રાજૌરી : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 32° 58´થી 33° 35´ ઉ. અ. અને 74° 0´થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 2,630 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુંચ, પૂર્વમાં ઉધમપુર, દક્ષિણે જમ્મુ જિલ્લાઓ તથા પશ્ચિમે ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા આવેલાં છે. રાજૌરી નામ ‘રાજોર’ (રાજાઓની ભૂમિ) પરથી ઊતરી આવેલું હોવાનું મનાય છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાના રાજૌરી, બુધલ તેમજ કાલકોટ તાલુકાઓનું ભૂપૃષ્ઠ ટેકરીઓ અને ખીણોથી રચાયેલું છે. અહીંની સરેરાશ ઊંચાઈ સ્થાનભેદે આશરે 600 મીટરથી 1,500 મીટર જેટલી છે. અહીં 1,31,256 હેક્ટર જેટલો ભૂમિવિસ્તાર આવરી લેતાં શંકુદ્રુમ જંગલોમાં મુખ્યત્વે ચીડ અને ફરનાં વૃક્ષો વિશેષ જોવા મળે છે. લાકડાં ઉપરાંત રાળ આ જિલ્લાની મુખ્ય જંગલપેદાશ છે. જિલ્લાની પૂર્વ બાજુએથી ચિનાબ નદી પસાર થાય છે. આખોય જિલ્લો ઝરણાં તેમજ નાની નદીઓથી છવાયેલો છે.

ખેતી-પશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે, પશુપાલન મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. જિલ્લાની આશરે 35 % ભૂમિ ખેડાણયોગ્ય છે, પરંતુ તે પૈકીની માત્ર 5.27 % જમીનોને જ સિંચાઈ ઉપલબ્ધ થાય છે. ડાંગર, મકાઈ અને ઘઉં અહીંના મુખ્ય પાકો છે. અહીંના ગુજ્જર અને બકેરવાલ કોમના લોકો પશુપાલનની પ્રવૃત્તિમાં રોકાયેલા છે. પશુઓ માટે ગોચરો, ચરિયાણનાં સ્થાનો પણ અહીં આવેલાં છે. અહીં 20 જેટલાં પશુદવાખાનાં, 3 સ્થાયી અને બે હરતાં-ફરતાં પશુચિકિત્સાલયો, 7 વૃષભાદિ નર-પશુ માટેનાં સંવર્ધન-કેન્દ્રો અને 22 ઘનિષ્ઠ પશુવિકાસ-કેન્દ્રો પણ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લો અસમતળ ભૂપૃષ્ઠવાળો હોવાથી અહીં મોટા ઉદ્યોગો માટે તકો ઓછી છે. હસ્તકારીગરી તેમજ હાથસાળ સહિત 350 જેટલા નાના પાયા પરના એકમો અહીં આવેલા છે. રાજૌરી, નૌશેરા, સુંદરબની અને થાણામંડી ખાતે બેકરી-પેદાશો, સરસિયું, રાચરચીલું અને ધાબળાઓનું ઉત્પાદન થાય છે. રાળ આ જિલ્લાની મુખ્ય જંગલપેદાશ છે. અખરોટ, ઘી અને રાળના તેલની નિકાસ તથા કાપડ અને શાકભાજીની આયાત થાય છે.

રાજૌરી જિલ્લો

પરિવહન-પ્રવાસન : ભૂપૃષ્ઠ અસમતળ હોવાથી આ જિલ્લામાં માત્ર સડકમાર્ગો જ આવેલા છે. રાજૌરી અને નૌશેરા નગરો જમ્મુ સાથે સીધી માર્ગસેવાથી સંકળાયેલાં છે. રાજૌરીથી જમ્મુ, પુંચ, ઉધમપુર અને રિયાસી તરફ નિયમિત બસવ્યવહાર ચાલે છે.

