રામબાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (હિં. વિલાયતી બબૂલ; બં. બલાતી કિકર; મ. અદાન્તી; ગુ. રામબાવળ, વિલાયતી બાવળ, પરદેશી બાવળ) છે. તે મોટો કંટમય (spinous) ક્ષુપ કે નાનું 5-6 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી છે. તે ભારતના શુષ્કતર પ્રદેશોમાં લગભગ બધે જ જોવા મળે છે. તેની છાલ લીલી અથવા બદામી, પાતળી અને લીસી હોય છે. પર્ણો દ્વિપિચ્છાકાર (bipinnate) સંયુક્ત હોય છે. તેમનો પ્રથમ પત્રાક્ષ (rachis) ટૂંકો અને મજબૂત કંટમાં પરિણમેલો હોય છે. દ્વિતીય પત્રાક્ષ 15 સેમી.થી 30 સેમી. લાંબો લીલો અને ચપટો બની દાંડીપત્ર(phylloclade)માં રૂપાંતર પામેલો અને 1થી 3ની જોડમાં હોય છે. પર્ણિકાઓ નાની, અંડાકાર અથવા પ્રતિભાલાકાર (oblanceolate) હોય છે. પુષ્પો કક્ષીય કલગી સ્વરૂપે શિથિલપણે ગોઠવાયેલાં, પીળાં અને સુગંધિત હોય છે. શિંબી ફળ પાતળું, મણકામય અને 10 સેમી. જેટલું લાંબું હોય છે. પ્રત્યેક ફળમાં 4-7 લીસાં, ઘેરાં બદામી, કર્બુરિત અને લંબચોરસ બીજ હોય છે.

આ વનસ્પતિને તેનાં સુંદર પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનો વાડ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તેની વૃદ્ધિ ઝડપથી થાય છે. તેનું કાળજીપૂર્વક કૃંતન કરવાથી અને સંભાળ રાખવાથી સારો વિકાસ થાય છે. તે પુનર્વનીકરણ (reforestation) માટે ઉપયોગમાં આવે છે અને શુષ્ક પ્રદેશની રક્ષક મેખલા(shelter belt)ની બહારની હરોળ તૈયાર કરવામાં ઉપયોગી થાય છે. પ્રસર્જન બીજ, રોપાઓ અને મૂળ તથા પ્રકાંડના કટકાઓના રોપણ દ્વારા થાય છે.

તરુણ શાખાઓને કાપીને ઘેટાં-બકરાંને ચારા તરીકે આપી શકાય છે. તેઓ પડેલાં પર્ણો પણ ખાય છે. પડી ગયેલાં પર્ણોનું એક શુષ્ક વજન ઉપર આધારિત રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 7.5 %, ઈથર-નિષ્કર્ષ 1.8 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 44.8 %, રેસા 29.0 %, ભસ્મ 16.9 %, કૅલ્શિયમ 4.16 % અને ફૉસ્ફેટ 0.17 %. વનસ્પતિના બધા ભાગો જ્વરહર (antipyretic) હોય છે. પર્ણો સ્વેદલ (diaphoretic) અને ગર્ભપાતપ્રેરક (abortifacient) ગણાય છે. પર્ણનો રસ રાંઝણ(sciatica)માં ઉપયોગી હોવાનો ઉલ્લેખ છે. પર્ણો, પ્રકાંડ અને પુષ્પમાં આલ્કેલૉઇડ અને સ્ટેરૉઇડની હાજરી હોય છે.

બીજ (વજન 7.5 ગ્રા./100) ખાદ્ય હોય છે અને તે મુખ્યત્વે આલ્બ્યુમિન અને ગ્લુટેલિન નામનાં પ્રોટીન ધરાવે છે. તેમનામાં 28 % શ્લેષ્મ (પ્રોટીન-મુક્ત આધારે) હોય છે. બીજમાંથી લગભગ 1.65 % જેટલું સોનેરી રંગનું મેદીય તેલ પ્રાપ્ત થાય છે.

તેનું કાષ્ઠ સફેદ રંગથી માંડી જાંબુડિયા-બદામી રંગનું, સંકુલિત કણયુક્ત (closed grained), સખત અને ભારે (વજન 833 કિગ્રા./ઘમી.) હોય છે. તે બળતણ તરીકે ઉપયોગી છે અને સારો કોલસો આપે છે. છાલ સુંદર સફેદ છતાં ટૂંકા અને બરડ રેસાઓ ઉત્પન્ન કરે છે, જેનું કાગળ-ઉદ્યોગમાં અન્ય ગર સાથે મિશ્રણ કરવામાં આવે છે.

આર્યભિષક્માં રામબાવળ (દેવબાવળિયો, Acacia latronam willd.નો એક બાવળની જાતિ તરીકેનો ઉલ્લેખ છે, છતાં તે સામાન્ય બાવળ જેવું મોટું વૃક્ષ નથી. તેના કાંટા અને પીળા રંગનાં પુષ્પો બાવળ જેવાં જ હોય છે. તેને લાખ આવે છે. આયુર્વેદ અનુસાર બાવળ તૂરો, કડવો, શીતળ અને ઉષ્ણ છે અને કફ, પિત્ત, તૃષા, રક્તદોષ, દાહ, તાવ, ઊલટી, મેહ અને વિષનો નાશ કરે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