રા’માંડલિક 3જો (શાસનકાળ : ઈ. સ. 1451-1472) : ચૂડાસમા વંશના રા’મહીપાલદેવનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. મહીપાલદેવને વૃદ્ધાવસ્થામાં, બાધા રાખ્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો. ઈ. સ. 1451માં પુત્રનો રાજ્યાભિષેક કરી, મહીપાલદેવે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું હતું. રાજ્યાભિષેક સમયે માંડલિકે ‘અમારિઘોષણા’ જાહેર કરી અને દરેક મહિનાની પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને અમાસના દિવસોએ તેના રાજ્યમાં પશુહિંસા પર પ્રતિબંધ મૂક્યો. ઉપરકોટમાં સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં લખાયેલા તેના લેખમાં અમારિઘોષણા તથા તેની અન્ય પ્રશસ્તિ આપવામાં આવી છે. તેને નાયક તરીકે નિરૂપીને ‘મંડલિક મહાકાવ્ય’ની રચના ઈ. સ. 1460માં કરવામાં આવી છે. તેનો રચનાર ગંગાધર કવિ માનવામાં આવે છે. આ કાવ્યમાં જણાવ્યા અનુસાર તેને કુંતા, ઉમા, કિક્કા માણિક્યદેવી અને યમુના નામની ચાર રાણીઓ હતી.
આ મહાકાવ્ય મુજબ બેટ શંખોદ્ધારના રાજા સાંગણ ઉપર માંડલિકે દરિયાઈ માર્ગે ચડાઈ કરી એને હરાવ્યો. ત્યાંથી પાછા ફરતાં સાંગણ પારસીકો(ઘણુંખરું સિંધના મુસ્લિમો)ની સહાય લઈને આવ્યો. પુન: ઘોર સંગ્રામ થયો. માંડલિક તેમાં પણ જીત્યો. માંડલિકે ગાદીએ બેઠા બાદ, ગિરનાર ઉપરના અંબાજીના તથા પ્રભાસપાટણના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
માંડલિકના રાજદરબારમાં વિદ્વાનોનો તથા વિદ્યાનો આદર થતો હતો. કવિ ગંગાધરે માંડલિકનાં યુવાવસ્થાનાં કાર્યોને મહાકાવ્યમાં નિરૂપ્યાં છે. વિનવાયી નામની માંડલિકની રાજકુમારીએ ‘દ્વારકા-પત્તન’ નામનું સુમધુર કાવ્ય રચ્યું હતું. તેમાં તેણે તેના પિતા માંડલિકની પ્રશંસા કરતાં તેને શૂરવીર, દાનવીર, પ્રતાપી, કીર્તિવાળો અને માની અર્થાત્ પોતાનું ગૌરવ જાળવનારો જણાવ્યો છે. માંડલિકે સોરઠમાંનાં મુસ્લિમ થાણાં દૂર કર્યાં હતાં.
ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડા(1459-1511)એ માંડલિકને ઇસ્લામ ધર્મ સ્વીકારી તાબેદાર થવા કહેવડાવ્યું; પરંતુ તેનો અસ્વીકાર થવાથી બેગડાએ 1467માં જૂનાગઢ પર ચડાઈ કરી. માંડલિકે મુસ્લિમ સેનાનો બહાદુરીથી સામનો કર્યો. માંડલિક ઘવાયો. મુસ્લિમોએ જૂનાગઢ પ્રદેશમાં લૂંટફાટ કરી. માંડલિકે સંધિ કરી, તાબેદારી સ્વીકારી અને ખંડણી આપી.
બીજે વર્ષે મહમૂદને જાણવા મળ્યું કે રા’માંડલિક સોનેરી છત્ર ધારણ કરી દામોદરજીની પૂજા કરવા ભભકાથી જાય છે. આ ધાર્મિક કાર્ય સુલતાનને સંધિની વિરુદ્ધ લાગવાથી તેણે 1468માં જૂનાગઢ ઉપર ચડાઈ કરી. સંજોગો સમજીને માંડલિકે છત્ર સહિત અન્ય અમૂલ્ય ભેટો મોકલી આપી પોતાના રાજ્યને વિનાશમાંથી બચાવી લીધું.
સોરઠ વિસ્તારને પૂર્ણપણે મુસ્લિમ સત્તા હેઠળ લાવવાના સ્પષ્ટ નિર્ધારથી મહમૂદ બેગડાએ 1469માં જૂનાગઢ ઉપર ત્રીજી વાર ચડાઈ કરી. માંડલિકે ઉપરકોટના કિલ્લામાં સંપૂર્ણ તૈયારી કરીને રોજ એક ટુકડીને લડવા મોકલવા માંડી. આ દરમિયાન તેનો મંત્રી વિશળ ફૂટી ગયો. તેણે અન્નનો જલદીથી વ્યય કર્યો અને કિલ્લાના દરવાજા ખોલી નખાવ્યા. મહમૂદ લશ્કર સહિત કિલ્લામાં ધસી ગયો. રાજપૂતો અપૂર્વ વીરતાથી લડ્યા અને મુસ્લિમ લશ્કરનો વિપુલ વિનાશ કર્યો. માંડલિક પોતે ઘણી બહાદુરીથી લડ્યો. પાછળથી કોઈ મુસ્લિમ સૈનિકે બરછીના ઘા કરવાથી તે ધરાશાયી થયો. એના સૈનિકો એને સુરક્ષિત સ્થળે લઈ ગયા. મહમૂદે એને મુસ્લિમ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, તે સાચી ઠરાવવા માટે કોઈ બીજા રાજપૂત યોદ્ધાને મહમૂદ પાસે લઈ જવામાં આવ્યો. કહેવાય છે કે માંડલિક એનું રાજ્ય પાછું મેળવવા સોરઠમાં બે વર્ષ ફરતો રહ્યો હતો.
બાકીનું જીવન અમદાવાદમાં ગાળી ત્યાં અવસાન પામ્યો. જૂનાગઢના ચૂડાસમા વંશનું પ્રભુત્વ રા’માંડલિક હાર્યો અને મૃત્યુ પામ્યો પછી પૂરું થયું. ત્યારથી સોરઠ ઉપર મુસ્લિમ સત્તા શરૂ થઈ.
જયકુમાર ર. શુક્લ