રામફળ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona reticulata Linn. (સં. મ. રામફલ; હિં. લવની, અંતા, નાગ્નેવા, નોના, રામફલ; અં. બુલૉક્સ હાર્ટ, નેટેડ કસ્ટર્ડ ઍપલ) છે. તે નાનું, પર્ણપાતી કે અર્ધ-પર્ણપાતી (semi-deciduous), 10 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું, ખાસ કરીને વેસ્ટ ઇંડિઝનું, મૂલનિવાસી છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, નેપાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ અને ઓરિસાનાં રાજ્યોમાં વન્ય જાતિ તરીકે ભેજવાળા વિસ્તારોમાં નૈસર્ગિક રીતે થાય છે. તેનું વ્યવસ્થિત વાવેતર કરવામાં આવતું નથી. છાલ ખરબચડી, 1.4 મિમી.થી 4.00 મિમી. જાડી અને ઘેરા બદામી રંગની હોય છે, અને લંબવર્તી ફાટો ધરાવે છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), સાદાં, એકાંતરિક, 10 સેમી.થી 20 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 7.4 સેમી. પહોળાં અને અણગમતી વાસવાળાં હોય છે. પુષ્પો એકાકી, પર્ણ-સમ્મુખ (leaf-opposed), રસાળ, લીલાશ પડતાં સફેદ અને શાખાઓ ઉપર વીખરાયેલાં હોય છે. ફળ સંયુક્ત અનષ્ઠિલ પ્રકારનું, હૃદયાકાર, પીળું કે બદામી-લાલ હોય છે અને 7.5 સેમી.થી 18.0 સેમી. વ્યાસ ધરાવે છે. તેના ઉપર પંચકોણીય પરિક્ષેત્રકો (areoles) આવેલા હોય છે. બીજ લીસાં અને ચળકતાં હોય છે.
રામફળનું વૃક્ષ મજબૂત (robust) હોય છે અને તે ઊંડું મૂળતંત્ર અને પુષ્કળ મૂળતંતુઓ ધરાવે છે. તેનું પ્રસર્જન કલિકા, આરોપણ અથવા ભેટકલમ દ્વારા થાય છે. સીતાફળની કલમ દ્વારા કરવામાં આવતા પ્રસર્જન માટે રામફળ શ્રેષ્ઠ મૂલકાંડ ગણાય છે. A. muricata (મામફળ) અને A. cherimola (હનુમાનફળ) સાથે તેનું સંકરણ થઈ શકે છે. સાંગરેડ્ડીમાં તેની બે કૃષિજોપજાતિ (cutivar) અલગ તારવવામાં આવી છે : (1) ‘સ્ક્વેમોસા’ ખૂબ ફેલાયેલી શાખાઓ ધરાવતી 3.0 મી.થી 4.5 મી. ઊંચી જાત છે. પર્ણો ચપટાં કે સહેજ વળેલાં હોય છે. ફળ હૃદયાકાર, આશરે 448 ગ્રા. વજનવાળું, ગર મધ્યમ-કણિકાઓવાળો, આછા પીળા રંગનો, અંદરના ભાગમાં સફેદ, ચીકણો અને મીઠો હોય છે અને પેશીઓ બીજ સાથે ચોંટેલી હોય છે. બીજ 50થી 100 જેટલાં હોય છે. ફળનો ઓછો ઉતારો આપતું વૃક્ષ છ જેટલાં જ ફળો આપે છે. (2) ‘રેટિક્યુલાટા’ 3 મી.ની ઊંચાઈ ધરાવતી સઘન, ઘુંમટ આકારની જાત છે. પર્ણો કુંચિત (crinkled) અને પાશવાળાં હોય છે. ફળ લાલ રંગનું, નાનું, ગોળ, 280 ગ્રા.થી 504 ગ્રા. વજનવાળું, ગર સફેદ, ઓછો મીઠો, સ્વાદરહિત (insipid), પેશીઓ ચર્મિલ અને બીજ સાથે મધ્યમસરની ચોંટેલી હોય છે. ફળમાં 55 જેટલાં બીજ હોય છે. પ્રત્યેક વૃક્ષ 20થી 40 જેટલાં ફળો આપે છે. ‘સોસાયટી-હાઇબ્રિડ’ નામની એક જાતનું પણ વાવેતર થાય છે.

