રાજેન્દ્ર-1 (શાસનકાળ 1012-1044) : દક્ષિણ ભારતના ચોલ વંશનો પ્રતાપી શાસક. ‘ગંગૈકોંડ’, ‘કડારનકોંડ’, ‘વિક્રમ ચોડ’, ‘પરકેસરી વર્મા’ અને ‘વીર રાજેન્દ્ર’ તેનાં બિરુદો હતાં. તેનું રાજ્ય ‘ચોલમંડલ’ એટલે કે વર્તમાન સમયના તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ વિસ્તારમાં આવેલું હતું. તેની રાજધાની પ્રથમ તાંજોર(તંજૈવુર)માં અને પછી ગંગૈકોંડ ચોલપુરમમાં હતી. ચોલો સૂર્યવંશી હતા.

રાજેન્દ્ર-1ની કારકિર્દી તેના પિતા રાજરાજ-1 (985-1014)ના શાસનકાળ દરમિયાન જ શરૂ થઈ હતી. ચોલ-પરંપરા પ્રમાણે રાજેન્દ્રની યુવરાજ તરીકે નિમણૂક થઈ હતી (1012). પછી પિતા સાથે તે સહશાસક રહ્યો હતો. પરંતુ આ પૂર્વે પણ તેની લશ્કરી કારકિર્દી શરૂ થઈ ચૂકી હતી. પશ્ચિમના ચાલુક્યોના પ્રદેશો ઈડૈતુરૈનાડુ (રાયચુર દોઆબ), વનવાસી (ઉત્તર કનાડા), કોલ્લિપ્પાકૈ (કુલપક) અને મણ્ણૈક્કડક્કમ્ (માન્યખેટ) ઉપર તેણે વિજયી આક્રમણો કર્યાં હતાં (1007).

ગાદીએ બેઠા પછી (1014) રાજેન્દ્ર-1લાએ ચોલ સામ્રાજ્યને ગૌરવના શિખરે પહોંચાડ્યું હતું અને તેણે સ્થાપેલું ચોલ સામ્રાજ્ય એ સમયનું સૌથી વિશાળ અને પ્રતિષ્ઠિત હિંદુ સામ્રાજ્ય હતું.

સૌપ્રથમ તેણે સિંહલ(વર્તમાન શ્રીલંકા)ના વિજયનું તેના પિતાનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું (1017). ત્યાંના રાજા મહેન્દ્ર-5ને તે કેદ પકડીને ચોલમંડલ લઈ આવ્યો, જ્યાં બાર વર્ષ પછી તેનું મૃત્યુ થયું હતું. જોકે ત્યારપછી મહેન્દ્ર-5ના પુત્રે દક્ષિણ સિંહલ પર સ્વતંત્ર સત્તા સ્થાપી હતી (1029) અને વિક્રમબાહુ-1લા તરીકે બાર વર્ષ શાસન કર્યું હતું. દરમિયાનમાં ચોલ-પરંપરા પ્રમાણે રાજેન્દ્રે પુત્ર રાજાધિરાજને યુવરાજ તરીકે નીમ્યો હતો (1018).

પાંડ્ય અને ચેર (કેરળ) ઉપર પણ રાજેન્દ્રે સત્તા સ્થાપીને ત્યાંના શાસક તરીકે પુત્ર જયવર્માને ‘ચોડ-પાંડ્ય’નું બિરુદ આપીને નીમ્યો હતો. લક્ષદ્વીપ અને માલદ્વીપ ઉપરની પિતાના સમયની સત્તાને રાજેન્દ્રે ટકાવી રાખી હતી.

કલ્યાણીના ચાલુક્યો સાથેનો ચોલવંશી રાજાઓનો સંઘર્ષ ચાલુ રહ્યો હતો. ત્યાંના રાજા જયસિંહ જગદેકમલ્લ સામે રાજેન્દ્રે રાયચુર દોઆબમાં અને વેંગીમાં – એમ બે લશ્કરી કૂચ કરી હતી (1020-21) અને અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. આ યુદ્ધોને અંતે ચોલો અને ચાલુક્યોનાં સામ્રાજ્યોની હદ તુંગભદ્રા નદી નક્કી કરાઈ હતી.

