રાજ્ય : સમાજની એકમાત્ર સંસ્થા, જે સાર્વભૌમ સત્તા વાપરવાનો કાયદેસરનો ઇજારો ધરાવે છે. માનવજીવન અને સમાજ સાથે વિવિધ સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંની એક સૌથી મહત્ત્વની સંસ્થા રાજ્ય છે. સમગ્ર દુનિયા આવાં વિવિધ રાજ્યોની બનેલી છે. પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્ય હેઠળ જીવતો હોય છે. આ અર્થમાં રાજ્ય માનવજીવનની પાયાની અને મુખ્ય સંસ્થા છે. બીજી તરફ માનવ એકલો જીવન જીવી શકતો નથી. તે સમૂહજીવન પસંદ કરે છે. સમાજની અન્ય વ્યક્તિઓ સાથે મળી સંગઠન રચે છે. આવું પ્રાથમિક સંગઠન કુટુંબ છે. કુટુંબમાંથી ગામ કે નગર રચાયાં અને ક્રમશ: રાજ્યની સંસ્થાનો વિકાસ થયો.

આવી સંસ્થાઓનું કદ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ સરદાર કે નેતાની પસંદગી કરવામાં આવી. સંગઠનના સભ્યો નેતાની આજ્ઞાઓનું પાલન કરવા લાગ્યા; જેમાંથી સત્તા અને આજ્ઞાપાલનના ગુણધર્મો વિકસ્યા. આ વિકાસમાં ધીમે ધીમે રાજ્ય નામનું સંગઠન સ્પષ્ટ આકાર લેવા લાગ્યું. ઍરિસ્ટોટલ મનુષ્યને રાજકીય પ્રાણી તરીકે ઓળખાવે છે ત્યારે ખરેખર તો તે સત્તા અને આજ્ઞાપાલનના અંશો પર ભાર મૂકે છે. માનવ ઇચ્છે કે ન ઇચ્છે તોપણ તે કોઈ ને કોઈ સ્વરૂપમાં સત્તાનો સ્વીકાર કરે છે અને તેની હેઠળ કામ કરે છે. આ અર્થમાં રાજ્ય એ માનવ-ઇતિહાસના ક્રમિક વિકાસને પરિણામે રચાયું છે. આ સંદર્ભમાં રાજ્ય પ્રાકૃતિક અને અનિવાર્ય સંસ્થા છે.

રાજ્યની ઉત્પત્તિ : રાજ્ય સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેને અંગે રાજ્યશાસ્ત્રીઓમાં વિવિધ અભિપ્રાય પ્રવર્તે છે. એક વર્ગ રાજ્યની ઉત્પત્તિને દૈવી માને છે. બીજો વર્ગ માને છે કે રાજ્યની ઉત્પત્તિ બળ દ્વારા થઈ છે. ત્રીજો વર્ગ રાજ્યની ઉત્પત્તિ કરાર દ્વારા થઈ એવી રજૂઆત કરે છે અને ચોથો વર્ગ ઉત્ક્રાંતિથી રાજ્યની ઉત્પત્તિ થઈ તેમ રજૂઆત કરે છે.

દૈવી ઉત્પત્તિના સિદ્ધાંત અનુસાર રાજ્યની રચના ઈશ્વરે કરી છે. રાજા દેવનો પ્રતિનિધિ છે તેમ ઠેરવવામાં આવ્યું. યુરોપમાં મધ્યકાલીન યુગમાં આ વિચાર ઘણો વ્યાપક હતો. આ વિચારના સમર્થનમાં ધર્મગ્રંથોના અભિપ્રાય ટાંકવામાં આવતા. પ્રજાએ ઈશ્વરના પ્રતિનિધિ એવા રાજા અને રાજ્યને વફાદાર રહેવું તેમ જણાવવામાં આવતું. આમ રાજાની નિરંકુશ સત્તાને ધર્મના ટેકા દ્વારા ઉચિત ગણાવવામાં આવી. પરંતુ માનવવિકાસ અને તે અંગેની સમજ વ્યાપક બનતાં આ સિદ્ધાંતની સ્વીકાર્યતામાં ભારે ઓટ આવી.

