રાજુલા (તાલુકો)

January, 2003

રાજુલા (તાલુકો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા અમરેલી જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 00´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે.ની આજુબાજુનો 850 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાની ઉત્તરે અને પૂર્વમાં ભાવનગર જિલ્લાના કુંડલા અને મહુવા તાલુકા, દક્ષિણે અરબી સમુદ્ર અને જાફરાબાદ તાલુકો તથા પશ્ચિમે ખંભાળિયા તાલુકો આવેલા છે. તાલુકામથક રાજુલા દક્ષિણ-મધ્યમાં ઘનીવેલો નદી પર આવેલું છે.

રાજુલા તાલુકો

રાજુલા નજીક પીળિયો અને ધોળિયો નામના બે ડુંગર અને દરિયાકિનારા નજીક સમતળ મેદાન આવેલાં છે. દક્ષિણ અને અગ્નિખૂણાના ભાગો સિવાય તાલુકાનો અન્ય વિસ્તાર ટ્ર્રૅપ ખડકોના ધોવાણથી તૈયાર થયેલી કાળી જમીનથી બનેલો છે. રાજુલાથી 13 કિમી. દૂર ઈશાન તરફ બાબરિયા ધારની ટેકરીઓ આવેલી છે. દરિયાકાંઠે શિયાળ, ભેંસલો, સવાઈ બેટ અને ચાંચની ભૂશિરથી રક્ષિત પીપાવાવ બંદર મોટા પટની ખાડી પર આવેલાં છે. રાજુલાથી 2 કિમી. દૂર ઘાતરવાડી નદી છે અને તેની પર સિંચાઈ માટેનો બંધ છે.

તાલુકાના દરિયાકાંઠે આવેલા મેદાની પ્રદેશની આબોહવા સમધાત રહે છે. મે માસમાં દિવસનું તાપમાન 40° સે. અને રાત્રિનું 26° સે. જેટલું, જ્યારે જાન્યુઆરીનું ગુરુતમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 29° સે. અને 11° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 582 મિમી. જેટલો પડે છે.

તાલુકામાં 33.77 ચોકિમી. વિસ્તારમાં બાવળ, ગાંડો બાવળ, ગોરડ, કેરડાં, ખાખરો, અરડૂસો, સાલેડી જેવાં વૃક્ષોનાં જંગલો આવેલાં છે. આ ઉપરાંત આશરે 3.37 ચોકિમી.માં ઘાસનાં બીડ છે. જંગલોમાંથી મધ, ગુંદર, ઘાસ જેવી પેદાશો મળે છે. તાલુકાનું ભૂપૃષ્ઠ ચૂનાખડકો, રેતીખડકો અને રેતીથી બનેલું છે, દરિયાકિનારે મીઠું પકવવામાં આવે છે. રાજુલા નજીક આશરે 160 હેક્ટરમાં પથ્થરની ખાણો આવેલી છે.

તાલુકામાં 27.24 % વિસ્તારમાં ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. બાજરી અહીંનો મુખ્ય પાક છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં ઘઉં, જુવાર અને કઠોળનું વાવેતર પણ થાય છે. રોકડિયા પાકોમાં કપાસ, મગફળી, તેલ, એરંડા અને શેરડીનો સમાવેશ થાય છે. તળાવો, ચૅકડૅમ અને કૂવા દ્વારા સિંચાઈ મળી રહે છે. ઝોલાપુરી નદી પર સિંચાઈ માટે બંધ બાંધવામાં આવેલો છે, નાના બંધ પણ છે.

અહીંના પશુધનમાં ગીર અને કાંકરેજી ઓલાદની ગાયો અને બળદો તથા જાફરાબાદી ભેંસ, ઘેટાં-બકરાં અને ઘોડા મુખ્ય છે. જંગલી પ્રાણીઓમાં શિયાળ, વરુ, હરણ, લોંકડી તથા જુદાં જુદાં પક્ષીઓ અને સાપ જોવા મળે છે.

