રાણા, સરદારસિંહ (જ. 1870, કંથારિયા, લીંબડી; અ. ડિસેમ્બર 1955, પૅરિસ, ફ્રાન્સ) : વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ઝૂઝનાર ગુજરાતી ક્રાંતિકાર. તેમના પિતા રેવાભાઈ રાણા તત્કાલીન લીંબડી દેશી રાજ્યના ભાયાત હતા. સરદારસિંહે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને સારંગપુરમાં તથા માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. તેઓ મૅટ્રિકની પરીક્ષા 1891માં પાસ કરીને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તે સાથે રાજકારણમાં રસ લેવા માંડ્યો. 1895માં પુણે ખાતે મળેલા કૉંગ્રેસના અધિવેશન દરમિયાન તેમણે પ્રમુખ સુરેન્દ્રનાથ બૅનરજીની સેવા કરી. તેનાથી ખુશ થઈને સુરેન્દ્રનાથે પોતાના હસ્તાક્ષરવાળી તસવીર તથા પોતાના વ્યાખ્યાનની નકલ વ્યાખ્યાન કરતાં પહેલાં ભેટ આપ્યાં. રાણાએ 1897માં બી.એ.ની પરીક્ષા પાસ કરીને વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા અને ગ્રેઝ ઇનના બાર ઍટ લૉ થયા.
અભ્યાસકાળ દરમિયાન સરદારસિંહ ઇંગ્લૅન્ડમાં ગુજરાતના ક્રાંતિકાર શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા. 1899ના અરસામાં તે પૅરિસ ગયા. ત્યાં સૂરતના વતની અને મોતીના વેપારી જીવણચંદ ઍન્ડ ઉત્તમચંદ ઝવેરીની પેઢીમાં જોડાયા. તેમાં તેમને ઘણો સારો આર્થિક લાભ થયો. તેથી તેમને કદાપિ આર્થિક તકલીફ પડી નહિ. વળી સાધારણ સ્થિતિના ભારતીય ક્રાંતિકારોને તેઓ આર્થિક મદદ પણ કરતા હતા. તેમણે શ્યામજી કૃષ્ણવર્માના અખબાર ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’માં રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી તથા એક મુસ્લિમ બાદશાહના નામની, રૂપિયા બે હજારની એક એવી ત્રણ ટ્રાવેલિંગ ફેલોશિપ જાહેર કરી. તેમાં એવી શરત મૂકવામાં આવી કે તે મેળવનાર વિદ્યાર્થીએ અભ્યાસ પૂરો કર્યા બાદ, સરકારી નોકરી કરવી નહિ, બ્રિટિશ સરકારનો ઇલકાબ સ્વીકારવો નહિ અને દેશભક્તિની પ્રવૃત્તિઓ કરવી. એનો લાભ લઈને વિનાયક દામોદર સાવરકર, લાલા હરદયાળ, મદનલાલ ધિંગરા જેવા તેજસ્વી અને દેશભક્ત યુવાનો લંડનમાં ઇન્ડિયા હાઉસમાં ભેગા થયા હતા.
તેમણે 5 મે, 1905ના રોજ પૅરિસમાં ભારતીય દેશભક્તોની એક સભા બોલાવીને – ભારતમાં સુરેન્દ્રનાથ બૅનરજીની ધરપકડ કરવાના અને બંગાળના બારિસાલમાં સરઘસ પર લાઠીમાર કરી લોકોને મારવાના પોલીસના પગલાને વખોડી કાઢ્યું તથા ભારતમાં અંગ્રેજોના રાજ્યનો વિરોધ કર્યો હતો. તેમણે મદન જાદવ નામના એક ભારતીય યુવકને ઉચ્ચ લશ્કરી તાલીમ લેવા બર્ન મોકલ્યો તથા બંગાળથી પૅરિસ ગયેલા હેમચંદ્ર દાસ, મહારાષ્ટ્રના સેનાપતિ બાપટ તથા અબ્બાસ નામના ભારતીય ક્રાંતિકારોને બૉમ્બ બનાવતાં શીખવાની તેમણે વ્યવસ્થા કરી આપી.
જર્મનીમાં સ્ટટગાર્ટ મુકામે ઇન્ટરનૅશનલ સોશિયાલિસ્ટ કૉંગ્રેસ 18 ઑગસ્ટ, 1907ના રોજ મળી. તેમાં રાણા તથા મૅડમ ભિખાયજી કામાએ ભારતીય પ્રતિનિધિઓ તરીકે હાજરી આપી. આ સભામાં મૅડમ કામાએ ભારતનો પ્રથમ ત્રિરંગી ધ્વજ લહેરાવ્યો અને ભારતની સ્વતંત્રતા માટે જુસ્સાદાર ભાષણ કર્યું. રાણા અને મૅડમ કામા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે પૅરિસમાં ગાઢ સંપર્કમાં રહેતાં હતાં.
લંડનમાં ઇન્ડિયા હાઉસમાં 1857ના વિપ્લવની અર્ધશતાબ્દી ઊજવવાનો કાર્યક્રમ વી. ડી. સાવરકરે યોજ્યો. તે સમારંભનું પ્રમુખપદ રાણાએ સંભાળ્યું હતું. આ સભામાં સાવરકરે નાનાસાહેબ પેશ્ર્વા તથા છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહને સ્વાતંત્ર્યવીર ગણાવીને શહીદો તરીકે બિરદાવ્યા, તેથી બ્રિટિશ સરકાર સાવરકર અને રાણા ઉપર કડક દેખરેખ રાખતી હતી.
