રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની.

રાજા રામન્ના

મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના ઉછેર અને વિકાસમાં કોઈ કચાશ રહી નહોતી. બાળપણથી જ રાજાના જીવનમાં ભારતીયતા, સ્વદેશીપણું અને નિખાલસતાના ખ્યાલો વણાયેલા હતા.

રાજાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મૈસૂરમાં લીધેલું. તેઓ સંગીતના ભારે શોખીન અને ચાહક છે. સંગીતનો તલસાટ અને ઝંખના રાજાને જીવનની કેટલીક ગંભીર પળોમાં હળવાશની ઝાંખી કરાવે છે. મૈસૂર રાજ્યના આશ્રિત જર્મન સંગીતજ્ઞ ઑટો સ્મિટ્ અને અન્ય ભારતીય સંગીતજ્ઞોની ઉપસ્થિતિમાં રાજાએ સંગીતની સાધના કરી છે. રાજાની તેજસ્વિતા અને સંગીતપ્રિયતાને કારણે મહારાજા તેમની પૂરતી કાળજી રાખતા હતા. તે સમયે મૈસૂર રાજ્યે ટ્રિનિટી કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સંગીત શીખવા માટે રૂ. 7,000ની શિષ્યવૃત્તિ રાજાને એનાયત કરી હતી. તે રકમ રાજા સુધી પહોંચે તે પહેલાં મૈસૂરના રાજાનું 1940માં અચાનક મૃત્યુ થયું. ત્યારબાદ રાજાને શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવ્યા. આ રીતે તેઓ દુર્ભાગ્યનો ભોગ બન્યા.

તે સમયે સંગીત બ્રિટિશરો અને ભારતીયોને જોડતી કડી હતી. જેમ જેમ રાજા સંગીતના માધ્યમ દ્વારા બ્રિટિશરોની નજીક ગયા તેમ તેમ તેમને ખાતરી થઈ કે મિશનરીઓ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને ફટકો મારવાનું કદાપિ ચૂકતા નથી. આથી રાજાને બ્રિટિશરો પ્રત્યે ભારોભાર તિરસ્કાર જન્મ્યો હતો.

રાજા, ભાભા અને આઇન્સ્ટાઇનના દિમાગમાંથી ભૌતિકશાસ્ત્ર અને દિલમાંથી સંગીત નીતરતું હતું. રાજાના ઘર આગળ જ બ્રિટિશ માલની હોળી કરવામાં આવતી અને ત્યાં જ રાજકીય પ્રવૃત્તિઓ ચાલતી હતી. આથી રાજાના માનસપટ ઉપર રાષ્ટ્રીય ભાવના વધુ ઘેરી બનતી જતી હતી.

રાજા બૅંગલોરની સેંટ જોસેફ કૉલેજમાં જોડાયા. આ કૉલેજમાંથી તાંબારામની મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં જોડાયા. આ કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્રના વિષય સાથે તેઓ બી.એસસી. (ઑનર્સ) થયા.

1947માં ભારતના ભાગલા સાથે બ્રિટિશ સામ્રાજ્યનો ભારતમાં અંત આવ્યો. ભારતના બહુજનસમાજને આઝાદીનો આનંદ હતો, પણ રાજા જેવા સંસ્કારી અને સંવેદનશીલ નાગરિકને ભારતના ભાગલાની અસહ્ય વેદના હતી. તે સમયે કોમવાદના ભભૂકી ઊઠેલા અગ્નિને શાંત કરવા મહાત્મા ગાંધીજી આમરણ ઉપવાસ ઉપર ઊતર્યા હતા. ગાંધીજીના ઉપવાસને નૈતિક બળ તથા અનુમોદન આપવા રાજા તેમના મિત્રો સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. બરાબર તે જ સમયે મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેમની સામે બડા ખાનાની મહેફિલ યોજીને ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. આ પ્રસંગથી રાજાને કોમવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનાં દર્શન થયાં. રાજાની શક્તિ અને નિર્ભીકતાને કારણે તેમને સામ્યવાદી પક્ષમાં ખેંચી જવા માટે ઘણાં દબાણો થયાં હતાં, પણ તેમણે તો ગાંધીચીંધ્યા માર્ગે જ લડવાનું મુનાસિબ માન્યું હતું.

1945ના સપ્ટેમ્બરમાં રાજાને તાતાની શિષ્યવૃત્તિ મળતાં તેઓ લંડન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના સંશોધન માટે ગયા. સુએઝ આગળ સ્ટીમર થોભી ત્યારે ફેરિયા પાસેથી કશું જ ન ખરીદતાં ફેરિયાએ ‘અરે, કાફિર હિંદુ’ કહી રાજા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો. રાજા સ્તબ્ધ બની ગયા. ભારતની બહાર પણ હિંદુવિરોધી મુસ્લિમ-માનસનો અનુભવ થતાં રાજા અત્યંત વ્યથિત થયા. રાજાના સહપ્રવાસી ડૉ. શંકરદયાળ શર્મા, ઇતિહાસવિદ એ. ગોપાલ અને દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિ દિલીપ કપૂરે પણ આ ઘટનાનો અનુભવ કર્યો.

