રાતા પ્રસ્તરો (red beds) : ફેરિક ઑક્સાઇડને કારણે લાલ રંગના બનેલા કણજન્ય જળકૃત ખડકો. ફેરિક ઑક્સાઇડ ખડકોના બંધારણમાં રહેલા કણોને ફરતા આવરણ રૂપે ચડતું હોય છે, આંતરકણછિદ્રોમાં તે ભરાઈ જતું હોય છે અથવા પંકિલ પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં તે પ્રસરી જતું હોય છે. આ રીતે રંગપ્રસરણને કારણે ખડકસ્તરો રાતા રંગના બની રહે છે. અહીં રહેલું ફેરિક ઑક્સાઇડ ફેરિક એનહાઇડ્રાઇડ રૂપે રહેલું હોય છે. પૃથ્વીના પોપડાના કેટલાક ભાગોમાં રાતા રંગવાળા આ પ્રકારના ખડકના જાડાઈવાળા સ્તરાનુક્રમો બિનદરિયાઈથી માંડીને છીછરા દરિયાઈ નિક્ષેપ-સ્વરૂપે જોવા મળે છે. પૃથ્વીના ઇતિહાસકાળનાં છેલ્લાં એક અબજ વર્ષો દરમિયાન પોપડાના ઘણા ભાગોમાં લાલ રંગના આવા કણજન્ય ખડકો જમાવટ પામેલા છે. નિક્ષેપક્રિયા થતી વખતે તત્કાલીન આબોહવા કેવી હતી, તે આવા વિશિષ્ટ પ્રકારના રંગીન જળકૃત સ્તરોના અભ્યાસ પરથી તારવી શકાયું છે, તેથી તેમને આબોહવાના સૂચકો તરીકે ઉપયોગમાં લેવાય છે; પરંતુ અન્યત્ર રાતા રંગમાં મળી આવતા કેટલાક નિક્ષેપો એવા પણ હોય છે, જેમાં આ બાબત હકીકત તરીકે પુરવાર થતી નથી; દા. ત., ફેરિક ઑક્સાઇડની હાજરીને કારણે દરિયાઈ ચર્ટ, ચૂનાખડક કે લોહયુક્ત રચનાઓ પણ રાતો રંગ ધરાવે છે. આવા રાસાયણિક નિક્ષેપોનો રાતા પ્રસ્તરોમાં સમાવેશ કરવામાં આવેલો નથી.
ઉચ્ચ કક્ષાના ઑક્સીભૂત સંજોગો હેઠળ તૈયાર થતા જળકૃત ખડકો માટે આ શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવાય છે. ખંડીય નિક્ષેપોની જમાવટ જ્યારે શુષ્ક આબોહવાના સંજોગો હેઠળ થતી હોય ત્યારે પણ રાતા રંગના પ્રસ્તરોની રચના થતી હોય છે. ખડકોમાં ઉદભવતો રાતો રંગ રાતા ફેરિક હાઇડ્રૉક્સાઇડને કારણે હોય છે. ‘રાતા પ્રસ્તરો’ શબ્દપ્રયોગ માત્ર લાક્ષણિક રાતા રેતીખડકો, રાતા શેલ અને રાતા માર્લ ખડકો માટે જ ઉપયોગમાં લેવાય છે એવું નથી, તે તેમના સંકલનમાં તૈયાર થતા બાષ્પાયનો, બ્રેસિયા અને કૉર્નસ્ટોન માટે પણ વપરાય છે; પરંતુ કેટલીક પરિણામી પ્રક્રિયાઓની અસર હેઠળ તૈયાર થતા રાતા રંગના નિક્ષેપો માટે આ શબ્દપ્રયોગ ઉપયોગમાં લઈ શકાય નહિ.
ગિરીશભાઈ પંડ્યા