રાજેન્દ્રસિંહજી (જનરલ) (જ. 1899 સરોદર, ગુજરાત; અ. 1 જાન્યુઆરી 1964) : ભારતના લશ્કરના પૂર્વ સરસેનાપતિ. તેઓ લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ જનરલ કે. એમ. કરિઅપ્પા(પાછળથી ફીલ્ડ માર્શલ)ના અનુગામી અને લશ્કરના આ સર્વોચ્ચ પદ પર પહોંચનાર એકમાત્ર ગુજરાતી હતા. મૂળ વતન જામનગર અને જાડેજા રાજવંશના નબીરા હોવાથી તેમની આગળ ‘મહારાજ’નું બિરુદ મૂકવામાં આવતું હતું.
તેઓ જામસાહેબ ઑવ્ નવાનગરના ભાઈ હતા. શરૂઆતનું શિક્ષણ રાજકોટ ખાતેની રાજકુમાર કૉલેજમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડની મેલવર્ન કૉલેજમાં જોડાયા. ત્યારબાદ સૅન્ડહર્સ્ટ ખાતેની લશ્કરી તાલીમની કૉલેજમાંથી ઉચ્ચ કક્ષાની લશ્કરી તાલીમ લીધા પછી 1921માં કિંગ્ઝ કમિશન મેળવી અધિકારી તરીકે લશ્કરમાં જોડાયા. શરૂઆતમાં તેમને ‘60 રાઇફલ્સ’ નામક બ્રિટિશ રેજિમેન્ટમાં કામગીરી સોંપવામાં આવી હતી. ટૂંક સમયમાં જ તેમની શક્તિ અને યોગ્યતા ધ્યાનમાં લઈને તેમને ‘સેકન્ડ રૉયલ લાન્સર્સ’માં ઊંચા હોદ્દા પર નીમવામાં આવ્યા, જ્યાં 192239 દરમિયાન તેમણે સેવાઓ આપી હતી. તે પૂર્વે તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન આ જ પલટનના સ્ક્વૉડ્રન કમાંડર તરીકે કામગીરી કરી હતી. આ યુદ્ધના સમયગાળામાં ઉત્તર આફ્રિકાના મોરચે તેમની બાહોશ કામગીરી માટે તેમને ડી. એસ. ઓ.(Distinguished Service Order)ની લશ્કરની ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા. 1941માં બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન તેમને આફ્રિકાના મોરચે જર્મન લશ્કરનો સામનો કરવા મોકલવામાં આવ્યા હતા. આફ્રિકાની એ વખતની લડાઈ ઘણી ભયંકર ગણાતી, જેનો અસહ્ય તાપ બ્રિટિશ અને અમેરિકન સૈનિકો જીરવી શકતા ન હતા.
તે સમયે રાજેન્દ્રસિંહજી બીજી રૉયલ લાન્સર્સ ઉપરાંત ત્રીજી ઇન્ડિયન મોટર બ્રિગેડના સેનાપતિ (કમાન્ડર) હતા. આફ્રિકાના મિચીલી ખાતે તેમની સેનાને જર્મન આક્રમણનો જબરદસ્ત સામનો કરવો પડ્યો હતો. ત્યાં થયેલા ઘમસાણ યુદ્ધમાં તેમની આખી પલટન તથા મોટર બ્રિગેડ ઘેરાઈ ગઈ. આ લડાઈમાં રાજેન્દ્રસિંહજીનાં શૌર્ય, સાહસ અને યુદ્ધકૌશલની કપરી કસોટી હતી. તેમણે એક અકલ્પ્ય અને સાહસભરી વ્યૂહરચના દ્વારા જર્મન લશ્કરનો સામી છાતીએ સામનો કર્યો અને દુશ્મનની હરોળ વીંધીને આરપાર નીકળી ગયા. તેમને તથા તેમની પલટનના મોટાભાગના સૈનિકોને મજબૂત જર્મન ઘેરામાંથી સહીસલામત બહાર આવેલા જોઈને મોટા અંગ્રેજ અફસરો પણ ચકિત થઈ ગયેલા. તેમના આ શૌર્ય માટે તેમને ફરી ડી.એસ.ઓ.નું બહુમાન આપવામાં આવેલું. યુદ્ધ પૂરું થયા બાદ તેઓ ભારત પાછા આવ્યા ત્યારે તેમને આખી બીજી રૉયલ લાન્સર્સના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમને વૉશિંગ્ટન ખાતેની ભારતીય એલચી-કચેરીમાં ડેપ્યુટી ડિરેક્ટરના પદ સાથે લોકસંપર્ક અધિકારી(મિલિટરી એટૅચી) નીમવામાં આવ્યા, જ્યાં તેમણે દોઢ વર્ષ સુધી કામ કર્યું. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ હૅરી ટ્રૂમેનના હસ્તે તેમને ‘લીજન ઑવ્ ઑનર’નો ખિતાબ બક્ષવામાં આવ્યો હતો. 1946માં તેમને બ્રિગેડિયરના પદ પર બઢતી મળી અને તેની સાથે જ તેમને એક ટૅન્ક-પલટનના કમાન્ડર બનાવવામાં આવ્યા. થોડાક સમય બાદ તેઓ દિલ્હી ખાતેના આર્મર્ડ કૉરના સેનાપતિ બન્યા. 1947માં તેમને મેજર જનરલ બનાવવામાં આવ્યા, અને દિલ્હી તથા પૂર્વ પંજાબના ‘જનરલ ઑફિસર કમાન્ડિંગ’ની જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ જાન્યુઆરી 1948માં તેમને લેફ્ટેનન્ટ જનરલના હોદ્દા સાથે ભારતીય લશ્કરના પૂર્વ વિભાગના અને મે 1948માં દક્ષિણ વિભાગના સરસેનાપતિ બનાવવામાં આવ્યા. તે જ વર્ષે હૈદરાબાદના નિઝામની સામે હાથ ધરવામાં આવેલ લશ્કરી કાર્યવહીના સંચાલનની જવાબદારી તેમને સોંપવામાં આવેલી, જે તેમણે સફળતા અને કુશળતાપૂર્વક સંપન્ન કરી હતી. 1953-55ના ગાળામાં જનરલના હોદ્દા સાથે ભારતીય લશ્કરના સર્વોચ્ચ સરસેનાપતિપદ પર તેમણે કામગીરી કરી હતી. ‘બ્રેવેસ્ટ મેજર’(Bravest Major)નું સન્માન મેળવનાર તેઓ ભારતીય લશ્કરના સૌપ્રથમ અધિકારી હતા. તેઓ ક્રિકેટ, ટેનિસ અને ફૂટબૉલના સારા ખેલાડી હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે