રાજ્ય અનામત પોલીસ દળ (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) : આંતરિક સુલેહ-શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય સ્તરે ઊભું કરવામાં આવેલું અર્ધ-લશ્કરી સલામતી દળ. ભારતને આઝાદી મળ્યા બાદ રજવાડાંઓનું વિલીનીકરણ થતાં ‘બૃહદ્ મુંબઈ વિસ્તાર’(Bombay Province)નો ઉદય થયો. પ્રથમ તબક્કામાં મુંબઈ વિસ્તારની આંતરિક સુરક્ષા માટે 1948માં પી.આર.સી.(Provincial Reserve Constabulary)ના નામથી ગ્રૂપો ઊભાં કરવામાં આવ્યાં, જે મુજબ બે ગ્રૂપો અનુક્રમે પુરંદર (હાલ : મહારાષ્ટ્ર) અને સાંબરે(હાલ : કર્ણાટક)માં પી.આર.સી. ગ્રૂપ1 અને ગ્રૂપ2ના નામે ઊભાં થયાં અને વડોદરા રાજ્યનું મુંબઈ ઇલાકામાં વિલિનીકરણ થતાં પી.આર.સી. ગ્રૂપ3 તરીકે 1,000નું સંખ્યાબળ ધરાવતું ગ્રૂપ વડોદરા ખાતે મે, 1949માં ઊભું કરવામાં આવ્યું. વડોદરા રાજ્યના લશ્કર ‘ફતેહ રેજિમેન્ટ’ના અધિકારીઓ/જવાનો, જેઓએ ઇચ્છા વ્યક્ત કરી, તેઓને પણ પી.આર.સી. ગ્રૂપ3માં સમાવી લઈ, વધારામાં અમદાવાદ જિલ્લામાંથી તથા નવી ભરતી દ્વારા આ પી.આર.સી. ગ્રૂપ3 ઊભું કરવામાં આવ્યું, જે ગ્રૂપ ઊભું કરવાની જવાબદારી કે. જે. નાણાવટી[આઇ. પી. કમાન્ડન્ટ, પી.આર.સી.ગ્રૂપ3, સાંબરે(મહારાષ્ટ્રના)]ને સોંપવામાં આવેલ હતી. આ ગ્રૂપ ઊભું કરવામાં તેમનો ફાળો અતિ મહત્ત્વનો રહ્યો હતો.
26મી જાન્યુઆરી, 1950ના રોજથી બૃહદ્ મુંબઈ વિસ્તારને ‘મુંબઈ રાજ્ય’ નામ આપવામાં આવ્યું અને ત્યારથી પી.આર.સી. ગ્રૂપોનું નામ તબદીલ કરી એસ.આર.સી. (State Reserve Constabulary) નામ આપવામાં આવ્યું. આ ગ્રૂપ પણ તે દિવસથી એસ.આર.પી., ગ્રૂપ 3 કહેવાયું.
23 ઑક્ટોબર 1951થી બૉમ્બે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ઍક્ટ 1951 અમલમાં આવતાં એસ.આર.પી.એફ. ગ્રૂપ 3 (State Reserve Police Force Gr. III) નામ ધારણ કર્યું. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગોંડલ સ્થિત અન્ય એક ગ્રૂપ એસ.આર.પી.એફ. ગ્રૂપ 5 તરીકે જાહેર થયું.