બળનો સિદ્ધાંત રાજ્યની તાકાતની અનિવાર્યતામાંથી ઉદભવ્યો. સૃદૃષ્ટિ પર પ્રારંભથી જ બળનું આધિપત્ય રહ્યું છે. પ્રકૃતિમાં પણ નિર્બળ પર સબળ શાસન ચલાવે છે. માનવસમાજમાં પણ ‘બળિયાના બે ભાગ’ની સ્થિતિ પ્રવર્તતી હતી. દંડનીતિશાસ્ત્ર અનુસાર મત્સ્યન્યાયની વિભાવના પણ બળવાનના આધિપત્યને વ્યક્ત કરે છે. સ્ટીફન લિકોક જેવા વિચારકો ‘‘સરકાર આક્રમણ અને તાકાતનું પરિણામ છે’’ એમ કહે છે ત્યારે મહિમા તો બળનો જ પ્રસ્થાપિત થાય છે. ટ્રિટસ્કે જેવા જર્મન વિચારકો રાજ્યને ‘‘લડાઈ અને સંરક્ષણ માટેની જાહેર સત્તા’’ તરીકે ઓળખાવી વ્યક્તિને તેની બિનઉપયોગિતાનો ખ્યાલ આપી યુદ્ધ પ્રજાને સંગઠિત કરે છે તેમ જણાવે છે. આમ બળ દ્વારા આજ્ઞાપાલન વિકસ્યું અને બળ સાર્વભૌમ સત્તામાં રૂપાંતરિત થયું તેમજ તેનાથી રાજ્યની ઉત્પત્તિને સમજવા-સમજાવવાનો પ્રયાસ થયો.

રાજ્યની ઉત્પત્તિનું અન્ય એક દૃષ્ટિબિંદુ સામાજિક કરાર અંગેનું છે. માનવો અને શાસકો વચ્ચે કોઈક સ્વરૂપનો સામાજિક કરાર થતાં રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ વિચારનું સમર્થન ટૉમસ હોબ્સે (1588-1679) ‘લેવિયેથાન’ (1651), જૉન લૉકે (1632-1704) ‘ટુ ટ્રીટાઇઝ ઑન સિવિલ ગવર્નમેન્ટ’ (1690) અને ઝ્યાં જેક્સ રુસો(1712-1778)એ ‘ધ સોશિયલ કૉન્ટ્રૅક્ટ’ (1762) દ્વારા કર્યું.

કરારના આ વિચારકો કરાર પૂર્વેની કુદરતી અવસ્થા, કરાર અને રાજ્યનું અસ્તિત્વ એવા ત્રણ મુખ્ય તબક્કા દ્વારા કરારના સિદ્ધાંતને રજૂ કરે છે. અલબત્ત, કરારના સમર્થકોમાં આ અંગે સહમતી પ્રવર્તતી નથી. હોબ્સ, લૉક અને રૂસો  ત્રણે કરાર અંગેની સ્વતંત્ર સમજૂતી રજૂ કરે છે. એ દર્શાવે છે કે કરાર હકીકત કરતાં કાલ્પનિકતામાંથી રચાયેલો સિદ્ધાંત હતો.

અંગ્રેજ વિચારક ટૉમસ હોબ્સે ‘લેવિયેથાન’ (1651) ગ્રંથ દ્વારા સામાજિક કરારના વિચારો રજૂ કર્યા. તેમના મતે કુદરતી અવસ્થામાં માનવ ‘એકાકી, ગરીબ, પાશવી અને કઠોર તથા ક્ષણભંગુર’ જીવન જીવતો હતો. જેનાથી ત્રાસીને પ્રત્યેક વ્યક્તિ કરાર દ્વારા સત્તાનું સર્જન કરે છે અને સત્તા ચલાવવાનું કામ રાજાને સોંપે છે. આમ કરારમાંથી રાજ્યની રચના થાય છે.

અંગ્રેજ વિચારક લૉક સામાજિક કરારના વિચારો ‘ટુ ટ્રીટાઇઝ ઑન સિવિલ ગવર્નમેન્ટ’(1690)માં રજૂ કરે છે. તેમના મતે કુદરતી અવસ્થામાં માનવ જીવન, સ્વતંત્રતા અને સંપત્તિના અધિકાર ધરાવતો હતો. પરંતુ કાયદાનું અર્થઘટન કરનારનો અને અસરકારક સત્તાનો અભાવ હોવાથી અધિકારો ભોગવી શકાતા નહોતા. આથી એક કરાર કરી સામાજિક સત્તાની રચના કરે છે અને ત્યારબાદ બીજો કરાર કરી સરકારની રચના કરે છે. આ સરકાર લોકસંમતિથી જ ચાલતી હોય છે. આમ લૉક કરારમાં લોકોની ઇચ્છા પર ભાર મૂકતા રાજ્યની રચના વ્યક્ત કરે છે.

