રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની તાલીમ આપવાનું નક્કી કર્યું. છએક વર્ષની ઉંમરે તેમની સંગીત-તાલીમ શરૂ થઈ.

શરૂઆતમાં પાંચેક વર્ષ તેમણે ઉસ્તાદ મહબૂબખાં પાસે, ત્યારબાદ ચારેક વર્ષ ગાયક અને વાદક પં. ભીષ્મદેવ વેદી પાસે અને ત્યારપછી પાંચેક વર્ષ ધારનિવાસી પં. માધોપ્રસાદ પાસે – એમ જુદા જુદા ગુરુઓ પાસે તાલીમ મેળવી. તે પછી ઉદયપુરમાં તેમણે સંગીતશિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. તેઓ દિલરુબા, વાંસળી, સિતાર તથા વાયોલિન વગાડી શકતા અને સાથે સાથે ગાઈ પણ શકતા. સ્કૂલમાં રજાઓ પડે એટલે તેઓ ધાર જઈ પં. માધોપ્રસાદ પાસે સંગીતની તાલીમ લેતા. આ રીતે થોડો વખત કામ કર્યા બાદ ઈ. સ. 1944માં પં. માધોપ્રસાદના કહેવાથી તેમણે શિક્ષક તરીકે રાજીનામું આપ્યું અને લાહોર જઈ આકાશવાણીમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન કિરાના ઘરાનાના ગાયક અબ્દુલકરીમખાંના નાના ભાઈ ઉસ્તાદ અબ્દુલવહીદખાં પાસેથી પણ તેમણે તાલીમ લીધી.

ઈ. સ. 1947માં દેશના વિભાજન બાદ તેમણે દિલ્હીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. પં. ઓમકારનાથ ઠાકુરે તેમને ઘણું પ્રોત્સાહન આપ્યું. સંગીત-સંમેલનોમાં ઓમકારનાથજી તેમને જ સારંગીસંગત માટે બોલાવતા. ઈ. સ. 1949માં દિલ્હી-આકાશવાણી છોડીને તેઓ મુંબઈ આવ્યા. ધીરે ધીરે તેમની ખ્યાતિ ફેલાતી જતી હતી. ગ્વાલિયર ઘરાનાના પંડિત કૃષ્ણરાવ શંકર પંડિતે મુંબઈમાં તેમને આગળ લાવવામાં ઘણો ફાળો આપ્યો. ઈ. સ. 1954માં ભારત સરકાર દ્વારા ચીન મોકલાયેલ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળમાં તેમનો સમાવેશ કરાયો હતો અને તેમના કાર્યક્રમોને ત્યાં સારી દાદ પણ મળી હતી. તેમણે યુરોપ અને અમેરિકાનો પણ પ્રવાસ ખેડ્યો હતો.

મુંબઈની કારકિર્દી દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં પાર્શ્ર્વ-સંગીત આપ્યું. તદુપરાંત બંગાળી ફિલ્મો જેવી કે સત્યજિત્ રાયની ‘અભિયાન’ અને ‘અપુર સંસાર’ તથા તપન સિંહાની ‘ક્ષુધિત પાષાણ’માં પણ તેમણે સારંગીવાદન કર્યું છે. આજે પણ મુંબઈ ખાતે તેઓ ફિલ્મક્ષેત્રે વ્યસ્ત કારકિર્દી ધરાવે છે. સારંગીવાદનને પ્રતિષ્ઠા અપાવવામાં તેમનો ફાળો મહત્વનો છે. તેઓ સંગાત અને એકલ બંને કાર્યક્રમોમાં નિપુણ છે.

ભારત સરકાર તરફથી તેમને ઉચ્ચ પુરસ્કારો પ્રાપ્ત થયેલ છે.

વિખ્યાત તબલાવાદક પંડિત ચતુરલાલ તેમના મોટા ભાઈ થાય.

નીના ઠાકોર