રામ : સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’નું મુખ્ય પાત્ર. સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર. મહામાનવ, મર્યાદાપુરુષોત્તમ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ. એ જ આત્મારામ, અન્તર્યામી, પરમાત્મા. મહાતેજસ્વી અને સત્યપરાક્રમી. ગાંધીજીને પ્રિય ધૂન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને સ્વામી રામદાસની પ્રસિદ્ધ ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ’ એમને ઉદ્દેશીને જ ગવાય છે. એમનાં ત્રણ વ્રત હતાં : એક વચન, એક બાણ, એકપત્નીવ્રત.
શ્રીકૃષ્ણ દશાવતારમાંના આઠમા અવતાર ગણાય છે, તો શ્રીરામ સાતમા. પેલા પૂર્ણ પુરુષોત્તમ તો આ મર્યાદાપુરુષોત્તમ. એમનું ચરિત્ર આદિકાવ્ય ‘રામાયણ’માં તેમના સમકાલીન આદિકવિ મહર્ષિ વાલ્મીકિએ પ્રથમવાર આલેખ્યું અને પછી તો સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં કેટલાંયે ‘રામાયણો’ રચાયાં. એ રીતે તેમની મૂળ કથા પણ ઘણો વિકાસ પામી.
મહામના દશરથરાજાના ચાર પુત્રો – મહારાણી કૌશલ્યાના શ્રીરામ કે રામચન્દ્ર, કૈકેયીના ભરત અને સુમિત્રાના લક્ષ્મણ-શત્રુઘ્ન. રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નની જોડી. વિદ્યાભ્યાસ પૂરો થયા પછી સ્વયજ્ઞને રાક્ષસોથી રક્ષવા વિશ્વામિત્ર ઋષિ રામ-લક્ષ્મણને લઈ ગયા. માર્ગમાં ભૂખ-તરસ-થાક-રોગ-નિવારક બલા-અતિબલા વિદ્યાઓ શ્રીરામને આપી, કામવનમાં ભયંકર રાક્ષસી તાડકાનો વધ કરી તથા સિદ્ધાશ્રમે સુબાહુને હણી અને મારીચને યોજનો દૂર દરિયાકાંઠે ફેંકી શ્રીરામે પોતાના પરાક્રમનો પરિચય આપ્યો. ઋષિમંડળી સાથે મિથિલા જતાં માર્ગમાં પતિશાપથી એકાન્તવાસમાં નિશ્ચેષ્ટ પડેલી મહર્ષિ ગૌતમની પત્ની અહલ્યાને શાપમુક્ત કરી. મિથિલાનરેશ જનકની ખેતર ખેડતાં મળેલી પુત્રી સીતાને પરશુરામના શિવધનુષની પણછ ચડાવીને જીતવા છતાં પિતૃસંમતિ વિના તેને સ્વીકારવાની ના પાડી પોતાની વિનીતતાનાં દર્શન કરાવ્યાં. પણછ ચડાવતાં પોતાનું ધનુષ રામથી ભાંગતાં ધૂંઆપૂંઆ થઈ અયોધ્યાના માર્ગમાં ધસી આવેલા ભગવાન પરશુરામના વિષ્ણુધનુષ પર સરળતાથી બાણ ચડાવી, તેમનો અહંકાર ઉતારી, તેમની ઇચ્છા અનુસાર તપફલિત લોકને પોતાના તે બાણ વડે હણી નિસ્તેજ કરીને શ્રીરામે પોતાના લોકોત્તર પ્રભાવની પ્રતીતિ કરાવી. મોહાંધ રાજા પાસે અપરમા કૈકેયીએ ભરતને રાજ્ય અને રામને 14 વર્ષના વનવાસનાં વરદાન માગતાં પિતૃવચનપાલનતત્પર યુવા શ્રીરામ તરત જ વન સંચર્યા. સીતા-લક્ષ્મણ સાથે ગયાં. પાછળ આવેલા પ્રજાજનોને ઊંઘતા છોડીને આગળ જતા રહ્યા અને મિત્ર નિષાદરાજ ગુહની મદદથી ગંગા ઓળંગી ભરદ્વાજઋષિની સૂચનાથી ચિત્રકૂટ પર રહ્યા.
