રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્

January, 2003

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક.

તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી.

કલપતિ રામકૃષ્ણન્ રામનાથન્

ત્રિવેન્દ્રમની મહારાજા વિજ્ઞાન કૉલેજના પ્રાધ્યાપક સ્ટીવન્સન આ સમયે તેમના પરીક્ષક હતા. પરીક્ષા દરમિયાન તેમની પ્રાયોગિક સંપન્નતા અને મૌખિક કસોટીથી પ્રભાવિત થયેલા પરીક્ષક પ્રાધ્યાપક સ્ટીવન્સને ચાલુ પરીક્ષાએ ત્યાં ને ત્યાં જ તેમની કૉલેજના ભૌતિકવિજ્ઞાન વિભાગમાં નિર્દેશક (demonstrator) તરીકેની નિમણૂક તેમને આપી. ત્રિવેન્દ્રમ્ની આ કૉલેજમાં સાત વર્ષ નિર્દેશક તરીકે રહ્યા તે દરમિયાન ફાજલ સમયમાં તેઓ સ્થાનિક વિજ્ઞાન પ્રયોગશાળામાં સેવા આપવા જતા હતા. અહીંથી તેમણે સારા એવા પ્રાયોગિક જ્ઞાનનું ઉપાર્જન કર્યું. પરિણામે તેમણે ઉષ્ણકટિબંધીય તડિતઝંઝા (tropical thunder storm) ઉપર સંશોધન-લેખ પ્રસિદ્ધ કર્યો. તેમણે કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે પ્રાયોગિક અધ્યાપનનું કાર્ય કર્યું અને પાછળથી તે મોસમવિજ્ઞાન(meteorology)ના અભ્યાસ તરફ વળ્યા.

આ સમય એવો હતો જ્યારે સર સી. વી. રામનનો સૂર્ય મધ્યાહને તપતો હતો. તેમણે કોલકાતાની સંસ્થા ઇન્ડિયન એસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સ અને કોલકાતા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધનકાર્ય અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓને સીધા પાટે ચઢાવ્યાં હતાં. રામનાથન્ રામનનાં નામ અને સંશોધન-પ્રવૃત્તિઓથી આકર્ષાઈને મદ્રાસ યુનિવર્સિટીના સંશોધન-છાત્ર તરીકે 1921માં કોલકાતા ગયા. રામન પ્રકાશના પ્રકીર્ણન (scattering) ઉપર સંશોધન કરનાર પ્રથમ ભારતીય વિજ્ઞાની હતા. સંશોધનના આ ક્ષેત્રે ઝંપલાવનાર રામનાથન્ બીજા ક્રમે આવે. રામનાથન્ પહેલેથી જ તેજસ્વી હતા, આથી તેઓ એ સંશોધનમાં ઝડપથી આગળ વધવા લાગ્યા. પ્રકાશના પ્રકીર્ણનના પ્રયોગો દરમિયાન ‘મંદ પ્રસ્ફુરણ’(feeble fluorescence)ની ઘટના 1923માં નિહાળનાર રામનાથન્ સૌપ્રથમ હતા અને તે જ ઘટના રામનના સહકાર્યકર ડૉ. કે. એસ. કૃષ્ણને 1925માં નિહાળી. મંદ પ્રસ્ફુરણની ઘટનાનું કારણ શોધવા માટે રામન, રામનાથન્ અને કૃષ્ણને ઠીક ઠીક પ્રયાસો કર્યા. એ. એચ. કૉમ્પ્ટનની એક્સ-કિરણના ફોટૉન વડે મળતી પ્રકીર્ણનની ઘટના આપી. રામને આ ઘટનાને અનુરૂપ એવી દૃશ્યપ્રકાશના ફોટૉન વડે મળતી પ્રકીર્ણનની મંદ પ્રસ્ફુરણની ઘટનાને દર્શાવી આપી. આખરે રહસ્યનો અંત 28 ફેબ્રુઆરી 1928ના રોજ આવ્યો. રામનાથનના મંદ પ્રસ્ફુરણના અવલોકનથી ઉત્તેજિત રામને આ ઘટનાને પ્રકાશના પ્રકીર્ણનની પ્રક્રિયા તરીકે ઓળખાવી તે સમયે તેને ફેરફાર પામેલ વિકિરણ તરીકે ગણવામાં આવી હતી.

