રામનાથપુરમ્ : તામિલનાડુ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9° 23´ ઉ. અ. અને 78° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4,232 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પસુમ્પન થીવર થિરુમગન (મુથુરામલિંગમ્) અને પુડુકોટ્ટાઈ જિલ્લા, પૂર્વ અને દક્ષિણે અનુક્રમે બંગાળના ઉપસાગરના ફાંટારૂપ પાલ્કનો અખાત અને હિન્દી મહાસાગરના ફાંટારૂપ મનારનો અખાત, નૈર્ઋત્યમાં ચિદમ્બરાનર જિલ્લો તથા પશ્ચિમે કામરાજર જિલ્લો આવેલા છે. જિલ્લામથક રામનાથપુરમ્ જિલ્લાના પૂર્વભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ જિલ્લો બે સ્પષ્ટ કુદરતી વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પરમકુડી, મુડુકુલત્તુર, રામનાથપુરમ્ અને તિરુવાડનાઈ તાલુકાઓનાં મેદાનો : અહીં ‘કારિસાલ’ના સ્થાનિક નામે ઓળખાતી કપાસની કાળી જમીનો (રેગર) આવેલી છે. ત્યાં મોટે ભાગે કપાસ અને સૂકા ખેતીપાકોનું વાવેતર થાય છે. અહીં નાળિયેરી અને બાવળનાં વૃક્ષો વધુ જોવા મળે છે. (ii) મુડુકુલત્તુર, રામનાથપુરમ્ અને તિરુવાડનાઈ તાલુકાઓનો રેતાળ કંઠારપ્રદેશ. પૂર્વના આ ભાગમાં આવેલાં નાનાં નાનાં સરોવરોમાં તથા કિનારા પર પાછાં પડતાં પાણીમાં પંક અને ક્ષાર-જમાવટથી નિક્ષેપો રચાયેલા છે. ત્રણેય તાલુકાઓની ભૂમિ ગોંડવાના સમયથી માંડીને આજ સુધીના સમયના મૃદખડકો અને ચૂનાખડકોથી બનેલી છે.
આખોય પ્રદેશ આર્થિક ઉપયોગમાં લઈ શકાય એવા ચૂનાખડકો અને મૃદ ધરાવે છે. આ ઉપરાંત અહીં ગેરુ, ચિરોડી, ગ્રૅફાઇટ અને ઇલ્મેનાઇટ રેતીના આર્થિક મૂલ્ય ધરાવતા નિક્ષેપો પણ મળે છે.
જળપરિવાહ : આ જિલ્લામાં આશરે 5,000થી પણ વધુ નાનાં નાનાં તળાવો જેવાં સરોવરો આવેલાં છે, આથી તેને ‘સરોવરોનો જિલ્લો’ (Lake District) એવું ઉપનામ મળેલું છે. મદુરાઈ જિલ્લાની ગંદમનાઈકનૂર ટેકરીઓમાંથી નીકળતી વૈગાઈ નદી આ જિલ્લાને વીંધીને અગ્નિ દિશા તરફ વહે છે. તે ઘણાં નાનાં સરોવરોને જળપુરવઠો પણ પૂરો પાડે છે. અત્તાનગરાઈ નજીક તે સમુદ્રને મળે છે. જિલ્લામાં અન્ય કોઈ બારમાસી નદીઓ નથી. વરુષનાડ અને અંડીપટ્ટી ટેકરીઓના પૂર્વ તરફના ઢોળાવોમાંથી ગંડર નદી નીકળીને વૈગાઈને સમાંતર વહે છે અને મનારના અખાતને મળે છે. આ નદી ‘રઘુનાથ કાવેરી’ નામથી પણ ઓળખાય છે.
જિલ્લાને આશરે 260 કિમી. લંબાઈનો દરિયાકિનારો મળેલો છે. કંઠારપ્રદેશ રેતાળ હોવાથી કુદરતી વનસ્પતિ ખાસ જોવા મળતી નથી. સમુદ્રસપાટી નીચેનું ભૂમિ-વિસ્તરણ ખરાબા અને પરવાળાંથી રચાયેલું છે. દરિયાકિનારા નજીક નાળિયેરી અને ફળોનાં વૃક્ષો, તો કેટલાક ભાગોમાં કાંટાળા બાવળ તથા પાલ્મીરાનાં વૃક્ષો જોવા મળે છે. કિનારાનાં આ જંગલોને કારણે ઊડી આવતી રેતી અવરોધાય છે. રામેશ્વરના પમ્બન ઉપરાંત અહીં બીજા સોળ જેટલા નાના નાના ટાપુઓ આવેલા છે. તે પૈકી મુસલ, નલ્લા તન્ની થીવુ, કુરુસાદી જેવા ટાપુઓ ઉલ્લેખનીય છે.
