રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર થયેલો હતો અને એમાંથી ‘પર વાસુદેવ’ની ‘કૃષ્ણભક્તિ’ વિકસી હતી. આ સંપ્રદાય ઈ. સ.ની ચોથી સદીથી ગુપ્ત સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઉન્નતિની ટોચ ઉપર હતો. આ સમયથી વૈષ્ણવ શિખરબદ્ધ મંદિરો બંધાવાં શરૂ થયાં, જે ચૌલુક્યોના સમય સુધી બંધાવાં ચાલુ હતાં, જેમાંનાં કેટલાંક ભગ્ન સ્થિતિમાં અને થોડાં ચાલુ જોવા મળે છે. ઈ. સ. આઠમી સદીના અંતભાગમાં આદ્ય શ્રીશંકરાચાર્યજીએ પંચદેવોની અર્ચના-ઉપાસનાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, જેને ‘સ્માર્ત વૈષ્ણવ’ સંપ્રદાય પણ કહેવામાં આવે છે; કારણ કે પાંચ દેવોમાં ‘વિષ્ણુ’ એક છે. એ પછી ઈ. સ.ની દસમી સદીમાં નિંબાર્કાચાર્યનો ‘ગોપાલકૃષ્ણ’ની અર્ચના-ભક્તિનો વૈષ્ણવ સંપ્રદાય (જે મથુરાપ્રદેશમાં વિકસેલો), દસમી સદીમાં જ કર્ણાટકમાં શ્રીવિષ્ણુસ્વામીનો નૃસિંહઅવતારને ઇષ્ટ માનનારો (અને આગળ ઉપર ગોપાલકૃષ્ણને ઇષ્ટ માનનારો) વૈષ્ણવ સંપ્રદાય, ત્યારે દસમી સદીમાં જ વિષ્ણુ-નારાયણને કેન્દ્રમાં રાખી શ્રીવેંકટ (સં. વૈકુંઠ) બાલાજીની અર્ચના-ભક્તિનો શ્રીરામાનુજાચાર્યજીનો વૈષ્ણવ સંપ્રદાય, બાદમાં ગોપાલકૃષ્ણની અર્ચના-ઉપાસનાનો, ઈ. સ. 1099માં જન્મેલા શ્રીમધ્વાચાર્યજીનો વૈષ્ણવ સંપ્રદાય અને પંદરમી સદીમાં પણ શ્રીગોપાલ-કૃષ્ણ-શ્રીગોવર્ધનધરણ શ્રીનાથજીનાં બાલસ્વરૂપોની અર્ચના-ભક્તિનો પુદૃષ્ટિમાર્ગ મૂળ આંધ્રના શ્રીવલ્લભાચાર્યજીએ વિકસાવ્યો. આમાંથી શ્રીમધ્વાચાર્યજીની પરંપરામાં શ્રીહિતહરિવંશજીએ ‘રાધાકૃષ્ણ’ની અર્ચના-ભક્તિનો સંપ્રદાય સોળમી સદીમાં પ્રચલિત કર્યો.
શ્રીહિતહરિવંશજીનો જન્મ વિ. સં. 1559(ઈ. સ. 1503)ના ચૈત્રની એકાદશીને દિવસે મથુરા નજીક આવેલા નાના ગામ બાદગાંવમાં થયાની સાંપ્રદાયિક માન્યતા છે. આમ તો એઓશ્રી ગોપાલકૃષ્ણના જ અર્ચક હતા, પરંતુ પછીથી ‘રાધાસંયુક્ત કૃષ્ણ’ના ભક્ત બન્યા. શ્રીકૃષ્ણ ‘રાધાવલ્લભ’ હોઈ આ સંપ્રદાય ‘રાધાવલ્લભીય વૈષ્ણવ સંપ્રદાય’ તરીકે વિખ્યાત થયો. શ્રીહિતહરિવંશજીએ ‘રાધાસુધાનિધિ’ શીર્ષકની 170 સં. શ્ર્લોકોની રચના કર્યાનું જાણવામાં આવ્યું છે, પણ એમની પ્રસિદ્ધિ તો ‘હિતચોરાશી’ સંજ્ઞાથી પ્રસિદ્ધ પદોથી થઈ છે.
શ્રીહિતહરિવંશજીનાં ભક્તિપદોમાં કોઈ ખાસ સિદ્ધાંત સ્પષ્ટ થતો નથી, માત્ર શ્રીરાધાકૃષ્ણના પરસ્પર પ્રેમનો જ ચિતાર સુલભ બન્યો છે. આમાં યુગલ સ્વરૂપની લીલાઓ, એમનું સ્વરૂપ તેમ હાવભાવ વગેરે ગીતગોવિંદકાર કવિ જયદેવ અને બિલ્વમંગલનાં કાવ્યોમાં અને પદોમાં જે કવિતાતત્વ મળે છે તેનું અનુસરણ જોવા મળે છે.
આ સંપ્રદાયનાં મંદિરો મુખ્યત્વે ઉત્તર હિંદમાં મળે છે, ઉપરાંત બીજા પ્રદેશોમાં પણ છે. અમદાવાદમાં સારંગપુરમાં મંદિર જાણીતું છે. વાસ્તવમાં આ શ્રીમધ્વસંપ્રદાયનો એક પેટાભેદ છે.
