રાતડો : ફૂગના ચેપની અસર હેઠળ જુદા જુદા પાકોનાં પાન અને / અથવા તો તેની ડાળીને રાતા રંગમાં ફેરવતો રોગ. જુવાર, શેરડી, ડાંગર અને બાજરી જેવા પાકમાં જુદી જુદી ફૂગને લીધે પાન અને ડાળી ઉપર આક્રમણ થતાં અસરગ્રસ્ત ભાગમાં રાતા રંગનાં ટપકાં નિર્માણ થાય છે, જ્યારે પાકના થડ કે ડાળીની અંદર ફૂગનું આક્રમણ થવાથી અંદરની પેશી ઘેરી લાલ કે રાતી થઈ જાય છે. અહીં શેરડીના રાતડાની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

શેરડીનો રાતડો, શેરડી ઉગાડતા દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. વિશેષ કરીને આ રોગથી બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દર વર્ષે ખૂબ જ નુકસાન થાય છે. 1939-1942 દરમિયાન આ રોગથી બિહાર અને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ નુકસાન થયેલું હતું. ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આ રોગનો ફેલાવો 1992 પછી દર વર્ષે થાય છે અને તે શેરડીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આ નુકસાનથી બચવા હાલમાં ગુજરાતમાં માત્ર રાતડાની પ્રતિકારક જાતો પાક-સંવર્ધનથી તૈયાર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

કૉલેટોટ્રાયકમ ફાલ્કેટમ (Colletotrichum falcatum) નામની ફૂગથી આ રોગ થાય છે. આ રોગનો પ્રાથમિક ચેપ અગાઉ વાવેતર કરવામાં આવેલ રોગિષ્ઠ બીજના કટકા અને રોગિષ્ઠ પાકના અવશેષો જમીનમાં રહી જવાથી થાય છે. આ રોગની શરૂઆતની અવસ્થામાં ભાગ્યે જ ખ્યાલ આવે છે. શરૂઆતમાં રોગિષ્ઠ કટકામાંથી ઊગતા છોડોનાં ત્રણચાર પાન પીળાં પડીને ખરી જાય છે. અનુકૂળ પર્યાવરણના અભાવમાં રોગિષ્ઠ છોડની વૃદ્ધિ ધીમી રહે છે; પરંતુ ચોમાસા દરમિયાન છોડમાં શર્કરાના ઉત્પાદનની શરૂઆત થતાં છોડ પર આ રોગનાં લક્ષણો સ્પષ્ટ બને છે. આવા છોડની ટોચની ઉપરથી ત્રીજું અને ચોથું પાન પીળું બની નમી પડે છે અને કિનારી આગળથી સુકાતું જાય છે, જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે. પાનની ધોળી નસ ઉપર ઘેરા લાલ રંગનાં લંબગોળ આકારનાં ટપકાં કે ધાબાં નિર્માણ થાય છે. તેના સાંઠા પોલા-હલકા બને છે, જ્યારે તેની છાલ સંકોચાય છે. આવા સાંઠાઓને ફાડીને જોતાં, તેની ગાંઠ આગળ લાલ અને સફેદ પટ્ટાવાળાં લાલ ધાબાં દેખાય છે અને તેમાંથી વિશિષ્ટ પ્રકારની ખાટી વાસ આવે છે. આવા સાંઠામાં ખાંડનું પ્રમાણ નહિવત્ રહે છે. રોગિષ્ઠ છોડ સુકાઈને મરી જાય છે. તેથી ખાંડ અને ગોળનો ઉતારો ઓછો આવે છે. રોગિષ્ઠ પાકવાળા ખેતરમાં પાક લેવાથી આ પાકને સવિશેષ નુકસાન થાય છે.

નિયંત્રણનાં પગલાં : (1) આ રોગનો પ્રાથમિક ચેપ કટકા મારફતે ફેલાતો હોવાથી માત્ર રોગમુક્ત બિયારણની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. (2) અગાઉના પાકના રોગિષ્ઠ અવશેષોનો બાળીને નાશ કરવો. (3) બીજને ગરમ પાણીની માવજત આપવી અથવા પારાયુક્ત અથવા કાર્બેન્ડાઝીમ દવાના દ્રાવણમાં શેરડીના કટકા બોળી પછી તેમની રોપણી કરવી. (4) પાકની શરૂઆતની અવસ્થામાં રોગવાળા છોડ ઉપાડી લઈ તેમનો નાશ કરવો. (5) રોગગ્રાહ્ય જાતોનો પાક લેવો હિતાવહ થતો નથી. (6) બેથી ત્રણ વર્ષ ડાંગર જેવા પાક વાવી, પાકની ફેરબદલી કરવી. (7) જે તે વિસ્તાર માટે ભલામણ કરેલ રોગ-પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