પિતા તો પુત્રવિયોગે મૃત્યુ પામ્યા, પરંતુ ભરત મોટાભાઈને પાછા લાવવા વનમાં ગયા ત્યારે શ્રીરામ વચનપાલનમાં દૃઢ રહ્યા અને તેમને પણ પિતૃવચન નહિ ઉથાપવા સમજાવ્યા. તેમની પાદુકાઓ લઈ ભરત પાછા ફર્યા.
ત્યાંથી દક્ષિણે દંડકારણ્યમાં દસેક વર્ષ ઋષિ-આશ્રમોમાં ફર્યા પછી ગોદાવરીતટે પંચવટીમાં ત્રણે સ્થિર થયાં. ત્યાં શ્રીરામ પર મોહી પડ્યાનો ડોળ કરતી લંકેશ રાવણની બહેન શૂર્પણખાને વિનોદપૂર્વક પત્ની વિનાના અનુજ પાસે મોકલી અને લક્ષ્મણે ફરી રામ તરફ. ખીજમાં સીતા પર હુમલો કરવા આવતી તેનાં નાક-કાન લક્ષ્મણે રામના ઇશારાથી કાપી નાખ્યાં. 14,000 રાક્ષસો સાથે ખર, દૂષણ અને ત્રિશિરાને એકલે હાથે હણીને શ્રીરામે અપ્રતિમ શૌર્યનો પરચો દેખાડ્યો. રાવણના કહેવાથી માયાવી મારીચ સોનાનું હરણ બનીને આવ્યો ત્યારે લક્ષ્મણે તો તરત જ તેનો સાચો પરિચય આપી દીધો, પણ નિર્મળહૃદય શ્રીરામ પ્રિયતમાની ઇચ્છાને માન આપી તેની પાછળ ગયા અને તેને બાણ માર્યું. મરતા મારીચે રામના સ્વરમાં ‘હા સીતે ! હા લક્ષ્મણ !’ એવો સાદ પાડ્યો. ગભરુ સીતાએ પોતાને નહિ છોડનાર લક્ષ્મણને આકરા શબ્દો કહીને મદદે દોડાવ્યા. રાવણ સીતાને હરી ગયો અને તેને બચાવવા દોડેલા જટાયુનાં પાંખ-પગ-પડખાં કાપી નાંખ્યાં.
વિહ્વળ રામ વિલાપ કરતા ફરતા નદી, વૃક્ષો, પ્રાણીઓ વગેરેને સીતા વિશે પૂછવા લાગ્યા. જટાયુ તેને ખાઈ ગયો એવી માનવસહજ શંકા કરી બેઠા ! તે સીતાહરણની વાત કરી મરણ પામ્યો. રાક્ષસ કબંધના કહેવાથી ઋષ્યમૂક પર્વત તરફ ગયેલા રામની હનુમાને વાનરરાજ સુગ્રીવ સાથે મૈત્રી કરાવી. તેના ભાઈ વાલીને વૃક્ષ પાછળ સંતાઈને મારીને તેને રાજ્ય અને પત્ની પાછાં અપાવ્યાં. હનુમાને સીતાની ભાળ મેળવી લંકા બાળી. સમુદ્ર પર સેતુ બાંધી વાનરસૈન્ય સાથે લંકા જઈ ઘોર યુદ્ધમાં રાવણને સંહારી સીતાને છોડાવી, પણ ચારિત્ર્ય ઉપર સંશય લાવી સ્વીકારી નહિ. અગ્નિમાં પ્રવેશેલી સીતાને સાક્ષાત્ અગ્નિદેવે પાછી સોંપી ત્યારે સ્વ. દશરથ રાજાએ પણ દર્શન દીધાં.
