રાજ્યપાલ : ભારતનાં ઘટક રાજ્યોના વડા. રાજ્યપાલ ભારતનાં ઘટક રાજ્યોના અને રાજ્યની કારોબારીના ઔપચારિક વડા છે. કેન્દ્રશાસિત વિસ્તારોના વડા લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. આ ઉપરાંત કેટલાક નાના કેન્દ્રશાસિત વિસ્તારોના વડા વહીવટદાર (administrator) તરીકે ઓળખાય છે. દિલ્હી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને પુદુચેરીના વડાઓ લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય કેન્દ્રશાસિત વિસ્તારો લક્ષદ્વીપ, દાદરા નગરહવેલી વગેરેના વડા વહીવટદારો છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના અને સમગ્ર સંઘરાજ્યના વડા હોવાને કારણે રાજ્યપાલોની નિમણૂક કરે છે. આથી રાજ્યપાલ ભારતીય સમવાયતંત્રમાં કેન્દ્ર અને રાજ્યોને જોડતી કડી છે અને રાષ્ટ્રપ્રમુખને આધીન હોય છે. રાજ્યપાલની નિમણૂક કરતાં અગાઉ, કેટલીક ઔપચારિક રીતરસમો જાળવવામાં આવે છે; જેમ કે, રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળને વિશ્ર્વાસમાં લેવાં. રાજ્યપાલ જે રાજ્યમાં નિમણૂક પામે તે સિવાયના અન્ય રાજ્યમાંથી આવતા હોય તે ઇચ્છનીય છે, જેથી તેઓ સ્થાનિક પક્ષાપક્ષીથી પર રહે.
ભારતમાં ઘટક રાજ્યોની કારોબારી કેન્દ્રના નમૂનાને આધારે સંસદીય પદ્ધતિથી રચાયેલી હોય છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. તેઓ રાજ્યની કારોબારીના બંધારણીય અને નામના વડા હોવાથી તેમને સુપરત થયેલી સત્તાઓ વ્યાપક છે. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સોગંદ લઈને તેઓ હોદ્દો ધારણ કરે છે.
લાયકાતો : રાજ્યપાલપદ માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. તેણે 35 વર્ષની વય પૂરી કરેલી હોય તેમજ તે ધારાસભાઓ – કેન્દ્રની અને રાજ્યોની – નું સભ્યપદ ન ધરાવતી હોય, પરંતુ રાજ્યની વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતી હોય. તે બીજો કોઈ સવેતન હોદ્દો ધરાવતી ન હોય. તેના હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે. તેને માસિક 36,000 રૂપિયા વેતન, ભાડારહિત નિવાસવ્યવસ્થા, તબીબી સગવડો અને અન્ય ભથ્થાં મળે છે. તેનાં વેતન અને ભથ્થાં રાજ્યના આકસ્મિક નિધિ(contingency fund)માંથી ચૂકવાય છે. આકસ્મિક નિધિના ખર્ચની રકમ મતદાનને પાત્ર હોતી નથી.
સત્તાઓ : રાજ્યપાલને હોદ્દાની રૂએ વિશાળ સત્તાઓ પ્રાપ્ત થયેલી હોય છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સલાહથી આ સત્તાઓ તેમણે વાપરવાની રહે છે. આ સાથે તેમને વિવેકપૂર્વકની (discretionary) સત્તાઓ પણ પ્રાપ્ય હોય છે.
કારોબારી-વિષયક સત્તાઓ : તેઓ રાજ્ય સરકારની કારોબારીના ઔપચારિક વડા છે. તમામ વહીવટી પગલાં તેમના નામે હાથ ધરાય છે. તેઓ રાજ્ય સરકારના અગત્યના હોદ્દેદારો; જેવા કે, મુખ્યમંત્રી, મંત્રીઓ, ઍડવોકેટ જનરલ, જાહેર સેવા પંચના અધ્યક્ષ અને સભ્યો તથા અન્ય હોદ્દેદારોની નિમણૂક કરે છે. રાજ્યની સરકાર બંધારણીય નિયમો અનુસાર ન ચાલતી હોય તો તેઓ રાષ્ટ્રપ્રમુખને જાણ કરી શકે છે. જો રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન જાહેર થયેલું હોય તો રાષ્ટ્રપ્રમુખના જે તે રાજ્ય ખાતેના પ્રતિનિધિના રૂપમાં રાજ્યપાલ કાર્યવહી કરે છે અને બંધારણીય રીતે પ્રાપ્ત થયેલી વ્યાપક સત્તાઓ ભોગવે છે.
ધારાસભા-વિષયક સત્તાઓ : તેઓ રાજ્યની વિધાનસભા બોલાવે, તેની મુદત નક્કી કરે અને તેને વિખેરે છે. પ્રત્યેક ચૂંટણી પછીની પ્રથમ બેઠકને ઉદબોધન કરે છે. પડતર (pending) ખરડાઓ અંગે વિધાનસભાને સંદેશા મોકલે છે. જો રાજ્યમાં વિધાન પરિષદ હોય તો તેમાં એકષષ્ઠાંશ સભ્યો નીમે છે. આ અંગે એવી જોગવાઈ છે કે જો તેમને લાગે કે ઍંગ્લો-ઇન્ડિયન સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી ત્યારે જરૂરી જણાય તો ઍંગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યને વિધાન પરિષદમાં નીમી શકે છે. તેમની સંમતિથી ખરડો કાયદો બને છે. વિધાનસભા ચાલુ ન હોય ત્યારે તેમના નામે વટહુકમ બહાર પડે છે. કેટલાક ખાસ પ્રકારના ખરડા તેઓ રાષ્ટ્રપ્રમુખની સંમતિ માટે અનામત (મુલતવી) રાખી શકે છે. જ્યારે સત્તાધારી પક્ષ રાજ્યની વિધાનસભામાં બહુમતીનો ટેકો ગુમાવે અથવા બંધારણીય વ્યવસ્થા તૂટી પડી છે તેમ લાગે ત્યારે રાજ્યપાલના અહેવાલના આધારે અથવા અન્યથા રાષ્ટ્રપતિ-શાસન લાગુ કરવામાં આવે છે.
