રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી નાસી ગયા. આદિવાસી ચાસિ-કૈવર્ત કે માહિષ્ય જાતિના આગેવાન દિવ્યોકે બંગાળમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપી સુરપાલને ગાદીએ બેસાડ્યો; પરંતુ તે નબળો હતો. તેના પછી તેનો ભાઈ રામપાલ 1077માં ગાદીએ બેઠો. રામપાલે ચતુરાઈ વાપરી, મુશ્કેલીઓ પેદા કરવા ઇચ્છતા સામંતો પ્રત્યે ઉદારતા દર્શાવી તેમને વશ કરી લીધા.
વરેન્દ્રી(ઉત્તર બંગાળ)ના રાજા ભીમ અને રામપાલ વચ્ચે લડાઈ થઈ. રામપાલે પોતાના આધિપત્ય હેઠળના સામંતોની મદદ માગી અને બધા સામંતોએ તેની મદદે લશ્કર મોકલ્યું. રામપાલ અને ભીમ વચ્ચે થયેલી ભયંકર લડાઈમાં રામપાલ જીત્યો અને તેણે ભીમને કેદ પકડી મારી નાખ્યો. તેણે વરેન્દ્રીના લોકો પરના દમનકારી કરવેરા દૂર કર્યા. તેણે રામાવતી નામે નવું પાટનગર વસાવ્યું અને લડાઈમાં બહાદુરી બતાવવા માટે પોતાના પુત્ર હરિને ઉચ્ચ હોદ્દા પર નીમ્યો. ત્યારબાદ તેણે પડોશનાં રાજ્યો પર ચડાઈઓ કરી. પૂર્વ બંગાળના વર્મનોએ તેની શરણાગતિ સ્વીકારી. તેણે તિંગ્યદેવને વિજયો કરવા પૂર્વના પ્રદેશોમાં મોકલ્યો. તેણે કામરૂપ (આસામ) પર વિજય મેળવ્યો. તેથી તેને ત્યાંનો ગવર્નર નીમ્યો. રામપાલે ઈ. સ. 1109 (કે 1110માં) કનોજના ગાહડવાલો સામે હાથીઓનું લશ્કર મોકલ્યું; પરંતુ ગાહડવાલ રાજા ગોવિન્દચન્દ્રે તે સૈન્યને હરાવીને પાછું હઠાવ્યું. તે પછી રામપાલે મિથિલા અને કલિંગ પણ જીત્યાં હતાં. આમ તે એક શક્તિશાળી રાજા બન્યો હતો. પાલ વંશની અસ્ત પામતી સત્તાના સમયમાં તેણે કેટલાક વિજયો મેળવી, પ્રદેશવિસ્તાર કરીને પ્રતિષ્ઠા પુન: પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. તે કાર્યદક્ષતા, દૃઢતા અને અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો હતો.
તેણે પોતાના દરબારમાં સંધ્યાકર નંદી નામના કવિને રાજ્યાશ્રય આપ્યો હતો. એ કવિએ ‘રામચરિત’ નામના પોતાના સંસ્કૃત કાવ્યમાં રામપાલનું જીવનચરિત્ર આલેખ્યું છે. મોટી ઉંમર થવાથી, રામપાલે રાજ્યની ધુરા તેના પુત્ર કુમારપાલને સોંપી. તેના મામા મથનદેવના અવસાનના સમાચાર સાંભળીને રામપાલને આઘાત લાગ્યો; તેથી તેણે મોંઘીર પાસે ગંગા નદીમાં ડૂબી જઈને આપઘાત કર્યો (1120). તેનો શાસનકાળ લશ્કરી ચડાઈઓથી ભરેલો હતો. તેના અવસાનના સમયે તેની સત્તા હેઠળના પ્રદેશોમાં બંગાળનો મોટા ભાગનો પ્રદેશ, બિહાર તથા આસામનો સમાવેશ થતો હતો.
જયકુમાર ર. શુક્લ