રામલિંગેશ્વર મંદિર (1480) : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાડીપત્રી ખાતે આવેલાં બે પ્રખ્યાત મંદિરો પૈકીનું એક. તે બગ્ગા રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. બીજું મંદિર ચિન્તાલા વેંકટરામન (1509-42) તરીકે જાણીતું છે. બંને મંદિરો પશુ અને અચેતન વસ્તુઓનાં ચિત્રો-શિલ્પો વડે વિપુલ પ્રમાણમાં સુશોભિત કરવામાં આવ્યાં છે.
રામલિંગેશ્વર મંદિરના સંકુલમાં ઉત્તર અને દક્ષિણે વિશાળ છતાં બિનસફાઈદાર ગોપુરમ્ આવેલાં છે; પશ્ચિમમાં આવેલ ગોપુરમ્ પરિમાણમાં મધ્યમસરનું હોવા છતાં તેની જાળવણી વધુ સારી રીતે કરવામાં આવી છે. બે મંદિરો સમચતુષ્કોણ પ્રાંગણમાં આવેલાં છે. ઉત્તરમાં આવેલ મંદિરમાં જળથી ભરેલી બેસણી પર લિંગ સ્થાપિત છે. આ બેસણી નાના ફુવારા વડે જળથી સતત ભરાતી રહે છે. પાસેના મંડપમાં બે દ્વારમંડપ દ્વારા પ્રવેશી શકાય છે. દક્ષિણના મંદિરમાં બે પૂજાગૃહો છે. (પૂર્વમાં) પાર્વતીની અને (ઉત્તરમાં) લક્ષ્મણ તથા સીતા સહિત રામની મૂર્તિઓ છે. બંને પૂજાગૃહ બહારના ભાગે સહિયારા મંડપમાં ખૂલે છે. નાજુક રીતે તૈયાર કરેલ બેસણી પર અર્ધસ્તંભવાળી દીવાલો ઊભી કરાઈ છે. શિખરો બહુમાળી, પિરામિડયુક્ત અને ગોળાર્ધ છાપરાંવાળાં છે. દ્વારમંડપ અને ખુલ્લા મંડપની કમાનો પર કમળની પાંખડીઓની ઝીણી કોતરણી કંડારેલી છે.
અધૂરાં ગોપુરમ્ અસામાન્યપણે સુદીર્ઘ છે; તે વિજયનગર શૈલીની અતિ અલંકૃત વિવિધતાથી સુશોભિત છે. સ્થાપત્યવિષયક તત્ત્વોમાં બેવડી પીઠ, અર્ધસ્તંભવાળી દીવાલો, વિવિધ અંગોની કમાનો દ્વારા અથવા શિખર જેવી ત્રિકોણાકાર રચના દ્વારા રચાયેલ ગોખ અને પાત્રોમાં ઊભતા અર્ધસ્તંભોનો સમાવેશ થાય છે. આ બધું રત્નો, ફૂલની પાંખડીઓ, પશુ-પક્ષીઓનાં લઘુ શિલ્પો અને લખોટા વડે કોતરેલી પટ્ટીઓના થરથી મઢેલું છે. આ ઉપરાંત દેવો, દાતાઓ, વાલીઓ, સંતો, પાછલા પગ પર ઊભેલાં પશુ પરના સવારો અને ફૂલવેલીને ગ્રહીને ઊભેલી કુમારિકાઓ જેવી આકૃતિઓ આકર્ષણને પાત્ર બની છે.
આ મંદિરોના સ્તંભો ઘોડેસવાર સૈનિકોની આકૃતિઓ વડે શણગારાયા છે. જોકે આ મંદિરમાં આલંકારિક કલાત્મક રચનાઓમાં મર્યાદિત પ્રધાન તત્વ જોવા મળે છે. રામલિંગેશ્વર મંદિરના ગોપુરમ્ પરનું મહિષાસુરમર્દિની દુર્ગાનું શિલ્પ શૈલી અને કુશળતાના લય માટે નોંધપાત્ર છે. હોયસળ કાળથી તેની અવનતિ શરૂ થઈ છે.
સ્નેહલ શાહ
અનુ. બળદેવભાઈ કનીજિયા