રામન અને રામનાથને પ્રવાહીઓમાં એક્સ-કિરણોના વિવર્તનનો સિદ્ધાંત 1923માં રજૂ કર્યો. આ સાથે તેમણે સંરચનાત્મક વર્ણપટને આધારે આ સિદ્ધાંત વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. રામનાથને સ્વતંત્ર રીતે પણ એક્સ-કિરણોના વિવર્તન ઉપર નોંધપાત્ર સંશોધન કર્યું. તેમણે 1923માં માત્ર એક જ વર્ષના ગાળા દરમિયાન ‘પ્રોસીડિંગ ઑવ્ રૉયલ સોસાયટી’, ‘ઍસ્ટ્રોફિઝિકલ જર્નલ ઍન્ડ ફિઝિકલ રિવ્યૂ’માં દશ સંશોધન-લેખો પ્રસિદ્ધ કર્યા. પરિણામે અત્યંત ઓછા સમયગાળામાં તેમને ડૉક્ટર ઑવ્ સાયન્સ(ડી.એસસી.)ની ઉપાધિ મળી.

રામનાથને કોલકાતામાં રામન સાથે રહીને સંશોધનની પ્રવૃત્તિઓને વેગીલી બનાવી. રામનાથનનાં તે સમયનાં સંજોગો અને કૌટુંબિક કારણોએ તેમને ઝાઝો સાથ આપ્યો નહિ તેથી તેમને રંગૂનમાં વ્યાખ્યાતાનું પદ ફરજિયાતપણે સ્વીકારવું પડ્યું. તેઓ રંગૂન ગયા; પણ જ્યારેય થોડોક સમય કે રજા મળે ત્યારે તેઓ પોતાના જ ખર્ચે, સંશોધનના સંપર્કમાં રહેવા માટે કોલકાતા દોડી આવતા. 1925માં તેમને ભારતના મોસમવિજ્ઞાન વિભાગમાં વ્યાખ્યાતાનું પદ મળતાં રંગૂન છોડ્યું. એ પદે, વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા ત્યાં સુધી, પૂરાં 35 વર્ષ તેમણે અવિરત સેવા આપી. ભારતમાં મોસમવિજ્ઞાનમાં રામનાથનનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ દરમિયાન તેમણે શોધી કાઢ્યું કે સમતાપમંડળ(stratosphere)નું ન્યૂનતમ તાપમાન વિષુવવૃત્ત ઉપર મળે છે અને નહિ કે ધ્રુવ ઉપર, જે આજ સુધી સામાન્ય રીતે સ્વીકારી લેવાયેલું.

ઓઝોન ઑક્સિજનના ત્રણ પરમાણુઓના સંયોજનથી બનેલો અણુ છે. વાતાવરણમાં પ્રચલિત વાયુઓ સાથે સાથે ઓઝોન પણ વાયુસ્વરૂપમાં રહેલો છે. પૃથ્વીની સપાટીથી આશરે 10થી 50 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે ઓઝોનનું સ્તર આવેલું છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી (ultraviolet) જેવા પ્રબળ વિકિરણનું ઓઝોન-સ્તર શોષણ કરે છે. પરિણામે આ વિકિરણની તીવ્રતા એકદમ ઘટી જાય છે અને પૃથ્વી ઉપર આવતાં કોઈ હાનિ થતી નથી. આ રીતે ઓઝોન-સ્તર એ જીવસૃદૃષ્ટિનું રક્ષા-કવચ છે.

રામનાથને મોસમવિજ્ઞાન સાથે સાથે આવા ઓઝોન વાયુ અને તેના સ્તરનો વિશિષ્ટ અને વિસ્તૃત અભ્યાસ કર્યો. ઓઝોન ઉપરના સંશોધનને કારણે રામનાથનને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી.

રામનાથન પુણેમાં હતા ત્યારે વિક્રમ સારાભાઈને તેમની સાથે થોડોક સમય કામ કરવાની તક મળી. અમદાવાદમાં ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળા (PRL) સ્થાપવાનો વિચાર વિક્રમભાઈએ રામનાથન્ સમક્ષ રજૂ કર્યો. રામનાથને તે વિચારને સમર્થન આપ્યું અને વિક્રમભાઈએ અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળા(PRL)ની સ્થાપના કરી અને તુરત જ 1948માં વિક્રમભાઈએ રામનાથન્ને પી.આર.એલ.ના નિયામક બનવા નિમંત્રણ આપ્યું. તે રીતે રામનાથન્ 1948માં પી.આર.એલ.ના પ્રથમ નિયામક તરીકે જોડાયા. આ પદ ઉપર રહીને ખુદ તેમણે તો સંશોધન કર્યું અને કેટલાક વિદ્યાર્થીઓને સંશોધન માટે માર્ગદર્શન આપીને પીએચ.ડી.ની ઉપાધિ અપાવી. 1966માં તેઓ આ પદેથી નિવૃત્ત થયા, પણ સન્માનનીય પ્રાધ્યાપક તરીકે ચાલુ રહ્યા. અવસાન સુધી સંશોધનમાં સક્રિય રહ્યા.

