રામચરિતમાનસ : અવધી હિન્દીમાં રચાયેલી તુલસીદાસની સર્વશ્રેષ્ઠ ચરિત્રાત્મક પ્રબંધ રચના. એની મુખ્ય વિશેષતા એ છે કે તે ઓછા ભણેલાગણેલા માણસથી માંડીને કાવ્યના મર્મજ્ઞ વિવેચકોમાં સમાનરૂપે લોકપ્રિય રહી છે.

‘રામચરિતમાનસ’માં કવિએ રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. તુલસીદાસે આ ગ્રંથની રચના હિંદીના લોકપ્રિય છંદ ચોપાઈ અને દુહામાં કરી છે. તેમણે ઘણી જગ્યાએ સવૈયા અને કવિત જેવા છંદોનો ઉપયોગ કર્યો છે. સામાન્યપણે ચોપાઈની આઠ પંક્તિઓ પછી એક દુહો રાખવામાં આવ્યો છે. આ રીતે આવેલ દુહા સાથે એક કડવું પૂરું થાય છે. આ ગ્રંથમાં પ્રયોજાયેલી અવધી વ્રજ ભાષાની સાથે હિંદીની એક મહત્વપૂર્ણ કાવ્યભાષાના રૂપમાં સ્વીકૃતિ થઈ ચૂકી હતી. વિદ્વાનોનું માનવું છે કે તુલસીદાસે વિ. સં. 1631(ઈ. સ. 1574)ની રામનવમીના રોજ આ રચનાનો પ્રારંભ કર્યો હતો. એની સમાપ્તિની તિથિ વિશે ચોક્કસ રીતે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. એમ અનુમાન કરવામાં આવે છે કે તુલસીદાસે આ રચના ત્રણ વર્ષમાં પૂર્ણ કરી હશે.

તુલસીદાસ (‘રામચરિતમાનસ’ના રચયિતા)

‘રામચરિતમાનસ’ના પ્રારંભમાં જ તુલસીદાસે આ ગ્રંથની રચનાના ઉદ્દેશ વિશે ચોખવટ કરી છે. તેઓ રામના અનન્ય ભક્ત હતા. તેથી જ તેઓ ‘રામચરિતમાનસ’ની રચના વડે પોતાના યુગના જનસમાજને રામની ભક્તિ તરફ અભિમુખ કરવા ઇચ્છતા હતા. તેમણે અનુભવ્યું હતું કે તેમના સમયનો સમાજ જીવનનાં આદર્શો અને ઉદાત્ત મૂલ્યોને નેવે મૂકીને બેઠો છે. કળિયુગની વિષમતાઓના વર્ણન નિમિત્તે તેમણે પોતાના સમયની સામાજિક વિકૃતિઓ અને દિશાહીનતા વિશે ગહન ચિંતા અને દુ:ખ પ્રગટ કર્યું છે. એ સાથે જ એમણે એ વિશ્વાસ પણ પ્રગટ કર્યો છે કે, ‘રામચરિતમાનસ’ના પઠનથી અને તેમાં વર્ણવેલ આદર્શોનું અનુકરણ કરવાથી સમાજને સાચી દિશા પ્રાપ્ત થઈ શકે એમ છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર જણાય છે કે ‘રામચરિતમાનસ’ પોતાના રચનાકાળથી આજદિન સુધી જનમાનસને ઊંચા આદર્શો તરફ દોરી જવામાં સફળ રહેલ છે.

‘રામચરિતમાનસ’ના પ્રારંભમાં જ તુલસીદાસે રામકથાના ઉદગમની વાત કરી છે. એમણે કહ્યું છે કે મૂળમાં આ કથા શિવજીએ પાર્વતીજીને કહી છે. પછી યાજ્ઞવલ્ક્યે ભારદ્વાજને સંભળાવી છે. તે પછી કાકભુશુંડીએ ગરુડને એની એ જ કથા કહી સંભળાવી હતી. તુલસીદાસે લખ્યું છે કે રામના અનેક પ્રકારના અવતારો થયા છે, અને હજી સુધી સહસ્ર પ્રકારની રામાયણો લખાઈ છે. છતાંય તુલસીદાસે રામચરિતમાનસના કથાનકને જટિલતાથી મુક્ત રાખ્યું છે. કોઈ પણ અવાન્તર કથાને એ રૂપે આવવા દીધી નથી કે જેથી મૂળ કથાના સહજ વિકાસમાં તે બાધક બનતી હોય. કવિએ વિવિધ ઘટનાઓ અને પ્રસંગોને એવી રીતે સંયોજિત કર્યાં છે કે કથાનકની રચનામાં કોઈ પણ જાતની શિથિલતા ન આવે. ‘રામચરિતમાનસ’ની કથામાં એક ગતિ છે, લય છે.

રામની આ વિસ્તૃત કથા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચાલ્યા કરે છે. તેની સાથે સાથે અનેક કથા-તંતુઓ  ગરુડ અને કાકભુશુંડીનો સંવાદ, ‘શિવ-ચરિત્ર’, ‘શિવ-પાર્વતી સંવાદ’ યાજ્ઞવલક્ય-ભારદ્વાજ વગેરે સંવાદ વણી લેવામાં આવ્યા છે.

આમ, રામવિષયક આ ચરિત્ર-કાવ્ય આજેય પ્રભાવક રહ્યું છે, કારણ કે તેમાં રામ વિધેયાત્મક જીવનમૂલ્યોની પ્રતિમા રૂપે ઊપસે છે. ગાંધીજીએ પણ રામ અને રામરાજ્યને આવકાર આપ્યો હતો.

