રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્

January, 2003

રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્ (જ. 1 જુલાઈ 1945, એલામન્ચિલી, જિ. વિશાખાપટનમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે યાંત્રિક ઇજનેરીમાં ડિપ્લોમા, બી.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી પર્યાવરણ અભ્યાસમાં પી.જી. ડિપ્લોમા તથા પબ્લિક એડ્મિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલી.

પછી તેમણે કોરોમાંડલ ફર્ટિલાઇઝર્સ લિ.માં મૅનેજર (પર્યાવરણ) તરીકે સેવા આપી. 1990થી તેમણે વિશાખી સાહિતીના સેક્રેટરી તથા પર્યાવરણ પરિરક્ષણ સમિતિના સેક્રેટરી તરીકે કામગીરી કરી.

તેમણે 12 ગ્રંથો આપ્યા છે; તેમાં ‘સિધિલા શિલ્પમ્’ (1966), ‘તેલ્લવરણી રાત્રિ’ (1971), ‘નીલી માન્તા’ (1984) અને ‘મનોરથમ્’ (1988) તેમના વાર્તાસંગ્રહો છે. ‘દિમુડે રક્ષિમ્ચલી’ (1984), ‘બ્લૅકમેલ’ (1986), ‘રુશ્યલો રેન્ડો ક્રિશુન્ડુ’ (1988) અને ‘રાવણ કાસ્તમ્’ (1989) તેમની જાણીતી નવલકથાઓ છે. આ ઉપરાંત બાળકો માટેનો ‘પર્યાવરણમ્’ નામક નિબંધસંગ્રહ તથા ‘ચિન્નરી રાયબરી’ (ટપાલટિકિટની વાર્તા) અને ‘બૉમ્બા બોરુસુ’ (સિક્કાઓની વાર્તા) પ્રગટ કર્યાં છે.

તેમના સુંદર સાહિત્યિક પ્રદાન બદલ તેમને આંધ્ર પ્રભા તરફથી 1969માં શ્રેષ્ઠ ટૂંકી વાર્તા ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1981માં તેમને ચક્રપાણિ ઍવૉર્ડ અને ‘આંધ્રભૂમિ’ તરફથી ચક્રવર્તી ઍવૉર્ડ આપવામાં આવેલા. 1987માં તેમણે રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા