરે, સંકટ સમયે આવીને રક્ષા કરે; જેનાં ચરણોમાં સમર્પણ કરવાથી તેઓ પોતાનાં દુ:ખ-દૈન્યોમાંથી છુટકારો મેળવે. આવી સ્થિતિમાં રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંત પર ભક્તિમાર્ગનું મંડન કર્યું.

રામાનુજના મતે બ્રહ્મ પરમ સત્ય, સગુણ અને સવિશેષ છે; તે શક્તિ, ઐશ્વર્ય, કરુણા વગેરે સમસ્ત સદગુણોથી સંપન્ન છે; વળી તે જીવ અને જગતથી વિશિષ્ટ છે. તે જીવ અને જગતનું અંતર્યામી છે. જીવ અને જગત સત્ય છે, પણ સ્વતંત્ર નથી. તેઓ બ્રહ્મને અધીન અને બ્રહ્મથી પૃથક છે. બ્રહ્મ જ જગતનું કારણ અને સ્રષ્ટા છે. જગત એ બ્રહ્મની વાસ્તવિક સૃદૃષ્ટિ છે અને તે સત્ય છે, માયિક નથી. બ્રહ્મ સત્, ચિત્, આનંદ વગેરે અનંત સદગુણો ધરાવતું હોવાથી તે પરમેશ્વર પણ છે. દિવ્ય સ્વભાવયુક્ત હોવાને લઈને તે ભક્તોનું ઉપાસ્ય પણ છે. ઉપાસક જીવ પરમેશ્વરનો પોતાનો એક અંશ છે, પરંતુ તે બ્રહ્મરૂપ નથી. તેમની વચ્ચે અંશ અને અંશીનો સંબંધ છે. આથી જીવ દ્વારા ઈશ્વરોપાસના શક્ય છે. આ ઉપાસનાનું લક્ષ્ય પરમેશ્વર-પ્રાપ્તિ છે, મોક્ષની અવસ્થામાં પણ જીવ બ્રહ્મ સાથે સંપૂર્ણ તાદાત્મ્યનો અનુભવ કરી શકતો નથી. મોક્ષ ઈશ્વરની કૃપા પર નિર્ભર હોવાથી તેના પ્રત્યે નિરંતર પ્રવાહિત થતી ભક્તિ દ્વારા જ તે પ્રાપ્ત થઈ શકે છે. વળી રામાનુજ કહે છે કે જ્ઞાનયોગની સાધના સીમિત હોવાથી, આત્મા શરીરથી ભિન્ન છે એટલું જ્ઞાન થાય ખરું, પણ ‘હું ઈશ્વરનો અંશ છું’ એ અનુભૂતિ થવા માટે જ્ઞાન અને યોગ પૂરતાં નથી. એને માટે તો પ્રેમનો માર્ગ, ભક્તિનો આશ્રય જ શ્રેષ્ઠ છે.

આમ રામાનુજે શાંકર વેદાંતના નિર્ગુણ બ્રહ્મમાં ઈશ્વરતત્વનું આરોપણ કરીને તેને ભક્તોની પ્રાર્થના સાંભળનાર, વિશ્વપ્રપંચનો કર્તા અને તેનો સંહારક બનાવી દીધો. બ્રહ્મને સ્થાને સગુણ ઈશ્વર આવવાથી ભક્તિ સુલભ બની.

જ્ઞાન, કર્મ અને ભક્તિમાં ભક્તિને શ્રેષ્ઠ બતાવવા છતાં પણ રામાનુજે એમ કહ્યું છે કે ભક્તિમાં પણ સૌથી સુલભ માર્ગ પ્રપત્તિ છે. આને માટે જ્ઞાન, વિદ્યાભ્યાસ, યોગસાધના વગેરેની જરૂર નથી; માત્ર ધ્યાનપૂર્વક ઈશ્વરનું ચિંતન કરવાથી, તેની ભક્તિ કરવાથી ઈશ્વર જીવને અપનાવી લે છે.

આળવાર સંતો આભડછેટ અને નાતજાતમાં માનતા નહોતા. તેઓ વર્ણાશ્રમના વિધિનિષેધોના હિમાયતી પણ નહોતા. રામાનુજે આળવારોના આ અભિગમને યુક્તિપૂર્વક પોતાના મતમાં ગોઠવ્યો. આમ પ્રપત્તિનો માર્ગ સ્ત્રી-શૂદ્રો સહિત બધાંને માટે ખુલ્લો થયો. રામાનુજનું આ પગલું તત્કાલીન સુધારાવાદી બ્રાહ્મણ ક્યાં સુધી જઈ શકે તેનું સૂચક હતું. તેમના સંપ્રદાયે લાખો શૂદ્રો તેમજ અંત્યજોને પોતાના માર્ગમાં અપનાવી વૈષ્ણવી સંસ્કારયુક્ત કર્યા. તેમનાં આચરણો ધર્માનુકૂલ બનાવ્યાં. આનું પ્રચ્છન્ન પરિણામ એ આવ્યું કે લાખો શૂદ્રો, અંત્યજો વગેરે પરધર્મમાં વટલાતા અટકી ગયા.

લક્ષ્મેશ વ. જોશી

પ્રવીણચંદ્ર પરીખ