રાજા અભયસિંહ : મુઘલ હકૂમત હેઠળ ગુજરાતનો સૂબેદાર (1730-1737). તે જોધપુરનો મહારાજા હતો અને અગાઉ સોરઠના ફોજદાર તરીકે (1715-16) સેવા કરી હતી. તેના પિતા મહારાજા અજિતસિંહ પણ 1715થી 1717 દરમિયાન ગુજરાતના મુઘલ સૂબેદાર હતા. અગાઉના મુઘલ સૂબેદાર સરબુલંદખાનને અભયસિંહે હરાવ્યો અને પછી મિત્રોની દરમિયાનગીરીથી સમાધાન કર્યું, અને તેને અમદાવાદમાંથી વિદાય કર્યો. એણે 1733 સુધી પ્રત્યક્ષ હાજર રહીને અને પછીનાં ચાર વર્ષ પોતાના નાયબ રતનસિંહ ભંડારી મારફતે ગુજરાતનો વહીવટ ચલાવ્યો હતો. ગુજરાતમાં સેનાપતિ ત્રંબકરાવ દાભાડે અને પેશવા વચ્ચેની સ્પર્ધામાં પેશવા બાજીરાવે અભયસિંહ સાથે સમજૂતી કરી હતી. આ દરમિયાન પિલાજીરાવ ગાયકવાડ મુઘલોના માર્ગમાં કાંટારૂપ હોવાથી અભયસિંહે કાવતરું કરી ડાકોરમાં તેનું ખૂન કરાવ્યું (માર્ચ 1732). તેના કબજા હેઠળનું વડોદરા પોતાની સત્તા હેઠળ લઈને અભયસિંહે શેરખાન બાબીને ત્યાં ફોજદાર નીમ્યો; પરંતુ દામાજીરાવે (પિલાજીરાવનો પુત્ર) 1734માં શેરખાનને હરાવી વડોદરા જીતી લીધું. ખંડેરાવ દાભાડેની વિધવા ઉમાબાઈએ 1733માં અમદાવાદ પર 30,000ના સૈન્ય સહિત ચડાઈ કરી. અભયસિંહ તેની સામે લડવા અસમર્થ હતો; તેથી તેણે પ્રાંતની ચોથ અને સરદેશમુખી અને 80,000 રૂપિયા રોકડા આપવાનું કબૂલ કરી, સમાધાન કરી મરાઠાઓને વિદાય કર્યા. ત્યારબાદ હતાશ થયેલો અભયસિંહ અમદાવાદ છોડી દિલ્હી ગયો અને 1733માં પોતાના નાયબ રતનસિંહ ભંડારીને પોતાના વતી કામ કરવાનું સોંપ્યું.

અભયસિંહના સમયમાં ગોહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, હિંદુઓનાં દેવમંદિરો આદરપાત્ર બન્યાં અને હોળીના ઉત્સવની ઉજવણી પુન: શરૂ થઈ. અમદાવાદમાં મુલકી ખાતાંઓમાંથી મુસ્લિમ અમલદારોના સ્થાને અભયસિંહે મારવાડીઓની નિમણૂક કરી. તેઓ ગરીબ કે ધનિક, હિંદુ કે મુસ્લિમ લોકો પાસેથી નાણાં પડાવવામાં પાવરધા હતા. એમની જુલમી અને શોષણખોર નીતિના ફલસ્વરૂપે અનેક આબરૂદાર પરિવારો અમદાવાદ છોડીને બીજે ચાલ્યા ગયા. અભયસિંહની લોભવૃત્તિ તથા શોષણનીતિને લીધે શહેરના રેશમ-ઉદ્યોગને ઘણું નુકસાન થયું. શેઠ ખુશાલચંદ ઝવેરી દિલ્હી જઈ મુઘલ બાદશાહ પાસેથી પોતાને વેપારધંધાની અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ અવરોધ વિના કરવા દેવાનો અભયસિંહ પર આદેશ 1732માં લાવ્યા; છતાં બે વર્ષમાં અભયસિંહ સાથે સંબંધ બગડવાથી શેઠને અમદાવાદ છોડી જતા રહેવું પડ્યું.

ગુજરાતમાં થતી હેરાનગતિ તથા શોષણના વિરોધમાં દિલ્હીમાં વસતા વગદાર ગુજરાતી શરાફો તથા વેપારીઓએ હડતાળ પાડી મુઘલ સત્તાધીશોનું ધ્યાન દોર્યું. ખંભાતના ફોજદાર મોમિનખાને રતનસિંહના જુલમી વહીવટ વિશે મુઘલ બાદશાહના વજીરને પત્ર લખ્યો. તેથી વજીરે અભયસિંહની બદલી કરી, રતનસિંહને દૂર કરવાનું ફરમાન મોમિનખાનને મોકલી આપ્યું. 1737માં મોમિનખાન ગુજરાતનો સૂબેદાર બન્યો. તેથી અભયસિંહે તેની સાથે સમાધાન કરી જૂનાગઢની ફોજદારી સ્વીકારી.

જયકુમાર ર. શુક્લ