રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું હતું અને શિક્ષણ દરમિયાન તેમણે યુવકોમાં સમાજવાદનો પ્રસાર-પ્રચાર કર્યો હતો તથા તેનાં સંગઠનો પણ રચ્યાં હતાં. 1939માં પોલૅન્ડ પર જર્મનીએ આક્રમણ કર્યા પછી રાપાકીએ પોલૅન્ડના લશ્કર સાથે નાઝી સેના સામે જંગ છેડ્યો હતો, જે દરમિયાન જર્મન સૈનિકોએ તેમની ધરપકડ કરી હતી. પરિણામે 1939-45ના સમગ્ર ગાળા દરમિયાન યુદ્ધબંદી તરીકે જર્મનીએ તેમને કારાવાસમાં રાખ્યા હતા. 1948માં તેઓ પોલિશ સામ્યવાદી પક્ષ(પોલિશ યુનાઇટેડ પાર્ટી)માં જોડાયા હતા. 1950-56 દરમિયાન પોલૅન્ડના શિક્ષણપ્રધાન-પદે કામ કર્યા પછી તેમને દેશના વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા હતા. સામ્યવાદી દેશના પ્રધાન હોવાથી તેમણે રાષ્ટ્રસંઘમાં સોવિયેત સંઘની તથા અન્ય સામ્યવાદી દેશોની વિદેશનીતિની તરફેણ કરી હતી; તેમ છતાં પશ્ચિમના દેશો સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો ગાઢ બને તથા પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે વ્યાપારી સંબંધો વિકસે તે માટે તેમણે સક્રિય પ્રયાસ કર્યા હતા. આ રીતે રાપાકી તે જમાનાના મધ્યમમાર્ગી રાજકીય નેતા ગણાય.
ઑક્ટોબર 1957માં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ યુરોપમાં પરમાણુશસ્ત્રરહિત વિસ્તાર(nuclear free zone)ની સ્થાપના માટે એક યોજના રજૂ કરી હતી જે ‘રાપાકી યોજના’ તરીકે ખ્યાતિ પામી હતી. આ યોજનાને કારણે ઍડમ રાપાકીને તે સમયે વ્યક્તિગત સ્તરે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. જોકે તેમની ઉપર્યુક્ત યોજનાને રાષ્ટ્રસંઘની મંજૂરી મળી ન હતી.
ડિસેમ્બર 1968માં સેમેટિકવિરોધી (anti-semetic) નીતિને ટેકો ન આપવાના કારણોસર વિદેશપ્રધાન તરીકે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે