રાઠવા : ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતમાં વસતી અનેક-વિધ અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા જાતિ ઊજળો વાન ધરાવતી સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ વૈવિધ્ય અને આગવાં સાંસ્કૃતિક લક્ષણો ધરાવતી જાતિ છે. ગુજરાતની કુલ 28 જેટલી અનુસૂચિત જનજાતિઓની 48 લાખ જેટલી વસ્તીમાં રાઠવાઓની વસ્તી લગભગ 4.92 % છે. એ રીતે વસ્તીના ક્રમમાં રાઠવાઓ છઠ્ઠા નંબરે આવે છે.
વિસ્તારપ્રદેશ : રાઠવા આદિવાસીઓ ગુજરાતમાં મુખ્યત્વે વડોદરા અને પંચમહાલ જિલ્લામાં છે. ગુજરાતનો આ વિસ્તાર પહેલાં ‘રેવાકાંઠા’ તરીકે ઓળખાતો અને છોટાઉદેપુરનો સમગ્ર પહાડી વિસ્તાર ‘પાલ’ તરીકે ઓળખાતો હતો. છોટાઉદેપુરના ઉત્તર-પૂર્વના વિસ્તારમાં રાઠવાઓના વસવાટને પરિણામે તે વિસ્તાર આજે ‘રાઠ’ તરીકે ઓળખાય છે. રાઠવાઓ સિવાય ભીલ, ધાનકા, નાયકા વગેરે જાતિઓ પણ આ વિસ્તારમાં વસવાટ કરે છે.
ઐતિહાસિક માહિતી : રાઠવાઓ આ વિસ્તારમાં ક્યાંથી અને કઈ રીતે આવ્યા તે વિશે કોઈ સ્પષ્ટ ચોક્કસ ઐતિહાસિક માહિતી મળતી નથી. ગેઝેટિયરો અને જી. જી. ગ્રિયર્સન જેવા વિદ્વાનો દ્વારા રાઠવાઓ મધ્યપ્રદેશના અલિરાજપુર પાસેના ‘રાઠ’ વિસ્તારમાંથી આવ્યા હશે, ત્યાંના વતની છે તેમ માનવામાં આવે છે. તેને વિશે કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી.
પહેરવેશ : રાઠવા પુરુષો લંગોટી વાળીને લાલ, ભૂરા, પીળા રંગનું ફાળિયું માથે બાંધે છે. ક્યારેક તેની ઉપર લીલા કે ભૂરા રંગનું પહેરણ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ ઘાઘરો, ચોળી તથા ઓઢણી ઓઢી, પગમાં કથીર કે રૂપાનાં કલ્લાં, ગળામાં રંગીન મણકાની માળાઓ, રૂપાની નક્કર હાંસડી, કાનમાં લોળિયાં તથા ઉપરના ભાગે વીંટલા, નાકમાં જડ ને ભમ્મરિયો કાંટો જેવાં આભૂષણો પહેરે છે તથા શરીરનાં ભિન્ન ભિન્ન અંગો જેવાં કે હાથ, પગ, મોંના જુદા જુદા ભાગો પર છૂંદણાં છૂંદાવે છે.
નૃત્ય : રાઠવા આદિવાસીઓ અન્ય આદિવાસીઓની જેમ જ હોળી, દિવાળી, દશેરા જેવા તહેવારોની ઉજવણી કરે છે. તે દરમિયાન જ્યાં ‘હાટ’ (અઠવાડિક બજાર) ભરાતા હોય ત્યાં લોકમેળાઓ ભરાય છે. હોળીના મેળાને ‘ભંગુરિયો’ કહે છે. ધૂળેટીના દિવસના મેળાને ‘ચૂલ’ના મેળા તરીકે ઓળખે છે. મેળામાં જતી વખતે રાઠવા સ્ત્રી-પુરુષો પરંપરાગત પહેરવેશ અને ઘરેણાંઓ પહેરીને ‘પિહોટો’ વગાડતાં વગાડતાં નાચતાં-કૂદતાં એક ગામથી બીજે ગામ જતાં હોય છે.
ધર્મ : રાઠવા જાતિ અલૌકિક શક્તિ પરના વિશ્ર્વાસને જ ધર્મનો મૂળ આધાર માને છે. શક્તિઓની પૂજા-આરાધના દ્વારા મુશ્કેલીઓ દૂર થાય તેને ધર્મ માને છે. આ જાતિ ત્રણ પ્રકારનાં દેવ-દેવીઓની પૂજા-આરાધના કરે છે : (1) કુદરતી દેવો; જેમાં સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, પવન ઘોડાદેવ વગેરેનો સમાવેશ થાય છે; (2) આ પ્રકારમાં હિંદુ ધર્મની અસરવાળા દેવો; જેવા કે, વેરાઈમાતા, હોળી, કાળકામાતા, શંકર, અંબાજી વગેરે; (3) ત્રીજા પ્રકારમાં, હિંદુ ધર્મના જુદા જુદા સંપ્રદાયોની અસર શહેર નજીક વસવાટ કરતા રાઠવાઓમાં જોવા મળે છે; તેમાં રામાનંદી, કબીરપંથી, સ્વામિનારાયણ, સનાતન વગેરે સંપ્રદાયમાં માનનારા રાઠવાઓ પોતાને ભગત તરીકે ઓળખાવે છે. તેઓ અન્ય રાઠવાઓ સાથે સંબંધો નહિવત્ રાખે છે. ‘પિઠોરો’ ઘોડાદેવ તેમનો મુખ્ય દેવ છે.
હાલમાં આદિવાસીઓને મળતા લાભો લેવા માટે તે વિસ્તારના કોળીઓ પોતાને ‘રાઠવા કોળી’ તરીકે ઓળખાવે છે. કેટલાક રાઠવાઓ પોતાનું સ્થાન ઉપર લઈ જવા પોતાને ‘રાઠવા કોળી’ તરીકે ઓળખાવે છે. તેથી રાઠવા કોળી અને રાઠવા જાતિ બંનેને જુદાં પાડવાનું અથવા તો અલગ તારવવાનું કામ મુશ્કેલ બની ગયું છે.
હેમાક્ષી રાવ