રાણીના, નાનાભાઈ રુસ્તમજી (જ. 1832; અ. 1900) : ગુજરાતી સાહિત્યક્ષેત્રે પારસી નાટ્યકાર, પત્રકાર અને કોશકાર. ઉપનામ ‘હયરાની’. તેમની કર્મભૂમિ મુંબઈમાં. તેઓ મુખ્યત્વે નાટ્યકાર, છતાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં તેમણે સ્મરણીય સેવાઓ આપી છે. એમની આરંભની કારકિર્દી પત્રકારની હતી. મુંબઈમાં ઈ. સ. 1848માં ‘જ્ઞાનપ્રસારક મંડળી’ સ્થપાઈ હતી. એના મુખપત્રરૂપ ‘જ્ઞાનપ્રસારક’માં તેમણે વર્ષો સુધી આપસૂઝથી કામગીરી બજાવી અને એ સામયિક્ધો સામાજિક તેમજ અન્ય પ્રકારના સુધારાલક્ષી લેખો દ્વારા એ જમાનામાં અગ્રણી બનાવ્યું. અલબત્ત, એમના લેખો પારસીશાઈ ગુજરાતીમાં લખાતા હતા. એ સમયે ગુજરાતી ભાષા પણ વિકાસોન્મુખી હતી.
ઈ. સ. 1861-62ના સમયગાળામાં તેમણે એ જમાનાની સ્ત્રીઓના વિકાસ અને ઉન્નતિને લગતા ‘સ્ત્રીબોધ’ માસિકનું પણ સંચાલન કર્યું હતું. રાણીનાનો જીવ પત્રકારનો હતો એટલે ‘સ્ત્રીબોધ’નું સંચાલન છોડ્યા પછી તુરત જ કરસનદાસ મૂળજીના સહકારથી ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકની જવાબદારી તેમણે સંભાળી. ઈ. સ. 1866 સુધી એ જવાબદારી તેમણે સંભાળી. ‘સત્યપ્રકાશ’માં રાણીનાની સંપાદકીય નોંધો વાચકોમાં પ્રશંસા પામતી હતી.
રાણીનાનું એક ખૂબ મહત્વનું કાર્ય શબ્દકોશને લગતું હતું. એ જમાનામાં ભાગ્યે જ શબ્દકોશ મળતા; પણ રાણીનાએ અથાગ પરિશ્રમ લઈ અરદેશર ફરામજી મુસના સહયોગમાં એ કાર્ય ઈ. સ. 1857થી આરંભ્યું. એ મહાન કાર્ય તેમના જીવન દરમિયાન પૂરું થઈ શક્યું નહિ. તેમના અવસાન-સમયે તેના 12 ભાગ પ્રસિદ્ધ થઈ શક્યા હતા. રાણીના અને મુસનો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ (1873, 1901) અનુગામી કોશકારો માટે ખૂબ જ ઉપકારક નીવડ્યો.
રાણીના પત્રકાર અને કોશકાર તરીકે તો પ્રતિષ્ઠિત ખરા જ; પણ એમનો જીવંત રસ નાટકો રચવામાં તેમજ ભજવવામાં પણ હતો. એ પોતે નાટકમાં નટ તરીકે પણ ભાગ લેતા હતા. એમણે સામાજિક તેમજ ઐતિહાસિક નાટકો લખ્યાં છે. એમણે ગુજરાતીમાં નાટકોના અનુવાદો પણ કરેલા છે. શેક્સપિયરના ‘ઑથેલો’નો તેમજ ‘કૉમેડી ઑવ્ એરર્સ’નો ગુજરાતી અનુવાદ તેમણે આપેલો છે; પારસી નાટ્યકારોએ શેક્સપિયરનાં નાટકો પ્રત્યે ભારે દિલચસ્પી દર્શાવી છે અને તેનાં ઘણાં નાટકો અનુવાદ રૂપે અથવા રૂપાંતર તરીકે રચીને ભજવ્યાં છે. રાણીના પણ એવા નાટ્યકારોમાંના એક ગણાય.
રાણીનાએ હિંદુ પૌરાણિક ગ્રંથોમાં પણ રસ દાખવ્યો છે. એમણે પૌરાણિક કથા સત્યવાન-સાવિત્રી ઉપરથી ‘સાવિત્રી’ નાટક ઈ. સ. 1883માં રચ્યું હતું. કેખુશરૂ કાબરાજી જેવા હિંદુ ધર્મકથાઓનો આશ્રય કરી ધાર્મિક નાટકો રચનારની જમાતના રાણીના હતા. એમનાં નાટકોમાં તખ્તાલાયકી પણ જળવાઈ છે. એમનું ‘સાવિત્રી’ નાટક ઈ. સ. 1883માં રચાયા પછી ઈ. સ. 1885માં ‘કાળાં મેંઢાં’ અને ઈ. સ. 1887માં ‘હોમલોહાઉ’ એ બે નાટકો પ્રસિદ્ધ કર્યાં હતાં. ‘કાળાં મેંઢાં’ પારસી સમાજને સ્પર્શતું કરુણરસિક નાટક છે, જ્યારે ‘હોમલોહાઉ’ સામાજિક પ્રહસન પ્રકારની રચના છે. પારસી નવલકથાકારો તેમજ નાટ્યકારો બહુધા હાસ્યરસિક સુખાંત કૃતિઓ રચવાનું પસંદ કરતા હતા. રાણીનાએ પણ એમના નાટકમાં નર્મ-મર્મ હાસ્ય નિષ્પન્ન થાય તેવી ઘટનાઓ આલેખી છે. એમનાં નાટકો એમાંના હાસ્યને કારણે ઠીક ઠીક લોકપ્રિયતા પામ્યાં હતાં.
રાણીના પોતે એક ઍમેટર કંપની(Amatuer Company)માં ભાગીદાર પણ હતા અને નાટકોમાં એમણે નટ તરીકે પણ નામના મેળવી હતી. વળી નાટ્યદિગ્દર્શનની કુશળતા પણ તેમનામાં હતી. તેમનાં અન્ય નાટકોમાં ‘નાંજા શીરીન’ તથા ‘વહેમાયેલી જર’નો સમાવેશ થાય છે.
મધુસૂદન પારેખ