રાતરાણી : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum nocturnum Linn. (હિં. રજનીગંધા, રાત કી રાની; ગુ. રાતરાણી; અં. લેડી ઑવ્ ધ નાઇટ, નાઇટ સિસ્ટ્રમ, નાઇટ જૅસ્મીન, પૉઇઝન બેરી.) છે. તે સહિષ્ણુ (hardy), શુષ્કતારોધી (drought-resistant) અને લગભગ 3.0 મી. સુધીની ઊંચાઈવાળો ક્ષુપ છે. તેનાં પર્ણો સાદાં, અંડાકાર-લંબચોરસ (ovate-oblong), એકાંતરિક (alternate), 615 સેમી. x 1.75.8 સેમી., ટોચેથી અણીદાર અને નીચેથી સ્ફાનાકાર (cuneiform) હોય છે. તે વેસ્ટ ઇંડિઝની મૂલનિવાસી વનસ્પતિ છે અને ઉદ્યાનોમાં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો નલિકાકાર, લાંબાં અને સફેદ કે આછાં પીળાં હોય છે અને રાત્રે સુગંધી આપે છે. પુષ્પો લગભગ બારે માસ આવે છે, છતાં ઑક્ટોબર-નવેમ્બરમાં વધારે પ્રમાણમાં આવે છે. આ છોડની વિશિષ્ટતા એ છે કે છોડ ઉપર પુષ્પો બે માસ આવે છે અને બે માસ બિલકુલ આવતાં નથી. તેથી બારે માસ પુષ્પો મેળવવા ઉદ્યાનોમાં ઓછામાં ઓછા 5થી 6 છોડ રોપવા જોઈએ. છોડને પશ્ર્ચિમ કે દક્ષિણ દિશામાં કે નૈર્ઋત્ય ખૂણામાં વાવવાથી પવનને કારણે સુગંધી બધે સારી રીતે પ્રસરી શકે છે. તેનું ચોમાસામાં 23 વર્ષે કૃંતન (pruning) કરવાથી નવી ફૂટ વધારે આવે છે, અને નવી ફૂટ ઉપર પુષ્પો વધારે બેસે છે. તેની સારી વૃદ્ધિ માટે ચોમાસામાં છાણિયું ખાતર આપવામાં આવે છે.

રાતરાણી

તેનો ઉપયોગ ઉદ્યાનોમાં ઊંચી વાડ બનાવવામાં થાય છે. મેક્સિકોમાં તેનાં પર્ણોની શાકભાજી કરવામાં આવે છે. તેનાં પર્ણો અને પુષ્પો પ્રજીવક ‘સી’ (83 મિગ્રા./100 ગ્રા.) ધરાવે છે.

તેનો નિષ્કર્ષ કે ફળ ઉદ્વેષ્ટરોધી (antispasmodic) તરીકે અપસ્માર(epilepsy)માં વપરાય છે. આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં આ વનસ્પતિને ઝેરી માનવામાં આવે છે. જોકે તે સૂકી હોય ત્યારે જ વિષાળુ (toxic) હોય છે. ઢોર તેના લીલા છોડ ખાતાં નથી.

છાલ અને પર્ણોનો જલીય નિષ્કર્ષ બટાટા અને તમાકુના મોઝેક વાઇરસને અવરોધે છે. વનસ્પતિનો જલ-આલ્કોહૉલીય (aqueous-alcoholic) અર્ક શોથરોધી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે.

તાજાં પુષ્પોનું બાષ્પનિસ્યંદન કરતાં બાષ્પશીલ તેલ (0.014 %) ઉત્પન્ન થાય છે. પુષ્પોનું બેન્ઝીન દ્વારા નિષ્કર્ષણ કરતાં 0.27 % જેટલો ઘટ્ટ ભાગ ઉદભવે છે. તેનું બાષ્પનિસ્યંદન કરતાં લગભગ 8.5 % જેટલું અત્તર પ્રાપ્ત થાય છે. તાજાં પુષ્પોમાં બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાઇલ ઍસિટેટ, મિથાઇલ બેન્ઝોએટ, ફીનિલ ઍસિટાલ્ડીહાઇડ, બેન્ઝાઇલ આલ્કોહૉલ, ફીનિલ ઇથાઇલ આલ્કોહૉલ, લિનેલૂલ અને α-ફાર્નેસિન જેવા મુખ્ય બાષ્પશીલ ઘટકો હોય છે. ફીનિલ ઍસિટાલ્ડીહાઇડ અને લિનેલૂલ પુષ્પની વિશિષ્ટ પ્રકારની સુગંધી માટે જવાબદાર પદાર્થો છે. તેનું તેલ આલ્ડીહાઇડ-પુષ્પીય (aldehydic-floral) અત્તરો બનાવવામાં ઉપયોગી છે. ભારતમાં તેનાં પુષ્પોમાંથી સુખડના તેલ સાથે સહ-નિસ્યંદન (co-distillation) કરી અત્તરો મેળવવામાં આવે છે. પુષ્પોનો જલીય નિષ્કર્ષ Curvularia lunata (Wakker) Boed. અને Alternaria alternata નામની ફૂગના બીજાણુઓના અંકુરણને અવરોધે છે. પર્ણોમાં નિકોટિન, નૉરનિકોટિન, કોટિનિન અને માયોસ્મિન નામનાં આલ્કેલૉઇડો અને સેપોનિન, ટિગોનિન અને યુક્કાનિન હોય છે. ગિની પિગને 1.25થી 5 માઇકોગ્રામ/મિલી.ની માત્રાએ સેપોનિનનું અંત:શિરીય અંત:ક્ષેપણ કરતાં હૃદય ઉત્તેજિત થાય છે અને નિલય-સંરોધ (ventricular arrest) થાય છે.

