રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં.

રમાબાઈ રાનડે

રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ જૂથના સન્માનનીય નેતા અને વિદ્વાન હતા. તેઓ મહિલાશિક્ષણના પ્રખર પુરસ્કર્તા અને સમાજસુધારક હોવાથી પત્ની રમાબાઈને શિક્ષણ આપ્યું તેમજ તેમના સ્વશિક્ષણના પ્રયાસોને ઉત્તેજન પૂરું પાડ્યું. પરિવારની અને સમાજની અન્ય મહિલાઓના વિરોધ છતાં તેમણે અભ્યાસ દ્વારા વિકાસ સાધ્યો. મરાઠી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ ઉપરાંત ગણિત અને ઇતિહાસ, ભૂગોળ જેવી વિદ્યાઓનું અને વર્તમાનપત્રોનું અધ્યયન કરી સામાજિક ક્ષેત્રમાં અને જાહેર જીવનમાં તેમણે પ્રવેશ કર્યો. તેમણે લગ્નજીવનના પ્રારંભિક તબક્કામાં પતિનાં વિદ્યાર્થી, પછીથી મંત્રી અને ત્યારબાદ પરમ મિત્ર સ્વરૂપે પતિ સાથે ખભેખભા મિલાવી કામ કર્યું. 1878માં નાશિક હાઇસ્કૂલના ઇનામવિતરણ સમારંભનાં મુખ્ય મહેમાન બની તેમણે જાહેર જીવનની કારકિર્દીનો આરંભ કર્યો. પ્રાર્થના સમાજની બેઠકોમાં 1881થી ભાગ લેવાનો શરૂ કર્યો. ધીરે ધીરે તેમની પ્રવૃત્તિઓ વિસ્તરવા લાગી. મહિલાઓને સ્વાવલંબી અને આર્થિક રીતે પગભર કરવા માટે તેઓ જીવન પર્યંત કાર્યરત રહ્યાં.

1901માં મહાદેવ ગોવિંદ રાનડેનું અવસાન થતાં તેઓ મુંબઈ છોડી પુણેમાં વસ્યાં. એક વર્ષ સ્વૈચ્છિક એકાંતવાસ સેવ્યો અને 1902માં રાનડેનાં ધર્મ અંગેનાં વ્યાખ્યાનોનો સંગ્રહ પ્રકાશિત કર્યો. 1904માં ભારતની મહિલા પરિષદની પ્રથમ બેઠક મુંબઈ ખાતે યોજી અને તે દ્વારા મહિલાવિકાસના ઇતિહાસનું પ્રથમ ચરણ આરંભાયું; જેમાં વિવિધ ધર્મો, જ્ઞાતિ અને વર્ગોની મહિલાઓએ એકઠાં થઈ મહિલાવિકાસના ક્ષેત્રે કામગીરી કરવાનો નિર્ણય કર્યો. આ પછીનાં 25 વર્ષો સુધી તેમણે મહિલાઓનાં શિક્ષણ, કાનૂની અધિકારો, સમાન દરજ્જો અને જાગૃતિ માટે અથાગ પ્રયાસો આદર્યા. મહિલાઓને નર્સિગના ક્ષેત્રમાં પ્રવેશવા પ્રેરી તથા બાળલગ્નો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. આ તમામ પ્રયાસોના પરિણામે મુંબઈમાં સેવાસદન સોસાયટીની સ્થાપના કરી, જે અનેક મહિલાઓ માટે બીજું ઘર પુરવાર થયું. ત્યારબાદ 1910માં રાનડેના પૈતૃક નિવાસમાં પુણે સેવાસદન સોસાયટી સ્થાપી પોતાનાં સેવાકાર્યોનો વ્યાપ વિસ્તાર્યો. તેમાં નિવાસવ્યવસ્થા, નર્સિગ માટેની તાલીમી કૉલેજ, વ્યવસાયી માર્ગદર્શન કેન્દ્રો, વેચાણ કેન્દ્રો વગેરેનો સમાવેશ કર્યો. મહિલાઓ તબીબી સહાયના ક્ષેત્રે વિકાસ કરી શકે તે માટે 1911થી સેવાસદન વતી મુંબઈ ખાતેની ડેવિડ સાસૂન હૉસ્પિટલમાં નર્સિગની તાલીમની વ્યવસ્થા કરી. સેવાસદનની નર્સિગના ક્ષેત્રની આ કામગીરી સવિશેષ નોંધપાત્ર રહી. મહિલાઓને આ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત કરી. આ પ્રવૃત્તિના વ્યાપને કારણે સેવાસદન અને રમાબાઈનું નામ પર્યાયરૂપ બની ગયાં હતાં. 1918ની ‘વૉર કૉન્ફરન્સ’માં તેમણે ભાગ લીધો અને મહિલાઓની પરેશાની અંગે બેધડક રજૂઆત કરી. ફિજી અને કેન્યામાં ભારતીય મજૂરોનાં હિતોની રજૂઆત કરી અને મજૂરોની યાતનાઓ વિરુદ્ધ જાહેર મત કેળવ્યો.

મુંબઈમાં 1918થી 1923 મહિલા લડતનું નેતૃત્વ સંભાળી મહિલા-મતાધિકાર અપાવીને જંપ્યાં. આ લડતને અંતે ભારતમાં સૌપ્રથમ વાર 1923માં મહિલા-મતાધિકાર માન્ય રાખવામાં આવ્યો. મહિલા-મતાધિકારની આ સિદ્ધિ મહિલાઓના વિકાસ માટેની સુવર્ણ ક્ષણ હતી. ભારતીય મહિલાઓનો ઉદ્ધાર તેમનું જીવનકાર્ય બની રહ્યું. ‘आमच्या आयुष्यातील कांही आठवणी’ તેમનું જીવનચરિત્ર છે, જેનો અંગ્રેજી અનુવાદ ‘મેમરિઝ’ શીર્ષકથી પ્રકાશિત થયેલો છે. તેમના આ જીવનવૃત્તાંત દ્વારા અન્ય મહિલા અગ્રણીઓને જીવનકથા લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ અને મરાઠી સાહિત્યમાં મહિલા-જીવનકથાઓની પરંપરાની શરૂઆત થઈ.

રક્ષા મ. વ્યાસ