મોટાભાગના ઉદ્યોગો રાજુલામાં કેન્દ્રિત થયેલા છે. વિક્ટર ખાતે મીઠાનું અને કોવાઈ ખાતે લાર્સનટોબ્રોનું સિમેન્ટનું કારખાનું આવેલાં છે. રાજુલાની આજુબાજુ પથ્થરોની ખાણો છે. ઢસા-મહુવા મીટરગેજ રેલમાર્ગ આ તાલુકામાંથી પસાર થાય છે. ડુંગરથી પૉર્ટ વિક્ટર સુધીની રેલવે પણ છે. પૉર્ટ વિક્ટરને બદલે પીપાવાવ બંદરને વિકસાવવાનું કામ ચાલે છે. અહીં બે જેટી છે તથા પાણીનું ઊંડાણ 20 મીટરથી વધુ છે. કાંપની જમાવટ ન થતી હોવાથી 45,000 ટનની સ્ટીમરો જેટી સુધી આવી શકે છે. આ બંદરેથી સિમેન્ટ અને મીઠાની નિકાસ તથા ઇમારતી લાકડાં અને અનાજની આયાત કરવામાં આવે છે.

1991 મુજબ તાલુકાની વસ્તી 1,45,618 જેટલી છે. તાલુકામાં બક્ષી પંચમાં સમાવેશ કરેલા કોળી, ખારવા, માછી, મુસલમાન, કારીગર વર્ગના લોકોની વસ્તી વિશેષ છે. આ ઉપરાંત બ્રાહ્મણ, વાણિયા, કાઠી, કણબી અને ભરવાડો પણ છે. 60 % પુરુષો અને 31 % સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ 45 % જેટલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને માછીમારી છે.

રાજુલા (શહેર) : રાજુલા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 03´ ઉ. અ. અને 71° 27´ પૂ. રે.. તે રાજુલા નગર અને રાજુલા જંક્શન જેવા બે અલગ ભાગોમાં વહેંચાયેલું છે. 2001 મુજબ તેની વસ્તી 32,393 જેટલી છે. અહીં દર હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 973 જેટલું છે.

આ નગર રેલમાર્ગ દ્વારા ડુંગર, સાવરકુંડલા, મહુવા, ભાવનગર સાથે જોડાયેલું છે; જ્યારે બસમાર્ગ દ્વારા તે વેરાવળ, ઊના, મહુવા, જાફરાબાદ, ડુંગર, નાગેશ્રી, સાવરકુંડલા, રાજકોટ અને ભાવનગર સાથે જોડાયેલું છે.

રાજુલાનો સિમેન્ટ અને મીઠાનો ઉદ્યોગ દરિયાકાંઠે વિકસ્યો છે. અહીંની ખાણોમાં મેળવાતા પથ્થરો બાંધકામ, ઘંટી, ખરલ, વાટવાના પથ્થર, પાણિયારાં, પાવઠા, ખાંડણી, થાંભલીઓ, પગથિયાં, બારસાખ, ખાળકૂવા તથા માઇલસ્ટોનના પથ્થરો અને મૂર્તિઓ બનાવવાના ઉપયોગમાં લેવાય છે. અહીંના સ્થાનિક સલાટ લોકો ટાંકણાની મદદથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવે છે. અહીં તેલમિલ ઉપરાંત, ચર્મ-ઉદ્યોગ; હાથવણાટ અને પાવરલૂમના કાપડ માટેના; રંગાટીકામ અને છાપકામ માટેના; ઇલેક્ટ્રિક મોટરો, છાશ માટેનાં વલોણાં, લોખંડની છીણીઓ તથા હથોડીઓ બનાવવા માટેના લઘુઉદ્યોગો ચાલે છે.

રાજુલામાં બૅંક ઑવ્ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય જમીનવિકાસ બૅંકની શાખાઓ, નાગરિક સહકારી બૅંક, તાર-ટપાલ ઑફિસ, ટેલિફોન ઑફિસ, દવાખાનું વગેરેની સગવડો છે.

