રા’નોંઘણ-1 (ઈ. સ. 1026-1044) : સોરઠના ચૂડાસમા વંશ(875-1472)નો સાતમો શાસક અને રા’દયાસ(1003-1010)નો પુત્ર. ચૂડાસમા વંશનો સ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચંદ્ર મૂળે સિંધના ‘સમા વંશ’નો હતો અને તેનો વંશવેલો શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. તેથી ચૂડાસમા યદુવંશી હતા. ચૂડાચંદ મોસાળમાં વંથળી (વનસ્થલી) આવીને રહ્યો હતો અને મામા-વારસે ગાદી મળી હતી. ચંદ્રચૂડ યા ચૂડાચંદ્રનું મૂળ નામ ‘ચૂડા’ સાથે સમા વંશનું નામ જોડાતાં તેનો વંશ ‘ચૂડાસમા’ તરીકે પ્રસિદ્ધ થયો હતો.

ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થયા હતા. રા’નોંઘણ1 (1026-44). રા’નોંઘણ2 (1067-1098), રા’નોંઘણ3 (1125-1140) અને રા’નોંઘણ-4 (1306-1308).

રા’નોંઘણ1ના પિતા રા’દયાસને મારીને પાટણના સોલંકી રાજા દુર્લભરાજે (1010-22) સોરઠ ઉપર સત્તા સ્થાપી હતી ત્યારે નોંઘણ નવ માસનો જ હતો. એક અન્ય માહિતી પ્રમાણે તે પાંચ વર્ષનો હતો. રા’નોંઘણ વિશેની માહિતી ભાટ-ચારણોની કથાઓ દ્વારા જાણવા મળે છે. પિતાના મૃત્યુ પછી માતા સતી થઈ હતી અને દાસી બાળ નોંઘણને લઈને કોડીનાર પાસે આવેલા ‘બોડીદર’ ગામે આહીર દેવાયતને ત્યાં ગઈ હતી, જ્યાં તેનું બાળપણ દેવાયતના પુત્ર વાસણ અને પુત્રી જાસલ સાથે વીત્યું. એક અન્ય કથા પ્રમાણે તેની માતા નોંઘણને લઈને ભરૂચ આવી હતી. નોંઘણ પંદર વર્ષનો થયો ત્યારે આહીરોની મદદથી પિતાની ગાદીએ બેઠો હતો. પાટણનો સોલંકી રાજા ભીમદેવ ચેદિરાજ કર્ણ સાથે સંઘર્ષમાં હતો અને માળવાના મુંજ અને ભોજ સામેનો તેનો વિરોધ ચાલ્યા કરતો હતો. પરિણામે સોરઠ ઉપરની સોલંકી રાજાની પકડ ઢીલી પડતાં નોંઘણે દેવાયત આહીરની મદદથી વંથળીની ગાદી હસ્તગત કરી હતી (1025).

રાજકીય કારકિર્દીની શરૂઆતમાં નોંઘણ નાની ઉંમરનો હોવાથી શાસનધુરા દેવાયતે સંભાળી હતી. તેના મહેસૂલી મંત્રી તરીકે શ્રીધર અને સેનાપતિ તરીકે મહીપાલ નામના બે વડનગરના નાગર ભાઈઓનાં નામો મળે છે. નોંઘણ ગાદીએ બેઠો તે જ વર્ષે મહમૂદ ગઝનવી ગુજરાત ઉપર ચડી આવ્યો હતો. તે પ્રસંગને લઈને જે અવ્યવસ્થા ઉત્પન્ન થઈ તેથી નોંઘણને શાસન સ્થિર કરવાની તક મળી હતી. એક ઉલ્લેખ પ્રમાણે નોંઘણ સોમનાથભંગના પ્રસંગ પછી 1026માં ગાદીએ બેઠો હતો. મહમૂદ ગઝનવી ઈ. સ. 1025ના ડિસેમ્બરમાં પાટણમાં હતો અને 1026ના 6 જાન્યુઆરીએ સોમનાથભંગનો બનાવ બન્યો હતો. જનશ્રુતિ પ્રમાણે સોમનાથને બચાવવા નોંઘણનો સેનાપતિ મહીપાલ અને મંત્રી શ્રીધર પણ ગયા હતા, જ્યાં સેનાપતિ મહીપાલ મરાયો હતો. મહમૂદ ગઝનવીના આક્રમણ સામે નિ:સહાય બનેલો પાટણનો સોલંકી રાજા ભીમદેવ (1022-1072) પાટણ છોડીને મિયાણી પાસે ગાંધવીના કિલ્લામાં ભરાયો હતો. આમ સોલંકી રાજા ઢીલો પડતાં નોંઘણ પ્રબળ બન્યો હતો.

રા’નોંઘણના શાસન દરમિયાન બનેલા અન્ય બનાવોની માહિતી જનશ્રુતિ દ્વારા જાણવા મળે છે. અજમેરના વિશળદેવ ચૌહાણે વંથળી ઉપર આક્રમણ કર્યું હતું. વડનગર, આબુ અને વાગડ સુધી તે આવી ગયેલો. નોંઘણ તેનો સામનો કરી શક્યો નહિ અને તેનું સન્માન કરીને ખંડણી આપીને પાછો કાઢ્યો હતો. સિંધના હમીર સુમરાના પ્રદેશ ઉપર રા’નોંઘણે ચડાઈ કરી હતી. ચારણોના કથન પ્રમાણે દેવાયત આહીરની પુત્રી જાસલને તેના બંધનમાંથી છોડાવવા ઉપર દર્શાવેલ આક્રમણ કર્યું હતું. શાસનના અંતભાગમાં તેણે રાજધાની વંથળીથી જૂનાગઢ(ઉપરકોટ)માં ખસેડી હતી.

રા’નોંઘણની કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉલ્લેખો મળે છે. મહમૂદ ગઝનવી દ્વારા નાશ કરાયેલા સોમનાથના મંદિરના ર્જીણોદ્ધાર યા પુનર્નિર્માણના કાર્યમાં અન્ય રાજાઓની સાથે રા’નોંઘણે પણ સહાય કરી હતી. એ કાર્ય માટે તેનો મંત્રી શ્રીધર ભીમદેવ સોલંકીના મંત્રી લલ્લના પુત્ર ભાભને મળ્યો હતો. જૂનાગઢમાં તેણે નવદુર્ગાનું સ્થાનક કરાવ્યું હતું અને ગિરનાર ઉપરના અંબાજીના મંદિરને પણ સમરાવ્યું હતું. રા’નોંઘણ-1ના મૃત્યુ (1044) પછી તેનો પુત્ર ખેંગાર-1 (10441067) ગાદીએ બેઠો હતો.

મોહન વ. મેઘાણી