મે, 1960માં મુંબઈ રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલાયદાં રાજ્યોમાં વહેંચાઈ ગયું. તે વખતે ગુજરાત રાજ્યને બે એસ.આર.પી.એફ. ગ્રૂપો સોંપવામાં આવ્યાં અને ગુજરાતનાં ઉપર્યુક્ત આ બંને ગ્રૂપો એસ.આર.પી.એફ. ગ્રૂપ 3 અને એસ.આર.પી.એફ. ગ્રૂપ5ને ફરી નવેસરથી અનુક્રમે એસ.આર.પી.એફ. ગ્રૂપ 1 વડોદરા અને એસ.આર.પી. ગ્રૂપ 2 ગોંડલ તરીકે જાહેર કરવામાં આવ્યાં. ત્યારબાદ ક્રમશ: અન્ય એસ.આર.પી.એફ. ગ્રૂપોની સ્થાપના કરવામાં આવેલ છે. આ તમામ એસ.આર.પી.એફ. ગ્રૂપો હવે આઈ.આર.બી. પૅટર્ન ઉપર આધારિત છે. એસ.આર.પી. ગ્રૂપો રાજ્યમાં કઈ કઈ જગ્યાએ આવેલાં છે તેની અને તે તમામના સ્થાપના-દિન અંગેની માહિતી નીચે મુજબ છે :
અ.નં. | ગ્રૂપ | સ્થળ | સ્થાપના-દિન |
1. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-1 | વડોદરા | 1-5-1949 |
2. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-2 | અમદાવાદ | 19-11-1956 |
3. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-3 | મડાણા | 5-8-1960 |
4. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-5 | ગોધરા | 15-3-1965 |
5. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-7 | નડિયાદ | 1-9-1965 |
6. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-8 | ગોંડલ | 7-8-1965 |
7. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-9 | વડોદરા | 13-11-1967 |
8. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-10 | ઉકાઈ | 16-11-1969 |
9. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-11 | વાવ (સૂરત) | 11-2-1981 |
10. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-12 | ગાંધીનગર | 1-2-1983 |
11. | એસ.આર.પી.એફ. ગ્રૂપ-13 | રાજકોટ | 1-2-1983 |
એસ.આર.પી.એફ.ની મૂળભૂત ફરજો નીચે મુજબ છે :
1. જાનમાલને હાનિ પહોંચાડવાના તથા શાંતિભંગના ગુનાઓ અટકાવવા.
2. ઉપર્યુક્ત ગુનાઓમાં સંડોવાયેલાઓને શોધી કાઢવા.
3. આગ, પૂર, ધરતીકંપ, દુશ્મનોના હુમલા, તોફાનો જેવી આપત્તિઓના સમયે જાનમાલનું નુકસાન અટકાવવું.
એસ.આર.પી.એફ. તરફથી અત્યાર સુધી કરવામાં આવેલ મહત્ત્વની કામગીરીઓ :
1. સને 1965 અને 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં સક્રિય ભાગ લીધેલ.
(અ) સને 1971ના યુદ્ધમાં એસ.આર.પી. પાકિસ્તાનમાં રાંચી બજાર સુધી પહોંચી ગયેલ.
(આ) સને 1965ના યુદ્ધમાં એસ.આર.પી. જૂથ-2ના 7 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવેલ.
(ઇ) સને 1972-73માં એસ.આર.પી.એ આગ્રા જેલનો ચાર્જ સંભાળેલ, જ્યાં 1971ના યુદ્ધમાં બંદી બનાવવામાં આવેલ પાકિસ્તાની યુદ્ધકેદીઓને રાખવામાં આવ્યા હતા.
2. સને 1961-62માં દીવ ઍક્શન માટે એસ. ડી. કદમ, સેનાપતિને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત.
3. સને 1967માં આસામ અને પશ્ચિમ બંગાળની ભારત-ચીન સરહદ ઉપરની ફરજ દરમિયાન નક્સલવાદ વિરોધી ઑપરેશનમાં નક્સલવાદી નેતા કનુ સાન્યાલની ધરપકડ.
નાયબ પોલીસ અધિક્ષક બુદ્ધિમાન ક્ષત્રિયને આ ઑપરેશનમાં ગૅલૅન્ટરી ઍવૉર્ડ મળેલ.
4. સને 1998-2000 દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસા અને ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન પ્રશંસનીય કામગીરી.
5. જુલાઈ, 1998 અને જુલાઈ, 2000માં ‘ક્રિશ્ર્ન કમિશન’નો અહેવાલ જાહેર કરતાંની સાથે મહત્ત્વની ભૂમિકા ભજવેલ.
6. જાન્યુઆરી, 2001માં ઉત્તરપ્રદેશમાં કુંભમેળા ખાતે ફરજ બજાવેલ.
7. સને 2001માં કચ્છ અને અન્ય વિસ્તારોમાં થયેલ ભૂકંપ વખતે પ્રશંસનીય રાહત-બચાવ કામગીરી કરેલ.
8. મે 2001માં વિનાશક વાવાઝોડામાં એસ.આર.પી.ના જવાનોએ કરેલ પૂરરાહત-બચાવની કામગીરીને બિરદાવવામાં આવેલ.
9. સને 1985માં અખિલ ભારતીય પોલીસ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન.
10. સને 1998ની અખિલ ભારતીય પોલીસ ડ્યૂટી મીટમાં પો.સ.ઇ. ડી. ડી. સોઢાએ શૂટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવેલ.
પ્રશાંતચંદ્ર પાંડે