અયોધ્યામાં મહોત્સવપૂર્વક રાજ્યાભિષેક કરાયો અને ‘રામરાજ્ય’ પ્રવર્ત્યું. પરંતુ સીતાના ચારિત્ર્ય વિશે પ્રજામાં કોઈકે સંશય લાવતાં પ્રજારંજન માટે સગર્ભા સીતાના ત્યાગનો કઠોર નિર્ણય લીધો. પોતે પણ વનવાસનું જીવન જીવવા લાગ્યા, કેમ કે સીતા તેમના હૃદયમાં તો વિરાજતી જ હતી. અશ્વમેધ યજ્ઞમાં એકપત્નીવ્રતી શ્રીરામે સીતાની સોનાની મૂર્તિને સહધર્મચારિણી તરીકે બેસાડી.
સીતાના પુત્રો કુશ અને લવને વાલ્મીકિએ સ્વરચિત ‘રામાયણ’ શીખવ્યું. તેમના મુખે નગરજનો તથા શ્રીરામે તેનું ગાન સાંભળ્યું. બીજે દિવસે સીતાને સભા વચ્ચે ચારિત્ર્યશુદ્ધિના શપથ લેવા બોલાવી. સીતાએ ‘જો પોતે પતિવ્રતા રહી હોય તો ધરતીમાતા વિવર દે’ એમ ઉચ્ચારતાં જ પૃથ્વી ફાટી અને સિંહાસનારૂઢ ધરતીમાતા તેને ઉપાડી ગયાં !
અવતારકાર્ય પૂર્ણ થઈ ગયાનું સ્મરણ કાલપુરુષે કરાવતાં રામે સર્વ સાથે સરયૂમાં સમાધિસ્થ થઈને જીવનલીલા સંકેલી લીધી.
વ્યક્તિત્વ : આ કથામાંથી શ્રીરામના અપ્રતિમ વ્યક્તિત્વનાં વિવિધ પાસાંનાં દર્શન થાય છે.
ત્રણ વ્રતો : એક વચન, એક બાણ, એકપત્નીવ્રત. પિતાના વચનને પાળવા ભરયુવાનીમાં વનવાસ સ્વીકાર્યો અને એ નિર્ણયમાં અડગ રહેવા માતાપિતાને પણ ઉપદેશાત્મક લાગે તેવાં વચન કહી કર્તવ્ય ચીંધ્યું. ભરતને પણ ભાવના કરતાં કર્તવ્ય મોટું હોવાનું સમજાવ્યું. રામ વચનમાંથી ફરી જાય એવી કૈકેયી માતાની શંકા દૂર કરતાં કહે : ‘रामो द्विर्नाभिभाषते રામ બે વચન બોલતો નથી. રામનું બાણ અમોઘ છે અને ધનુષ પરથી ઊતરતું નથી. પરશુરામના ધનુષ ઉપર ચઢાવેલું બાણ પાછું ઉતારવાની ના પાડી અને તેમની ઇચ્છા પ્રમાણે તેમના તપનું ફળ તેનાથી નષ્ટ કર્યું. અકસીર દવાને ‘રામબાણ દવા’ કહેવામાં આવે છે. યજ્ઞમાં સીતાની સુવર્ણપ્રતિમાને સહધર્મચારિણી તરીકે મૂકી તેમણે બહુપત્નીત્વના એ જમાનામાં સમાજમાં એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. દૃઢતામાં પણ તેમના હૃદયમાં પત્ની માટે કુમાશ હતી. તેને રીઝવવા માટે જ સુવર્ણમૃગ પાછળ ગયેલા અને બીજા મૃગનો શિકાર કરવા રોકાયા હતા.