ચાલુક્યો ઉપરના વિજય-અભિયાન પછી રાજેન્દ્ર-1લાએ ઉત્તર ભારત તરફ લશ્કરી કૂચ કરી હતી (1021-1025). સૌપ્રથમ વેંગીના ચાલુક્ય રાજા વિજયાદિત્યને હરાવ્યો અને ત્યાંના શાસક તરીકે ભત્રીજા રાજરાજની નિમણૂક કરી (1022). ત્યાંથી આગળ વધીને કલિંગના રાજા મધુકામાર્ણવને હરાવ્યો; કારણ કે, ચાલુક્યો સાથેના યુદ્ધમાં જયસિંહને તેણે રાજેન્દ્ર વિરુદ્ધ મદદ કરી હતી. કલિંગથી ઓડ્ર (ઓરિસા), દક્ષિણ કોશલ થઈને રાજેન્દ્ર બંગાળ પહોંચ્યો અને ત્યાંનાં નાનાંમોટાં રાજ્યોને હરાવ્યાં. પછી ઈશાન હિંદમાં પાલવંશી મહીપાલને હરાવ્યો અને ગંગાકાંઠે પહોંચ્યો. અહીંથી રાજેન્દ્ર પાછો વળ્યો. કોઈ જ પ્રદેશ ઉપર રાજ્યવિસ્તાર ન કર્યો. આ વિજયની યાદમાં તેણે ‘ગંગૈકોંડ’ ઉપાધિ ધારણ કરી. ગોદાવરીકાંઠે લશ્કરી છાવણી નાખી અને તિરુચિરાપલ્લીનાં જંગલ સાફ કરાવીને નવી રાજધાની ‘ગંગૈકોંડચોલપુરમ્’ની સ્થાપના કરી. નવી રાજધાનીમાં સરોવર બાંધ્યું અને કોલેરૂન અને વલ્લરુ નદીઓ તેમાં વાળી. ખેતીના વિકાસ માટે 25.76 કિમી. (સોળ માઈલ) લાંબી એક નહેર પણ બંધાવી.

રાજેન્દ્ર-1લાનું અંતિમ લશ્કરી અભિયાન સમુદ્રમાર્ગે અગ્નિ એશિયા વિસ્તારમાં થયું. ત્યાંના જાવા, સુમાત્રા અને અન્ય પડોશી દ્વીપો ઉપર શૈલેન્દ્ર રાજા વિજયોત્તુંગ વર્માનું ‘શ્રી વિજય સામ્રાજ્ય’ હતું. હિંદ અને ચીન વચ્ચેના વેપારી માર્ગ ઉપર તેનો અંકુશ હતો. ભૂતકાળમાં ચોલ-મંડલનાં રાજનૈતિક અને વેપારીમંડળો ઉપર્યુક્ત માર્ગે થઈને ચીન જતાં. રાજેન્દ્રના અભિયાન માટેનું એક કારણ આ મંડળોના આવાગમનમાં થયેલી રુકાવટ પણ હતું અને રાજેન્દ્ર જેવા સમ્રાટને કીર્તિલાલસા તેમજ દિગ્વિજયની મહેચ્છા પણ હતી. રાજેન્દ્રે જાવા-સુમાત્રા અને અન્ય દ્વીપો જીત્યા. મલયદ્વીપમાં શૈલેન્દ્રનો શક્તિશાળી કિલ્લો ‘કડારન’ જીત્યો અને રાજાને કેદ પકડ્યો. આ વિજયની યાદમાં રાજેન્દ્રે ‘કડારનકોંડ’ બિરુદ પણ ધારણ કર્યું.

ઉપર્યુક્ત વિજયને અંતે રાજેન્દ્રનું સામ્રાજ્ય ઉત્તરે ગંગા-કાંઠાથી માંડીને દક્ષિણે સિંહલદ્વીપ સુધી અને બંગાળના ઉપસાગરથી જાવા-સુમાત્રા, મલયદ્વીપ તેમજ આંદામાન-નિકોબાર સુધી ફેલાયું હતું.

રાજેન્દ્ર-1લાની કારકિર્દીના અંતિમ સમયે ફરીવાર પશ્ચિમી ચાલુક્ય સમ્રાટ સોમેશ્વર-1લાએ આક્રમણ કરીને વેંગી પ્રદેશમાંથી રાજેન્દ્રના ભત્રીજા રાજરાજને નસાડ્યો (1031). મહામુસીબતે વેંગી પુન: અધિકારમાં આવ્યું (1035). રાજેન્દ્ર આ સમયે વૃદ્ધ હતો અને યુવરાજ રાજાધિરાજ દક્ષિણે રોકાયેલો હતો. પરિણામે વેંગીમાં રાજરાજની મદદે એક બ્રાહ્મણ સેનાપતિને મોકલ્યો, પણ યુદ્ધો અનિર્ણાયક જ રહ્યાં. આ દરમિયાન રાજેન્દ્ર-1લાનું અવસાન થયું (1044). રાજેન્દ્ર1લાના અવસાન પછી રાજા બનેલા પુત્ર રાજાધિરાજે ચાલુક્યો સામે અભિયાન ચાલુ રાખ્યું, પણ ચોલવંશ પતનોન્મુખી બન્યો. પડોશી રાજ્યોના પાંડ્યો, ચેરો, ગંગો, ચાલુક્યો, કાકતીઓ, હોયસળો વગેરે સામે ચોલશાસકો ટકી શક્યા નહિ. તેરમી સદીમાં તો ચોલો પાંડ્યોના ખંડિયા બની ગયા. અંતે દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખલજીના સેનાપતિ મલેક કાફૂરે ચોલ રાજ્ય જીતી લીધું (1310).

મોહન વ. મેઘાણી