Cestrum diurnum Linn. (હિં. દિન કા રાજા, ગુ. દિવસનો રાજા, અં. ધ ડે જૅસ્મીન, ડે ક્વીન, ડે બ્લૂમિંગ સિસ્ટ્રમ) રાતરાણીની સહજાતિ છે. તે ઝડપથી વૃદ્ધિ પામતો સદાહરિત, 1.0 મી.થી 1.5 મી. ઊંચો અને ટટ્ટાર ક્ષુપ છે. તેનાં પર્ણો ઘેરાં લીલાં, 3.4-5.5 સેમી. x 1.3-2.5 સેમી. લંબચોરસ કે ઉપવલયી, કુંઠાગ્ર (obtuse) અને અખંડિત હોય છે. તેનાં લીલાશ પડતાં સફેદ, મીઠી સુગંધ ધરાવતાં પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. જોકે તેની સુગંધી રાતરાણીનાં પુષ્પો જેટલી તીવ્ર હોતી નથી અને ઉદ્યાનોમાં પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ઉદ્યાનોની વાડ બનાવવા ઉપરાંત મધમાખીના ખોરાક તરીકે ઉપયોગી છે.

આ વનસ્પતિ માનવ અને પાલતુ પ્રાણીઓ માટે ઝેરી માનવામાં આવે છે. તે વિભ્રમ (hallucination) અને સ્નાયુ તથા જ્ઞાનતંતુઓની ઉત્તેજના માટે જવાબદાર છે. પર્ણોના બાષ્પ-નિસ્યંદનથી 0.22 % જેટલું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેનું તેલ વનસ્પતિઓ અને મનુષ્યને લાગુ પડતી રોગજનક ફૂગ સામે અસરકારક વિષાક્ત (toxicant) છે. પર્ણોમાં નિકોટિન, નૉરનિકોટિન, અર્સોલિક ઍસિડ, ટિગોનિન અને 1,25-ડાઇહાઇડ્રૉક્સિ વિટામિન ડી3-ગ્લુકોસાઇડ હોય છે. ટિગોનિન હૃદ્-બલ્ય (cardiotonic) ગુણધર્મ ધરાવે છે. પર્ણોનો નિષ્કર્ષ Ustilago maydes (DC.) Corda અને U. nuda (Jens) Rostr. નામની ફૂગનાં બીજાણુઓના અંકુરણને અવરોધે છે. આ વનસ્પતિમાં કૅટેચોલ ટેનિનો અને ફ્લેવોનૉઇડો પણ મળી આવે છે. બીજનો ઇથેનોલીય નિષ્કર્ષ (50 %) Alternaria alternata અને Aspergillus niger સામે પ્રતિ-ફૂગ (anti fungal) સક્રિયતા દર્શાવે છે. વનસ્પતિનો જલ-આલ્કોહૉલીય અર્ક શોથરોધક ક્રિયાશીલતા દાખવે છે.

ભારતમાં રાતરાણીની 10 જેટલી સહજાતિઓ ઉગાડવામાં આવે છે; જેમાં C. aurantiacum Lindl. (ગોલ્ડન કે ઑરેંજ સિસ્ટ્રમ, રાતરાણી), C. elegans (Brongn.) Schlecht. syn. C. purpureum (Lindl.) Standl. (પર્પલ કે રેડ સિસ્ટ્રમ), C. fasciculatum (Schlecht.) Miers. અને C. parqui L’Herit. (ગ્રીન સિસ્ટ્રમ) મુખ્ય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