રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને 1862માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ સ્નાતક બન્યા. 1864માં અનુસ્નાતક પદવી અને 1865માં કાયદાશાસ્ત્રની પદવી હાંસલ કરી. 1868માં એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રોફેસર તરીકે નિમણૂક થતાં ઇતિહાસ, ભૂગોળ, ગણિત, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, અંગ્રેજી – એમ વિવિધ વિષયોનું અધ્યાપન કર્યું. 1870માં પુણે ખાતે સાર્વજનિક સભાની સ્થાપના કરવામાં સક્રિયતા દાખવી. 1871માં બ્રિટિશ સરકારની જૂડિશિયલ સર્વિસમાં જોડાયા. 1873માં પ્રથમ વર્ગના ન્યાયાધીશ તરીકે તેમને બઢતી મળી. એ સમયે બ્રિટિશ સરકારે રાજકીય અને પ્રાંતિક ખર્ચ ઘટાડવા માટે સમિતિ નીમી હતી. તેના સભ્યની હેસિયતથી તેમણે નોંધપાત્ર સેવાઓ આપી, જેની કદરરૂપે સરકારે તેમને CIE(Companion of the Order of the Indian Empire)નો ઇલકાબ આપ્યો. કાઉન્સિલના સભ્ય બન્યા તે જ વર્ષે (1885) ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થતાં તેમાં પણ સભ્ય તરીકે તેઓ જોડાયા. 1886માં ફાઇનાન્સ કમિશનના સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ અને ઑરિયેન્ટલ ટ્રાન્સલેટરના પદ પર પણ નિમાયા. 1890માં તેમણે ઔદ્યોગિક પરિષદનું આયોજન કર્યું. 1893માં બઢતી પામી મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશના હોદ્દા પર નિમાયા. કોઈ ભારતીય વ્યક્તિની આ હોદ્દા પર નિમણૂક થાય તે ઘટના જ સ્વયં બહુમાનરૂપ ગણાય તેવી સ્થિતિ હતી. 1896માં પુણે ખાતે ડેક્કન સભાની સ્થાપના કરવામાં તેમણે સક્રિય કામગીરી બજાવી.
આ વિવિધ હોદ્દાઓ સાથે તેઓ જાહેર જીવનમાં પણ સક્રિય હતા. પુણેની સાર્વજનિક સભા, ઇન્ડિયન સોશિયલ કૉન્ફરન્સ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ વગેરે સંસ્થાઓની કામગીરી દ્વારા સમાજજીવનને નવા સમય અને સંજોગોને અનુરૂપ બનાવવા માટે તેમણે પ્રયાસ કર્યો. મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપનામાં તેમનો અગ્ર હિસ્સો હતો. પ્રાર્થના સમાજને મહારાષ્ટ્રમાં ઘણી સફળતા મળી તેનું મુખ્ય શ્રેય ન્યાયમૂર્તિ રાનડેને ફાળે જાય છે. તેઓ પ્રાર્થના સમાજ દ્વારા હિંદુ ધર્મ અને સમાજનું નિર્મળ સ્વરૂપ લોકો સમક્ષ રજૂ કરવાના હિમાયતી હતા. શિક્ષિત-અશિક્ષિત, નાના-મોટા, ઊંચા-નીચા ગણાતા બધા લોકો પ્રાર્થના સમાજમાં સમાનપણે પ્રવેશ પામે તેવું એનું સર્વજનગ્રાહ્ય સ્વરૂપ બનાવવાની આકાંક્ષા તેઓ ધરાવતા હતા તેથી એને અનુરૂપ સુધારાની વિવિધ પ્રવૃત્તિઓ પણ તેમણે ચલાવી.
