રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના વંશજોએ રાઠોડ રાજ્યની સ્થાપના કરીને એની રાજધાની કાળક્રમે ખેર, મેવો, મન્ડોર અને જોધપુરમાં ફેરવી. રાઠોડ રાજાઓ પોતાને કનોજના ગાહડવાલ વંશના માનતા હતા; પરંતુ ડૉ. હૉર્નલે (Dr. Hornle) નામના વિદ્વાન માને છે કે રાઠોડ અને ગાહડવાલનાં ગોત્ર જુદાં છે; એટલું જ નહિ, પરંતુ બંને વંશો વચ્ચે લગ્નસંબંધમાં કન્યાની આપલે થાય છે, તેથી એ બંને વંશો અલગ હોવા જોઈએ. ઇતિહાસકાર ગૌરીશંકર ઓઝા હૉર્નલેની દલીલોનો સ્વીકાર કરીને જણાવે છે કે રાઠોડો બદાયૂનના રાષ્ટ્રકૂટોના વંશજો હતા.

‘રાઠોડ’ શબ્દ ‘રાષ્ટ્રકૂટ’ શબ્દનો અપભ્રંશ છે. એટલે રાઠોડો રાષ્ટ્રકૂટોમાંથી ઊતરી આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. ચૌલુક્યો અને રાષ્ટ્રકૂટોના શાસનતંત્રમાં ‘રાષ્ટ્રકૂટ’ નામનો સરકારી હોદ્દો હતો, જેનો અર્થ ‘પ્રદેશનો વડો’ થતો હતો. ઈ. સ. 630ના લોહનર દાનપત્રમાં અને ઈ. સ. 742ના ઇલોરા દાનપત્રમાં તેનો ઉલ્લેખ આવે છે. એ પછી એ શબ્દ કુટુંબના કે વંશના નામ તરીકે પ્રચલિત બન્યો. રાષ્ટ્રકૂટો પોતાને યદુવંશના સાત્યકિ શાખાના વંશજો માને છે. રાષ્ટ્રકૂટોનું મૂળ કન્નડ પ્રદેશમાં હતું અને એમની માતૃભાષા પણ કન્નડ હતી.

જેમ રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેરમાં રાઠોડ વંશનું શાસન હતું, તેમ ગુજરાતમાં ઈડરમાં પણ તેનું શાસન હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી