રાણા, દગ્ગુબાતી (. 14 ડિસેમ્બર 1984, ચેન્નાઈ, તમિલનાડુ) : અભિનેતા, નિર્માતા. રામાનાયડુ દગ્ગુબાતીને ચાહકો રાણા દગ્ગુબાતીના નામથી ઓળખે છે. તમિલ, તેલુગુ, હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને દેશભરમાં જાણીતા થયેલા રાણા દગ્ગુબાતીનો આખો પરિવાર ફિલ્મમેકિંગ અને અભિનયમાં સક્રિય છે. તેમના દાદા ડી. રામાનાયડુ એક જમાનાના દક્ષિણની ફિલ્મોના ખૂબ જાણીતા ફિલ્મનિર્માતા હતા. તેમના નામે 150 ફિલ્મોનું સર્જન કરવાનો ગિનેસ બુકમાં રેકોર્ડ છે. ડી. રામાનાયડુના દીકરા ડી. સુરેશ બાબુ ફિલ્મનિર્માતા અને ફિલ્મોના ડિસ્ટ્રિબ્યૂટર છે. તેમના પિતાએ સ્થાપેલા સુરેશ પ્રોડક્શનના ડિરેક્ટર પણ છે.

 

દગ્ગુબાતી રાણા

સુરેશ બાબુના ત્રણ સંતાનોમાં એક રાણા દગ્ગુબાતી ભારતભરમાં લોકપ્રિય છે. વીએફએક્સ પ્રોડ્યુસર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને મહેશ બાબુ અભિનિત ફિલ્મ ‘સૈનિકુડુ’ માટે બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટનો નાંદી પુરસ્કાર મેળવ્યો હતો. 2006માં બાળકો માટે ‘બોમ્માલતા’ ફિલ્મનું નિર્માણ રાણા દગ્ગુબાતીએ કર્યું હતું, જેને નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. અભિનયમાં આવતા પહેલાં જ પોતાની પ્રોડક્શન કંપની સ્થાપીને ફિલ્મનિર્માણમાં ઝંપલાવ્યું હતું. અભિનેતા અને ફિલ્મનિર્માતા ઉપરાંત રાણા દગ્ગુબાતી રોકાણકાર પણ છે. કેટલાય નવા નવા સાહસોમાં રાણા રોકાણ કરે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિઆલિટી, ઓગમેન્ટ રિઆલિટી, વીએફએક્સ, મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સના ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સને રાણા દગ્ગુબાતી ફંડિંગ કરે છે.

2010માં ‘લીડર’થી તેલુગુ ફિલ્મમાં પદાર્પણ કર્યું હતું. એ ફિલ્મ માટે તેમને સાઉથનો શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. દમ મારો દમથી હિન્દી સિનેમામાં અભિનય શરૂ કર્યો હતો. બોક્સ ઓફિસમાં કમાણીની રીતે બીજા ક્રમની સફળ ફિલ્મ સીરિઝ ‘બાહુબલી’માં નેગેટિવ ભૂમિકા ભજવ્યા પછી રાણા દગ્ગુબાતી દેશભરમાં જાણીતા થયા હતા. ‘રૂદ્રમાદેવી’, ‘ગાઝી’, ‘નેને રાજુ, નેને મંત્રી’ જેવી સફળ ફિલ્મો તેમના નામે બોલે છે. દગ્ગુબાતી નંબર વન યારી નામનો ટોક શો હોસ્ટ કરે છે.

આ અભિનેતાએ 2016માં સ્પષ્ટતા કરી હતી તે માત્ર એક આંખથી જ જોઈ શકે છે. 14 વર્ષની ઉંમરે જમણી આંખમાં દેખાતું બંધ થયું હતું અને તેમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી, પરંતુ ઓપરેશન સફળ થયું ન હતું. તે સિવાય કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ પણ થઈ ચૂક્યા છે. ઘણા શારીરિક પડકારો છતાં રાણા દગ્ગુબાતી સતત નવા નવા પ્રોજેક્ટમાં સક્રિય રહે છે. 2017માં ફોર્બ્સની 100 સેલિબ્રિટીની યાદીમાં રાણાને 36મો ક્રમ અપાયો હતો. એ જ વર્ષે ગૂગલમાં સૌથી સર્ચ થયેલા સેલિબ્રિટીમાં રાણા દગ્ગુબાતી 11મા ક્રમે હતા. રાણાએ 2020માં ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયોની સ્થાપક મિહીકા બજાજ સાથે લગ્ન કર્યા હતા.

હર્ષ મેસવાણિયા