ફ્રેન્ચ વિચારક રૂસોએ ‘ધ સોશિયલ કૉન્ટ્રૅક્ટ’ (1762) ગ્રંથ દ્વારા સામાજિક કરારના વિચારો અભિવ્યક્ત કર્યા. તેમના મતે કુદરતી અવસ્થામાં માનવ ‘સુખી, સંતુષ્ટ અને આત્મનિર્ભર’ ‘ઉમદા જંગલી’ જીવન વ્યતીત કરતો હતો. પરંતુ જન-સંખ્યાના વધારાના કારણે તથા તર્કશક્તિના વિકાસને કારણે કુદરતી અવસ્થા જોખમાઈ અને કરાર કરવાની સ્થિતિ પેદા થઈ. આથી પ્રત્યેક પ્રજાજનની સદ્-ઇચ્છાનો સમૂહ જેને રૂસો ‘સર્વજનસંકલ્પ’ (general will) કહે છે તે સાર્વભૌમ સત્તાનું નિર્માણ કરે છે. આમ લોકોની સંમતિથી રાજ્ય રચાય છે. બીજા કરાર દ્વારા આ સાર્વભૌમ સત્તા સરકારને સોંપાય છે, જે અનુસાર સરકારે રાજ્યનું સંચાલન કરવાનું હોય છે.

સામાજિક કરારના આ વિચારો દ્વારા રાજ્યની ઉત્પત્તિને તાર્કિક સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ થયો; પરંતુ આવા કરાર થયા હોવાની ઘટનાને કોઈ ઐતિહાસિક સમર્થન મળતું નથી. આથી કરારના વિચારો વિશેષે બૌદ્ધિક કવાયત હતા એમ માનવામાં આવે છે, પરંતુ એથી લોકો દ્વારા રાજ્યની રચના થઈ એવા પાયાના વિચારને વેગ સાંપડ્યો અને તે દૃષ્ટિએ સામાજિક કરારનો સિદ્ધાંત અગત્યનો ગણાયો.

આવી વિવિધ સમજૂતીઓમાંથી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત વિકસ્યો. ઉત્ક્રાંતિવાદના આ સિદ્ધાંત મુજબ (1) લોહીની સગાઈ, (2) ધર્મ, (3) મિલકત અને સંરક્ષણ તથા (4) શક્તિ-યુદ્ધનાં પરિબળોએ રાજ્યના સર્જનને વિકસાવવામાં સહાયતા પૂરી પાડી.

લોહીની સગાઈના સંબંધોથી કુટુંબ રચાયું; જેમાંથી કાળક્રમે સમાજ, જાતિ અને રાજ્યની રચના થઈ. ધર્મે આદેશો અને આદેશપાલન શીખવી કાયદો અને કાયદાપાલનની ભૂમિકા રચી. વૈજ્ઞાનિક વિકાસ થતાં રાજ્ય અને ધર્મનું આ જોડાણ અતૂટ રહ્યું અને તેમાંથી સાંપ્રદાયિક રાજ્યનો વિચાર વિકસ્યો. મિલકતની માલિકીની ભાવના અને સલામતી-સંરક્ષણની જરૂરિયાતે રાજ્યના શિરે રક્ષણની જવાબદારી ઊભી કરી. રક્ષણ અને સલામતી રાજ્યની મુખ્ય જવાબદારી લેખાતાં લશ્કરો દ્વારા જાન-માલનું રક્ષણ રાજ્યનું કાર્ય બન્યું. આમ સત્તા અને લશ્કર રચાતાં સંપત્તિના રક્ષણ માટે જરૂર પડ્યે યુદ્ધ દ્વારા પણ સમાજ અને સંપત્તિને સુરક્ષિતતા પ્રદાન કરાતી. આથી જ ‘યુદ્ધે રાજાને જન્મ આપ્યો’ એ વિચાર પ્રચલિત અને સ્વીકાર્ય બન્યો.