ખેતી-સિંચાઈ-પશુપાલન : જિલ્લામાં વાતા નૈર્ઋત્ય તેમજ ઈશાનકોણી મોસમી પવનો અહીં ઓછો વરસાદ આપે છે. વળી અહીં કોઈ બારમાસી મોટી નદીઓ પણ નથી. તેથી માત્ર તળાવો તથા કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. જિલ્લાના આશરે 46 % વિસ્તારમાં તેનો પાક લેવાય છે. આ ઉપરાંત બાજરી તેમજ રાગીનું વાવેતર પણ થાય છે. જિલ્લાના પૂર્વ ભાગોમાં ઉનાળુ પાક તરીકે કપાસની ખેતી કરવામાં આવે છે. અહીં કપાસની વિવિધ જાતો વિકસાવવામાં આવેલી હોવાથી આ જિલ્લો કપાસના વાવેતર માટે રાજ્યમાં ખૂબ જાણીતો છે. આ ઉપરાંત મગફળીનું વાવેતર પણ થાય છે.
જિલ્લામાં ભેંસો, ઘેટાંબકરાં, ડુક્કર તથા મરઘાંબતકાંનો ઉછેર કરવામાં આવે છે. પશુઓ માટે દવાખાનાં અને ચિકિત્સાલયો ઊભાં કરવામાં આવેલાં છે. જિલ્લાનાં આશરે 50 જેટલાં ગામોમાં માછીમારી માટે સરકાર તરફથી ઘણી સગવડો અપાતી હોવાથી ગામડાંઓમાં માછીમારોની વસ્તી વિશેષ છે. શીતાગારો પણ વિકસાવવામાં આવેલાં છે. આ ઉપરાંત મંડનપમ્ ખાતે એક ઇન્ડો-નૉર્વેજિયન મત્સ્ય-પ્રકલ્પ તેમજ સેન્ટ્રલ મરીન ફિશરિઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલાં છે. તેમાં મત્સ્યવિકાસ, મત્સ્ય-સર્વેક્ષણ, જીવવિજ્ઞાન અને દરિયાઈ જીવવિજ્ઞાન પર સંશોધનકાર્ય થાય છે. માછલીઓ, તેમની જાળવણી, ઉછેર, વિતરણ વગેરે પર વધુ ધ્યાન અપાય છે.
ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ઉદ્યોગક્ષેત્રે અવિકસિત છે, તેથી ઉદ્યોગો સ્થપાય તે માટે અહીં સરકાર તરફથી રાહતદરે જગાઓ, પૂરતો વીજળી- પુરવઠો, ઓછા વ્યાજે ધિરાણ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે. સરકારે પણ કેટલાક એકમો ઊભા કર્યા છે; જેથી અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળી શકે. જિલ્લામાં સુતરાઉ કાપડના હાથસાળના વણાટ-ઉદ્યોગો; મીઠા અને રસાયણોના ઉદ્યોગો; સિમેન્ટ, દીવાસળી, ફટાકડા તેમજ છાપકામના ઉદ્યોગો વિકસાવાયા છે. આ ઉપરાંત અહીં ચીની રેશમનો ઉપયોગ કરીને રેશમ-વણાટનું કામ પણ થાય છે. સૂતરનું ઉત્પાદન કરતી એક મિલ પણ આવેલી છે. પાલ્મીરાનાં પાંદડાંનો ઉપયોગ કરીને તેમાંથી સાદડીઓ અને પેટીઓ બનાવાય છે. એ જ રીતે નાળિયેરીમાંથી કાથી મેળવીને જાતજાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ લેવાય છે.
જૂના વખતમાં સમુદ્રમાંથી મોતી મેળવીને તેનો વેપાર ચાલતો હતો. હવે તેને બદલે સમુદ્રતળ પરથી શંખ મેળવીને તેમને કોલકાતા અને ઢાકા મોકલાય છે, જ્યાં તેમાંથી બંગડીઓ બનાવાય છે. કપાસના વેપારને અહીં ખૂબ મહત્વ અપાય છે. અહીંનાં બંદરો પરથી ઇંધન માટેનાં લાકડાં તથા મીઠાની નિકાસ થાય છે. રામનાથપુરમ્ ખાતે મરચાંનો જથ્થાબંધ વેપાર ચાલે છે. પરમકુડ્ડી ખાતે સૂકવેલી માછલીઓનું કેન્દ્ર છે. વેપારના વિકાસ માટે વાણિજ્ય બકો તેમજ ધિરાણમંડળીઓની સુવિધા પણ છે.
