રાનન્ક્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉપવર્ગ મુક્તદલા (Polypetalae), શ્રેણી પુષ્પાસનપુષ્પી (Thalamiflorae) અને ગોત્ર રાનેલ્સમાં આવેલું છે અને લગભગ 35 પ્રજાતિઓ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે. દુનિયાના સમશીતોષ્ણ અને વધારે ઠંડા પ્રદેશોમાં તેનું વિપુલ પ્રમાણમાં વિતરણ થયેલું છે. ભારતમાં હિમાલયમાં વધારે ઊંચાઈએ તેની ઘણી જાતિઓ જોવા મળે છે. તેની મુખ્ય પ્રજાતિઓમાં Ranunculus (250 જાતિઓ, માખણકટોરી), Delphinium (250 જાતિઓ, લાર્કનો કંટ), Clematis (200 જાતિઓ, મોરવેલ), Anemone (100 જાતિઓ, પવન-પુષ્પ) અને Thalictrum(90 જાતિઓ)નો સમાવેશ થાય છે. મોટાભાગની જાતિઓ મધ્યોદભિદ (mesophyte) છે. કેટલીક જાતિઓ જો ખોરાકમાં લેવાય તો કડવી અને વિષાળુ હોય છે. બહુ ઓછી જાતિઓ ત્વચા ઉપર લગાડતાં વ્રણ ઉત્પન્ન કરે છે.
આ કુળની વનસ્પતિઓ મોટેભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય, કેટલીક જાતિઓ ક્ષુપ કે આરોહી (દા.ત., Clematis) અને ભાગ્યે જ વૃક્ષરૂપ (દા.ત., Paeonia) હોય છે. ગાંઠામૂળી (દા.ત., Anemone) કે સાકંદ મૂળ (દા.ત., Aconitum paeonia) દ્વારા તે ચિરકાલિકતા (perennation) જાળવે છે. પર્ણો સામાન્યત: મૂળપર્ણો કે એકાંતરિક Clematis, અને Ranunculusમાં સંમુખ, Calthea અને Coptisમાં અખંડિત, ઘણે ભાગે પાણિવત્ (palmate) સંયુક્ત, Xanthorrhiza અને Actaeaમાં પીંછાકાર (pinnate) અને અનુપપર્ણીય હોય છે. Thalictrumની કેટલીક જાતિઓમાં અલ્પવિકસિત ઉપપર્ણો હોય છે. Clematis aphyllaમાં સમગ્ર પર્ણ સૂત્રમાં રૂપાંતર પામે છે.
પુષ્પવિન્યાસ અગ્રીય એકાકી (દા.ત., Anemone) કે કક્ષીય પરિમિત (cymose), ક્વચિત્ અપરિમિત(racemose, દા.ત., Delphinium)થી માંડી લઘુપુષ્પગુચ્છી (paniculate) હોય છે. પુષ્પો સામાન્યત: નિયમિત, પરંતુ Delphinium અને Aconitumમાં અનિયમિત, સંપૂર્ણ, દ્વિલિંગી, Thalictumની કેટલીક જાતિઓ એકલિંગી અને એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecius), અધોજાયી (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. પુષ્પાસન શંકુ આકારનું કે ઘુંમટ (dome) આકારનું હોય છે.
પરિદલપુંજ દ્વિપંક્તિક (biseriate) હોય છે અને તેનું વજ્ર (calyx) અને દલપુંજ(corolla)માં વિભેદન થયેલું હોય છે. વજ્રપત્રો 5, શીઘ્રપાતી (caducous), કોરછાદી (imbricate) કે ક્વચિત્ ધારાસ્પર્શી (valvate) હોય છે. અથવા તેમની ગેરહાજરી હોય છે. Delphiniumમાં વજ્રપત્રો દલાભ (petaloid) હોય છે અને Aconitumમાં ઉપરનું વજ્રપત્ર છત્રાકાર (hooded) હોય છે અને બે સાંકડાં અને લાંબાં વજ્રપત્રોને ઢાંકે છે. દલપત્રો 5 કે તેથી વધારે, કોરછાદી, શીઘ્રપાતી હોય છે અથવા તેમનો અભાવ (દા.ત., Nigella) હોય છે. કેટલાક કિસ્સાઓમાં વજ્રપત્રો અને દલપત્રોનું વિભેદન થઈ શકતું નથી. વિવિધ સ્વરૂપની મધુગ્રંથિઓ તલભાગે આવેલી હોય છે. Ranunculusમાં મધુગ્રંથિઓ શલ્ક (scale) વડે આવરિત હોય છે.