રાધાવલ્લભીય સંપ્રદાયની પ્રમુખ સૈદ્ધાંતિક વિચારસરણી નીચે પ્રમાણે છે :
(1) હિત એટલે માંગલિક પ્રેમ આ પ્રેમ કે હિત જ પરાત્પર તત્વ છે. હિત અદ્વય છતાં યુગલરૂપ છે અને તે જ રાધા અને કૃષ્ણનું તત્વ છે.
(2) રાધા અને કૃષ્ણ અભિન્ન છે. હિત કે પ્રેમ કે રાધાકૃષ્ણ કારણ છે અને કાર્ય પણ છે.
(3) જગતની જડ અને જંગમ વસ્તુઓ હિત કે પ્રેમની જ બનેલી છે. સકળ જગતમાં હિત કે પ્રેમ એ એક જ તત્વ છે, બીજું નથી. એટલે આ પ્રેમાદ્વૈતનો સિદ્ધાંત છે.
(4) હિતમાં અર્થાત્ રાધાકૃષ્ણમાં રાધાની પહેલાઈ છે, કૃષ્ણની પહેલાઈ નથી; કારણ કે કૃષ્ણ રસસ્વરૂપ બ્રહ્મના અવતાર છે. શ્રીકૃષ્ણનું પૂર્ણ રસરૂપ રાધાની સાથે મધુર કેલિમાં પ્રગટ થાય છે.
(5) આ રસરૂપના બે પ્રકાર છે : (1) વ્રજરસ અને (2) નિકુંજરસ. વ્રજરસમાં ગોપીઓનો ઉપપતિપ્રેમ પ્રગટ થાય છે કે જે પરકીયા ભાવનો છે. વળી તે અવતારદશામાં જ પ્રગટ થાય છે માટે તે અનિત્ય છે. જ્યારે રાધાકૃષ્ણનો નિકુંજરસ નિત્ય, અખંડ અને સ્વપરભેદરહિત હોઈને શ્રેષ્ઠ છે.
(6) પરિણામે રાધાનાં ચરણોની ઉપાસના કરવી તથા રાધાકૃષ્ણના કેલિકુંજની ચાકરી કરવી એ ભક્તનું એકમાત્ર કર્તવ્ય છે, માટે ભક્તે રાધાકૃષ્ણની નિત્ય કેલિનું ધ્યાન ધરી આનંદમગ્ન રહેવું જોઈએ. એમાં કોઈ વિધિ-નિષેધ છે જ નહિ.
(7) આ સંપ્રદાયમાં જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગનું ખંડન કરી પ્રેમભક્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(8) આ સંપ્રદાયમાં રાધાકૃષ્ણની સંયોગસુખની લીલા જ માન્ય છે. વિયોગની ભાવના માની જ નથી.
(9) પરમ તત્વ રસરૂપ રાધાકૃષ્ણ જ સત્ય, નિત્ય, સચ્ચિદાનંદઘન તથા સૌંદર્ય, માધુર્ય, રસ અને આનંદની પરાકાષ્ઠા છે.
(10) તમામ જીવો પ્રેમરૂપા ગોપી છે, તેથી જીવમાત્રમાં ગોપી જેવા જ દિવ્ય ગુણ છે. ફક્ત જીવો પોતાના રૂપને ભૂલી ગયેલા છે તેથી જન્મ-મૃત્યુના ચક્રમાં ફસાયેલા છે. પોતાના સ્વરૂપની સ્મૃતિ થતાં તે તેમાંથી મુ્ક્ત થાય છે.
(11) ભક્ત પોતાની જાતને કિશોરી રૂપે એટલે સાધનશરીરરૂપે કલ્પી સ્વામિની રાધાની પાસે પહોંચવા સ્વામિની જેવા સ્વરૂપનું અનુસંધાન કરે છે અને પોતાને ચતુર સુકુમારી કિશોરી પરિચારિકા એટલે સિદ્ધ શરીર બનાવી ધન્ય બને છે તથા મોક્ષ પામે છે.
આ સંપ્રદાયના સ્થાપક હિતહરિવંશ (1503-1552) પૂર્વે મધ્વ સંપ્રદાયના અને પછી નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. એ પછી 1533માં તેમણે વૃંદાવનમાં રાધાવલ્લભીય સંપ્રદાયની સ્થાપના કરી. તેમના નામ પરથી આ સંપ્રદાયને હરિવંશી સંપ્રદાય પણ કહે છે. એ પછી ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હરિરામ વ્યાસ (1492-1593) રાધાવલ્લભીય સંપ્રદાયમાં ભળ્યા. એ પછી માધુર્યભક્તિના પ્રચારક અને 40 ગ્રંથોના લેખક ધ્રુવદાસ, 20 હજાર પદોના લેખક હિતવૃંદાવનદાસ (1700-1787) અને શ્રીહઠીજી વગેરે રાધાવલ્લભીય સંપ્રદાયના મહત્વના અગ્રેસર લેખકો છે. રાધાવલ્લભીય સંપ્રદાયનો વ્રજભાષાના સાહિત્યમાં સિંહફાળો છે. કૃષ્ણ સંપ્રદાયોમાં પુદૃષ્ટિમાર્ગીય વલ્લભ સંપ્રદાયને બાદ કરતાં રાધાવલ્લભીય સંપ્રદાય સૌથી વધુ ફેલાયેલો છે.
કે. કા. શાસ્ત્રી
પ્ર. ઉ. શાસ્ત્રી