પરિવહન : જિલ્લામાં ચેન્નાઈ-એગમોરથી રામેશ્વર સુધીનો દક્ષિણ રેલવિભાગનો મુખ્ય મીટરગેજ રેલમાર્ગ આવેલો છે. સડકમાર્ગોની પણ અહીં સારી સગવડ છે. 49 નંબરનો મદુરાઈ-ધનુષકોડી ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. જિલ્લામાં જહાજો માટેની કોઈ મોટા પાયા પરની સગવડો નથી, પરંતુ રામેશ્વરથી શ્રીલંકાના તલાઈમનાર સુધી વર્ષના અમુક સમયગાળા માટે ફેરીસેવા ચાલે છે. નાના પાયા પર વેપારી વહાણો અહીંથી કોલંબો, તલાઈમનાર અને જાફના સુધી અવરજવર કરે છે.
પ્રવાસન : આ જિલ્લામાં શિલ્પ-સ્થાપત્ય ધરાવતાં તેમજ પુરાતન કાળની સ્મૃતિ જાળવતાં ઘણાં સ્થળો આવેલાં છે. રામાયણ અને તમિળ પુરાણોમાં અહીંનાં દેવસ્થાનોના ઉલ્લેખો પણ મળે છે. આ પૈકી રામેશ્વર અને તેમનું મંદિર વિશેષ ઉલ્લેખનીય છે.
રામેશ્વર : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભૂમિભાગના અગ્નિછેડા પર પમ્બન ટાપુ પર તે આવેલું છે. પમ્બન ટાપુ પમ્બન નહેરથી અલગ પડે છે. આખું રામેશ્વર ટાપુસ્વરૂપે જોવા મળે છે. ભારત અને શ્રીલંકાને જોડતા પ્રવાળ ટાપુઓની શ્રેણી આદમ્સ બ્રિજના એક ભાગરૂપ છે. ભૌગોલિક સ્થાન : 9° 17´ ઉ. અ. અને 79° 18´ પૂ. રે. તે ચેન્નાઈ-રામેશ્વર રેલમાર્ગનું અંતિમ મથક છે તથા સડકમાર્ગથી પણ જોડાયેલું છે. અહીંથી શ્રીલંકાના તલાઈમનાર સુધી અવરજવર તેમજ માલની હેરફેર માટે નિયમિત ફેરીસેવા પણ ચાલે છે. રામેશ્વર ચીજવસ્તુઓના પૅકિંગ-મથક તરીકે પણ સેવા આપે છે.
રામેશ્વર મંદિર : દક્ષિણ ભારતમાં આવેલું ઘણું જાણીતું તીર્થસ્થળ. રામેશ્વરની ટાપુશ્રેણી પર થઈને શ્રીરામ સીતાજીને છોડાવવા શ્રીલંકા ગયેલા. અહીંથી પ્રસ્થાન કરતી વખતે જ્યાં રામનાં પ્રથમ પગલાં પડેલાં ત્યાં આ મંદિર બંધાયેલું છે. આ મંદિર શૈવ અને વૈષ્ણવ બંને પંથ માટે યાત્રા માટેનું ઘણું જ પવિત્ર સ્થળ ગણાય છે. ધાર્મિક મહત્વની દૃષ્ટિએ દક્ષિણ ભારત માટે તેની તુલના કાશી-મંદિર સાથે થાય છે. મુખ્ય ભૂમિભાગના મંડનપમ્થી તે 20 કિમી. અંતરે આવેલું છે. આ મંદિર દક્ષિણ ભારતીય સ્થાપત્યના અજોડ નમૂનારૂપ છે. અહીંથી પ્રસ્થાન કરતા અગાઉ શ્રીરામ દ્વારા આ સ્થળે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી. મંદિર-નિર્માણ બાદ તેમાં શ્રીરામનાથસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે. રામેશ્વરનું આ શિવલિંગ ભારતનાં ખ્યાતનામ બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. મંદિરની પરસાળમાં 1,220 મીટરની લંબાઈને આવરી લેતા ઘણા સ્તંભો જોવા મળે છે. પુરાણોમાંની વાર્તાઓને ચિત્રિત કરતાં ઘણાં કલાત્મક શિલ્પ-સુશોભનો પણ અહીં કંડારાયેલાં છે. આ મંદિરની ઉત્તર તરફ ગંધમાદન પર્વત નામની એક ટેકરી છે. આ ટેકરી પરથી ટાપુનું સમગ્ર શ્ય નિહાળી શકાય છે. વળી અહીં બે માળનો મંડપ પણ છે. તેમાં ચક્ર પર રાખેલાં શ્રીરામનાં પાદચિહનોની પૂજા કરવાનું ઘણું મહત્વ હોવાથી અહીં યાત્રીઓની ઘણી અવરજવર રહે છે.
