રાજ્યપાલ (1) (શાસનકાળ ઈ. સ. 960-1018) : પ્રતીહાર વંશનો કનોજનો રાજા. વિજયપાલ પછી તે કનોજની ગાદીએ બેઠો. તેના રાજ્યનો વિસ્તાર ગંગા અને યમુના નદીઓ વચ્ચેના પ્રદેશ પૂરતો મર્યાદિત થઈ ગયો હતો. બ્રાહ્મણ શાહિય વંશના રાજા જયપાલે સ્વદેશના રક્ષણ માટે હિંદુ રાજાઓનો સંઘ સ્થાપ્યો. રાજ્યપાલ પણ તેમાં જોડાયો. અફઘાનિસ્તાનમાં ગઝ્નાના સુલતાન સબુક્તેગીનની સામે જયપાલને મદદ કરવા ઈ. સ. 991માં તેણે લશ્કર મોકલ્યું હતું; પરંતુ કુર્રમ નદી પાસેની ખીણમાં તેનો પરાજય થયો. ઈ. સ. 1018માં મહમૂદ ગઝ્નવીએ એક મોટા સૈન્ય સહિત કનોજ પર હુમલો કર્યો. રાજ્યપાલ તેનો સામનો કરી શક્યો નહિ, તેથી તેણે ગઝ્નવીનું આધિપત્ય સ્વીકાર્યું. આ કાયર વર્તાવથી અન્ય રાજપૂત રાજાઓ તેના ઉપર ગુસ્સે થયા. બુંદેલખંડ(જેજાકભુક્તિ)ના ચંદેલ રાજા ગંડે (1002-1025) તેને શિક્ષા કરવા માટે મિત્રસંઘ સ્થાપ્યો અને યુવરાજ વિદ્યાધરની આગેવાની હેઠળના લશ્કરે રાજ્યપાલ પર આક્રમણ કર્યું. તેમાં રાજ્યપાલ હાર્યો અને માર્યો ગયો.
રાજ્યપાલ (2) (શાસનકાળ ઈ. સ. 908-925) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા. તે નારાયણપાલનો પુત્ર હતો. તેણે સોણ નદીના પૂર્વ કિનારા સુધી પોતાના પૂર્વજોએ જીતી લીધેલા કેટલાક પ્રદેશો, ફરીથી જીતી લીધા. તેના સમયમાં પાલ સામ્રાજ્યની પડતી શરૂ થઈ ગઈ હતી.
જયકુમાર ર. શુક્લ