રાનડે એકેશ્વરવાદી હતા અને ઉપનિષદોના એકેશ્વરવાદી ચિંતનનો તેમના માનસ પર ભારે પ્રભાવ હતો. ભારતીય સંતોને તેઓ આદર્શરૂપ ગણતા અને તેમના પગલે ચાલવાની લોકોને પ્રેરણા આપતા હતા. વર્ણજ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાને તેઓ ધિક્કારતા હતા અને સ્ત્રીઓના દરજ્જાને સંમાન્ય સ્તરે આણવાના હિમાયતી હતા. વિધવાવિવાહની પણ તેમણે જોરદાર તરફેણ કરી હતી. તેમણે બાળલગ્નનો વિરોધ કર્યો હતો. જોકે 11 વર્ષનાં રમાબાઈ સાથે 31 વર્ષે તેમણે લગ્ન કર્યાં, તેથી સમાજમાં ભારે ઊહાપોહ થયો હતો; પરંતુ રમાબાઈને શિક્ષણ આપી તેમણે વિકસવાની તક પૂરી પાડી અને તેમણે પણ ત્યારબાદ ઘણાં સામાજિક ક્ષેત્રોમાં આગેવાની લઈ મહિલાવિકાસને વેગ આપ્યો હતો તે નોંધવું જોઈએ.
તેઓ શારીરિક શિક્ષણને મહત્વ આપતા હતા. 1864થી 1871 દરમિયાન મુંબઈથી પ્રકાશિત થતા આંગ્લ-મરાઠી દૈનિક ‘ઇન્દુપ્રકાશ’ના અંગ્રેજી કૉલમના તેઓ સંપાદક હતા. તેમાં તેમણે વિવિધ ક્ષેત્રે સમાજસુધારા કરવા અંગે ધારદાર લખાણો પ્રગટ કરેલાં. 1878થી 1896 દરમિયાન પુણેની સાર્વજનિક સભાના ત્રૈમાસિક- (‘ક્વાર્ટર્લી જર્નલ ઑવ્ સાર્વજનિક સભા’)માં સમાજસેવાની પ્રેરણા આપતા લેખો તેમણે લખ્યા. એ સભાના ઉપક્રમે તેમણે ઉદ્યોગધંધા અને આર્થિક વિકાસના સંદર્ભમાં વ્યાખ્યાનો આપ્યાં. ધીરધાર કરનાર શરાફોની ચુંગાલમાંથી ખેડૂતોને બચાવવા તેમણે કૃષિબૅંકો ખોલવાની હિમાયત કરી. ભારતે ટકવા માટે ઔદ્યોગિક વિકાસ કરવો અનિવાર્ય છે એમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું. એ માટે ભારતીય સ્વરૂપના ઔદ્યોગિકીકરણની તેમણે હિમાયત કરી.
આમ સામાજિક-આર્થિક સુધારાઓ દ્વારા તેમણે મહારાષ્ટ્રના અને રાષ્ટ્રના જીવનમાં નવી કેડીઓ પાડી અને વિકાસનો રાહ ચીંધી રાષ્ટ્રજીવનમાં અપ્રતિમ સ્થાન હાંસલ કર્યું.
તેમનો ‘ફિલૉસોફી ઑવ્ ઇન્ડિયન થીઇઝમ’ ગ્રંથ નોંધપાત્ર એ રીતે છે કે તેમાં તેમણે પરમતત્વની સર્વવ્યાપિતાની વિભાવના રજૂ કરી છે. ઇતિહાસના ઊંડા અભ્યાસી હોવાને નાતે 1894થી 1900નાં વર્ષો દરમિયાન તેમણે મરાઠા ઇતિહાસ અંગે શોધનિબંધો લખ્યા, જેમાં ‘ધ રાઇઝ ઑવ્ મરાઠા પાવર ઍન્ડ અધર એસેઝ’ પ્રસિદ્ધ ગ્રંથ તરીકે સ્થાન પામ્યો.
‘સાર્વજનિક સભા રિપૉર્ટ ઑન મટીરિયલ કન્ડિશન્સ ઇન મહારાષ્ટ્ર’ (1872), ‘રેવન્યૂ મૅન્યુઅલ ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા’ (1877), ‘એ પેપર ઑન ધ ફાઇનાન્શિયલ એડ્મિનિસ્ટ્રેશન ઇન ધ બૉમ્બે પ્રેસિડન્સી’ (1878) અને ‘એસેઝ ઇન ઇન્ડિયન ઈકોનૉમિક્સ’ (1899) તેમના અર્થતંત્રને લગતા મહત્વના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