રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા (જ. 6 જાન્યુઆરી 1929, સોમવરપ્પડુ, જિ. કૃષ્ણા; અ. 1 નવેમ્બર 1998) : તેલુગુ સાહિત્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. તથા એમ.લિટ્.ની ડિગ્રીઓ મેળવેલી. તેઓ તેલુગુ, તમિળ તથા અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં લખતા હતા અને કાવ્ય, નાટક, નિબંધ, વિવેચન, આત્મકથા જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં 100 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમણે તેલુગુ તથા તમિળમાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યા છે. તેમની કેટલીક જાણીતી કૃતિઓમાં ‘વ્યાસમંજૂષા’ (ઐતિહાસિક નિબંધો, 1960), ‘જયિનચિ જનતા’ (કવિતા, 1972), ‘ધ રામાયણ ઇન તેલુગુ ઍન્ડ તમિલ’ (તુલનાત્મક અભ્યાસ, 1973) તેમજ ‘તેલુગુ ઍન્ડ સધંર્ન લૅંગ્વેજિઝ’(સંશોધનગ્રંથ, 1975)નો સમાવેશ થાય છે. તેમણે સચિત્ર શબ્દકોશનું સંપાદન કરવા ઉપરાંત ચરિત્રલેખો, બાલગીતો તથા બાલોપયોગી નિબંધો પણ લખ્યાં છે. તેમનાં કેટલાંક લખાણ તમિળ, મલયાળમ, મરાઠી, હિંદી તથા અંગ્રેજીમાં અનુવાદ પામ્યાં છે.
માર્કસ ઑરેલિયસ તથા વાલ્મીકિનો પ્રભાવ ઝીલ્યો હોવાથી તેઓ પૌરસ્ત્ય તથા પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના સમન્વયમાં માને છે. પ્રારંભમાં તેમણે ભ્રષ્ટ તેલુગુ ભાષામાં લખવા માંડ્યું, પરંતુ ક્રમશ: તેઓ બોલચાલની પ્રચલિત ભાષાના હિમાયતી બની રહ્યા. 1957-81 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને ચેન્નાઈના ડેપ્યુટી સેક્રેટરી અને રીજિયોનલ સેક્રેટરી તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો.
1975માં મ્યૂનિકમાં યોજાયેલી યુ. એ. આઈ.ની ઓગણચાલીસમી પરિષદમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. 1981થી 1989 દરમિયાન મદુરાઈ ખાતેની મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાં તેમણે તેલુગુ ભાષા-વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવેલી.
તેમને 1969માં તામિલનાડુ સરકાર ઍવૉર્ડ; 1984માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1987માં તમિળ યુનિવર્સિટી ઍવૉર્ડ; 1988માં તેલુગુ યુનિવર્સિટી ઍવૉર્ડ અને 1991માં સાહિત્ય અકાદમી ભાષાંતર પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં.
મહેશ ચોકસી