પુંકેસરચક્ર કુંતલાકારે ગોઠવાયેલાં અસંખ્ય પુંકેસરોનું બનેલું હોય છે. તેઓ મુક્ત અને અધ:સ્થ હોય છે. પરાગાશયો દ્વિખંડી અને તલબદ્ધ (basifixed) હોય છે અને તેમનું લંબવર્તી ચીરાઓ દ્વારા બહિર્મુખી (extrose) સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર ત્રણથી માંડી અસંખ્ય – ભાગ્યે જ એક – સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. સ્ત્રીકેસરો મુક્ત (Nigellaમાં બહુયુક્ત સ્ત્રીકેસરી), ઊર્ધ્વસ્થ અને કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. બીજાશય એકકોટરીય હોય છે અને ધારાવર્તી (marginal) જરાયુ ઉપર એક કે વધારે અધોમુખી (anatropus) અંડકો વક્ષ સીવન (suture) ઉપર ગોઠવાયેલાં હોય છે. અંડકો નિલંબી (pendulous) કે ટટ્ટાર હોય છે. પરાગવાહિની ટૂંકી કે લાંબી હોય છે. (Lematis અને Anemoneમાં રોમમય પરાગવાહિની હોય છે.) પરાગાસન સાદું અને એક હોય છે. Nigellaમાં 5થી 12 પરાગાસનો હોય છે. ફળ સામાન્યત: ચર્મસમૂહ ફળ (etaerio of achenes, દા.ત., Ranunculus); એકસ્ફોટી સમૂહ ફળ (etaerio of follicles, દા.ત., Aconitum), સરળ એકસ્ફોટી (follicle, દા.ત., Delphinium), પ્રાવર (capsule, દા.ત., Nigella) કે ક્વચિત જ અનષ્ઠિલ (berry, દા.ત., Actaea) પ્રકારનાં હોય છે. બીજ નાનો ભ્રૂણ અને સામાન્યત: વિપુલ પ્રમાણમાં તૈલી ભ્રૂણપોષ ધરાવે છે. Helleborusમાં સંધિરેખા (raphe) ઉપર આવેલી તેલયુક્ત પિટિકાઓને કારણે કીડીઓ આકર્ષાય છે અને તેમના દ્વારા બીજવિકિરણ થાય છે. બીજાંકુરણ ઉપરિભૂમિક (epigeal) કે અધોભૂમિક (hypogeal) પ્રકારનું હોય છે.
ઍંગ્લર સિવાય બધા આધુનિક વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને દ્વિદળીમાં આવેલાં આદ્ય કુળો પૈકીનું એક ગણે છે. પુષ્પીય સંરચનાની બાબતમાં તે મૅગ્નોલિયેસી સાથે ગાઢ રીતે સંબંધિત છે; પરંતુ રાનન્ક્યુલેસીમાં પર્ણો અનુપપર્ણીય હોય છે. નિમ્ફિયેસી અને પેપાવરેસી સાથે મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્રની બાબતમાં તે તફાવત દર્શાવે છે. નિમ્ફિયેસીમાં વાહીપુલો વિકીર્ણ (scattred) હોય છે. હચિન્સન અને વેટસ્ટેઇન આદ્ય એકદળીઓ અને હેલોબી-સમૂહની ઉત્પત્તિ રાનન્ક્યુલેસીમાંથી થઈ હોવાનું માને છે. ઍંગ્લર, રૅન્ડલ અને અન્ય વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને મોનોક્લેમિડી પછી આર્ચીક્લેમિડીમાં મૂકે છે અને તેને પ્રગતિશીલ કુળ ગણે છે. આ કુળ વિન્ટરેસી અને ડીજનેરિયેસી કરતાં વધારે આદ્ય છે કે કેમ, તે નક્કી કરવાનું બાકી રહે છે.
Paeonia પ્રજાતિને હવે એકપ્રજાતિક (monogeneric) પિયોનેસી કુળમાં પેરાઇટેલ્સ ગોત્રમાં આવેલા ડીલેનિયેસી કુળની નજીક મૂકવામાં આવે છે.
આ કુળની લગભગ 27 પ્રજાતિઓ અને 280 જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉયપોગી છે. Anemone, Delphinium, Aquilegia, Flelleborus, Thalictrum, Paeonia, Ranunculus અને Trollius અગત્યની શોભન- પ્રજાતિઓ છે. Hydrastisના મૂળમાંથી પ્રાપ્ત થતાં ઍલ્કેલૉઇડ પુષ્ટિકર છે અને સોજાવાળા શ્ર્લેષ્મી પટલોની ચિકિત્સામાં ઉપયોગી છે. Aconitum heterophyllum(અતીસ)માંથી પ્રાપ્ત થતું ઍકોનિટિન નામનું ઍલ્કેલૉઇડ દુખાવા ઉપર વપરાય છે. તે હૃદયના ધબકારા(palpitation)માં ઉપયોગી છે; Thalictrum મામીરા ઉત્પન્ન કરે છે, જેનો નેત્રશોથ (opthalmia) અને આંખોના અન્ય રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. Nigella(કાલૉન્જી)નાં બીજ મરીમસાલામાં ઉપયોગી છે અને ઘણી વાર અથાણાંમાં ઉમેરાય છે અને કીટનાશક તરીકે નૅપ્થેલિનની ગોળીઓની અવેજીમાં વપરાય છે. તે ઉત્તેજક, વાતહર (carminative), મૂત્રલ અને જ્વરહર તરીકે ઉપયોગી છે. મોરવેલ (Clematis) રક્તપિત (leprosy), ખસ, રુધિરના રોગો, સર્પદંશ અને દાઝ્યા ઉપર ઉપયોગમાં લેવાય છે. Anemone pulsatillaમાંથી મેળવેલું પલ્સેટીલા સારું ચેતાપોષક ગણાય છે.
બળદેવભાઈ પટેલ