રાજ્ય નાણા-નિગમો

January, 2003

રાજ્ય નાણા-નિગમો : નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે મૂડી પૂરી પાડતી રાજ્યો દ્વારા સ્થાપિત વિત્તીય સંસ્થાઓ.

ભારત સરકારે 1951માં સ્ટેટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન ઍક્ટ પસાર કર્યો અને તેના પરિણામે બધાં રાજ્યોમાં રાજ્ય નાણાકીય નિગમો સ્થપાવાની શરૂઆત થઈ હતી.

રાજ્યોમાં બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પછાત વિસ્તારોમાં અને નાના તથા મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને પૂરતું ધિરાણ આપતી ન હતી. તે ખામી નિવારવાના ઉદ્દેશથી રાજ્યના સ્તરે આ નિગમોની સ્થાપના કરવામાં આવી હતી. 1967-68 સુધીમાં આવાં 18 રાજ્ય નાણાકીય નિગમો સ્થપાયાં હતાં.

આ રાજ્ય નાણા-નિગમોની સત્તાવાર મૂડી (authorised capital) રાજ્ય સરકારોએ રૂ. 50 લાખથી રૂ. 5 કરોડની મર્યાદામાં નક્કી કરવાની હતી. એ મૂડીને સરખા મૂલ્યના શૅરોમાં વહેંચવાની હતી. એ શૅરો રિઝર્વ બૅંક, વ્યાપારી બૅંકો, સહકારી બૅંકો, રાજ્ય સરકારો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ખરીદવાના હતા. આ શૅર-મૂડીની બાંયધરી રાજ્ય સરકારોએ આપવાની હતી. આ રીતે આ 18 રાજ્ય નાણા-નિગમોની કુલ ભરપાઈ થયેલી મૂડી માર્ચ, 1989માં રૂ. 730 કરોડ હતી.

આ રાજ્ય નાણા-નિગમોએ નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવાની હતી :

(1) નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને ધિરાણો આપવાં; (2) આવા ઔદ્યોગિક એકમોને વધુમાં વધુ 20 વર્ષમાં ભરપાઈ થઈ શકે એવી રીતે ધિરાણો આપવાં; (3) ઔદ્યોગિક એકમોને શૅર, ડિબેન્ચર કે લોન મેળવવા માટેની બાંયધરી આપવી; (4) ઔદ્યોગિક એકમોએ બહાર પાડેલા શૅરોમાં નાણાં રોકવાં; (5) ટેક્નિકલ ઉત્પાદકોને નાણાં ધીરીને તેમના ઉદ્યોગોના વિકાસમાં મદદ કરવી.

આ રાજ્ય નાણા-નિગમોએ જુદાં જુદાં રાજ્યોમાં નીચે મુજબની નાણાકીય મદદ પૂરી પાડી છે :

(1) તેમણે નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમોને ધિરાણો આપ્યાં છે. રાજ્ય સરકારોએ નાના ઉદ્યોગ-એકમોને અગ્રિમતા ક્ષેત્રમાં મૂક્યા હતા, આમ છતાં તેમને બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મળી શકતાં ન હતાં.

(2) આ નિગમો ફક્ત નાના અને મધ્યમ ઉદ્યોગ એકમોને જ મદદ કરે તે માટે ડિસેમ્બર, 1972ના તેના કાયદામાં સુધારો કરીને, તેમણે  જેમની ભરપાઈ થયેલી મૂડી રૂ. 1 કરોડથી વધારે હોય એવા મોટા એકમોને ધિરાણ આપવું નહિ એવું નક્કી કરવામાં

આવ્યું.

(3) આ નિગમોએ ઘણા પછાત વિસ્તારોમાં હળવી લોન (soft loans) એટલે વ્યાજના ઓછા દરવાળી લોન આપીને, સેવા-દરો(service charges)માં અને કાયદાગત ફીમાં ઘટાડો કરીને તથા ધિરાણ ભરપાઈ કરવા માટેનો ગાળો મહેરબાનીના રાહે વધારી આપીને ઘણા નાના અને મધ્યમ કદના એકમોને મદદ કરી છે.