રાજા કિંગ્ઝ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. કરવા માગતા હતા. રાજાને પીએચ.ડી.માં પ્રવેશ મળ્યો હોવા છતાં ડૉ. એફ.સી. ચૅમ્પિયને તો તેમને એમ.એસસી. કરવા ફરજ પાડી. રાજાને તેથી ભારે આઘાત લાગ્યો, પણ સદભાગ્યે ડૉ. એલન નન મેના હાથ નીચે રાજાને પીએચ.ડી. કરવાનો મોકો મળ્યો. દરમિયાન પરમાણુ ઊર્જાનાં રહસ્યો રશિયાને ‘લીક’ કરવાના (પહોંચાડ્યાં હોવાના) આક્ષેપ સાથે ડૉ. ઍલનની ધરપકડ કરવામાં આવી. આથી રાજાને મજબૂરીથી ડૉ. ચૅમ્પિયન પાસે આવવું પડ્યું. અહીં અપાર મુશ્કેલીઓ વચ્ચે રાજાએ તેમનું સંશોધનકાર્ય આગળ ધપાવ્યું.

1947માં કિંગ્ઝ કૉલેજમાં જ્યારે સંશોધન કરતા હતા ત્યારે જેમ્સ ચૅડવિકે યુરેનિયમ-235નો ઉપયોગ કરવા સૂચન કર્યું. રાજાએ આ સૂચન પોતાના પ્રાધ્યાપક સમક્ષ રજૂ કર્યું, પણ ‘ગોપનીયતા’ના મુદ્દા ઉપર રાજાને યુરેનિયમ આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી. અપૂરતાં સાધનો તથા વિપરીત પરિસ્થિતિ હોવા છતાં સખત મહેનત, કોઠાસૂઝ, ધીરજ અને અડગ આત્મવિશ્ર્વાસથી કરેલા સંશોધન બદલ રાજાને 1948માં ડૉક્ટરેટની ઉપાધિ મળી.

સી. વી. રામનને જે સંશોધન માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો તે સંશોધન સ્વતંત્ર રીતે અને સ્વદેશી સાધનો વડે જ રામને કર્યું હતું. આ હકીકતનો રાજા રામન્ના ઉપર સારો એવો પ્રભાવ પડ્યો હતો.

રાજા તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા, ત્યારે પરમાણુ ઊર્જા પંચના ઉપક્રમે સૌપ્રથમ સ્વિમિંગ પૂલ રીએક્ટર રચવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેની જવાબદારી રાજા રામન્ના, એચ. એન. શેઠના અને અન્યને સોંપવામાં આવી. ત્યારબાદ તેમણે અન્ય રીઍક્ટરોના નિર્માણમાં પણ નિર્ણાયક ભાગ ભજવ્યો.

ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી(આઈ.એ.ઈ.એ.)માં રાજાએ ભારત વતી પરમાણુ ઊર્જાના શાંતિમય ઉપયોગો માટે મહત્વનો ચાવીરૂપ ભાગ ભજવ્યો હતો. અણુ-ઊર્જાના ઉત્પાદન અને વિજ્ઞાનના વધુ વિકાસ માટે વધુ નાણાં ફાળવવાની બાબતે રાજાને નહેરુ સાથે અવારનવાર ચડભડ થતી હતી.

1971માં રાજાને ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ઇટાલીના ટ્રયેસ્ટી સેન્ટરના નિયામક અને નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. અબ્દુસ સલામે આ સેન્ટરની સંચાલન-સમિતિમાં જોડાવા રાજાને નિમંત્રણ પાઠવ્યું હતું, પણ તે જોડાયા નહિ, કારણ કે રાજાને મન ભારત પ્રથમ હતું.

1969 અને 1972માં રાજાએ અમેરિકાની મુલાકાત લીધી હતી. 1986માં આઈ.એ.ઈ.એ.ની જનરલ પરિષદ ભારતમાં યોજાઈ ત્યારે રાજા તેના પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા. આ સમયે રાજા પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ થઈ ચૂક્યા હતા.

1973માં શ્રીમતી ઇંદિરા ગાંધીએ રાજા અને અન્ય જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને પરમાણુ-પરીક્ષણ (વિસ્ફોટ) કરવાનો નિર્ણય કર્યો. રાજાને બધી કાર્યવાહી સોંપવામાં આવી. તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ પરમાણુ-પરીક્ષણનું સ્થળ પોકરણ અને દિવસ 18-5-1974 નિયત કરવામાં આવ્યો. રાજાના નેતૃત્વ હેઠળ પરમાણુવિસ્ફોટ નિર્ધારિત સમય મુજબ સફળતાપૂર્વક કરવામાં આવ્યો.