આમ જનજીવનનો વિકાસ થતાં ક્રમિક વિકાસથી રાજ્યની રચના થઈ. બર્ગેસ રાજ્યને ‘માનવસમાજના ધીમા અને સતત વિકાસનું પરિણામ’ ગણાવે છે. આ રીતે રાજ્યની રચના વિવિધ તબક્કે વિકસતી ગઈ અને આજનું વ્યાપક સત્તાઓ ધરાવતું રાજ્ય નિર્માણ પામ્યું. તે માનવજીવનની અનિવાર્ય અને વ્યાપક પ્રભાવ ધરાવતી સંસ્થા બની રહ્યું છે.

‘‘નિશ્ચિત ભૂમિપ્રદેશ પર કાયમી ધોરણે વસવાટ કરતો માનવસમુદાય જે પોતાના આંતરિક વ્યવહારોનું સંચાલન કરવામાં સર્વોપર સત્તા ધરાવતો હોય અને બાહ્ય રીતે અન્ય માનવસમુદાયથી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય તેને રાજ્ય કહેવાય.’’ વિલ્સને આપેલી રાજ્યની આ વ્યાખ્યા યા રાજ્યની અન્ય કોઈ વ્યાખ્યા તપાસીએ તો જણાશે કે રાજ્ય ચાર ઘટકોનું બનેલું છે જેમાં વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વનો સમાવેશ કરવામાં આવે છે.

વસ્તી : રાજ્યના અસ્તિત્વ માટેનું પાયાનું ઘટક વસ્તી કે લોકો છે. લોકો હોય ત્યાં જ વ્યવસ્થા કે નિયમો કે સત્તાની જરૂર ઊભી થાય છે. એકલદોકલ માણસ વસતો હોય ત્યાં કે વેરાન પ્રદેશમાં વ્યવસ્થાની જરૂર હોતી નથી; પરંતુ ઘણાબધા લોકો એકત્ર થાય એટલે નિયમો કે વ્યવસ્થાની જરૂર ઊભી થાય છે.

પ્રાચીન સમયમાં પ્લેટો અને ઍરિસ્ટોટલ જેવા ચિંતકોએ રાજ્યમાં લોકોની સંખ્યા કેટલી હોવી જોઈએ તેનો અંદાજ જણાવ્યો હતો; પરંતુ આજનાં વિશાળ કદનાં રાજ્યોના સંદર્ભમાં વસ્તીની સંખ્યા અપ્રસ્તુત છે. જોકે મોટી વસ્તી ધરાવતા દેશોના સંદર્ભમાં નાની વસ્તી ધરાવતા દેશોને સંરક્ષણ, સાધનો, આર્થિક વિકાસ વગેરે દૃષ્ટિએ ટકી રહેવા માટે ભારે પ્રયાસો કરવા પડે છે. બીજા શબ્દોમાં વસ્તીની સંખ્યા રાજ્યના વિસ્તારના આધારે તેમજ તેની સાધનસંપત્તિના આધારે નક્કી કરવી હિતાવહ છે. વિસ્તાર અને સાધનસંપત્તિના સમન્વયને આધારે વસ્તીની ઇષ્ટ સંખ્યા નક્કી કરી શકાય. એથી આગળ વધીને કહી શકાય કે વસ્તીની ગુણવત્તા મહત્ત્વની બાબત છે. માત્ર બુઢ્ઢાઓ અને બાળકો કરતાં યુવાવસ્તી અથવા માત્ર અશિક્ષિત કરતાં થોડા શિક્ષિત લોકો રાજ્યને માટે મૂડીરૂપ બનતા હોય છે.

રાજ્યની વસ્તીમાં માત્ર તેના નાગરિકોનો જ સમાવેશ થાય છે. વિદેશી નાગરિકો તેના મૂળ દેશની પ્રજા ગણાય છે.