કલાદૃષ્ટિએ આ એક ઉત્કૃષ્ટ મહાકાવ્ય ગણાયું છે. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં પ્રબંધ કૃતિ માટે સર્ગબદ્ધ કથા હોવી, ઉચ્ચ કુળનો ધીરોદાત્ત નાયક હોવો, શૃંગાર, શાંત તથા વીરરસમાંથી કોઈ એક રસનું અંગી રસ તરીકે હોવું અને અન્ય રસોનું અંગ ભાવથી હોવું, સુન્દર વર્ણન-યોજના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વિસ્તૃત વિશ્ર્લેષણ હોવું જરૂરી છે, તો પાશ્ર્ચાત્ય સાહિત્યશાસ્ત્રમાં જેને epic કહેવામાં આવે છે તેનાં લક્ષણો હોવાં જરૂરી છે. એ રીતે અતીત સાથેનો કથાતંતુ અહીં છે. વિશ્વની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓમાં ‘રામચરિતમાનસ’ને મહત્વનું સ્થાન છે.

સાંસારિક સંબંધો અને લીલાઓની સાથે સાથે ભારતીય પરંપરામાં જે પવિત્ર ભક્તિનો ભાવ છે તે આ ‘રામચરિતમાનસ’નાં ચરિત્રો દ્વારા આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ વાચકોને આગળ ને આગળ જવાની પ્રેરણા અર્પી રહે છે.

‘રામચરિતમાનસ’ની લોકપ્રિયતાનાં કારણોમાં એની કલાત્મક ગુણવત્તા તો ખરી જ; પણ સાથે એમાં સમાયેલ જીવનમૂલ્યોએ પણ એને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ કરી છે. રામકથાના કેન્દ્રમાં રાજસત્તા હાંસલ કરવાની કૈકેયીની લાલસા અને મહત્ત્વાકાંક્ષા છે; પણ તે પોતાના ષડ્યંત્રમાં એકલી પડી જાય છે. સ્વયં ભરત પણ કૈકેયીના આ કાર્યની નિંદા કરે છે. આવી સ્થિતિમાં કૈકેયી બીજાંઓની ષ્ટિમાં જ નહિ, પણ પોતાની દૃષ્ટિમાં પડી જાય છે. રામની ધર્મપરાયણતા, તેમની વત્સલતા, પિતા-પુત્રના સંબંધોમાં રહેલ સન્માન અને સ્નેહની ભાવના, માતાનો વાત્સલ્યભાવ, ભાઈ-ભાઈ વચ્ચેનું સૌહાર્દ, પતિ-પતિના સંબંધોમાં વિશ્વાસ અને સમર્પણની ભાવના જેવા કેટલાક આદર્શો છે, જે લોકાચરણ માટે માર્ગદર્શક થઈ પડે છે. તુલસીદાસે રામના ચરિત્રમાં શિવ, સૌંદર્ય અને શક્તિના મહાન ગુણો દર્શાવ્યા છે. રામમાં કરુણા પણ છે અને ક્રોધ પણ. તેઓ ભક્તોના આશ્રયદાતા અને દુષ્ટોના સંહારક પણ છે. તે ક્ષમાના સાગર અને અન્યાય અને અત્યાચારો નિવારવા માટે સાક્ષાત્ કાલદંડ છે. તેમની ભક્ત-વત્સલતાનો જોટો નથી.

જેમ આગળ કહ્યું છે તેમ, ‘રામચરિતમાનસ’નો મુખ્ય ઉદ્દેશ રામભક્તિના પ્રતિપાદનનો છે; પણ તુલસીની ભક્તિ એકાંગી નથી; તે સર્વસમાવેશી છે. તેમણે પોતાના યુગની અનેક સાધના-પદ્ધતિઓ અને વિચારધારાઓ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કર્યું છે. તેમણે શૈવ અને વૈષ્ણવ માર્ગ, જ્ઞાન અને ભક્તિ-માર્ગ, સગુણ અને નિર્ગુણની ભક્તિ વચ્ચે અભેદની સ્થાપના કરી છે. ઉત્તર ભારતના ઘણા-ખરા ધર્મપ્રાણ લોકોને ત્યાં ‘રામચરિતમાનસ’નું પારાયણ એક ધાર્મિક ગ્રંથ રૂપે થાય છે. પણ તેનાથી એની સાહિત્યિક ગુણવત્તા ઓછી થતી નથી. આ ગ્રંથ હિન્દીમાં એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ તરીકે સ્વીકૃત છે. શૃંગાર, વીર, કરુણ, બીભત્સ અને હાસ્ય જેવા રસોનું ‘રામચરિતમાનસ’માં વિશદ નિરૂપણ છે. તુલસીદાસ કવિતામાં ચાતુર્યની જગ્યાએ અર્થગાંભીર્યને વિશેષ મહત્વપૂર્ણ ગણે છે. તેથી જ એમની આ પ્રસ્તુતિમાં એક જાતનું કલાત્મક સંતુલન છે. તુલસીદાસ પોતાના પાઠકોનાં હૈયાંને સ્પર્શવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આ કામ એમણે પોતાનાં સજીવ રૂપકો આદિ દ્વારા અહીં સિદ્ધ કર્યું છે.

‘રામચરિતમાનસ’ એક મહાકાવ્યથીયે વિશેષ ભક્તિકાવ્ય અને માનવતાના કાવ્ય તરીકે પ્રતિષ્ઠા પામી ભારતીય સંસ્કૃતિના એક અમૂલ્ય નજરાણા રૂપે આજદિન સુધી સમાદર પામતું રહ્યું છે.

મહાવીરસિંહ ચૌહાન

રજનીકાન્ત જોશી