રામકૃષ્ણ મિશન (સ્થાપના 1 મે 1897) : રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં ઊંડી આસ્થા ધરાવનારા અને તે ઉપદેશોને આમજનતા સુધી પહોંચાડી શકે તેમજ સંતપ્ત, દુ:ખી અને પીડિત માનવજાતની નિ:સ્વાર્થ સેવા કરી શકે એવા સાધુઓ અને સંન્યાસીઓનું સ્વામી વિવેકાનંદે સ્થાપેલું સંગઠન. તેઓ આ સંગઠન દ્વારા વેદાંતદર્શનના ‘तत्वमसि’ સિદ્ધાંતને વ્યાવહારિક રૂપ આપવા માગતા હતા. આથી સંન્યાસીઓએ ફક્ત આત્મકલ્યાણ માટે જ જીવન વિતાવવાનું નથી; પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી તે દ્વારા જનસમાજનું કલ્યાણ કરવાનું છે એવો નવીન સંન્યાસીધર્મ સ્વામી વિવેકાનંદે આ મિશન દ્વારા પ્રવર્તાવ્યો. ‘आत्मने मोक्षार्थं जगत-हिताय च’ આ મંત્ર મિશનની સ્થાપનાના પાયામાં રહેલો છે.
છેલ્લાં સોથીય અધિક વર્ષોથી કામ કરતું રામકૃષ્ણ મિશન – એ વિકાસોન્મુખ સંસ્થા છે. તેના સિદ્ધાંતોમાં વૈજ્ઞાનિક પ્રગતિ અને ચિંતનની સાથે પ્રાચીન ભારતીય અધ્યાત્મવાદનો સમન્વય એવી રીતે કરવામાં આવ્યો છે કે જેથી આ સંસ્થા પણ પાશ્ર્ચાત્ય દેશોની જેમ જનકલ્યાણ કરવામાં સમર્થ બની છે. તેના દ્વારા સ્કૂલ, કૉલેજ અને હૉસ્પિટલો ચલાવવામાં આવે છે તેમજ ખેતી, કલા અને હુન્નરના પ્રશિક્ષણની સાથોસાથ પુસ્તકો અને સામયિકો પણ પ્રકાશિત થાય છે. તેની શાખાઓ સમગ્ર ભારત અને વિદેશોમાં પણ ફેલાઈ છે.
2002માં દેશ અને વિદેશોમાં રામકૃષ્ણ મિશનની 148 શાખાઓ છે. તેમાંની 110 શાખાઓ દેશમાં અને 38 શાખાઓ વિદેશમાં છે. આ શાખાઓ દ્વારા જનસેવાનાં વિવિધ કાર્યો થઈ રહ્યાં છે. મિશનની 14 ઇન્ડોર હૉસ્પિટલો છે અને 78 જેટલાં ધર્માર્થ ચિકિત્સાલયો છે. વળી તેનાં 28 હરતાંફરતાં દવાખાનાં પણ ચાલે છે. શિક્ષણક્ષેત્રમાં પણ રામકૃષ્ણ મિશન કૉલેજથી માંડીને ગ્રામવિકાસ તાલીમ સંસ્થાઓ સુધીની 2,959 જેટલી શિક્ષણ-સંસ્થાઓ ચલાવે છે. દેશ અને વિદેશમાં તેનાં 20થી પણ વધારે પ્રકાશન-કેન્દ્રો દ્વારા દેશ-વિદેશની અનેક ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત થતાં રહે છે. એ જ રીતે મિશનનાં કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં ચૌદ જેટલાં સામયિકો પણ પ્રગટ થાય છે.
પછાત વર્ગો, આદિવાસી ક્ષેત્રો અને ગામડાંઓમાં પણ મિશનનાં કાર્યો ચાલી રહ્યાં છે. પછાત અને આદિવાસી ક્ષેત્રોમાં મિશનનાં સોળ પ્રમુખ કેન્દ્રો કાર્યરત છે.
આ ઉપરાંત અછતગ્રસ્તોને સહાય આપવાનું અને પુનર્વસવાટનું કાર્ય પણ મિશન દ્વારા મોટા પાયા પર થઈ રહ્યું છે. વાવાઝોડું, દુષ્કાળ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી હોનારતો સમયે મિશન આફતગ્રસ્ત લોકોને તત્કાળ અન્ન, વસ્ત્ર અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની સહાય પૂરી પાડે છે અને પછી પુનર્વસવાટ માટે આવાસો પણ પૂરા પાડે છે.
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યો પણ મિશનની પ્રવૃત્તિઓનો મુખ્ય ભાગ છે. મૂલ્યનિષ્ઠ કેળવણીનો પ્રચાર અને પ્રસાર, યુવાપેઢીનું ઘડતર, એ માટે આધ્યાત્મિક, શૈક્ષણિક અને યુવાશિબિરોનું આયોજન મિશનનાં બધાં કેન્દ્રોમાં થાય છે. આ ઉપરાંત ધાર્મિક ઉત્સવો, પ્રવચનો, ચર્ચાપરિષદો વગેરેનાં આયોજન દ્વારા જનસમાજની જાગૃતિનું કાર્ય પણ મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઈ. સ. 1997માં રામકૃષ્ણ મિશને પોતાની શતાબ્દી પ્રસંગે પોતાનાં બધાં કેન્દ્રો દ્વારા જનકલ્યાણના વિશિષ્ટ કાર્યક્રમો યોજ્યા હતા.
જ્યોતિ થાનકી
પ્રવીણચંદ્ર પરીખ