રાણી સિપ્રીની મસ્જિદ : અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ મુઝફ્ફરશાહ બીજાના અમલ વખતે (ઈ. સ. 15111526) સુલતાન મહમૂદશાહ બેગડાના પુત્ર અબુબકરખાંની મા રાણી અસનીએ ઈ. સ. 1514માં બંધાવી હતી. ‘સિપ્રી’ એનું બીજું નામ હતું. સલ્તનત સમયના સ્થાપત્યમાં આ મસ્જિદ નાજુકાઈ અને સૌન્દર્ય સહિત પ્રમાણસરની અને આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ છે. આ મસ્જિદ નાની હોવા છતાં એની સુંદરતાને લીધે ‘મસ્જિદે નગીના’ કહેવાય છે.
આ મસ્જિદની છતરચનાની પદ્ધતિ ઘણી સુંદર તથા અસાધારણ નકશીકામથી ભરપૂર છે. એને છેડે બે શોભાના નક્કર મિનારા આવેલા છે. એને વિભાજન કરતાં વલય મૂકેલાં છે તે મિનારાને આકર્ષક બનાવે છે. રસ્તા પર પડતા ઝરૂખામાં શ્રેષ્ઠ નકશીકામ છે. ખૂબ ઓછી જગ્યામાં સુરુચિપૂર્ણ આયોજન કરેલું હોવાથી તે મસ્જિદકલાનો ઉત્તમ નમૂનો બની છે. એક મિનારાથી બીજા મિનારા સુધી દૃષ્ટિ ફેરવતાં નીચેનો ભાગ એક સમગ્ર રૂપ ધારણ કરે છે અને તે કલાસૌન્દર્યની દૃષ્ટિએ અત્યંત રમણીય લાગે છે.
જયકુમાર ર. શુક્લ