રામેશ્વરના મંદિર ખાતે મુખ્ય ત્રણ તહેવારો ઊજવાય છે : શિવરાત્રિ (ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન દસ દિવસ માટે), બ્રહ્મોત્સવમ્ (જૂન-જુલાઈ દરમિયાન ત્રણ દિવસ માટે) અને તિરુકલ્યાણમ્ (જુલાઈ-ઑગસ્ટ દરમિયાન સત્તર દિવસ માટે). આ ઉપરાંત મહત્વના જુદા જુદા અન્ય પ્રસંગોએ અહીં મેળા પણ ભરાય છે.
રાજાપાલયમ્ : તામિલનાડુ રાજ્યના રામનાથપુરમ્ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 9° 27´ ઉ. અ. અને 77° 34´ પૂ. રે. તે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુની તળેટીમાં આવેલું છે. આ નગર હાથસાળ અને સુતરાઉ કાપડના વણાટને કારણે વિકાસ પામેલું છે. અહીં સુતરાઉ કાપડની મિલો અને સિમેન્ટનું કારખાનું આવેલાં છે. 13361565 દરમિયાન વિજયનગરનું રાજ્ય જિતાઈ ગયું હોવાથી તે વખતે ત્યાં વસતા ‘રાજુ’ નામના તેલુગુભાષી લોકો સ્થળાંતર કરીને અહીં આવીને વસેલા હોવાથી તેનું નામ રાજાપાલયમ્ પડેલું છે. 1991ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી 1,14,042 જેટલી છે.
ધનુષકોડી : રામેશ્વરથી 8 કિમી. અંતરે આવેલું કોઠાનંદરામસ્વામીનું મંદિર ધરાવતું પવિત્ર સ્થળ. 1964ના વાવાઝોડા દરમિયાન ધનુષકોડી ધોવાઈ જવા છતાં આ મંદિર એવું ને એવું અડીખમ ઊભું છે. એમ કહેવાય છે કે રાવણના ભાઈ વિભીષણે આ સ્થળે શ્રીરામનું શરણ લીધેલું.
વસ્તી : 2001 મુજબ રામનાથપુરમ્ જિલ્લાની વસ્તી 11,83,321 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે લગભગ 80 % અને 20 % જેટલું છે. આ જિલ્લામાં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે. તમિળ અને તેલુગુ અહીંની મુખ્ય ભાષાઓ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓ અને 11 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 419 (8 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. સાક્ષરતાનું પ્રમાણ 54 % જેટલું છે. અહીં બે કૉલેજો આવેલી છે. 40 % ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની તબીબી સગવડો ઉપલબ્ધ છે.
ઇતિહાસ : જૂના વખતમાં રામનાથપુરમ્ જિલ્લો પાંડ્યન સામ્રાજ્યનો એક ભાગ હતો. પંદરમી સદી સુધી તેના ઇતિહાસને પાંડ્યન સામ્રાજ્ય સાથે સાંકળી શકાય છે. ત્યારે પાંડ્ય રાજાઓ મદુરાઈ, રામનાથપુરમ્ અને તિરુનેલવેલીના પ્રદેશો પર શાસન કરતા હતા. વચ્ચેના થોડા ગાળા દરમિયાન આ પ્રદેશ ચોલા રાજાઓ(રાજેન્દ્ર ચોલા, 1063)ના કાબૂ હેઠળ હતો. વળી 1365 સુધી તે મુસ્લિમ શાસન હેઠળ પણ હતો. વિજયનગરના રાજાની મદદથી આ પ્રદેશ ફરીથી પાંડ્ય રાજા(પરાક્રમી પાંડ્ય દેવ)ના શાસન હેઠળ લાવવામાં આવ્યો. 1520 સુધીમાં વિજયનગરના નાયકોએ આ પ્રદેશ કબજે કરી લીધો. તે પછીના બે સૈકા સુધી રામનાથપુરમ્ અને મદુરાઈ પર આ નાયકોએ રાજ્ય કરેલું.