અહીંનાં જોવાલાયક સ્થળોમાં થાણામંડી નજીક આવેલું શાહદરા શરીફ, દરહાલ નજીક આવેલું ખાનકાહી સૈનગંગી સાહિબ, જલાલજી સાહિબ તેમજ પનલુલીનો સમાવેશ થાય છે. સુંદરબની, ટટ્ટાપાની અને થાણામંડીને પ્રવાસ-સ્થળો તરીકે વિકસાવી શકાય તેમ છે. રાજૌરી નજીક દરહાલ નામનું રમણીય સ્થળ આવેલું છે. મુઘલ શાસન દરમિયાન જાદુઈ ગણાતા અહીંના એક સરોવર ખાતે નૃત્યો યોજાતાં હતાં. જિલ્લામાં રહેતી મિશ્ર કોમો પૈકીની ગુર્જર, બકેરવાલ તેમજ ત્યાંની કેટલીક મૂળ પછાત જાતિઓના લોકો તેમના પોતાના તહેવારો પરંપરાગત રીતે ઊજવે છે.

વસ્તી : 1981 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 3,02,500 જેટલી હતી. (નોંધ : 1981 પછી વસ્તીગણતરી થઈ નથી.) અહીં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. વસ્તી અને કદમાં રાજૌરી તાલુકો સૌથી મોટો છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં ઉર્દૂ, હિન્દી, કાશ્મીરી અને ડોગરી ભાષાઓ બોલાય છે. છેલ્લા બે દશકાઓ દરમિયાન અહીં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. આ વિસ્તાર પહાડી હોવા છતાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓની સંખ્યા વધતી ગઈ છે. તાલુકાભેદે અહીં સાક્ષરતાનું પ્રમાણ 45 %થી 68 % જેટલું છે. જિલ્લાનાં ચાર નગરોમાં એક યા બીજા પ્રકારની તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને પાંચ તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લામાં ચાર નગરો અને 381 (6 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : આ જિલ્લાની રચના 1961-71 દરમિયાન પુંચ જિલ્લામાંથી રાજૌરી અને નૌશેરા તાલુકાઓને ખેસવીને કરવામાં આવેલી છે. મુઘલ શાસન દરમિયાન પીર પંજાલ હારમાળામાં થઈને કાશ્મીર ખીણમાં જવા માટે રાજૌરી પ્રદેશનો ઉપયોગ થતો હતો. જહાંગીરની રાણી નૂરજહાં તેની કાશ્મીરની સફર દરમિયાન જે સ્થળે રોકાયેલી અને જ્યાં સ્નાન કરેલું તે નૂરે ચામ્બ સ્થળ આજે પણ છે. રાજૌરીથી થોડા અંતરે આવેલો માર્ગ જ્યાં નૌશેરાના મેદાનમાં નીચે ઊતરે છે, ત્યાં જહાંગીરની કેટલીક હકીકતો સાદા પથ્થર પર લખેલી મળી આવેલી છે. રાજૌરી સ્થળેથી જ મહારાજા રણજિતસિંહે કાશ્મીર પર આક્રમણની યોજના ઘડેલી. જમ્મુ વિભાગનો આ જિલ્લો સીમાન્ત પ્રદેશ ગણાય છે. અહીં નજીકમાંથી જ ભારત-પાકિસ્તાનની અંકુશરેખા પસાર થાય છે. 1947, 1965 અને 1971 દરમિયાન ભારત સામે પાકિસ્તાને કરેલાં આક્રમણોમાં અહીંના લોકોને ઘણી તારાજી વેઠવી પડેલી.

રાજૌરી (નગર) : જમ્મુ-કાશ્મીર રાજ્યના રાજૌરી જિલ્લાનું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : 33° 23´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. તે જમ્મુ-રિયાસી-પુંચ માર્ગ પર આવેલું છે. કલ્હણની ‘રાજતરંગિણી’(બારમી સદી)માં તેનો ‘રાજપુરી’ તરીકે ઉલ્લેખ મળે છે. અહીં ટટ્ટાપાની નામના સ્થળે ગંધકના ગરમ પાણીના ઝરા મળે છે. આ ઝરા તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે. મુસ્લિમોનું યાત્રાધામ શાહદરા શરીફ પણ આ નગરની નજીકમાં જ આવેલું છે. 1947માં પુશ્તુન દરમિયાનગીરી વખતે અહીંની લગભગ બધી જ વસ્તીની કત્લેઆમ કરવામાં આવેલી.

ગિરીશભાઈ પંડ્યા