નિશ્ચિત વિસ્તાર : રાજ્યનો નિશ્ચિત વિસ્તાર એટલે તેની સીમારેખાઓ વચ્ચે આવેલું ભૂપૃષ્ઠ. આ ભૂપૃષ્ઠ એટલે માત્ર જમીન જ નહિ, પરંતુ સમગ્ર વિસ્તારમાં આવેલી કુદરતી સાધનસંપત્તિ; તેમાં પર્વતો, નદીઓ, જંગલો ઉપરાંત હવાઈ વિસ્તાર અને દરિયાઈ વિસ્તારનો સમાવેશ થાય છે. આથી અન્ય દેશ પરથી ઉડાન કરનાર વિમાનના ચાલક પાસે કાયદેસરની પરવાનગી હોવી આવશ્યક છે. ભૂપૃષ્ઠનો બીજો અર્થ છે ભૂમિના પેટાળમાં આવેલી ખનિજ-સંપત્તિ. જમીનના પેટાળમાંથી પ્રાપ્ત થતાં ગૅસ, પેટ્રોલ કે લોખંડ જેવી પેદાશો પર રાજ્યની માલિકી હોય છે. આ જ રીતે દેશના દરિયાકિનારાથી 12 માઈલનો વિસ્તાર જે તે રાજ્યની માલિકીનો ગણાય છે.

આમ નિશ્ચિત વિસ્તારમાં ભૂપૃષ્ઠ, હવાઈ વિસ્તાર, ધરતીના પેટાળનો ભાગ, કુદરતી સાધનસંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે. એ જ રીતે દેશના વિસ્તારમાં આવેલી વિદેશી એલચી કચેરી પર મૂળ દેશનું સાર્વભૌમત્વ માન્ય રાખવામાં આવ્યું હોય છે. આ સંદર્ભમાં ‘નિશ્ચિત વિસ્તાર’ શબ્દપ્રયોગ વ્યાપક અર્થ ધરાવે છે.

સરકાર : રાજ્યનો ત્રીજો ઘટક સરકાર છે. માનવો અને નિશ્ચિત વિસ્તાર એકઠા થાય ત્યારે વ્યવસ્થાની જરૂર ઊભી થાય છે. વ્યવસ્થા સ્થાપવાનું કામ સરકાર કરે છે. તેનું મુખ્ય કાર્ય કાયદા ઘડવાનું, કાયદાનો અમલ કરવાનું તથા તે અંગે ન્યાય ચૂકવવાનું છે. આ કાર્યોને શાસ્ત્રીય ભાષામાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તે કોઈ પણ સરકારના મજબૂત સ્તંભો છે.

સરકાર આ ત્રણ સ્તંભો દ્વારા રાજ્યની ઇચ્છા અભિવ્યક્ત કરી તેને વ્યવહારમાં ઉતારે છે. આથી કાર્યક્ષમ સરકાર સારું રાજ્ય રચે છે; જ્યારે બિનકાર્યક્ષમ સરકાર સારું રાજ્ય રચી શકતી નથી. રાજ્ય પોતે એક અમૂર્ત ખ્યાલ છે, પરંતુ તેની અનુભૂતિ સરકાર થકી કરી શકાય છે. રાજ્યના કાર્યક્રમો, ધ્યેયો અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સરકાર કામ કરે છે.

રાજ્ય, સરકાર દ્વારા કાર્યો કરતું હોવાથી સામાન્ય જનસમાજ બંને શબ્દોને સમાનાર્થી માની લે છે, પણ વાસ્તવમાં બંને સંસ્થાઓ અલગ છે. રાજ્ય કાયમી છે, સરકાર બદલાતી રહે છે. રાજ્યનું એક મહત્ત્વનું ઘટક સરકાર છે.

સાર્વભૌમત્વ : સાર્વભૌમત્વ એટલે રાજ્યની સર્વોચ્ચ સત્તા. આવી સત્તા આંતરિક રીતે સર્વોચ્ચ અને બાહ્ય નિયંત્રણોથી પર હોય છે. આથી રાજ્યની ભૂમિ, હવાઈ અને દરિયાઈ સીમાઓની અંદર સરકારે લીધેલા નિર્ણયો અંતિમ અને આખરી હોય છે. વધુમાં વિદેશી સરકારો સાથે કેવા સંબંધો બાંધવા, સંધિ કે કરારમાં જોડાવું કે કેમ વગેરે અંગે આ સત્તાની રૂએ સરકાર આખરી નિર્ણયો લે છે. બીજા શબ્દોમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે રાજ્ય સ્વતંત્ર હોય છે.