નાણા-વિષયક સત્તાઓ : તમામ નાણા-ખરડા તેમની ભલામણથી ગૃહમાં રજૂ થાય છે. પ્રત્યેક વર્ષે વિધાનસભા સમક્ષ અંદાજપત્ર રજૂ થાય તેનું તેઓ ધ્યાન રાખે છે. આકસ્મિક નિધિ(contingency fund)નો વહીવટ તેમના નામે ચાલે છે. અણધાર્યા ખર્ચાઓ માટે આગોતરો ઉપાડ તેમની સંમતિથી કરી શકાય. જોકે આ નાણાં ભરપાઈ થવાં જોઈએ.
ન્યાય-વિષયક સત્તાઓ : રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં રાજ્યપાલની સલાહ લેવામાં આવે છે. તેઓ વડી અદાલતથી આરંભીને નીચલી અદાલત સુધીના ન્યાયાધીશો નીમે છે. તેઓ રાજ્યના ગુનેગારોની સજા ઘટાડી શકે કે માફી બક્ષી શકે.
અન્ય સત્તાઓ : રાજ્યપાલ ઑડિટર(અન્વેષક)નો હેવાલ મેળવે છે અને વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે મોકલે છે. આવી જ રીતે રાજ્યના જાહેર સેવા પંચનો અહેવાલ પણ વિધાનસભા સમક્ષ રજૂ કરવા મોકલે છે. તેઓ રાજ્યના કાર્યક્ષેત્રમાંનાં વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલાધિપતિની કામગીરી બજાવવા ઉપરાંત કુલપતિઓની નિમણૂક કરે છે.
વિવેકાધિકાર(discretionary powers)ની સત્તાઓની રૂએ તેઓ સ્પષ્ટ બહુમતીના અભાવે મુખ્યપ્રધાન નીમે છે. તેઓ સામાન્ય (ordinary) ખરડા પર સહી કરવાની ના પાડી શકે, તેમજ ખરડો રાષ્ટ્રપ્રમુખની સંમતિ/સહી માટે અનામત રાખી શકે. મંત્રીમંડળે વિશ્ર્વાસ ગુમાવ્યો છે તેમ તેમને ખાતરી થાય તો મંત્રીમંડળને બરતરફ કરી શકે છે. રાજ્યમાં બંધારણીય તંત્ર તૂટી પડેલું જણાય તો તેઓ તેની જાણ રાષ્ટ્રપ્રમુખને કરે છે. અવિશ્ર્વાસની દરખાસ્ત વિધાનસભા મંજૂર કરે ત્યારે મુખ્યમંત્રીની સલાહથી તેઓ ગૃહ વિખેરે છે. કોઈ પણ બાબત તેમની વિવેકપૂર્વકની સત્તાના ક્ષેત્રમાં આવે છે કે કેમ તેનો નિર્ણય રાજ્યપાલ લેતા હોય છે. આ અંગે સવાલ ઉઠાવી શકાતો નથી.
સામાન્યતયા તેઓ કેન્દ્રમાંના શાસક પક્ષના એજન્ટ તરીકે કામ કરતા હોવાથી બહુધા બંધારણીય વડા તરીકેની કામગીરી ચૂકી જાય છે એવી ટીકા રાજ્યપાલના હોદ્દા અંગે વારંવાર થતી. તેમની વિવાદાસ્પદ ભૂમિકાઓને કારણે આ હોદ્દો રદ કરવાની માંગ પેદા થઈ હતી. આથી આ અંગે 1983માં સરકારિયા પંચ નીમવામાં આવ્યું હતું. કેન્દ્ર-રાજ્ય સંબંધો પંચના અભ્યાસનો મુખ્ય મુદ્દો હતો. પંચે રાજ્યપાલના હોદ્દાનો આ પ્રશ્ર્ન વિગતે તપાસ્યો અને આ હોદ્દો જાળવી રાખવાની ભલામણ કરી. વધુમાં અસાધારણ નિષ્ઠા (integrity) અને પ્રામાણિકતા ધરાવતા અધિકારી/કાર્યકર આ હોદ્દા પર નિમાય તેમજ તેઓ સક્રિય રાજકારણથી દૂર રહેવાનું વલણ દાખવે તે ઇચ્છનીય ગણાય એવું પંચનું સૂચન હતું. વધુમાં રાજ્યપાલને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા મુશ્કેલ અને નિષિદ્ધ હોવી જોઈએ, જેથી તેઓ વાજબી રીતે વર્તી શકે. એટલે કે નિષ્પક્ષતા અંગેનાં આકરાં ધોરણોનું પાલન કરવું, જેથી આ હોદ્દાની સન્માનનીયતા જળવાય એવું પંચનું સૂચન નોંધપાત્ર છે.
રક્ષા મ. વ્યાસ