રામનાથને પી.આર.એલ.માં રહીને સંશોધન માટે સબળ નેતૃત્વ પૂરું પાડ્યું. યુવાન સંશોધકોની વણજાર તૈયાર કરી. તે રીતે તેમણે અમદાવાદને ભૌતિકવિજ્ઞાનનું સંશોધન-કેન્દ્ર બનાવ્યું અને તેમણે વિક્રમભાઈના સહયોગથી પી.આર.એલ.ને વિશ્વના નકશા ઉપર સ્થાન અપાવ્યું.

જીવન પર્યંત ભારતમાં રહીને મહદંશે સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી તેમણે સંશોધનકાર્ય કર્યું હતું. નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે વિદેશની વાતો સાંભળી અને વાંચી હતી. ભારતના મોસમવિજ્ઞાન વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ પાકટ વયે આ પ્રખર વિજ્ઞાનીને વિદેશ જવાની તક મળી. તે વિદેશની ભૂમિ ઉપર પગ મૂકે તે પહેલાં જ તેમનાં નામ અને કામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માન્યતા પામી ચૂક્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠનનું પારિતોષિક તેમને અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોસમવિજ્ઞાનીઓના આંતરરાષ્ટ્રીય સંગઠનના પ્રમુખપદે પણ તેમની વરણી થઈ હતી. 1957માં તેઓ ભૂગણિત (geodesy) અને ભૂભૌતિકવિજ્ઞાન (geophysics) સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા. આ સાથે આંતરરાષ્ટ્રીય ઓઝોન પંચના અધ્યક્ષ તરીકે પણ તેઓ ત્રણ સત્ર માટે રહ્યા.

રામનાથનની મોસમવિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓને આજે કમ્પ્યૂટર અને સૅટેલાઈટને કારણે ભારે બળ મળ્યું છે. પરિણામે કૃષિવિજ્ઞાન અને કૃષિ-ઉદ્યોગોના સંદર્ભમાં મોસમવિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવી છે.

કૃષિ માટે પાણી અનિવાર્ય ઘટક છે. પાણીની અનિવાર્યતા સમજીને સંકલિત જળ-પ્રબંધન (integrated water management) અત્યંત આવશ્યક છે.

કેટલાંય વર્ષો પહેલાં રામનાથને સરકારને રાષ્ટ્રના નાણાકીય બજેટની જેમ જ રાષ્ટ્ર માટે જળ-બજેટ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. જેમ રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેમ લિટર પાણી ક્યાંથી આવશે અને ક્યાં ક્યાં વપરાશે તેનું ચિત્ર (બજેટ) તૈયાર કરવું જોઈએ. પાણીના ટીપેટીપાનો ઉપયોગ થવો જોઈએ અને તેનો હિસાબ થવો જોઈએ. બજેટ દ્વારા જે તે વ્યક્તિ અને વ્યવસાય માટે મળવાપાત્ર પાણીનો પુરવઠો નિશ્ચિત થવો જોઈએ, જેથી પાણીનો વ્યય અટકાવી શકાય. ભારતની વિષમ પરિસ્થિતિને કારણે દેશમાં પૂર્વ ભાગ પૂરથી પીડાય છે અને પશ્ચિમ ભાગ પાણીની અછતથી. આવા સંજોગોમાં રામનાથનનું જળ-બજેટનું સૂચન કારગત નીવડી શકે એવું છે. ઇઝરાયલે જળ-બજેટના ખ્યાલનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો છે અને રણને લીલાંછમ બનાવવાના તેના પ્રયાસો યથાર્થ પુરવાર થતા જાય છે. રામનાથનના જળ-બજેટના સૂચનને અભરાઈ ઉપર ચડાવવાથી કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને સિંચાઈ માટે તો ઠીક, પણ પીવાના ચોખ્ખા પાણી માટે પણ હવાતિયાં મારવાં પડે છે.

ભારત સરકારે રામનાથનનું યોગ્ય રીતે જ સન્માન કર્યું છે. પહેલાં ‘પદ્મભૂષણ’ અને થોડાક સમય બાદ ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ તેમને એનાયત કરવામાં આવ્યો.

ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી(INSA)એ તેજસ્વી સંશોધકો માટે આર્યભટ્ટ પદકની યોજના શરૂ કરી છે. રામનાથન્ આ પદકના પ્રથમ વિજેતા થયા હતા. ‘ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સ’નું પ્રતિષ્ઠિત રામનપદ તેમને આપી તેમનું બહુમાન કરાયું હતું.

પ્રહલાદ છ. પટેલ