રાણા, માનસિંહજી ભાસાહેબ

January, 2003

રાણા, માનસિંહજી ભાસાહેબ (જ. 10 માર્ચ 1904; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ. તેમણે પ્રારંભિક અભ્યાસ ભરૂચ ખાતે કર્યો અને મૅટ્રિક થયા બાદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી 1926માં સ્નાતક થયા. 1926થી ’28 પુણે ખાતે લૉ કૉલેજમાં અભ્યાસ કરી કાયદાના સ્નાતક થવા સાથે ત્યાંની ખેતીવાડી કૉલેજમાં અભ્યાસ કર્યો. આ અરસામાં શ્રમયજ્ઞના વિચારોથી આકર્ષાયા હતા અને ભરૂચ નજીકના અમૃતપુરા ગામમાં શ્રમયજ્ઞ દ્વારા ગામના માર્ગો તૈયાર કર્યા, જેમાં તેમને અંકલેશ્વરના છોટાલાલ ગાંધીનો સાથ-સહકાર સાંપડ્યો હતો. 192831 દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડમાં વસવાટ કર્યો અને બાર-ઍટ-લૉ થયા અને તે સાથે એસ્ટેટ મૅનેજમેન્ટની કૉલેજમાં પણ અભ્યાસ કર્યો. 1932થી ’34 સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલ તરીકે તેમણે કાર્ય કર્યું. 1934માં તેઓ કેરવાડામાં સ્થિર થયા, કારણ કે તેમને ખેતીના વ્યવસાયમાં ભારે રસ હતો. એ જમાનામાં બી. એચ. એસ. કપાસનાં બી અને અન્ય ખેતીવિષયક પ્રયોગો હાથ ધર્યા અને ખેડૂત-સમિતિઓ રચી.

માનસિંહજી ભાસાહેબ રાણા

આ પછી તેઓ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા લોકલ બૉર્ડના પ્રમુખ ચૂંટાયા અને તેમની અંગત દેખરેખ હેઠળ 3 વર્ષ સુધી પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં કૂવા-તળાવોની રચના કરવામાં સહાયરૂપ બન્યા. આ સાથે વાગરા એજ્યુકેશન ફંડના પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું; તાલુકામાં નર્સો માટેનું સંગઠન રચ્યું. ભરૂચ જિલ્લાના સ્થાનિક બૉર્ડના સભ્ય, તે જિલ્લાના માનાર્હ મૅજિસ્ટ્રેટ, ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ, રાઇફલ ઍસોસિયેશનના ઉપપ્રમુખ જેવા વિવિધ હોદ્દાઓ પર તેઓ રહ્યા તેમજ રોટરી ક્લબ જેવી સામાજિક સંસ્થાઓમાં રસ લઈ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી. બીજા વિશ્વયુદ્ધ (193945) દરમિયાન આ અંગેના ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય યુદ્ધ ફંડના તેઓ પ્રમુખ રહ્યા હતા. સમગ્ર મુંબઈ પ્રેસિડેન્સીમાં આ એકમે સૌથી વધુ ફાળો એકત્ર કર્યો હતો. તેઓ ત્રણ વર્ષ સુધી બૉમ્બે સિવિલ પાયોનિયર ફૉર્સના સક્રિય સભ્ય હતા.

મુંબઈમાં પણ તેમની સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ હતી, જે અન્વયે તેઓ ડેવિડ સાસૂન ટ્રસ્ટ ફંડમાં ટ્રસ્ટી, યુદ્ધસમિતિ અને સિવિલ સપ્લાઇઝ કમિટીના સભ્ય રહ્યા.

રાઇફલ તેમના શોખનો વિષય હોવાથી રાષ્ટ્રીય રાઇફલ ક્લબના આજીવન સભ્ય રહ્યા અને કેરવાડા અને વાગરામાં આ ક્લબના પ્રમુખ બનવાનું પસંદ કર્યું. ગુજરાત જમીનધારક સંગઠનના પણ તેઓ ઉપપ્રમુખ અને પછીથી પ્રમુખ બન્યા હતા. 400 એકર જમીનનું ભૂદાન કરી તેમણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જમીન વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞમાં ભેટ ધરી હતી. તેમના યુવાવયના આદર્શો ઢળતી વયે પણ બદલાયા નહોતા.

આ પ્રવૃત્તિઓ સાથે 1945થી 1950 અને 1957થી ’60 તેઓ મુંબઈ વિધાનસભાના સભ્ય ચૂંટાયા અને નવા રચાયેલા ગુજરાત રાજ્યની સામાન્ય ચૂંટણી પૂર્વે ઑગસ્ટ, 1960થી ’62 વિધાનસભાના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. કૉમનવેલ્થ ઍસોસિયેશનની ગુજરાત શાખાના તેઓ પ્રમુખ વરાયા તેમજ આ હોદ્દાની રૂએ સપ્ટેમ્બર 1961માં કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશનના લંડન ખાતેના સંમેલનમાં ભાગ લીધો હતો. 197374માં તેઓ વહાણવટા ખાતાના રાજ્યકક્ષાના મંત્રી નિમાયા હતા.

હૉકી, ફૂટબૉલ, ક્રિકેટ જેવી વિવિધ રમતોનો તેમને શોખ હતો. ટેનિસના તેઓ અચ્છા ખેલાડી હતા. ખેતી અને વ્યાયામ તેમના રસના વિષયો હતા. સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાની તેમને ધગશ હતી. તેમણે બ્રિટન ઉપરાંત યુરોપના અન્ય દેશોનો પ્રવાસ ખેડ્યો હતો.

રક્ષા મ. વ્યાસ