રામફળ અને તેનાં પાંદડાં, કળી તથા પુષ્પ
ભેજવાળી ઉષ્ણકટિબંધીય આબોહવા, 150 સેમી.થી 200 સેમી. વરસાદ અને લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઓછો તફાવત રામફળની સારી વૃદ્ધિ માટે અનુકૂળ ગણાય છે. સીતાફળની તુલનામાં તે ગરમી અને ઠંડી માટે ઓછું અવરોધી છે. તેને સારી નિતારવાળી અને મધ્યમ કાળીથી રેતાળ જમીન ઘણી અનુકૂળ આવે છે. અતિક્ષારવાળી મૃદા તેને અનુકૂળ નથી. વધારે ગરમી અને ઓછા ભેજવાળી આબોહવામાં ફળધારણ ઘણું ઓછું થાય છે.
તેની વાવેતરની પદ્ધતિ સીતાફળ જેવી જ હોય છે. તેનું વાવેતર 7.5 મી. x 7.5 મી.ના અંતરે કરવામાં આવે છે. ઉનાળામાં જમીનમાં 60 સેમી. x 60 સેમી. x 60 સેમી. લાંબા, પહોળા અને ઊંડા ખાડા ખોદી તપાવવામાં આવે છે. દરેક ખાડામાં 18 કિગ્રા. ફાર્મયાર્ડ ખાતર, રેત અને બાગની માટી ઉમેરવામાં આવે છે. પ્રતિ હેક્ટરે 625 જેટલા રોપા તૈયાર કરી શકાય છે. રોપાઓ બીજ ઉગાડીને ક્યારીઓમાં તૈયાર કરવામાં આવે છે, અથવા કાર્બનિક ખાતરયુક્ત, પર્ણ-ખાતર (leaf-mould) અને ઝીણી રેત ભરેલાં કૂંડાંઓમાં કલિકા-સર્જનપદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બીજ 20થી 25 દિવસમાં અંકુરણ પામે છે અને રોપ 60 સેમી.થી 75 સેમી. ઊંચા બને ત્યારે એક વર્ષ પછી રોપવામાં આવે છે. સિંચાઈનો આધાર આબોહવા ઉપર રહેલો છે. શિયાળામાં 8થી 15 દિવસે અને ઉનાળામાં 5થી 7 દિવસે જ્યાં સુધી રોપા જમીનમાં સ્થાપિત ન થાય ત્યાં સુધી પાણી આપવામાં આવે છે. જો ઊધઈ દેખાય તો દરેક ખાડાદીઠ 1 કિગ્રા. લીમડાનો ખોળ ઉમેરવામાં આવે છે. રામફળનું વાવેતર વ્યવસ્થિત થયેલું હોય તો ચોમાસું પૂરું થયેથી બેથી ત્રણ વખત આડી-ઊભી ખેડ કરવામાં આવે છે. ઝાડ નાનાં હોય ત્યારે બે હારની વચ્ચેની જગામાં શાકભાજી અથવા કઠોળ વર્ગના કે લીંબુના વર્ગના આંતરપાક લઈ શકાય છે. એમોનિયમ સલ્ફેટ સાથે મગફળીનો ખોળ ઉમેરવાથી તેની ફળ ધારણ કરવાની ક્ષમતા વધે છે. ફળનો સૂકો સડો Glomerella cingulata (stonem) spauld & schrenk. દ્વારા થાય છે અને બોર્ડો-મિશ્રણના છંટકાવથી તેનું નિયંત્રણ થાય છે. Graphium agamemnomenides વૃક્ષ ઉપર વિપત્રણ (defoliation) કરે છે. Heterographis bengalella ફળને કોરે છે.
વૃક્ષ 4થી 7 વર્ષે ફળ-ઉત્પાદન શરૂ કરે છે. ભેટકલમ કે કલિકા-સર્જનથી રોપેલા વૃક્ષ ઉપર ત્રીજા કે ચોથા વર્ષથી ફળ લેવાની શરૂઆત થાય છે. ફળ ઉષ્ણ આબોહવામાં પાકે છે અને માર્ચથી મે દરમિયાન અને કેટલીક જગાએ નવેમ્બરથી માર્ચમાં લણણી કરવામાં આવે છે. ફળ-ઉત્પાદનના ભોગે વાનસ્પતિક વૃદ્ધિ થતી હોય તો મૂળની આછી છાંટણી કરવામાં આવે છે. શરૂઆતમાં દરેક વૃક્ષ 8થી 15 ફળો આપે છે. સારી માવજતવાળું વિકસેલું વૃક્ષ 50થી 70 જેટલાં ફળો આપે છે. ફળને ખિસકોલીઓ, ચામાચીડિયાં અને પક્ષીઓના ભક્ષણ સામે રક્ષણ આપવું જરૂરી છે. વધારે મોટાં ફળો મેળવવા કેટલાંક પુષ્પોનો નિકાલ કરવો જોઈએ. ફળ પાકે તેના 3થી 4 દિવસ પહેલાં તેને ચૂંટી લઈને ટોપલીઓમાં એકત્રિત કરી સંવેષ્ટન કરવામાં આવે છે.