વિવિધ એલચી-કચેરીઓ પર તેના મૂળ દેશનું સાર્વભૌમત્વ પ્રવર્તતું હોય છે. સાર્વભૌમત્વ અંગેની આ વિશિષ્ટ જોગવાઈ પ્રત્યેક રાજ્યને લાગુ પડે છે. આવું સાર્વભૌમત્વ કાયમી, સર્વવ્યાપી, નિરંકુશ, અવિભાજ્ય અને અદેય હોય છે. આમાંનો કોઈ પણ એક ગુણધર્મ નાશ પામે તો રાજ્ય તેનું રાજ્યત્વ ગુમાવે છે.

આમ વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ દ્વારા રાજ્યની રચના શક્ય બને છે અને તેથી પ્રત્યેક રાજ્ય સમાન દરજ્જો ધરાવે છે. આથી આંતરરાષ્ટ્રીય પરિષદો કે યુનોમાં રાજ્યોની બેઠક-વ્યવસ્થા કક્કાવારી અનુસાર ગોઠવાય છે; નહિ કે તેમનાં કદ કે તાકાતના આધારે.

રાજ્યની સંસ્થાનો વિકાસ : પાશ્ર્ચાત્ય સાહિત્યમાં રાજ્યની સંસ્થાનું પ્રાચીનતમ સ્વરૂપ ઈ. પૂ.ના ગ્રીસનાં નગરરાજ્યોમાં જોવા મળે છે. ઍરિસ્ટોટલે જણાવેલું કે ‘‘રાજ્ય એ કુટુંબો અને ગામડાંઓનો સમૂહ છે, જેનું ધ્યેય સંપૂર્ણ અને આત્મનિર્ભર જીવન સિદ્ધ કરવાનું હોય છે.’’ ગ્રીક ભાષામાં નગર માટે ‘પૉલિસ’ (Polis) શબ્દ વપરાતો જેના પરથી ‘પૉલિટિક્સ’ શબ્દ બન્યો, જેનો અર્થ હતો નગર અંગેનું શાસ્ત્ર. આમ ‘રાજ્યશાસ્ત્ર’ શબ્દ રાજ્યમાંથી ઉદભવ્યો અને વિકસ્યો. ઍરિસ્ટોટલના મતે કુટુંબ પ્રાથમિક સંગઠન હતું, જેમાંથી કાળક્રમે ગામ, નગર અને રાજ્યની રચના થઈ.

ઐતિહાસિક ક્રમમાં રોમન સામ્રાજ્ય દરમિયાન રાજ્યનું કદ મહાકાય બન્યું અને તે સાથે કાયદા અને કાયદાશાસ્ત્રનો વિકાસ થયો અને રાજ્યવહીવટનું પૂરું શાસ્ત્ર રચાયું.

રોમન સામ્રાજ્યના અંત પછી મધ્યયુગમાં સામંતશાહી રાજ્યો વિકસ્યાં. આ તબક્કે રાજાઓ નિર્બળ હતા અને સમૃદ્ધ જાગીરદારો સુસજ્જ અને વ્યવસ્થિત લશ્કરો નિભાવતા. તેઓ રાજાને વફાદાર રહી, જમીનની ઊપજના આધારે રાજાને ખંડણી ભરી રાજ્ય અને શાસનવ્યવસ્થા ટકાવવામાં મદદરૂપ થતા.

અર્વાચીન યુગનો ઉદય થતાં રાજ્યના સંદર્ભમાં મહત્ત્વનું પરિવર્તન આવવાની શરૂઆત થઈ. રાજ્ય સાથે એક પ્રકારની લાગણીશીલતા વિકસવા લાગી, તેમાં પ્રજાકીય એકતાની ભાવના વણાતાં રાષ્ટ્રરાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.

