રાજા રાવ (જ. 5 નવેમ્બર 1908, હસન, મૈસૂર; અ. ?) : અંગ્રેજીમાં લખતા ભારતીય સર્જક તથા પત્રકાર. તેમનો જન્મ પ્રખ્યાત અદ્વૈત તત્ત્વજ્ઞાની વિદ્યારણ્યના વંશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હૈદરાબાદમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી અલીગઢ યુનિવર્સિટીમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1929માં નિઝામ કૉલેજમાંથી ઇતિહાસ તથા અંગ્રેજી સાથે સ્નાતક થયા પછી, શિષ્યવૃત્તિ મેળવીને (1929-30) ફ્રાન્સ જઈ મૉન્તપૅલિયર યુનિવર્સિટી તથા સૉર્બોન યુનિવર્સિટી, પૅરિસ(1930-33)માં અભ્યાસ કર્યો. 1931માં તેમણે કૅમિલી મોલી સાથે લગ્ન કર્યાં અને તેમનાં એ પત્નીએ તેમને લેખક બનવાની પ્રેરણા આપી.

1942 દરમિયાન થોડા વખત માટે તેઓ સમાજવાદી નેતાઓની ભૂગર્ભ ચળવળમાં જોડાયા હતા. 1943-44 દરમિયાન તેમણે ‘ટુમૉરૉ’નું સંપાદન કર્યું અને ‘ચેતના’ સંગઠન મારફત ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે સક્રિય કામગીરી બજાવી. 1943માં તેઓ ત્રિવેન્દ્રમના આત્માનંદ ગુરુને મળ્યા અને તેમના શિષ્ય બની રહ્યા. ગુરુના અવસાન પછી તેઓ ફ્રાન્સ ગયા અને અમેરિકા, ભારત તથા ફ્રાન્સ વચ્ચે ફરતા રહ્યા. 1965-80 સુધી તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેઓ ઑસ્ટિન ખાતેની ટેક્સાસ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય સંભાળતા રહ્યા. તેમની નવલકથા ‘ધ સર્પન્ટ ઍૅન્ડ ધ રોપ’ બદલ 1964માં તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. 1969માં તેમને ‘પદ્મભૂષણ’નું સન્માન અપાયું હતું.

તેમની પ્રથમ કૃતિ કન્નડમાં પ્રગટ થઈ હતી, પરંતુ ત્યારબાદ ટૂંક સમયમાં તેમણે અંગ્રેજીમાં લખવા માંડ્યું. 1930 અને 1940ના દશકામાં તેમણે લખેલી ટૂંકી વાર્તાઓ ‘ધ કાઉ ઑવ્ ધ બૅરિકેડ્ઝ ઍન્ડ અધર સ્ટૉરિઝ’ (1947) નામે પ્રગટ થઈ છે. કૉલેજકાળના વિદ્યાર્થી તરીકે તેમણે ‘યંગ ઇન્ડિયા’માં શ્રેણીવાર પ્રગટ થયેલ ગાંધીજીની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’નાં પ્રેરણા-પ્રભાવ વિશેષભાવે ઝીલ્યાં તેમજ 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓ સક્રિય બન્યા.

‘કંથાપુર’ નવલકથા (1938) પ્રગટ થતાની સાથે એક અદ્વિતીય શૈલીકાર તરીકે તેમની ખ્યાતિ બંધાઈ. બ્રાહ્મણ વિધવાના મુખે કહેવાયેલી આ કથામાં સત્ એટલે ગાંધીજી અને ગાંધીવાદીઓ તેમજ અસત્ એટલે કે બ્રિટિશ રાજ વચ્ચેના સનાતન સંઘર્ષનું આલેખન છે. ગ્રામીણ જીવનનાં સામાજિક રિવાજો, વાસ્તવિક કઠોરતા તથા ગરવી સુંદરતા, મધ્યમવર્ગની ટૂંકી દૃષ્ટિની નીતિમત્તા, શ્રમજીવી વર્ગની આત્મવિદારક ગરીબાઈ તેમજ તણાવ હેઠળ પ્રગટ થતી માનવીય ઉદાત્તતાનું પાત્રો દ્વારા સુંદર આલેખન થયેલું આમાં જોવા મળે છે. વળાંક લેતાં લાંબાં વાક્યો હિમવતી નદીની માફક વહેતાં જાય છે અને અતીતનાં સંસ્મરણો સંકોરી નવલકથાને કાવ્યસહજ પરિમાણ બક્ષે છે.

બે ઉપરાંત દશકા પછી રાજા રાવની બીજી નવલકથા ‘ધ સર્પન્ટ ઍન્ડ ધ રોપ’ (1960) પ્રગટ થઈ અને તેને એક સાહિત્યિક ઘટના તરીકે ઉત્સાહપૂર્ણ આવકાર સાંપડ્યો. ફ્રાન્સમાં વિદ્યાર્થી-અવસ્થામાં ગાળેલા દિવસોનો તેમાં ભરપૂર ઉપયોગ કરાયો છે અને તેનું માળખું આત્મકથાત્મક છે. કથા મૈસૂરના બ્રાહ્મણ યુવક પર કેન્દ્રિત થઈ છે અને તેનાં સંશોધનકાર્ય, પ્રણયજીવન તથા આધ્યાત્મિક ખોજનું વસ્તુ તેમાં આલેખાયું છે.

‘ધ કૅટ ઍન્ડ શેક્સપિયર : અ ટેલ ઑવ્ ઇન્ડિયા’(1965)માં નવલકથારૂપે સમસ્યા આલેખાઈ છે, અને લેખકે પોતે જ તેને ‘મેટાફિઝિકલ કૉમેડી’ તરીકે ઓળખાવી છે. ‘કૉમરેડ કિરિલૉવ’(1976)માં પાશ્ર્ચાત્ય સંસ્કારો તથા સામ્યવાદી વિચારસરણી અપનાવનાર યુવક પદ્મનાભન્ આયર (ઉર્ફે કિરિલૉવ) ભારતીયતાનું જે પ્રાબલ્ય અને ખેંચાણ અનુભવે છે તેની કથા છે.

મહેશ ચોકસી