શહેરમાં એક કૉલેજ, બે હાઈસ્કૂલ, માધ્યમિક-પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો, સંસ્કૃત પાઠશાળા અને પુસ્તકાલય આવેલાં છે. સંસ્કૃત સાહિત્ય, કર્મકાંડ, જ્યોતિષ અને અન્ય વિષયોનું શિક્ષણ પણ અપાય છે. અહીં હસ્ત-ઉદ્યોગની એક તાલીમશાળા પણ છે.

અહીં કામનાથ અને સિદ્ધનાથનાં બે પ્રાચીન શિવમંદિરો છે. કહેવાય છે કે કામનાથ મંદિરની પાંડવોએ મુલાકાત લીધી હતી. કુંતામાતાને શિવપૂજન બાદ ભોજન કરવાનું વ્રત હતું. ભીમ શિવમંદિર શોધવામાં નિષ્ફળ જવાથી તેણે માટીના કુંભને ઊંધો મૂકી તેની ઉપર બિલ્વપત્રો તથા ફૂલો ચડાવી શિવલિંગનું નિર્માણ કરેલું. કુંતામાતાએ પૂજા કરીને પછી તપાસતાં અહીં શિવલિંગ મળી આવેલું. અહીં ડુંગરની નજીકમાં ભીમની વિરાટકાય મૂર્તિ છે, મૂર્તિમાં આંખોની બખોલોનું કદ એટલું તો મોટું છે કે તેમાં બાળકો બેસી શકે છે. પીપાવાવ પાસે રાજસ્થાનના રાજવી સંત પીપાનું પવિત્ર સ્થાનક છે. ચારણ કવિ દુલા ભાયા કાગની જન્મભૂમિ મજાદર છે. તેમણે અહીં કાગવાણીના બે ભાગ લખેલા. પીપાવાવમાં રણછોડજીનું એક મંદિર છે. મુંબઈમાં વસતા કપોળ જ્ઞાતિના ધનિક વણિકોની અહીં ઘણી વસ્તી છે. અહીંનાં કપોળ છાત્રાલય, ઉદ્યોગ-મંદિર, દવાખાનું વગેરે સ્થાપવામાં તેમનો ફાળો મહત્ત્વનો છે. ભાવનગરમાં રહેલા પ્રસિદ્ધ અંગ્રેજ ઇજનેર તેમજ વિક્ટર બંદર/પીપાવાવ બંદરના જનક ગણાતા સિમ્સની કબર પીપાવાવમાં છે.

રાજુલાના રાજવી ધોખડા શાખાના કાઠી દરબાર હતા. 1784માં ભાવનગરના રાજવી વખતસિંહજીએ માપૈયા દરબારને હરાવીને રાજુલા કબજે કરેલું. કાઠી દરબારે જૂનાગઢના નવાબ હમીદખાનની મદદથી રાજુલા જીતી લીધેલું. ભાયાત કાયાભાઈ તથા મહુવાના કારભારી અનંતરાયનું આ લડાઈમાં મૃત્યુ થયેલું. ભાવનગર રાજ્યે ફરી રાજુલા કબજે કરતાં જૂનાગઢનું સૈન્ય ફરી કાઠીઓની મદદે આવ્યું. વરલ પાસે લડાઈ થઈ, પરંતુ બંને પક્ષોએ સમજૂતી કરી અને ભાવનગરે જૂનાગઢને ‘જોરતલબી’ આપવાનું સ્વીકાર્યું, તેથી નવાબનું લશ્કર પાછું ગયું.

પીપાવાવ બંદર પરની આયાત-નિકાસ સ્થગિત થઈ ગઈ છે. પીપાવાવ બંદરને વિકસાવવાની યોજના ચાલે છે. આ બંદરના વિકાસ પર રાજુલાના વિકાસનો આધાર રહેલો છે.

શિવપ્રસાદ રાજગોર