આત્મશ્રદ્ધા : ભરત આવતો હતો ત્યારે પોતાને મળવા આવે છે, મારવા નહિ એવું લક્ષ્મણને દૃઢતાથી કહ્યું. વળી હારેલા રાવણને મારવાને બદલે ‘કાલે વધારે સારી સજ્જતા સાથે આવજો’ એમ કહી જવા દીધેલો. તે ઔદાર્યની સાથે આત્મશ્રદ્ધા દર્શાવે છે.
શરણાગતવત્સલતા : વિભીષણ શરણે આવ્યા ત્યારે સુગ્રીવાદિના વિરોધ છતાં શ્રીરામે એને આશ્રય આપ્યો અને લંકેશ તરીકે રાજતિલક કરાવ્યું અને કહે છે : જો રાવણ આવે તો તેને પણ હું જરૂર આશ્રય આપું.
ઉદારચરિતત્વ : રાવણ જેવાને ‘વધારે સજ્જ થઈ આવજો’ કહી જવા દેવો એ શ્રીરામની આત્મશ્રદ્ધા ઉપરાંત તેમના ઉદારચરિતત્વનું પણ દ્યોતક છે.
પ્રજાવત્સલતા : શ્રીરામ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી હતા અને પ્રજાના રંજન માટે પ્રાણ પાથરવા પણ તત્પર હતા. સીતાના ચારિત્ર્ય વિષે કોઈકે સંદેહ વ્યક્ત કરતાં જ પ્રજારંજનતત્પર શ્રીરામ સગર્ભા સીતાનો ત્યાગ કરતાં ખચકાયા નહિ. ‘રામરાજ્ય’ તો કહેવત બની ગયું છે.
વિનીતતા : ધનુષ તોડી સીતાને જીતી છતાં પિતાની સંમતિ વિના તેનો સ્વીકાર કરવાની ના પાડી અને કૈકેયીમાતા વિષે આકરા શબ્દો વાપરતાં ભરતને અટકાવે છે અને કહે છે : ‘માતા પણ પિતા જેટલી જ પૂજનીય છે.’
વિનોદવૃત્તિ : દાન લેવા આવેલા ગર્ગગોત્રીય ત્રિજટને કહે, જેટલે દૂર તારો દંડ જશે એટલા ભાગમાં બેસે તેટલી ગાયો તને આપીશ. દંડ દૂર ન જતાં નિરાશ થયેલાને હસીને કહે, ‘એ તો મેં હસવામાં જ કહેલું’, અને તેને આલિંગન આપી ઘણી ગાયો આપી ! શૂર્પણખાને કહે, ‘મારી પત્ની તો આ રહી, મારા પત્ની વિનાના અનુજ પાસે જા !’ લક્ષ્મણે વળી રામ પાસે મોકલી.
શ્રીરામ વીરતા અને સદ્ગુણશીલતાની સાક્ષાત્ મૂર્તિ હતા. તેઓ ખરેખર ધર્મવીર હતા. તેમનું જીવન જાણે ધર્મની સિદ્ધિ અને પ્રતિષ્ઠા કરવા માટે જ હતું. તેમની જીવનયાત્રા એટલે અસત્ – અધર્મ ઉપરના સત્ય-ધર્મના વિજયની યાત્રા. વ્યક્તિગત જીવનનો સર્વતોમુખી આદર્શ એમાં પ્રગટ થાય છે. ઉત્તરની વાચનાપરંપરામાં શ્રીરામના વ્યક્તિત્વના પ્રબળ સાત્ત્વિક પ્રભાવને નિરૂપતો રાવણ અને રાક્ષસ વચ્ચેના સંવાદનો સુંદર શ્ર્લોક પ્રચલિત છે.
‘‘अह्राय प्रतिबुध्यताम्’’ “किम् अभवद्”
‘‘रामाङ्गना हि – आहता’’,
‘‘भुक्ता किं न’’ ‘‘यतो हि नैन भजते
रामात् परं जानकी’’
‘‘रामः किं न भवान् अभूत्’’ ‘‘शृणु सखे’’
‘‘तालीदलश्यामलं,
रामाङ्गं भजतो समाडपि कलुषी –
भावो न संजायते ।।’’
[‘‘જાગો, સફાળા જાગો !’’