1741માં આ પ્રદેશ મરાઠાઓને અને 1744માં નિઝામને હસ્તક આવ્યો. અહીંના અગ્રેસરોને નિઝામના નવાબનું શાસન કબૂલ ન હતું. તેમણે અઢારમી સદીના મધ્યકાળમાં નવાબની સામે રાણી મીનાક્ષીના પુત્રને પાંડ્ય મંડળના રાજા તરીકે સ્વીકાર્યો. આ ગાળા દરમિયાન આ જિલ્લો કર્ણાટકનો એક ભાગ હતો. એ વખતે કર્ણાટકની ગાદીના બે દાવેદારો હતા ચાંદ સાહિબ અને મોહમ્મદ અલી. બ્રિટિશ લોકોએ ચાંદ સાહિબને અને ફ્રેન્ચ લોકોએ મોહમ્મદ અલીને ટેકો આપ્યો. તેમાંથી સંઘર્ષો થયા. 1773માં જનરલ સ્મિથે બંને દાવેદારોને દબાવી દીધા. એ રીતે આ પ્રદેશ બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યો. આ કારણે રામેશ્વરનો સેતુપતિ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવી બેઠો. મુથુરામલિંગ સેતુપતિ વફાદારીના પુરાવા રૂપે બ્રિટિશ કંપનીને રૂપિયા 22,000ની રકમ ભરતો હતો, તેને 1792માં ઉઠાડી મૂક્યો અને 1795માં રામનાથપુરમનો વહીવટ અંગ્રેજોએ પોતાને હસ્તક લઈ લીધો. 1803માં આ પ્રદેશ જમીનદારીમાં ફેરવી દેવાયો. મંગલેશ્વરી નચિયારને તેના જમીનદાર તરીકે નીમ્યો. આ સમયગાળા દરમિયાન શિવગંગાના શાસક મુથુ વડુગંથરે અંગ્રેજો સામે બળવો કર્યો. તેના આ પ્રયાસમાં મુરુડુ ભાઈઓએ મદદ તો કરી, પરંતુ મુથુ વડુગંથર મરાયો. તેના મૃત્યુ બાદ આ પ્રદેશનું સાર્વભૌમત્વ આ મુરુડુ ભાઈઓને સોંપાયું. તેમણે ઈસ્ટ ઇંડિયા કંપનીને ખંડણી ભરીને શિવગંગા પર શાંતિથી રાજ્ય કર્યું. 1801માં બીજાઓના સહકારથી મુરુડુ ભાઈઓએ અંગ્રેજો સામે બળવો કર્યો, પરંતુ કર્નલ ઍગન્યુએ તેમને પકડી લીધા અને ફાંસી આપી. તે પછી કંપનીએ ગૌરીવલ્લભ પેરિયા ઉદય થેવરને શિવગંગાના જમીનદાર તરીકે મૂક્યા.
નવાબના સમર્થકો રહેલા અંગ્રેજોએ ક્રમે ક્રમે પ્રદેશ આખો કબજે કરી લીધો. નવાબો નબળા પડ્યા. ટિપુ સુલતાનનું પણ પતન થયું. કર્ણાટક અંગ્રેજોને હસ્તક ગયું. આમ 1948 સુધી રામનાથપુરમ્ અને શિવગંગા બંને જમીનદારીના ભાગ તરીકે રહ્યા. 1948માં આઝાદી સાથે આ જમીનદારી પ્રથાનો અંત આવ્યો.
મૂળ મદુરાઈ અને તિરુનેલવેલી જિલ્લાઓમાંથી રામનાથપુરમ્ જિલ્લાને 1910માં અલગ કરવામાં આવેલો છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ જિલ્લો રામનાડ નામથી ઓળખાતો હતો. 1985માં આ પ્રદેશને રામનાથપુરમ્, કામરાજર અને પસુમ્પન મુથુરામલિંગ થેવર જેવા ત્રણ જિલ્લાઓમાં વહેંચી દેવામાં આવ્યો છે.
રામનાથપુરમ્ (નગર) : તામિલનાડુ રાજ્યના રામનાથપુરમ્ જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 9° 26´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે. સેતુ અથવા આદમ્સ બ્રિજ નજીક મુગવઈનગરમ્ નામનું જે નગર બંધાયું, તે જ પછીથી રામનાથપુરમ્ કહેવાયું. સેતુના સંકલનને કારણે તેમજ રામના નામ સાથે આ સ્થળ જોડાયેલું હોવાથી એમ મનાય છે કે આ સ્થળ ઘણું પ્રાચીન હોવું જોઈએ. આઝાદી પછી અહીંની સ્થાનિક ભાષા મુજબ તેનું નામ રામનાથપુરમ્ રખાયું છે. આજે તે કાપડ અને ઝવેરાતનું મથક છે. અહીં મદુરાઈ-કામરાજ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા