રામચરણદાસ (ઈ. સ. 1760–1835) : શૃંગારી રામોપાસનાના વ્યાપક પ્રચારક મહાત્મા. પ્રતાપગઢ જિલ્લાના એક કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. યુવાનીમાં થોડો સમય એ વિસ્તારના કોઈ રાજપરિવારમાં નોકરી કરી પછી વિરક્ત થઈ અયોધ્યા ચાલ્યા ગયા અને ત્યાં મહાત્મા બિંદુકાચાર્યના સાધક શિષ્ય તરીકે રહ્યા. ગુરુની સાથે ચિત્રકૂટ અને મિથિલાની યાત્રા કરી. શૃંગારી સાધનાનાં રહસ્યો પામવા માટે રૈવાસા (જયપુર) ગયા. ત્યાં ‘અગ્રસાગર’નો સ્વાધ્યાય કરવા અર્થે પોતાના મસ્તક પરનું તિલક પણ બદલવું પડ્યું. પર્યટન સમાપ્ત કરીને અયોધ્યામાં જાનકી ઘાટ ઉપર નિવાસ કર્યો. તેમની સિદ્ધિઓ અને સંતસેવાથી પ્રભાવિત થઈ તત્કાલીન અવધના નવાબે જાનકીઘાટની તમામ ભૂમિ તેમજ નિભાવ અર્થે કેટલાંક ગામો પણ ભેટ આપ્યાં. શૃંગારી રામોપાસનાનો વ્યાપક પ્રચાર કરવાનું શ્રેય આ મહાત્માને ફાળે જાય છે. આ કાર્યમાં તેમના શિષ્યો યુગલપ્રિયા અને રસિકઅલીની વિશેષ સહાયતા પ્રાપ્ત થઈ. એમના લખેલા 25 ગ્રંથો પ્રકાશિત થયા છે. આ ગ્રંથોમાં તેઓ સાંપ્રદાયિક આચાર્ય હોવાથી સૈદ્ધાંતિક વિવેચન અને સાધના-પદ્ધતિઓનું વિવરણ વિશેષ સ્થાન પામ્યું છે. એમણે ‘રામચરિતમાનસ’ પર રચેલી પ્રથમ ટીકા એમની રચનાઓમાં સર્વાધિક મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. આ ટીકા દ્વારા ‘માનસ’ના સિદ્ધાંતોનો રામભક્તોમાં વ્યાપક પ્રચાર થયો હતો.
પ્રવીણચંદ્ર પરીખ