સીતાફળ કરતાં રામફળ મોટું અને બદામી કે પીળાશ પડતું લાલ હોય છે. તે સઘન અને નક્કર હોય છે અને સીતાફળની જેમ શલ્ક વડે આવરિત હોતું નથી. તે લીસી સપાટી ઉપર આછી રેખાઓ ધરાવે છે, જેઓ સ્ત્રીકેસરોનું સ્થાન સૂચવે છે. સીતાફળ અને A. cherimola કરતાં ઊતરતી કક્ષાનું ફળ હોય છે. ફળનો 72 % જેટલો ભાગ ખાદ્ય હોય છે. આ ખાદ્ય ભાગનું રાસાયણિક સંશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 76.8 %, પ્રોટીન 1.4 %, લિપિડ 0.2 %, રેસો 5.2 %, કાર્બોદિતો 15.7 % અને ખનિજો 0.7 %; ફૉસ્ફરસ 10 મિગ્રા., કૅલ્શિયમ 10 મિગ્રા., લોહ 0.6 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.07 મિગ્રા., પ્રજીવક ‘સી’ 5.0 મિગ્રા. અને નાયેસિન 0.6 મિગ્રા., કૅરોટિન 67 માઇક્રોગ્રામ. ફળના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં r-એમીનો બ્યૂટિરિક ઍસિડ, પાઇપેકોલિક ઍસિડ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ અને ગ્લુકોઝ હોય છે. શુષ્ક ખાદ્ય ભાગમાં આયોડીન (0.64 પી.પી.એમ.) અને ફ્લોરિન (5.6 પી.પી.એમ.) હોય છે. ફળના પરિપક્વન સાથે એસ્કૉર્બિક ઍસિડનું પ્રમાણ વધે છે. કાચું ફળ સંકોચક (astringent), કૃમિહર (anthelmintic), મરડારોધી (antidysenteric) અને અતિસારરોધી (antidiarrhoeic) હોય છે તેમજ તાવ અને વધી ગયેલી બરોળમાં ઉપયોગી થાય છે. પાકાં ફળ રુધિરપૂરક (blood compliment) તરીકે અને પિત્તદોષ (biliousness) તથા તૃષા વધારવા અને ઊલટીઓ અટકાવવા માટે વપરાય છે. ગર કીટનાશક ગુણધર્મો ધરાવે છે અને જૂ મારવામાં ઉપયોગી છે. કાચાં અને પાકાં ફળો કાળો રંગ આપે છે.
પર્ણો અને પ્રકાંડનો આલ્કોહૉલીય નિષ્કર્ષ (50 %) Tribolium casteneum સામે કીટનાશક સક્રિયતા દર્શાવે છે. મૂળ અતિશય રેચક હોય છે. મૂળની છાલમાં એનોનેઇન, લિરિયોડેનિન, નોરુશિંસુનિન માઇકેલેલ્બિન અને રેટિક્યુલિન નામનાં આલ્કેલૉઇડો હોય છે. છાલ શક્તિશાળી સંકોચક હોવાથી બલ્ય (tonic) તરીકે આપવામાં આવે છે. પર્ણનો ઉપયોગ અર્બુદ(tumor)માં પ્રતિશોથી (antiphlogistic) તરીકે અને મિઘ્ન (anthelmintic) તરીકે થાય છે. પ્રરોહો વાદળી કે કાળો રંગ આપે છે અને ચર્મશોધન(tanning)માં વપરાય છે. છાલમાંથી સારી ગુણવત્તાવાળો રેસો મળે છે. તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.
બીજ સંકોચક અને કૃમિનાશક ગુણધર્મો ધરાવે છે અને અતિસાર અને મરડામાં ઉપયોગી છે. બીજના મીંજ(kernel)માં પાણી 8.2 %, પ્રોટીન 14 %, તેલ 42 %, અશુદ્ધ રેસો 14.1 %, કાર્બોદિતો 17.5 % અને ભસ્મ 4.2 % હોય છે. તેલમાં રાળયુક્ત મિશ્રણ હોય છે, જે જૂ (aphids) માટે વિષાળુ હોય છે. બીજનું જલ-નિલંબન (water-suspension) લીલા માંકડ (Lecanium spp.) માટે વિનાશક હોય છે. બીજનો ભૂકો અનાજ-સંગ્રહ માટે વપરાય છે.
આયુર્વેદ અનુસાર રામફળ સ્વાદુ, મધુર, વાતુલ, કફકર અને ખાટું હોય છે તથા દાહ, પિત્ત, તૃષા, શ્રમ અને ક્ષુધાનો નાશ કરે છે.
જ. પુ. ભટ્ટ
બળદેવભાઈ પટેલ