રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી તેમણે લાંબો સમય એકાંતવાસ સેવ્યો અને આજીવન કૌમાર્યવ્રત લઈ તેઓ અલ્લાહના પ્રેમમાં ગળાડૂબ રહેવા લાગ્યાં. થોડો સમય રણપ્રદેશમાં ફરી, પછી બસરામાં સ્થિર મુકામ કર્યો. તેમના અનેક શિષ્યો થયા. એમાં મલિક બિન દીનાર, સૂફિયાન અલ સાબરી અને સૂફી શેખ અલ બલ્ખી ખાસ ઉલ્લેખપાત્ર છે.

રાબિયાને અલ્લાહમાં અતૂટ શ્રદ્ધા હતી, તેથી તેઓ કોઈ તરફથી ભેટ-સોગાદ કે સહાય સ્વીકારતાં નહિ. અલ્લાહ મારી પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ છે, તો પછી મારે એમને કંઈ યાદ કરાવવાનું રહેતું જ નથી. અલ્લાહ પાસે ભૌતિક પદાર્થો માગતાં મને શરમ આવે છે; કેમ કે, જે કંઈ છે તે તો બધું તેનું જ છે અને હું અન્ય લોકોની ભેટસોગાદોનો સ્વીકાર કરીશ નહિ; કેમ કે, એમની પાસે એમની પોતાની તો કોઈ વસ્તુ જ નથી.

રાબિયાનું જીવન કઠોર તપસ્યા અને અધ્યાત્મથી પરિપૂર્ણ હતું. બીજા સૂફી સંતોની જેમ તેમના જીવનની આસપાસ અનેક ચમત્કારિક ઘટનાઓ પ્રચલિત થઈ છે. રાબિયાનું સહુથી મોટું પ્રદાન સૂફી મતમાં ઈશ્વર-પ્રેમનો મહિમા સ્થાપી ઇશ્કે હકીકી દ્વારા ભક્તિનો પ્રચાર કરવામાં રહેલું છે. તેમના પૂર્વવર્તી સૂફીઓ નરકના ભય અને સ્વર્ગની લાલસાથી ઈશ્વરની ભક્તિ કરતા હતા. ઈશ્વર પ્રત્યેના પ્રેમ પરત્વે તેમનું હૃદય શૂન્ય હતું. રાબિયાએ એ ભય અને લાલસાનું ખંડન કરીને ઈશ્વરની નિ:સ્વાર્થ પ્રેમભક્તિનો મહિમા સ્થાપ્યો. ત્યારપછી ‘ઇશ્કે હકીકી’ એ સૂફી મતનો પાયાનો સિદ્ધાંત બની ગયો.

પ્રવીણચંદ્ર પરીખ