પૌરસ્ત્ય સંદર્ભમાં હિંદુ અને બૌદ્ધ ધર્મગ્રંથો રાજ્યનો વિકાસ વર્ણવે છે. અથર્વવેદમાં રાજ્યનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મહાભારત અને દીઘનિકાય ગ્રંથોમાં રાજ્યની ઉત્પત્તિની કલ્પનાઓ રજૂ કરવામાં આવી છે. લાંબા સમય સુધી રાજા, કાયદા અને અદાલતો ન હોવા છતાં સમાજ વિકસ્યો હતો. વિકાસના આ તબક્કામાં પ્રજાનું નૈતિક અધ:પતન થતાં સમાજજીવનની શાંતિ હણાઈ અને માનવજીવન સ્વાર્થી બન્યું. જંગલનો કાયદો કે મત્સ્યન્યાય પ્રવર્તવા લાગ્યા. બળવાનો નબળાઓ માટે જીવન મુશ્કેલ બનાવી દેતા. આથી લોકો સર્જનકર્તા પાસે ગયા. સર્જનકર્તા પાસે રાજાની નિયુક્તિની વિનંતી કરી અને સર્જનકર્તાએ મનુને સૃદૃષ્ટિનો પ્રથમ રાજા નીમ્યો. બૌદ્ધ ગ્રંથ દીઘનિકાયમાં પણ આ પ્રકારના ઉલ્લેખો મળે છે. આ રજૂઆતમાં કાલ્પનિકતાના અંશો હોય એ સંભવિત છે. ઐતિહાસિક અને સમાજશાસ્ત્રીય પુરાવાઓ દર્શાવે છે કે સંયુક્ત કુટુંબની પ્રથામાંથી રાજ્યો વિકસ્યાં. કુટુંબના વડાની આજ્ઞાનું પાલન કરવાની ટેવમાંથી આજ્ઞાધીનતા વિકસી. કૌટુંબિક વડામાંથી ક્રમશ: સરદાર અને પછી રાજા અસ્તિત્વમાં આવ્યા અને એમ રાજાશાહી પદ્ધતિ ઉદભવી.

પ્રાચીન ભારતીય રાજકીય ચિંતનમાં ‘દંડ’ અને ‘ધર્મ’  એ અગત્યની વિભાવનાઓ હતી. દંડનીતિ અને ધર્મ દ્વારા રાજ્ય અંગેના ખ્યાલો અને રાજ્યનું સંચાલન કરવાનાં ધારાધોરણો વિકસ્યાં. આ ધારાધોરણોનો ભંગ કરનાર શિક્ષાપાત્ર બનતો. મહાભારત અને વિશેષે તેમાંનું શાંતિપર્વ રાજ્ય અંગેનું સ્પષ્ટ અને સર્વગ્રાહી ચિંતન રજૂ કરે છે; જેમાં દંડનીતિ સાથે ધર્મને જોડીને રાજ-ધર્મ, પ્રજા-ધર્મ અને મિત્ર-ધર્મની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે.

રાજ્ય અંગે આવું જ મહત્ત્વનું પ્રદાન કૌટિલ્યે કર્યું છે. ઈ. પૂ. ચોથી સદીમાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્તના મહાઅમાત્ય કૌટિલ્યે રાજકારણને સ્વતંત્ર શાસ્ત્ર ગણી તેની માવજત કરી છે અને તેની ધર્મનિરપેક્ષતા રજૂ કરી છે. તેમના મતે રાજ્યની ગેરહાજરી એ મત્સ્યન્યાયની સ્થિતિ છે. આ સ્થિતિથી દૂર રહેવા સમાજનું ચણતર ન્યાયના આધારે થવું જોઈએ તેવું તેમનું મંતવ્ય હતું. કૌટિલ્ય તેમના ‘અર્થશાસ્ત્ર’ ગ્રંથમાં રાજ્યવ્યવસ્થામાં વહીવટને અનિવાર્ય લેખી ગામ, તેનું આદર્શ કદ, તેની સીમાઓનું નિર્ધારણ, પોલીસ-દળ, ગામજૂથોની રચના વગેરે મુદ્દાઓની ચર્ચા કરે છે. તેમની દૃષ્ટિએ રાજ્ય રચનારાં સાત તત્ત્વો છે : (1) સ્વામી અથવા માલિક, (2) અમાત્ય અથવા મંત્રી, (3) જનપદ અથવા વિસ્તાર, (4) દુર્ગ અથવા કિલ્લો, (5) કોષ અથવા રાજ્યની તિજોરી, (6) દંડ અથવા લશ્કર અને (7) મિત્ર અથવા મિત્રરાજ્ય. આ સપ્તાંગ સિદ્ધાંત હિંદુ રાજકીય ચિંતનનું કેન્દ્રબિંદુ હતો. અર્થશાસ્ત્રમાં રાજ્યવહીવટની રૂપરેખા પણ કૌટિલ્ય દોરે છે, જેમાં વિદેશનીતિની સમાલોચના મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આમ પૌરસ્ત્ય ચિંતન સમાજજીવનમાં રાજ્યને મહત્ત્વનું સ્થાન આપે છે. જોકે એશિયાભરના મોટાભાગનાં રાજ્યો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનો ભોગ બનતાં રાજ્યજીવનની પૌરસ્ત્ય પરિપાટીઓમાં ભારે મોટું ભંગાણ પડ્યું અને આ રાજકીય શૈલી નષ્ટ થઈ ગઈ.