‘‘શું થયું છે ?’’
‘‘રામની પત્નીને ઉપાડી લાવ્યો છું !’’
‘‘એને ભોગવી કેમ નહિ ?’’
‘‘કેમ કે જાનકી રામ સિવાય બીજાને સેવતી નથી !’’
‘‘આપે રામનું રૂપ કેમ ન લીધું ?’’
‘‘હે મિત્ર, સાંભળ. રામનું શ્યામળ શરીર ધારણ કરતાં જ દુષ્ટતા ઉદભવતી જ નથી !’’]
શ્રીરામ આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર અને આદર્શ રાજા હતા.
માનવસહજ લાગણીઓ અને અપૂર્ણતાઓનાં દર્શન પણ રામચરિતમાં થાય છે. યૌવરાજ્યાભિષેકની જાણ કરાતાં તેઓ હર્ષિત થાય છે અને તે અટકતાં અપ્રકટ શોક થાય છે ! માયાવી સીતાનો શિરચ્છેદ જોતાં અત્યંત ક્ષોભ થાય છે. લક્ષ્મણ બેભાન થતાં કઠણ હૃદયને પિગળાવે તેવું આક્રંદ કરી ઊઠે છે. સીતાવિયોગનો વિલાપ પણ એટલો જ કરુણ છે. શંકાશીલતા પણ એમને છોડતી નથી. સીતાને બચાવવા જતાં ઘાયલ થતા જટાયુ ઉપર સીતાને ખાઈ ગયો હશે એવી શંકા એમના મનમાં ઉદભવે છે, અને વાસ્તવિકતા જાણતાં એને ભેટી પડે છે ! સતી સીતાના ચારિત્ર્ય પર શંકા લાવે છે અને સાક્ષાત્ અગ્નિદેવ પવિત્રતાના સાક્ષી થાય છે, ત્યારે તેને સ્વીકારે છે ! અને એવી સીતાનો સગર્ભાવસ્થામાં જ પ્રજારંજન અર્થે રાજા રામ ત્યાગ કરી બેસે છે. અંતે પણ લવ-કુશની માતા સીતાને સભા મધ્યે પવિત્રતાના સોગંદ લેવા જણાવવા જેવી નિષ્ઠુરતા આચરે છે. વાલીને વૃક્ષ પાછળ સંતાઈને મારે છે અને તેનું કારણ ગળે ન ઊતરે એવું આપે છે. આ બધી માનવસહજ અપૂર્ણતાઓ છે. પરંતુ તેથી શ્રીરામ સામાન્ય મનુષ્ય બની જતા નથી. એમાં તેમનું મર્યાદાપુરુષોત્તમત્વ પ્રગટ થાય છે. તે ગુરુ, પિતા, માતા, ભાઈઓ, મિત્ર અને પ્રજા પ્રત્યેની મર્યાદાને ઓળંગતા નથી. વરુણદેવની ઉપાસના ત્રણ દિવસ સુધી કર્યા પછી બાણપ્રયોગ કરવા તત્પર શ્રીરામને લક્ષ્મણ કહે છે : ‘મેં તો પહેલા જ બાણથી શોષી લેવાનું સૂચવ્યું હતું !’ તો કહે, ‘એ મારી મર્યાદા છે, એને હું ન ઓળંગી શકું.’