1978ના જૂન મહિનામાં રાજાને સંરક્ષણ ખાતાના સલાહકાર વિજ્ઞાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજાને સંરક્ષણ-સંશોધન માટે માન્ય કર્યા, પણ સંરક્ષણ આયોજન બૉર્ડની બહાર રાખ્યા. દિલ્હીના ખેલનો રાજાને આ પ્રથમ આંચકો હતો. જ્યારે સંરક્ષણ ખાતાનાં રહસ્યો કારકુનોના હાથમાં રહેતાં જોયાં ત્યારે રાજાને આખું દિલ્હી ડોલતું દેખાયું.

1981માં રાજા રામન્ના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરના નિયામક તરીકે ફરીથી પાછા આવ્યા ત્યારે સંરક્ષણ-સચિવ તરીકે તેમની સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. મુંબઈ પાછા આવીને ‘ધ્રુવ’ તથા કલપક્કમના ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રીઍક્ટરની કામગીરી ઝડપી બનાવી. પરિણામે રાજાની પ્રેરણાથી 100 મેગાવૉટની ગુંજાશવાળું ધ્રુવ રીઍક્ટર 1983માં અને 14 મેગાવૉટની શક્તિવાળું એફ.બી.ટી.આર. 1985માં કાર્યરત બન્યાં. આ સાથે 10,000 મેગાવૉટ અણુવિદ્યુતશક્તિ (ન્યૂક્લિયર પાવર) એકવીસમી સદીના પ્રારંભે પેદા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું.

ઇંદિરા ગાંધીની હત્યા બાદ તે જ દિવસે રાજીવ ગાંધીની વડાપ્રધાનપદે વરણી થઈ. રાજીવ ગાંધીએ ગતિશીલતા બતાવવા ઝડપી ફેરફારો શરૂ કર્યા. રાજા પરદેશથી ન્યૂક્લિયર રિઍક્ટર ટૅક્નૉલૉજી ખરીદવાનો વિરોધ કરતા હતા. તેથી રાજીવે તેમને નિવૃત્ત કર્યા. તેમણે સાધન-સામગ્રી પરદેશથી આયાત કરવાનું નક્કી કર્યું હતું.

નિવૃત્તિ બાદ રાજા અને તાતાએ ફ્રાન્સના નિષ્ણાતોની મદદથી બૅંગાલુરુની ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના પ્રાંગણમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝ નામની સંસ્થા ચાલુ કરી. તેવામાં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે રાજાને સંરક્ષણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન બનાવી તેમની સેવાઓ લીધી.

1972-1978ના સમય દરમિયાન તેમણે ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરના નિયામક, 1978-1983 દરમિયાન આઈ.આઈ.ટી.(મુંબઈ)ના અધ્યક્ષ અને 1983-1987 સુધી ભારતના પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી.

તેમને દેશ-પરદેશની ઘણી અકાદમીઓની ફેલોશિપ મળી છે. ઇન્ટરનૅશનલ જૉઇન્ટ પ્રૉજેક્ટ બિટવીન આઈ.એ.ઈ.એ. ઍન્ડ નૉર્વેજિયન ગવર્ન્મેન્ટ, સૉલિડ-સ્ટેટ ફિઝિક્સના અભ્યાસ માટેની ભારત-ફિલિપાઇન્સ એજન્સી સમિતિ અને ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિ.ના અધ્યક્ષપદે રહ્યા છે.

તેમને 1963માં એસ.એસ. ભટનાગર પારિતોષિક મળ્યું. મૈસૂર, મેરઠ, ધારવાર શ્રી વેંકટેશ્વર, સરદાર પટેલ, જાદવપુર, રૂરકેલા, ચેન્નાઈ, આઈ.આઈ.ટી. (ચેન્નાઈ), દિલ્હી અને શ્રીનગર જેવી બાર યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડી.એસસી.ની ઉપાધિ આપી છે. ભારત સરકાર તરફથી 1968માં ‘પદ્મશ્રી’ અને 1973માં ‘પદ્મભૂષણ’ના ખિતાબ મળ્યા. આ સાથે દેશના પ્રસિદ્ધ અડધો ડઝન ઍવૉર્ડ પણ મળ્યા છે.

રાજા રામન્ના વિખંડન-ભૌતિકવિજ્ઞાનના નિષ્ણાત છે. ભારતના પ્રથમ રીઍૅક્ટર ‘અપ્સરા’ના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. ન્યૂક્લિયર વિખંડનની ઘટનાના તથા ન્યૂટ્રૉન તાપીયન (thermalisation) ક્ષેત્રે તેમનો ફાળો મહત્વનો રહ્યો છે. તેમણે 100 જેટલા સંશોધન-લેખો ખ્યાતનામ વૈજ્ઞાનિક સામયિકોમાં પ્રગટ કર્યા છે. આ સાથે તેમણે ‘ન્યૂક્લિયર ફિઝિક્સ’ સામયિકના સંપાદક તરીકે પણ કાર્ય કર્યું છે.

હાલ (2003) તેઓ દિલ્હીમાં સ્થાયી થયા છે.

પ્રહલાદ છ. પટેલ