સાવરકરે લંડનથી એક ભારતીય યુવકને રિવૉલ્વર ખરીદવા પૅરિસ મોકલ્યો. રાણાએ તેને ઘણી મદદ કરી, પણ રિવૉલ્વર લઈને પાછા જવાની તેની હિંમત ચાલી નહિ તેથી રાણાએ તે લંડન મોકલી આપી. એ રિવૉલ્વરનો ઉપયોગ કરી મદનલાલ ધિંગરાએ 1 જુલાઈ, 1909ના રોજ લંડનમાં કર્ઝન વાઇલીનું ખૂન કર્યું હતું. ભારતના નેતાઓ પૅરિસ જાય તો રાણા તેમનું સ્વાગત કરતા અને પોતાને ઘેર તેમને મહેમાન તરીકે રાખતા હતા. વીસમી સદીના પ્રથમ દાયકામાં પૅરિસના ભારતીય ક્રાંતિકારીઓના અગ્રણી રાણા હતા. તેઓ બધી પ્રવૃત્તિઓનું ખર્ચ ભોગવતા.
પૅરિસમાં રાણાની મદદથી બે ભારતીયોએ વીસ રિવૉલ્વર ખરીદી અને ચતુર્ભુજ અમીને તે ભારતમાં આયાત કરી. તેમાંથી એક રિવૉલ્વરનો ઉપયોગ નાસિકના જિલ્લા મૅજિસ્ટ્રેટ મિ. જૅક્સનનું ખૂન કરવા માટે થયો હતો. ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ (1857) નામનું વિ. દા. સાવરકર લિખિત પુસ્તક રાણાની દેખરેખ હેઠળ પ્રસિદ્ધ થયું હતું અને એની નકલો એમના મકાનમાં રાખવામાં આવી હતી. સાવરકર સામેનો મુકદ્દમો રાણા હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ ગયા હતા, પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.
રાણાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતીના આધારે ભારતની બ્રિટિશ સરકારે તેમને બળવાખોર જાહેર કર્યા. રાજકોટના પોલિટિકલ એજન્ટે તેમનાં માતાપિતા તથા સંબંધીઓને તેમની સાથે પત્રવ્યવહાર કરવાની મનાઈ ફરમાવી તથા ઑક્ટોબર, 1911માં કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નરે એક જાહેરાત કરીને રાણાને તેમના પિતાની જાગીર વારસામાં મેળવવાની મનાઈ ફરમાવી.
ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ પાંચમાએ પૅરિસની મુલાકાત લીધી ત્યારે રાણાને પૅરિસની બહાર ચાલ્યા જવાનું જણાવવામાં આવ્યું. તેમણે એ હુકમનો અનાદર કરવાથી રાણાને નજરકેદ કરવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ભારતીય લશ્કરે પૅરિસમાં પ્રવેશ કર્યો ત્યારે સૈનિકોની વફાદારી બદલી નાખવામાં ન આવે તે માટે બ્રિટિશ સરકારે ફ્રાન્સની સરકારની સહાયથી રાણાની ધરપકડ કરી અને તેમને બૉર્ડો જેલમાં રાખ્યા. રાણાની ધરપકડનો ફ્રાન્સની માનવ અધિકાર સમિતિ તથા ત્યાંના વેપારી મંડળે વિરોધ કરવાથી તેમને 7 જાન્યુઆરી, 1915ના દિવસે મુક્ત કરવામાં આવ્યા. તે સાથે તેમને કુટુંબ સહિત માર્ટિનિક ટાપુ પર મોકલી દેવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ માર્ચ, 1920માં તેઓ પૅરિસ પાછા ફર્યા. પૅરિસ ગયેલા રવીન્દ્રનાથ ઠાકુરે શાંતિનિકેતનના પુસ્તકાલય માટે કરેલી અપીલના જવાબમાં ઉદારદિલ રાણાએ આશરે સાત સો ગ્રંથ કવિવરને ભેટ આપ્યા. લાલા લજપતરાય, મોતીલાલ નહેરુ, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ વગેરે દેશનેતાઓ પોતાની વિદેશની મુલાકાત દરમિયાન રાણાને મળતા હતા.
યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું (1939) તે દરમિયાન ફ્રેન્ચ મિત્રો સાથે રહેતા રાણાની જર્મનોએ ધરપકડ કરી. તે પછી 1941માં સુભાષચંદ્ર બોઝ જર્મની ગયા ત્યારે તેમણે રાણાને જેલમાંથી છોડાવ્યા હતા. ઑગસ્ટ, 1947માં ભારત સ્વતંત્ર થયા બાદ ડિસેમ્બર, 1947માં રાણા ભારત આવ્યા. તેઓ ગાંધીજી તથા બીજા નેતાઓને મળ્યા. સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં પણ એમનો સત્કાર કરવામાં આવ્યો, પરંતુ દેશમાં વ્યાપેલાં કાળા બજાર, સગાવાદ તથા લાંચરુશવતથી દુ:ખી થઈને રાણા એપ્રિલ, 1948માં પૅરિસ પાછા ફર્યા.
જયકુમાર ર. શુક્લ