ઐતિહાસિક ચર્ચા : (1) ડૉ. પી. વી. વર્તકે ગ્રહનક્ષત્રાદિના ઉલ્લેખો અને પાત્રોનાં વચનોને આધારે શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગોનો કાલનિર્ણય કર્યો છે. (અ) જન્મ : 4-12 ઈ. પૂ. 7323 ચૈત્ર સુદ 9; (આ) લગ્ન : 7-4 ઈ. પૂ. 7307 ભાદ્રપદ સુદ 3; (ઇ) લગ્ન પછી સીતા રામ સાથે વીસ માસ રહ્યા; લગ્ન સમયે રામ 16 વર્ષના હતા. વન-ગમન સમયે રામને 17 વર્ષ પૂરાં થયાં હતાં. (ઈ) 29-11 ઈ. પૂ. 7306 ને ગુરુવારે વનગમન; (ઉ) યુદ્ધ : 3-11 ઈ. પૂ. 7292 ફાગણ વદ 3; (ઊ) રાવણવધ : 15-11 ઈ.પૂ. 7292 ફાગણ વદ અમાસ; (ઋ) હનુમાન લંકાથી પાછા આવ્યા : 39 ઈ. પૂ. 7292 પોષ વદ 1.
અમેરિકાની વિશ્વમાન્ય સંસ્થા ‘નાસા’એ આકાશમાંથી સમુદ્રના પેટાળના લીધેલા ફોટોગ્રાફમાં દક્ષિણ ભારતના રામેશ્વરથી શ્રીલંકા સુધીનો 30 કિમી.નો એક સેતુ સ્પષ્ટ દેખાય છે, જેનું આયુષ્ય એક લાખ વર્ષનું અંદાજેલું છે. તેને તે લોકોએ ‘ઍડમ્સ બ્રિજ’ – ‘આદમનો સેતુ’ એવું નામ આપ્યું છે. સેતુબંધ રામેશ્વરથી શરૂ થતો હોવાથી તે શ્રીરામનો સેતુ હોઈ શકે !
(2) મુદ્રા : ઈ. સ.ના પાંચમા શતકમાં રાજા કુમારગુપ્ત પ્રથમની સુવર્ણમુદ્રા પર હાથી પર બેઠેલા છત્રયુક્ત રાજા રામનું દૃશ્ય ઉપસાવેલું છે.
(3) શિલ્પ : રામજી મંદિરો ગામેગામ હોય છે. શ્રીરામની પ્રતિમા બહુધા કાળા પથ્થરની, ડાબા હાથમાં ધનુષ અને જમણામાં બાણવાળી ઊભી હોય છે. નેપાળ-ભૂતાન-તિબેટ ઉપરાંત અગ્નિ એશિયાના દેશોમાં પણ શિલ્પચિત્રરૂપે રામનું ચરિત કંડારાયેલું છે.
અન્ય રામો : ઇતિહાસ-પુરાણ-પ્રસિદ્ધ અન્ય બે મહામાનવો પણ ‘રામ’નામધારી છે : ભાર્ગવ રામ અને વાસુદેવ રામ, જે અનુક્રમે ‘પરશુરામ’ તથા ‘બલરામ’ તરીકે પ્રસિદ્ધ છે. ‘ઋગ્વેદ’માં એક વાર અને ‘અથર્વવેદ’માં ચાર વાર ‘રામ’ ઉલ્લેખાય છે, પણ વિશેષ વિગત મળતી નથી. ‘ઐતરેય’, ‘શતપથ’ અને ‘જૈમિનીય’ બ્રાહ્મણોમાં અનુક્રમે ‘રામભાર્ગવેય’, ‘રામ ઔપતસ્વિની’ અને ‘રામક્રાતુજાતેય’નો ઉલ્લેખ છે, વિગત નથી. ‘રામ’ એ કેવળ વ્યક્તિ નહિ, પણ ભારત તથા અગ્નિ એશિયાના દેશોની પ્રજા માટે પ્રાચીન સમયમાં એક જીવંત સત્ય-અન્તર્યામી-અન્તરાત્મા-શાશ્વત ચેતનતત્વ, એક તારકમંત્ર છે. સર્વ સ્થિતિમાં બોલી શકાય એવો મંત્ર, જેના અજપાજપ થતાં તો સહજ રીતે કુંડલિની જાગ્રત થઈ જાય ! સરલતમ મંત્ર ! પરમાત્માનું સરલતમ નામ !
જયન્ત પ્રે. ઠાકર