(4) ઘણી વખત નિષ્ણાત ટેક્નિશિયનોને ધિરાણો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. તેથી આ રાજ્ય નાણા-નિગમોએ આવા નિષ્ણાતોને ધિરાણો આપીને અને ધિરાણો ભરપાઈ કરવાની મુદત વધારી આપીને તેમને ઘણી મદદ કરી છે, પરિણામે તેઓ નવા ઔદ્યોગિક એકમો સ્થાપી શક્યા છે. આ યોજના નીચે તેમણે નિષ્ણાતોને રૂ. 2થી 3 લાખની રકમ ઓછા વ્યાજના દરે ધિરાણમાં આપી છે. તેથી આવા નિષ્ણાત ઉદ્યોગપતિઓ ઇલેક્ટ્રિક સાધનોના ઉત્પાદનનો ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, યંત્ર-ઉદ્યોગ વગેરેના એકમો સ્થાપી શક્યા છે.

(5) આ નિગમોએ આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા (International Development Association) દ્વારા નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમોને વિદેશી હૂંડિયામણ મેળવી આપવામાં પણ સહાય કરી છે. 1973માં તેમણે 2.5 કરોડ અને 1976માં 4 કરોડ ડૉલરની વિદેશી મૂડીની સહાય અપાવીને નાના અને મધ્યમ ઉદ્યોગોને યંત્રસામગ્રી વગેરે પરદેશમાંથી આયાત કરાવી આપીને નવા એકમો સ્થાપવા કે ચાલુ એકમોનું વિસ્તરણ કે વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરી હતી. આ સહાયને પરિણામે ઔદ્યોગિક એકમો વિદેશી ટેક્નિકલ સહાય અને વિદેશી યંત્રસામગ્રી દ્વારા નવા એકમો સ્થાપી શક્યા છે.

(6) અત્યારે ભારતમાં જે 18 રાજ્ય નાણા-નિગમો છે તેમણે નાના અને મધ્યમ એકમો માટે 1993-94માં રૂ. 1,910 કરોડ મંજૂર કર્યા હતા અને રૂ. 1,570 કરોડની ચુકવણી કરી હતી. 1971થી 1994ના 23 વર્ષના સમયગાળામાં આ નિગમોએ નાના અને મધ્યમ એકમો માટે રૂ. 16,820 કરોડ મંજૂર કર્યા હતા અને રૂ. 13,360 કરોડ ચૂકવ્યા હતા. આ રકમનો 70 % ભાગ નાના એકમોને ચૂકવાયો હતો.

(7) આ નિગમો નાના અને મધ્યમ એકમોને ધિરાણ 8 %થી 15.5 %ની મર્યાદામાં વ્યાજે આપે છે, પણ તેમને જો ઔદ્યોગિક વિકાસ બૅંક તરફથી મદદ મળી હોય તો વ્યાજનો દર 8 %થી 11 %ની વચ્ચેનો રાખે છે.

(8) વળી આ નિગમો રોડ-ટ્રાન્સપૉર્ટ સંચાલકો(operators)ને પણ ધિરાણો આપે છે.

(9) સામાન્ય રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોને મુખ્ય ત્રણ પ્રકારનાં ધિરાણોની જરૂર પડે છે : (1) શૅરમૂડી માટે, જેથી તે એકમો ઉદ્યોગ સ્થાપી શકે; (2) પછી ઉત્પાદન વધારવા વિકાસ કે વૈવિધ્યીકરણ માટેનાં ધિરાણો; (3) ચાલુ મૂડી, મજૂરો અથવા કામકાજની મૂડી માટેનાં ધિરાણો. પરંતુ શૅરમૂડી માટે બહુ જ ઓછી રકમ આપી છે, કારણ કે તેમના પર ઔદ્યોગિક એકમોની શૅરમૂડીમાં નાણાં રોકવા ઉપર મર્યાદા મૂકવામાં આવી છે.

શાંતિલાલ બ. મહેતા