રામકૃષ્ણ દેવ (જ.  અ. ?) : ધ્રુપદ તથા ખયાલ ગાયકીના જાણીતા કલાકાર. તેઓ મધ્યભારતની ધાર રિયાસતના રહેવાસી હતા. સંગીતની ઉચ્ચ તાલીમ મેળવવા તેઓ ગ્વાલિયર ગયા અને ત્યાં તેમણે ધ્રુપદ તથા ખયાલ-શૈલીના સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. તેમનો અવાજ બારીક હોવાથી અને તેમની ફિરત જોરદાર હોવાને કારણે ટપ્પાની તાલીમ લેવાની તેમને સલાહ આપવામાં આવી. એથી તેઓ ટપ્પાની શૈલીની તાલીમ મેળવવા પંજાબ ગયા અને ત્યાં ઉપર્યુક્ત શૈલી આત્મસાત્ કરી તેમાં પ્રભુત્વ મેળવ્યું. તે પછી તેઓ  પોતાના વતન ધાર પાછા આવ્યા. સંગીતજ્ઞોના મત મુજબ હિંદુ ગાયકોમાં ટપ્પાની શૈલીના ગાયકોમાં તેઓ તેમના જમાનાના શ્રેષ્ઠ ગાયક હતા. પોતાના શિષ્યોમાં જેમનો અવાજ ટપ્પાને લાયક હોય તેમને તેઓ ટપ્પા શીખવતા અને અન્ય શિષ્યોને તેઓ ધ્રુપદની તાલીમ આપતા. તેમણે અનેક રાગોમાં સરગમો રચી હતી, જેમનો મોટો લાભ પછીની પેઢીને મળ્યો છે. તેઓ સમર્થ ગુરુ હતા અને તેમણે અનેક શિષ્યોને તાલીમ આપી હતી. મહારાષ્ટ્રના પ્રખર ટપ્પાગાયક રાવજીબુવા ગોગટે તેમના શિષ્ય હતા.

બટુક દીવાનજી