રાઠોડ, દુર્ગાદાસ (જ. 13 ઑગસ્ટ 1638; અ. 22 નવેમ્બર 1718, રામપુર) : દક્ષ સેનાપતિ, દૂરદર્શી રાજનીતિજ્ઞ તથા નિષ્ઠાવાન રાજભક્ત. તે મારવાડના રાજા જશવંતસિંહના મંત્રી અશકરણનો પુત્ર હતો. વાયવ્ય (ઉત્તર–પશ્ચિમ) સરહદ પર 1678માં જમરૂદ મુકામે જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે કૂટનીતિજ્ઞ મુઘલ બાદશાહ ઔરંગઝેબે મારવાડ કબજે કરવા વાસ્તે તેના બાળપુત્ર અજિતસિંહને દિલ્હીમાં કેદ કરવાનો નિશ્ચય કર્યો. તે વખતે, અપૂર્વ સાહસ કરીને, ઘણા થોડા રાજપૂત સૈનિકોની મદદથી દુર્ગાદાસે અજિતસિંહને દુશ્મનના કબજામાંથી છોડાવીને, તેને મારવાડ પહોંચાડ્યો અને મુઘલો સાથે લડાઈ શરૂ કરી દીધી. ઔરંગઝેબની ક્રૂર નીતિને લીધે, તેના પુત્રોમાંનો એક વિદ્રોહી પુત્ર અકબરને, રાજપૂતો દ્વારા આશ્રય આપવામાં આવ્યો નહિ, ત્યારે એકલા દુર્ગાદાસે, અનેક મુશ્કેલીઓ વેઠીને, અકબરને સંભાજીના દરબારમાં સુરક્ષિત પહોંચાડ્યો. મહારાષ્ટ્રથી પાછા ફરીને, રાજપૂત લશ્કરનું ફરીથી નેતૃત્વ ધારણ કરીને, તેણે મુઘલો સામે સતત 30 વર્ષ લડાઈ ચાલુ રાખી. આખરે તે અજિતસિંહને મારવાડના સિંહાસન પર બેસાડવામાં સફળ થયો; પરંતુ ત્યાર બાદ અજિતસિંહે દુર્ગાદાસને દેશનિકાલ કરી, મારવાડના ઉદ્ધારક પ્રત્યે કૃતઘ્નતા દર્શાવી, ત્યારે દુર્ગાદાસે ઉદયપુરના મહારાણાની નોકરી સ્વીકારી.
જયકુમાર ર. શુક્લ