રાજ્યની અનિવાર્યતા : રાજ્ય સંબંધે, તેના કદ અને ગુણધર્મો વિશે વ્યાપક મતભેદ હોવા છતાં સાર્વત્રિક સત્ય એ છે કે રાજ્ય અનિવાર્ય છે. રાજ્યની આ અનિવાર્યતા માટેનાં જવાબદાર કારણો નીચે મુજબ છે :

(1) રાજ્ય જીવનને સલામતી બક્ષે છે. કાયદો અને વ્યવસ્થા જાળવીને એવી પરિસ્થિતિ સર્જે છે કે એકંદરે સમાજ શાંતિ અને સલામતીથી જીવન જીવી શકે.

(2) રાજ્ય પોતાના નાગરિકોને અન્ય લોકોથી રક્ષણ પૂરું પાડે છે, જેથી નાગરિક નિશ્ર્ચિંતતાપૂર્વક જીવન અને પ્રવૃત્તિ ચાલુ રાખી શકે.

(3) રાજ્ય સમાજની અનિવાર્ય સંસ્થાઓને ટકાવે છે. કુટુંબ, લગ્ન અને મિલકત જેવી સંસ્થાઓ રાજ્યને કારણે ટકી રહે છે. આવશ્યક સમયે વિવિધ કાયદાઓ ઘડી રાજ્ય સામાજિક દૂષણોને અંકુશમાં રાખવા પ્રયાસ કરતું હોય છે.

(4) લોકકલ્યાણ રાજ્યનું અંતિમ ધ્યેય છે. આથી કાયદા અને પોલીસતંત્રની મદદ દ્વારા રાજ્ય માનવને જન્મથી તે મૃત્યુ સુધી રક્ષણ પૂરું પાડે છે.

(5) તે યુદ્ધોથી દૂર રહી વિશ્વપ્રગતિને શક્ય બનાવે છે. બે વિશ્વયુદ્ધોની સંહારકતા અનુભવ્યા પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રચી યુદ્ધોને સીમિત રાખી તે વિકાસને ઉત્તેજન આપતું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારની અનિવાર્યતા રાજ્યો સમજ્યાં છે.

રાજ્યની આ અનિવાર્યતા સંદર્ભે એકવીસમી સદીના આરંભે પ્રવર્તતી બે માન્યતાઓની પણ નોંધ લેવી જોઈએ : (1) વૈશ્ર્વિકીકરણની પ્રક્રિયામાં રાજ્ય તેની અગત્ય ગુમાવી રહ્યું છે. વિશ્વઅર્થકારણનું પરસ્પરાવલંબન અને રાષ્ટ્રોપરી મહાકાય નિગમો(supranational giant corporations)ને કારણે રાજ્યનાં આર્થિક કાર્યો તેના હાથમાંથી સરકીને અદૃશ્ય થઈ રહ્યાં છે. આર્થિક બાબતો પરના અંકુશો શિથિલ બનતા રાજ્યની અસરકારકતા ઘટી રહી છે. (2) રાજ્યનો પ્રભાવ આર્થિક ક્ષેત્રે ઘટી રહ્યો હોવાથી તેની વાસ્તવિક સત્તા પર કાપ આવ્યો છે. વળી ન્યૂક્લિયર શસ્ત્રોના કારણે વિકસિત દેશો ભૂરાજકીય સ્વાયત્તતા ગુમાવી રહ્યા છે.

આમ રાજ્ય અનિવાર્ય હોવા છતાં આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસ રાજ્યની શક્તિને ગ્રસી રહ્યો છે.

રક્ષા મ. વ્યાસ